પ્રસંગ : ૮૭

સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીના સામર્થ્ય અને પ્રતિભાથી સત્સંગમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. અણીશુદ્ધ જીવન વિતાવનારા સ્વામીના શિષ્ય સદગુરુ સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી જેઓ સરસપુર મંદિરમાં રહેતા. તેઓ આ લોકમાં ૧૦૫ વર્ષ રહ્યા. અને રહ્યા ત્યાં સુધી મહારાજની આજ્ઞાઓનું પાલન કરી અણીશુદ્ધ, નિર્મળ જીવન જીવ્યા. તેઓને મામા પ્રત્યે ખૂબ ભાવ હતો. સેવકો જ્યારે તેમની પાસે જતા, ત્યારે પાસે બેસારી તેઓને મામાનો મહિમા કહે કે, નારાયણભાઈ જેવા મુક્ત અત્યારે બ્રહ્માંડમાં કોઈ નથી. તમે તેમની સેવા બરાબર કરજો. તમારા બધાના બહુ મોટા ભાગ્ય છે કે તેમના જેવા મુક્તપુરુષની સેવાનો તમને લાભ મળ્યો છે.

સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીના મુખે પણ તેમનો મહિમા ઘણી વખત સાંભળેલો છે. આમ વાતો કરી બહુ ભાવ દાખવતા. એક વખત સેવકને મામાએ સરસપુર મંદિરમાં રસોઈ આપવા મોકલ્યો હતો. એ વખતે સ્વામીની અવસ્થા ઘણી થઈ હોવા છતાં પોતાના હાથે ભાવે સહિત રસોઈ બનાવીને તેનું ટિફિન ભરીને સેવકને આપતાં કહ્યું, "તમને બધાને મુક્તરાજની સેવાનો રોજ લાભ મળે છે, પણ આજે આ પ્રેમે સહિત ભોજન બનાવ્યું છે તે મારા વતી તેમને પ્રાર્થના કરજો કે ગ્રહણ કરે અને મારા પર રાજી થાય ને તેમના જેવું મૂર્તિનું દિવ્ય સુખ મને પણ મળે તેવી ખાસ પ્રાર્થના કરજો."

આમ મોટા હોય તે મોટાનો મહિમા વધુ જાણે. તેમ સ્વામી પણ બધાને મામાનો મહિમા કહેતા અને તેમની સ્થિતિ સમજાવતા. મિશનમાં જ્યારે સભા હોય, ત્યારે પોતાની અવસ્થા થઈ હોવા છતાં પોતે પધારી સભામાં બેસતા. બધાને આશીર્વાદ આપતા અને પોતે મામા પાસે આશીર્વાદ માંગતા.