પ્રસંગ : ૮૧

છત્રી સ્થાન માટે મામાને અનેરું આકર્ષણ. તે સ્થાન પ્રત્યે દિવ્યભાવ પણ ઘણો. આથી છત્રી સ્થાનમાં જ્યારે સમૈયો હોય, ત્યારે મોટાભાગે તેઓ હાજરી આપતા. એવા જ એક કારતકના સમૈયામાં મુક્તરાજ બળદિયા પધાર્યા હતા. મુક્તરાજ પધારે એટલે બધાના ઉત્સાહમાં અનેરો વધારો થાય. દરેક જણ આનંદમાં આવી જાય. બધાને મુક્તરાજના દર્શન, સેવા, સમાગમનો દરરોજ લાભ મળે. મામા હંમેશાં ઉતારાના રૂમ નંબર ચારમાં ઉતારો લેતા. એ વિશે બધા જાણતા હોવાથી મામાને મળવા, આશીર્વાદ લેવા પોતાની મૂંઝવણ તેમની સમક્ષ રજૂ કરવા ચાર નંબરની રૂમમાં હરિભક્તોની લાઈન લાગતી. વારાફરતી બધા આવ્યા જ કરે.

એક વખત એક હરિભક્તે ભાવ સહિત મામાને એક સાકરનું નાનકડું પડીકું આપીને આશીર્વાદ લીધા. મામાએ પડીકું હાથમાં લેતાં કહ્યું, "આ સાકર અમે બધાને પ્રસાદીરૂપે વહેંચી આપીશું." હરિભક્ત કહે, "ભલે મામા. એ તો વધુ સારું બધાને આપના હાથની પ્રસાદી મળશે." મામાએ પડીકું પોતા પાસે રાખ્યું. જે હરિભક્તો આવે તેને બે-ત્રણ ગાંગડા પ્રસાદીરૂપે આપે. મામા પ્રસાદી આપે છે એમ ખબર પડતાં એક પછી એક હરિભક્તો આવવા લાગ્યા. કેટલાક તો પોતાના પુત્રને પણ સાથે લઈ આવે કે જેથી તેને પણ મામાના હાથની પ્રસાદી મળે. આમ કરતાં કેટલાય હરિભક્તો દર્શન કરી સાકરની પ્રસાદી લઈ ગયા. થોડીવાર તો બાજુમાં બેઠેલા સેવકને ખ્યાલ ન ગયો, પણ પછી તેને ખ્યાલ આવ્યો કે સાકરનું પડીકું કાંઈ મોટું નહોતું, નાનકડું જ હતું. અને અત્યાર સુધીમાં તો ઘણા હરિભક્તોને સાકર અપાઈ ગઈ છે. એ રીતે તો પડીકું ક્યારનું ખાલી થઈ જવું જોઈતું હતું. પરંતુ મામા તો જે આવે તેને પડીકામાંથી બે-ત્રણ ગાંગડા આપ્યા જ કરે છે... આપ્યા જ કરે છે. પડીકું ખાલી કેમ થતું નથી? અક્ષયપાત્રની જેમ તેમાંથી સાકર નીકળ્યા જ કરે છે. આવું જોતાં પછી તો સેવક ત્યાંથી ખસ્યો જ નહિ કે જોઉં તો ખરો કે આજે આ નાનકડા પડીકામાંથી કેટલી સાકર નીકળે છે? ઘણીવાર સુધી હરિભક્તો આવતા રહ્યા અને મામાએ એ બધાને એ પડીકામાંથી જ સાકર આપ્યે રાખી. છેલ્લે જ્યારે હરિભક્તો આવતા બંધ થયા ત્યારે સેવકને કહે, "આ પડીકું ખાલી થઈ ગયું છે કાગળ ફેંકી દો."

એટલામાં જ એક હરિભક્ત આવ્યા ને તરત સેવક હાથ લગાડે એ પહેલાં એ કાગળમાંથી એક ગાંગડો કાઢી હરિભક્તને આપતાં બોલ્યા, "લ્યો આ એક ગાંગડો તમારા માટે જ વધ્યો હતો તે તમને આપ્યો." આવું જોતાં સેવકને ભારે આશ્ચર્ય થયું કે આ શું? જેમ જરૂર પડતી ગઈ, એમ સાકર કાઢતા જ ગયા અને છેલ્લે કાગળ ખાલી બતાવી ફરી પાછી એક સાકર કાઢી હરિભક્તને પ્રસાદી આપી. અને તેને મામાના હાથે પ્રસાદી મળ્યાનો સંતોષ આપ્યો. આમ જોતાં સેવક અવાચક થઈ ગયો. તેને આજે મામાના સામર્થ્યના અનેક ગુણોમાંના એકના દર્શન થયા હતા અને તેનો તે સાક્ષી બન્યો હતો. તે વિચારી તે પોતાને ધન્ય માની મામાને પગે લાગ્યો. મામાએ હસતાં-હસતાં તેને આશીર્વાદ આપ્યા.