પ્રસંગ : ૯૨

આ લોકમાં એક રીત છે કે કોઈ સારો પ્રસંગ હોય કે સારો દિવસ હોય ત્યારે આપણી પ્રિય વ્યક્તિને ગમતી ભેટ આપી ખુશી વ્યક્ત કરીએ છીએ. આપણે સૌ આ લોકની ભૌતિક વસ્તુ આપી ખુશ થઈએ છીએ ને સામાવાળાને ખુશ કરવા પ્રયત્ન કરીએ છીએ. આપણે બીજું કાંઈ આપવા સમર્થ પણ નથી. જેની પાસે જે હોય તે આપે. તેમ અનાદિમુક્ત રાજી થાય ત્યારે મોજ કરાવી દે. તેમની પાસે જે હોય તે હરિભક્તોને આપે. તેમની પાસે મહારાજની મૂર્તિનું સુખ હોય તેથી રાજી થાય ત્યારે આશીર્વાદરૂપે એ સૌને આપી રાજી કરે.

બળદિયા છત્રી સ્થાનમાં સમૈયો હોવાથી હરિભક્તો ઘણા આવ્યા હતા. બળદિયા બાપાશ્રીનું સ્થાન હોવાથી મામાને એ સ્થાન પ્રત્યે વિશેષ લગાવ. ત્યાં હોય ત્યારે મામા ઘણો રાજીપો જણાવતા. એવા જ એક સમયે મામા સેવકો અને હરિભક્તો સાથે જ્ઞાન વાર્તા કરતા હતા, ત્યારે બધાએ કહ્યું, "મામા, જે રીતે બાપાશ્રી સમૈયામાં આવનારને શરપાવ આપતા તેમ આપ પણ અમને આપોને." મામા તે દિવસે રાજી હતા કહે, "ચાલો ત્યારે બધાને શરપાવ આપીએ. બધા અહીં નજીક આવો. આ મેં એક હાથ લાંબો કર્યો છે. તેની ઉપરા-ઉપરી બધા પોતાનો એક-એક હાથ મૂકો." બધાએ મામાના હાથની ઉપર એકબીજા ઉપર હાથ મૂક્યા. છેલ્લે મામાએ પોતાનો બીજો હાથ મૂક્યો. આમ ઉપર-નીચે મામાના હાથ અને વચ્ચે સેવકો અને હરિભક્તોના હાથની થપ્પી. એમ થતાં મામાએ આંખો બંધ કરી સંકલ્પ કર્યો અને બધાને છેલ્લા જન્મના આશીર્વાદ આપી ન્યાલ કરી દીધા. આ આશીર્વાદનો જેને લાભ મળ્યો તે સૌ ઘણા રાજી થયા. મામાને કહે, "આપે તો ખરેખર અમને બધાને શરપાવ આપ્યો. આવો શરપાવ બીજેથી ન મળે. આવો શરપાવ મળ્યા પછી હવે કાંઈ મેળવવું બાકી રહેતું નથી. આજે તો આપે અમને ન્યાલ કરી દીધા."

મોટા પાસે તો મહારાજની મૂર્તિ હોય એટલે રાજી થાય ત્યારે મૂર્તિ મળે તેવા આશીર્વાદ આપે. છેલ્લા જન્મના આશીર્વાદ એટલે આને આ જન્મે જ ભગવાનની મૂર્તિનું સુખ કેવડી મોટી વાત! મામા જેવા અનાદિમુક્તનું જ આ કામ!