પ્રસંગ : ૭૯

કૃપાળુ મામા એક હરિભક્તની ઘણા વખતની અરજીને માન આપી આજે તેને ઘરે પધાર્યા હતા. હરિભક્તનાં મા ઘણા વખતથી લકવાગ્રસ્ત હોવાથી પથારીવશ હતાં. અને મામાના દર્શનની અભિલાષા ઘણા વખતથી મનમાં સેવતાં હતાં. તેઓ પોતે ભગવાનના સારા ભક્ત હતાં. આથી દયા કરી મામાએ તેમની ઇચ્છાપૂર્તિ કરી હતી. મામાના દર્શન થવાથી તેઓ ભાવ-વિભોર થઈ ગયાં. પરંતુ પથારીવશ હોવાને કારણે ઊભા થઈ ન શક્યાં. સૂતાં-સૂતાં જ ગળગળા થઈ મામાને પ્રણામ કરતાં કહેવા લાગ્યાં, "દયાળુ, આજ તમે આંગણે પધાર્યા ને મારાથી તો ઊભું પણ થવાતું નથી. તમારી સામે હું સૂઈ રહું તે મને જરા પણ રુચતું નથી. અનાદિમુક્ત ઘરે પધારે અને આમ સૂઈ રહી તેમનો અનાદર થાય તે યોગ્ય ન કહેવાય, પણ શું થાય મહારાજે સ્થિતિ એવી કરી કે સૂઈ રહેવું પડે છે. તો આ અપરાધ ક્ષમા કરશો." હાજર સૌ હરિભક્તો પણ દિલગીર થઈ ગયા. પૂ. લીલામાસીથી ઊભા રહેવાતું ન હોવાથી તેઓ ખુરશીમાં બેસી ગયાં. એક હરિભક્તે મામાને પૂછ્યું, "મામા, આપ અનાદિમુક્ત છો, સમર્થ છો તો આમને અને પૂ. માસીને આપ સારું ન કરી શકો? તેઓને આટલી બધી પીડા થાય છે. આપ તો ધારો તે કરી ન શકો?"

હંમેશાં પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તનારા બહાર ઉદઘોષ ન જણાવનારા મુક્ત આજે ભાવમાં આવી બોલ્યા, "કેમ નહિ. એક સંકલ્પ માત્રમાં બંનેને સારું કરી શકું. ચપટી વગાડું તેટલી વાર પણ ન લાગે. ક્ષણમાત્રમાં સારું થઈ જાય. અનાદિમુક્તથી શું ન થાય? મહારાજના પ્રતાપે સંકલ્પમાત્રમાં બધું થઈ જાય. આ બંને તો શું ચપટી વગાડતાં આખા જગતના તમામ દર્દીઓ સાજા થઈ જાય. વિશ્વની તમામે તમામ હૉસ્પિટલો ખાલી થઈ જાય. ગમે તેવો રોગી હોય તે સાજો થઈ જાય. જગતનું સર્વ કાર્ય ઠપ્પ થઈ જાય. અનાદિમુક્ત ધારે તે કરી શકે, પરંતુ મુક્ત ક્યારેય ભગવાનની ઇચ્છા વિરુદ્ધનું કોઈ કાર્ય ન કરે. આવું કાર્ય સમાજમાં અસમાસ કરે અને અસમાસકારી કાર્ય મુક્ત ક્યારેય ન કરે."

એક સેવક કહે, "મામા, તમે કેટલાક હરિભક્તોના રોગ મટાડ્યા છે તે નજરે જોયું છે. ડૉક્ટરોથી ન થઈ શકે તેવા રોગો મટાડી ચમત્કાર સર્જ્યા છે. આપના સામર્થ્યથી અમે સૌ પરિચિત છીએ." મામા કહે, "તમારી એ વાત બરાબર છે, પરંતુ અમુક અપવાદરૂપ કિસ્સામાં એમ લાગે કે આનો રોગ દૂર કરવાની અતિ આવશ્યકતા છે અને તેમ કરવાથી તેનો ચૈતન્ય ભગવાનની વધુ નજીક પહોંચશે, ઊર્ધ્વગતિ કરશે ત્યારે જ મુક્ત મહારાજની મરજી જાણી તેને દૂર કરે છે. બાકી મુક્ત પોતે ક્યારેય મહારાજના કાર્યમાં હસ્તક્ષેપ કરતા નથી. જે જેવી રીતે ચાલતું હોય તેવી જ રીતે ચાલવા દે છે." હાજર રહેલા હરિભક્તોને આજે મુક્તરાજના સામર્થ્ય વિશેની એક વધુ ઝાંખી થઈ. અને એ પણ જાણ્યું કે મુક્ત ક્યારેય મહારાજની મરજી વગરનું કાર્ય કરતા નથી. શ્રીજીમહારાજ તેમના દ્વારા દરેક ક્રિયા કરતા હોય છે.

જેઓ આવા સામર્થ્યવાન પૂર્ણ મુક્ત હોય તેઓ જ આવા વિશ્વાસથી આવી વાત કરી શકે. બીજા કોઈથી આવું થઈ પણ શકે નહિ અને આવી વાત પણ તેઓથી થઈ શકે નહિ.