ગ્રંથ લખવાનો હેતુ
આ અબજીબાપાશ્રીના જીવનવૃત્તાંતનો સંગ્રહ કરનાર સ્વામી કેશવપ્રિયદાસજી તે સદ્. સ્વામી મોરલીમનોહરદાસજીના શિષ્ય છે અને તેમને સં. ૧૯૫૧ના ચૈત્ર સુદ હરિનવમીના દિવસ ધ. ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજે દીક્ષા આપી હતી. પછી તેમણે પોતાના ગુરુને સેવાએ કરીને રાજી કર્યા ને તેઓ ગુરુકૃપાથી સાધારણ વિદ્યાભ્યાસ કરીને ધ્યાન-ભજન કરતા, પણ તેમના અંતરમાં ધ્યાન કરીને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરવાની પ્રબળ ઇચ્છા રહ્યા કરતી. તેમ જ તેમના પરમ સ્નેહી મિત્ર પૂ. સ્વામી હરિપ્રસાદદાસજીને પણ ધ્યાન કરીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવાની પ્રબળ ઇચ્છા હતી. પછી તેઓ બંને પોતાના ગુરુની સેવા કરતા ને સદ્. સ્વામી વૃંદાવનદાસજીનો સમાગમ કરતા. તેથી સ્વામીએ તેમના અંતરનો અભિપ્રાય જાણીને કહ્યું કે, ‘‘અનાદિમુક્ત અબજીભાઈ જેના ઉફપર રાજી થાય છે તેને શ્રીજીમહારાજ દર્શન આપે છે ને જે તેમને રાજી કરીને ધ્યાનનો અભ્યાસ કરે, તેને પણ તેમની કૃપાથી મૂર્તિનો સાક્ષાત્કાર થાય છે.’’ ત્યારથી તે બંને સંતો બાપાશ્રીનો સમાગમ કરવા દર વર્ષે કચ્છમાં વૃષપુર જતા.
તેમાં કોઈક વખત(સં.૧૯૫૬માં બાપાશ્રી જયારે છપૈયે જતા હતા ત્યારે જયપુરમાં પ્રથમ મેળાપ થયો હતો. ત્યાર પછીની આ ૫૭ની સાલની વાત છે.) પૂ. સ્વામી કેશવપ્રિયદાસજી બાપાશ્રીનો સમાગમ કરીને હળવદ આવ્યા ને રાત્રીએ એમને સ્વપ્નમાં શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને સાથે બાપાશ્રીનાં પણ દર્શન થયાં, તેમાં શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજનાં કિરણો છૂટે છે ને મૂર્તિ અતિશય રૂપાળી છે, ને બાપાશ્રી તો મનુષ્યરૂપે હતા તેવા જ દેખાયા. પછી બાપાશ્રી શ્રીજીમહારાજમાં લીન થઈ ગયા ને શ્રીજીમહારાજ પણ અંતર્ધાન થયા ને મુનિ કેશવપ્રિયદાસજી જાગી ગયા, ત્યારે પણ સ્મૃતિ તેવી જ રહી, ને જ્યારે ધ્યાન કરે ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિમાં ચિત્તનો નિરોધ થઈ જાય ને બીજી ક્રિયામાં પણ મૂર્તિમાં વૃત્તિ રહેવા લાગી અને મૂર્તિનું સુખ પણ આવવા લાગ્યું, તેથી અ. મુ. બાપાશ્રીનો મહિમા ને દિવ્યભાવ સમજાયો ને બાપાશ્રીમાં આત્મબુદ્ધિ પણ થઈ ગઈ.
સં. ૧૯૭૩માં પૂ. સ્વામી કેશવપ્રિયદાસજીના ગુરુ દેહ મેલીને ધામમાં ગયા ને તે જ વર્ષમાં હરિનવમીના સમૈયે ભૂજના સ્વામી વિજ્ઞાનદાસજી આવ્યા હતા. તેમણે સ્વામી કેશવપ્રિયદાસજીને કહ્યું કે, ‘‘તમારા ગુરુ ધામમાં ગયા છે, તો તમે ભૂજમંદિરમાં ચાતુર્માસમાં કથા વાંચવા આવે ને બાપાશ્રીનો જોગસમાગમ કરવા પણ વૃષપુર જજો.’’ ત્યારે તે વાત સદ્. સ્વામી કેશવપ્રિયદાસજીને સારી લાગી, તેથી તેઓ તેમની સાથે ભૂજ આવ્યા ને ચોમાસામાં ભૂજમંદિરમાં ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથા વાંચી અને બાપાશ્રી પણ ભૂજમંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા આવ્યા હતા, તેથી સ્વામી કેશવપ્રિયદાસજીએ બાપાશ્રીના દર્શન-સેવા-સમાગમનો લાભ મળ્યો ને બાપાશ્રી તથા સર્વે સંત-હરિભક્ત તેમના ઉપર બહુ રાજી થયા. અને બાપાશ્રી ભૂજમંદિરમાં ઘણી વખત આવ-જા કરતા ને સ્વામી કેશવપ્રિયદાસજી પણ બાપાશ્રીનો સમાગમ કરવા ઘણી વાર વૃષપુર જતા ને બાપાશ્રીએ તેમના ભગવાન સંબંધી સર્વે મનોરથ પૂરા કર્યા. અને સ્વામી કેશવપ્રિયદાસજીએ પણ બાપાશ્રીના જે જે ઐશ્વર્ય તથા પ્રતાપાદિક જોયા, સાંભળ્યા તથા તેમની વાતો જે જે સાંભળવામાં આવી તે સર્વે લખી રાખ્યું, પછી તેમાંથી બાપાશ્રીના જીવનવૃત્તાંતનું પુસ્તક રચીને સ્મૃતિને અર્થે પોતાની પાસે રાખ્યું હતું.
પછી કોઈક સમયે ભૂજમંદિરમાં સદગુરુ આદિ સંત-હરિભક્તની સભામાં બાપાશ્રી વિરાજમાન હતા, તે સમયે સ્વામી કેશવપ્રિયદાસજીએ આ ‘જીવનવૃત્તાંત’નું પુસ્તક બાપાશ્રીના હસ્તમાં આપ્યું ને બાપાશ્રીની પાસે પ્રમાણ ને પ્રસન્નતા તથા આશીર્વાદ માગ્યા. ત્યારે બાપાશ્રીએ થોડું વંચાવીને પ્રસન્નતા જણાવી ને પોતાની સહી કરી આપી ને ચંદનથી પૂજા કરી. અને આશીર્વાદ આપ્યા જે, ‘‘આ જીવનવૃત્તાંત વાંચશે - સાંભળશે, તેનાં દુઃખ, દારિદ્રય ને રોગ જશે અને સુખ, શાંતિ ને સમૃદ્ધિને પામશે ને શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસના દૃઢ થાશે. અને શ્રીજીમહારાજની કૃપાથી એકાંતિક, પરમએકાંતિક અને અનાદિમુક્ત થઈને શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા થશે.’’ - એમ આશીર્વાદ આપીને પુસ્તક પૂ. મુનિસ્વામીને પાછું આપ્યું ને એમણે પોતાની પાસે રાખ્યું ને બાપાશ્રી અંતર્ધાન થયા પછી તેઓ અમદાવાદ આવીને રહ્યા હતા. તે વખતે મુક્તરાજ સોમચંદભાઈએ બાપાશ્રીનું જીવનચરિત્ર લખવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે આ જ બાપાશ્રીના જીવનવૃત્તાંતમાંથી કેટલીક વાતો લખી લીધી, તે ઉપરાંત બાપાશ્રીના જોગમાં આવેલા સંત-હરિભક્તને પૂછીને પણ બીજી કેટલીક વાતો લખીને મોટું જીવનચરિત્ર રચીને બહાર પાડ્યું. પછી સ્વામી કેશવપ્રિયદાસજીને બાપાશ્રીના જીવનવૃત્તાંતને પ્રકાશ કરવાની જરૂરિયાત જણાઈ નહિ. ત્યાર પછી તેઓ પાછા હરિભક્તના આગ્રહને લીધે થોડા દિવસ કથાવાર્તા કરવા માટે કચ્છમાં આવ્યા હતા. તે વખતે મેં (ગોપાળજી કાનજીએ) સ્વામી કેશવપ્રિયદાસજીને કહ્યું જે, ‘‘મારા પિતા અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા થયા છે તેમની સ્મૃતિને અર્થે તથા શ્રીજીમહારાજ ને બાપાશ્રીની પ્રસન્નતાને અર્થે તમારી પાસે જે બાપાશ્રીના જીવનવૃત્તાંત નામનું પુસ્તક છે, તે પ્રકાશ કરવાની મારી ઇચ્છા છે. પછી તે વાતની કરસન હરજી અદિ હરિભક્તને ખબર પડી, ત્યારે તેઓએ પણ તે પુસ્તક પ્રકાશ કરવાની સ્વામી પાસે ઘણી જ વિનંતી કરી.
વળી આ જીવનવૃત્તાંતમાં બાપાશ્રીના આશીર્વાદથી એવાં બાપાશ્રીનાં ચમત્કારી વચનો ને ચારિત્ર્યો લખવામાં આવ્યાં છે : કે જેનું શ્રવણ-મનન કરવાથી જ આત્યંતિક પ્રલયનું ઉપશમ ને શ્રીહરિમાં ચિત્તનો નિરોધ થાય છે, અને શ્રીસ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું ને અનાદિમુક્તની સ્થિતિ ને સ્વામી-સેવકભાવ, તે જેમ દર્પણમાં મુખ દેખાય છે તેમ જ દેખાઈ આવે છે, તેથી સ્વામી કેશવપ્રિયદાસજીએ આ પુસ્તક પ્રકાશિત કરવાની સંમતિ આપી. પછી તેઓ થોડા દિવસ કચ્છમાં રહીને ગુજરાત તરફ પધાર્યા.
ત્યાર પછી પાટડીના શેઠશ્રી ગોપાળજી કાળિદાસ તથા મોહનલાલ કાળિદાસ તથા કાન્તિલાલ કાળિદાસ તેમણે આ પુસ્તક છપાવવાની ગોઠવણ કરવામાં અમૂલ્ય મદદ કરી. આવી રીતે આ પુસ્તક સ્વામીશ્રી કેશવપ્રિયદાસજીની સન્નિધિમાં જ છપાવીને બહાર પાડવામાં આવ્યું છે. એ જ વિજ્ઞપ્તિ.
લિ. શ્રીજીમહારાજ ને બાપાશ્રીના દાસાનુદાસ સેવક પટેલ ગોપાળજી કાનજી કચ્છ-બળદિયાવાળાના જય શ્રી સ્વામિનારાયણ