પ્રસંગ : ૭૪

અનાદિમુક્ત કરુણાસાગર, દયાની મૂર્તિ હોય છે. તેમને મન તો દરેક મનુષ્ય સરખા. કોઈ શત્રુ નહિ ને કોઈ મિત્ર નહિ. બધા પર એક સરખો પ્રેમ વરસાવે. માન-અપમાન, હર્ષ-શોક એ વચનો તેમને મન આ લોકના શબ્દ માત્ર છે. એ વિશેનો એક પ્રસંગ છે.

બળદિયા છત્રી સ્થાનના ઉતારામાં કેટલાક હરિભક્તો માન-અપમાન વિશે ચર્ચા કરતા હતા, કે માનવી માન મળતાં હરખાઈ જાય અને અપમાન થાય ત્યારે નારાજ થયા વગર રહે નહિ. હરખ અને વિષાદની લાગણી વ્યક્ત થયા વગર રહે જ નહિ. માન મળતાં કોઈ તેને વધુ હરખાઈ વ્યક્ત કરે તો કોઈ ઓછું. અને અપમાન થતાં કોઈ વધુ નારાજ થાય તો કોઈ ઓછું એટલો ફેર હોય છે બસ. બાકી દરેકને માન-અપમાન ર્સ્પશ્યા વગર રહે નહિ. મોટા-મોટા ઋષિમુનિઓ પણ આ બંનેથી અલિપ્ત રહી શક્યા નહોતા તો બીજાની ક્યાં વાત?

આ ચર્ચાઓ ચાલતી હતી ને મામાએ પ્રવેશ કર્યો અને એ સાંભળી કહે, "તમારી વાત તદ્દન સત્ય છે. આ લોકના મનુષ્ય માટે તે એકદમ સાચી ઠરે છે, પરંતુ અનાદિમુક્ત તેમાં અપવાદ છે. પૂર્ણ મુક્તને માન-અપમાન જેવા કોઈ ભાવ હોતા નથી. અનાદિમુક્તને એ સ્પર્શ કરતું નથી." ત્યારે કોઈ હરિભક્તે કહ્યું કે, "ઘણી વખત મુક્ત પણ એવા ભાવ દર્શાવતા હોય જ છે." મામા કહે, "હા, તમારી વાત સાચી છે. તેઓ એવા ભાવ દર્શાવતા હોય છે. પણ તે મહારાજની મરજી જાણીને તેમ કરવાથી જીવનું રૂડું થવાનું હોય ત્યારે એવા ભાવ દર્શાવે, બાકી ખરેખર મનમાં તેમને એવા કોઈ ભાવ હોતા નથી." એક હરિભક્ત કંઈક કહેવા જતા હતા ને મામા એકદમ ભાવમાં આવી જઈ કહે, "જો હું ખરો અનાદિમુક્ત હોઉં તો મારો અવગુણ લેનાર કે મારો દ્રોહ કરનારનો સૌથી પહેલાં મોક્ષ કરું." આવી સ્પષ્ટ વાત સાંભળી હરિભક્તો દંગ રહી ગયા. પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તનારા મામાએ આજે એકદમ સ્પષ્ટ વાત કરી હતી. આવી સ્પષ્ટ અને મોક્ષ કરવા સુધીની વાત કોણ કરી શકે? જે પોતે પૂર્ણકામ હોય, જેમને આ લોકના શબ્દો જરાય સ્પર્શતા ન હોય, તેઓ જ આવી વિશાળ દ્રષ્ટિ રાખી કરુણાસાગર બની શકે. બીજા કોઈથી આ શક્ય નથી. બીજા જીવોનો મોક્ષ કરવો અને તેમાંય દ્રોહ કરનારનો પ્રથમ મોક્ષ કરવો એમ છાતી ઠોકીને કહેવું તે પૂર્ણ અનાદિમુક્ત સિવાય કોઈ ન કરી શકે.

મોક્ષ શબ્દ સામાન્ય લાગતો હોવા છતાં તે ઘણો ગહન છે. જીવનો મોક્ષ થવો એટલે અનંત જન્મોના કર્મબંધનમાંથી છૂટકારો થઈ સીધી પાત્રતાની વાત. અનેક જન્મો સુધી સાધના કર્યા છતાં જે ન બને તે બનવાની વાત. સાધન કરી-કરી અનેક જન્મો ગયા છતાં જે ન થયું તે થવાની વાત. કેવડી મહાન વાત બની કહેવાય. અને એ પણ એવા જીવનો મોક્ષ કે જે અનાદિમુક્તની સ્થિતિને પામેલા હોય તેમનો દ્રોહ કરતો હોય જે તેમનો મહિમા પણ ન સમજતો હોય, તેમના સામર્થ્યને જાણતો ન હોય એવો જીવ. મહારાજ કહે છે મારા મુક્તનો દ્રોહ કરે તેના જીવનું બગડી જાય. તેવા જીવના મોક્ષની વાત! કેવડી વિશાળ દ્રષ્ટિ અને કેવી કરુણા! કોઈ વેર-ઝેરની ભાવના નહિ. દ્રોહ કરનાર જીવને ક્ષમા. તેના જીવનું બગડે નહિ તેવું નહિ, સીધો જીવનો મોક્ષ! આ...હા...હા! કેવી વિશાળ દ્રષ્ટિ! કેવું કરુણાસભર હૃદય અને કેવડી મહાન વાત!!

આ છે અનાદિમુક્તનું સામર્થ્ય.