પ્રસંગ : ૯૯
સંપ્રદાયના ગ્રંથોમાં અમુક વચનો એવા ભેદ-ભરેલાં હોય જેને વાંચી વાંચનાર વિચારે ચડી જાય. મનમાં અનેક પ્રશ્નો ઊઠવા લાગે. એ સમયે અનુભવી સંત જ એ પ્રશ્નનું નિરાકરણ લાવી શકે. બાપાશ્રી કહે છે ને કે મોટા હોય તે એક શબ્દના હજાર અર્થ કરે. મહારાજ શું કહેવા માંગે છે તે ખરા અર્થમાં અનુભવી સિવાય બીજા કોઈનાથી કહી શકાય નહિ.
જેઓ ખરા મુમુક્ષુ જીવ છે. આધ્યાત્મિકતાના પથ પર આગળ વધવા માંગે છે તેઓને સંપ્રદાયના વાડામાં બંધાઈ રહેવું ઓછું પસંદ પડે છે. એ પથ પર મદદ કરતા દરેક શાસ્ત્ર તેઓ વાંચે છે. અને એમાંથી માર્ગદર્શન મેળવી આગળ ધપે છે. સ્વાભાવિકપણે જ તેમની દ્રષ્ટિ વિશાળ થઈ જાય છે. આથી વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરી તેમાં બતાવેલા માર્ગનો અભ્યાસ કર્યા કરે છે. એવા જ એક પરોક્ષ સંપ્રદાયના વિદ્વાન સંત આપણા સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ કરતા હતા. તેમાં શિક્ષાપત્રીગ્રંથ તેમના વાંચવામાં આવ્યો. એ વાંચતાં મનમાં કેટલાક પ્રશ્નો ઊઠ્યા જેનું સમાધાન મેળવવા તેઓ મામા પાસે આવ્યા. મામાને પ્રણામ કરી વાત કરી, "મેં શિક્ષાપત્રીગ્રંથનો અભ્યાસ કર્યો છે. તેમાંની એક વાત મારા મનમાં બેસતી નથી. તેમાં ભગવાને લખ્યું છે મોટાપુરુષે જે અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું. તો જે મોટા હોય તેઓ અધર્માચરણ કઈ રીતે કરી શકે? અને જો કરે, તો એવી વ્યક્તિને મોટી કઈ રીતે કહેવાય? અને મોટી ન હોય તેવી વ્યક્તિના વર્તનનું ગ્રહણ કરવાપણું જ ક્યાં રહે છે? આ વાત મારા મનમાં બેસતી નથી તો આપ મને સમજાવશો?" મામા કહે, "કેમ નહિ. જરૂરથી સમજાવીશ અને આપને તેનો સંતોષપ્રદ ઉત્તર આપીશ, પરંતુ એ પહેલાં હું તમારી પાસેથી થોડી માહિતી લઈશ. મને એમ જણાય છે કે આપ આધ્યાત્મિકતાની થોડી ઉચ્ચ કક્ષાને પામેલા છો, આપને થોડી-ઘણી સિદ્ધિઓ પણ હાંસલ છે, તમે વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ ખંતપૂર્વક કરી તેનું વિશ્લેષણ કરી જ્ઞાન મેળવો છો. તમે વિદ્વાન છો એ વાતથી તમે પોતે પણ વાકેફ છો. બરાબર છે મારી વાત?" સંત કહે, "તમારી વાત સંપૂર્ણ સત્ય છે. હું કઈ કક્ષાએ પહોંચ્યો છું તે આપ અંતર્યામીપણે જાણી શક્યા છો. તેથી આપની મહાનતાનો ખ્યાલ આવી જાય છે."
મામા કહે, "હવે હું તમને સમજાવું. જુઓ મોટા પુરુષના બે અર્થ થાય છે. જેઓ પૂર્ણકામ છે, પૂર્ણ મુક્ત છે, પૂર્ણ સ્થિતિને પામેલા છે માટે તેઓ મોટા કહેવાય છે. તેવા મોટાની અહીંયા વાત નથી કરી. તેઓથી તો ક્યારેય અધર્માચરણ થવું શક્ય નથી. તેઓ પ્રભુમય થઈ અખંડ તે સુખને ભોગવતા થકા અહીં પ્રગટ થાય છે. અને એ સુખમાં લુબ્ધ રહી આ લોકનો સર્વ વ્યવહાર તેઓ કરે છે. તેવા મોટાની વાત જુદી છે. તેવાની અહીં વાત નથી. અહીં તો સાધન દશામાં હોય છતાં ઉચ્ચ કક્ષાને પામ્યા હોય અને મોટા કહેવાતા હોય તેવાની વાત છે." સંત કહે, "સાધનદશામાં હોય અને મોટા કહેવાતા હોય કે ગમે તે. અધર્માચરણ કરે તો મોટા કઈ રીતે કહેવાય?" મામા કહે, "તેઓ કરે નહિ થઈ જાય. હું તમને સમજાવું. તમે સાધક છો. આધ્યાત્મિક પથ પર સારી રીતે આગળ પણ વધ્યા છો, છતાં તમને હજી કામ-ક્રોધ-લોભાદિક અંતઃશત્રુઓ નડે છે કે નહિ?" સંત મામાની સ્થિતિ સમજી ગયા હતા આથી મામા પાસે નિખાલસભાવે બોલ્યા, "હા. હજી એ મને નડે છે ખરા." મામા કહે, "તેથી શું મારે તમને મોટા ન કહેવા? કહેવાય જ. તમે મોટા તો છો જ, પરંતુ આવા અંતઃશત્રુઓનો વેગ વધતા, સંજોગો અને પરિસ્થિતિ વિપરીત થતાં તમારાથી અંતઃશત્રુઓને વશ થઈ અધર્માચરણ ન થઈ શકે?"
થોડીવાર વિચાર કરી સંત બોલ્યા, "જ્યાં સુધી અંતઃશત્રુઓ પર વિજય પ્રાપ્ત ન કર્યો હોય, ત્યાં સુધી તેનો વેગ વધતાં અધર્માચરણ થવાની સંભાવના રહે ખરી." મામા કહે, "આ તમે જ કહ્યું કે અધર્માચરણ થઈ જાય. અહીં એવા મોટાની જ વાત કરી છે કે જેઓ સાધનદશાની અમુક કક્ષા સુધી પહોંચ્યા હોવાથી મોટા કહેવાતા હોય, પણ અંતઃશત્રુઓ જીતાયા ન હોવાથી ક્યારેક અધર્માચરણ થઈ જાય તો તેનું ગ્રહણ કરવાની ભગવાને ના પાડી છે. અધર્માચરણ થયું હોવા છતાં તેઓ મોટા તો છે જ. જેમ તમે છો તેવી રીતે. માટે ભગવાને આવી આજ્ઞા કરી છે. મારા ધારવા પ્રમાણે હવે તમને તમારા પ્રશ્નનું સમાધાન મળી ગયું હશે." મામાએ સમજાવેલા અર્થથી સંત ઘણા રાજી થયા. મામાને પગે લાગતા બોલ્યા, "તમે ખરેખર યોગ્ય અને સમાધાનકારી ઉત્તર કર્યો છે. મને પૂર્ણ સંતોષ થયો છે. મારી સાધનામાં હું નિર્વિઘ્ને આગળ વધું એવા આપ મને આશીર્વાદ આપો. આ પથ પર પૂર્ણમુક્તદશાને પામેલાના આશીર્વાદની અતિ આવશ્યકતા રહે છે. આપ રાજી થઈ આશિષ આપો." મામા સંત પર રાજી થયા ને આશીર્વાદ આપ્યા.