પ્રસંગ : ૧૦૭

અનાદિમુક્ત જ્યાં બિરાજમાન હોય, ત્યાં શ્રીજીમહારાજ સદાય વાસ કરીને રહે છે. અનાદિમુક્ત સાથે તો મહારાજ સદાય હોય જ છે, પણ તેઓ જ્યાં રહેતા હોય, તેઓએ મહારાજના જે સ્વરૂપો પધરાવ્યા હોય તેમાં પણ મહારાજ નિવાસ કરી સર્વે જીવો પર આશીર્વાદ વરસાવે છે તે સત્ય હકીકત છે.

થોડા દિવસથી મામાએ શરીરમાં મંદવાડ ગ્રહણ કર્યો હતો વારા-ફરતી સેવકો સેવામાં રહે અને મામાની અંતરના ખરા ભાવથી સેવા કરે. એક વખત રાત્રે મામાની સેવામાં એક સેવક હતો. મામાને ઊંઘ નહોતી આવતી. આથી સેવક પણ જાગતો બેઠો હતો. સેવકે જોયું કે અચાનક જ મામાના ચહેરા પર એકદમ આનંદના ભાવો ઉપસી આવ્યા. અને આનંદમાં ગરકાવ થઈ ગયા હોય તેમ થોડીવાર આંખો બંધ કરી બેસી રહ્યા. સેવકે મામાને આ વિશે પૂછ્યું કે અચાનક કયા આનંદમાં ખોવાઈ ગયા હતા? ત્યારે મામા કહે, "તું માની શકીશ મારી વાત?" સેવક કહે, "મામા, તમારી વાત તો માનું જ ને! ન માનવાનું કોઈ કારણ નથી." મામા કહે, "અત્યારે સર્વમંગલ સોસાયટીના અમારા ઘરની અગાસી ઉપર શ્રીજીમહારાજ સંતો-મુક્તો સાથે રાસ રમવાની લીલા કરી રહ્યા છે. મહારાજને આ સ્થળ વહાલું છે. તેઓ અત્યંત રાજી છે. એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. ત્યાં આવીને જે કોઈ હૃદયના ખરા ભાવથી શુભ સંકલ્પ કરે કે કોઈ પ્રાર્થના કરે તો મહારાજ તે પ્રાર્થનાને અવશ્ય સ્વીકારે અને શુભ સંકલ્પ કરે એવું ચમત્કારી એ સ્થળ છે." આવું સાંભળી સેવક ભાવવિભોર થઈ ગયો. તેને સાનંદાશ્ચર્ય થયું, મામાને કહે, "મારે આપના જેવી નિરાવરણ દૃષ્ટિ નથી તેથી મને એવા અદભુત દર્શન થતા નથી. આપ મારા વતી દર્શન કરો અને મને આશીર્વાદ આપો."

બન્યું એવું કે આ વાત કર્યાના બે-ત્રણ દિવસમાં જ બીજા એક સેવકના ઘરેથી તેમનાં પત્ની ધામમાં પધાર્યા. એ વખતે ચંદનવૃષ્ટિ થઈ ત્યારે મામા કહે, "આ સ્થાનમાં મુક્ત ધામમાં પધારે તો ચંદનની વૃષ્ટિ જ થાય ને! આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે તેમ મહારાજ પણ જણાવે છે."

આ છે સ્વામિનારાયણ ડિવાઈન મિશનનું માહાત્મ્ય. અત્યારે પણ કોઈ માહાત્મ્ય જાણી શ્રદ્ધાપૂર્વક મહારાજ પાસે પ્રાર્થના કરે છે તો તે પ્રાર્થના મહારાજ જરૂરથી સાંભળે છે.