પ્રસંગ : ૫૭

બળદિયા બાપાશ્રીનું ધામ. મુક્તરાજ મામાને આ ધામ પ્રત્યે વિશેષ લગાવ. મહારાજે કાલી તલાવડી પાસે દેવુબાને દર્શન આપી વરદાન આપેલું અને બાપાશ્રીએ પણ અહીં ઘણી લીલા કરી હોવાથી મામાએ આ સ્થાનને વિકસાવવામાં ઘણો શ્રમ લીધેલો અને તેના કોઈ પણ કાર્યમાં વિશેષ રસ લઈ કાર્ય સંપન્ન કરતા. બળદિયા ધામ પણ ઘણું જ રળિયામણું. ધામમાં આવતાં શાંતિ થઈ જાય. અહીં જ્યારે ઉત્સવ સમૈયો હોય, ત્યારે મોટે ભાગે સમય કાઢી મામા પ્રસંગે હાજરી આપતા. મામા આવ્યા હોય એટલે ઉત્સવમાં ઓર રંગ રહે. લોકોનો ઉત્સાહ બેવડાય. સેવકો સેવા કાર્યમાં વધુ ઉત્સાહથી કામ કરે. અને મામા પણ ત્યાં આવ્યા હોય ત્યારે છત્રી અંગેનું કોઈ કામ હોય તેમાં અંગત રસ દાખવી કાર્ય પાર પાડે. મુશ્કેલી હોય તો તેનું સમાધાન કરે. આથી મામાને આરામનો પૂરતો સમય ન મળે. રાત્રે સૂવામાં ઘણું મોડું થાય.

આવા જ એક વખતે મામા રાત્રે મોડા ઉતારામાં આવ્યા. મોડું ઘણું થયું હોવાથી બધા તરત આરામ કરવા લાગ્યા. મામાએ પણ ભગવાન સંભારી આરામ કર્યો. થોડીવારે પાછા જાગ્યા. લગભગ બે-અઢી વાગ્યા હશે. સાથે રહેલો સેવક પણ મામાને જાગેલા જોઈ તરત ઊઠ્યો. મામા સાથે જે કોઈ સેવક હોય તેણે સજાગપણું રાખી સતર્ક તો રહેવું જ પડે. ઘણી વખત મામાને રાત્રે કોઈ કામ યાદ આવે તો ત્યારે જ કરવા બેસી જાય. એ વખતે શારીરિક થાકને સહેજે ગણે નહિ. આવે વખતે સાથેના સેવક સતર્ક ન હોય તો મામાએ એકલા કામ કરવું પડે. મામા પોતાના સ્વભાવ પ્રમાણે કોઈને ઉઠાડતા નહિ. આથી મામા સાથે જે સેવક હોય તેણે જેટલો વખત તે મામા સાથે હોય તેટલો વખત આળસ અને નિદ્રાને વિદાય આપી દેવી પડે. પરંતુ સેવકોને મામાની સેવાના આનંદમાં ઉજાગરો, થાક એ કાંઈ જણાતું નહિ.

આમ મામા ઊઠ્યા એટલે સેવક પણ તરત જ ઊઠ્યો ને મામાને પૂછ્યું કાંઈ કામ છે? મામાએ તેને પાસે બેસાડ્યો અને મહારાજના મહિમાની વાતો કરવા લાગ્યા. સેવકને અચરજ થયું! અત્યારે આમ કેમ? પરંતુ તેને તો મહારાજના મહિમા વચનો સાંભળવાનો આવો સરસ લાભ મળતો હોય પછી બીજા સંકલ્પ શા માટે કરે? એ તો મામાના વચનો સાંભળવામાં ગુલતાન બન્યો. પરંતુ સાથે તેને એમ પણ થયું કે મામા આખો દિવસ કામમાં પરોવાયેલા હતા. રાત્રે પણ ઘણું મોડું થયું હતું. ત્યારે જ ઘણા થાકેલા જ જણાતા હતા, તેમાં અત્યારે વાતો કરે છે તો પછી તેમને જરાય આરામ નહિ મળી શકે. આથી મામાને પ્રાર્થના કરી કે, "મામા, તમે અત્યારે આવી અલૌકિક વાતો કરો છો તે તો મારે માટે અલભ્ય છે, પરંતુ આજે આપે ઘણો શ્રમ લીધો છે. આપ થાકી જશો માટે અત્યારે આપ આરામ કરો તો સારું."

મામા કહે, "મને તો કાંઈ થાક-બાક લાગતો નથી. મહારાજના દિવ્ય સુખમાં ગુલતાન હોઈએ ત્યાં થાક કેવો? તને થાક લાગ્યો હોય તો કહે, તો વાતો બંધ કરું. સૂઈ જઈએ." સેવક કહે, "ના મામા, મને બહુ આનંદ આવે છે. તમારા મુખે આવી અલૌકિક વાતો સાંભળવી તે બહુ મોટો લાભ છે." મામાએ કેટલીય વાર સુધી મહારાજના પ્રતાપ અને મહિમાની વાતો કરી સેવકને રસ-તરબોળ કરી દીધો. પછી સેવકના માથે હાથ મૂકી થોડીવાર એમને એમ રાખી કહે, "તારી સેવાથી હું રાજી છું. તને સેવા કરતાં સારી આવડે છે. બીજા સેવકોને પણ શિખવાડજે. ચાલો હવે ઘણું મોડું થયું છે. મહારાજ પોઢાડીએ." આમ કહી સેવકના માથા ઉપરથી હાથ લઈ મામા પથારીમાં સૂતા અને સેવક એની જગ્યાએ જઈ મહારાજ સંભારી સૂતો. હજી તો આંખો બંધ કરી જ હતી અને એને દિવ્ય તેજ દેખાવા લાગ્યું.

આવા તેજના દર્શન જીવનમાં તેને ક્યારેય નહોતા થયા. આ શું છે તે તેને ન સમજાયું. ધીમે-ધીમે તો તેજના મોજા આવતા હોય તેમ થવા લાગ્યું અને પછી મોજા મોટા ને મોટા થવા લાગ્યા. સેવકને થયું આ મારાથી હવે સહન નહિ થાય. આ બધામાં કેટલો સમય ગયો તેનું સેવકને ભાન ન રહ્યું. પછી તો તેનાથી રહેવાયું નહિ. એટલે મોટેથી બોલ્યો, "મામા, આ બંધ કરો મને લાગે છે મારી આંખો ફૂટી જશે. આ તેજ હવે મારાથી સહન નથી થતું." આમ બોલતાં જ તેજ દેખાતું બંધ થઈ ગયું. સેવકે આંખો ખોલી એટલે મામા કહે, "બ...સ આટલામાં જ આવી રહ્યા? હજી તો કાંઈ જ દેખાડ્યું નથી." સેવકે પૂછ્યું, "મામા, આ દર્શન આપના પ્રતાપે મને થયા છે તેની જાણ તો મને થઈ, પરંતુ એ શું હતું? આટલું બધું તેજ! અને આવા અલૌકિક તેજનો અનુભવ મારી જિંદગીમાં મેં ક્યારેય નથી કર્યો." મામા સ્મિત વેરતા બોલ્યા, "ક્યાંથી કર્યો હોય? આ... તો મહારાજના દિવ્ય તેજરૂપ અક્ષરધામના પ્રકાશના કિંચિતમાત્ર તને દર્શન કરાવ્યા. એના દર્શન તો પહેલા ક્યાંથી કર્યા હોય? જેમ-જેમ પાત્રતા આવતી જશે, તેમ-તેમ સુખ ઝીલવાની શક્તિ કેળવાતી જશે. પછી વધુ ને વધુ સુખ આવતું જશે." આવા દિવ્ય તેજના દર્શન થતાં સેવક પોતાને ધન્ય માનવા લાગ્યો. મામાના સામર્થ્યના તેને દર્શન થયા. તેનું મન આનંદમાં ડોલવા લાગ્યું. ઓ...હો! આજે તો અક્ષરધામના દિવ્ય તેજના કૃપાળુ મામાએ દર્શન કરાવ્યા! જીવનનો આ કેવો દિવ્ય અલૌકિક અનુભવ! સેવકને સાનંદાશ્ચર્ય થયું ને જીવન ધન્ય બન્યાનો આનંદ થયો.

અનાદિમુક્ત પોતે જે સુખ ભોગવે છે પાત્ર જીવને તેની પાત્રતા પ્રમાણે તે સુખના દર્શન કરાવી શકે તેવું સાર્મથ્ય તેઓ ધરાવે છે. જ્યારે અનાદિમુક્ત સિવાયના બીજા મુક્ત પોતે પોતાની પાત્રતા પ્રમાણે જે સુખ ભોગવતા હોય તે પોતા પૂરતું સીમિત રહે છે. તેનો અનુભવ બીજાને તેઓ કરાવી શકતા નથી, તેટલી તેઓની મર્યાદા છે. આટલો મહારાજના અનાદિમુક્ત અને બીજા મુક્તમાં ફેર છે.