વિશ્રામ ૨૩

સંવત ૧૯૫૯ની સાલમાં, જેમનાં જન્મ-કર્મ પણ દિવ્ય છે અને શ્રીજીની મૂર્તિમાં અખંડ રહેલા એવા મુક્તરાજશ્રીએ એવો સંકલ્પ કર્યો જે, ‘‘કચ્છ, ગુજરાત, કાઠિયાવાડ આદિ દેશના સંત-હરિભક્તને તેડાવી, જમાડી રમાડી મોટો બ્રહ્મયજ્ઞ કર્યો હોય તો ઠીક.’’ -એમ ધારીને નારાયણપુરવાળા જાદવજીભાઈ દહીંસરાના કેસરાભાઈ આદિ મોટા મોટા હરિભક્ત તેને આ વાત જણાવી, તેથી એ તો ઘણા રાજી થયા ને કહ્યું જે, ‘‘આ પ્રસંગે હજારો નાનાં-મોટાં બાઈ-ભાઈ આદિ યજ્ઞમાં આવી શ્રીજીમહારાજ ને આપશ્રીનાં સંત-હરિભક્તનાં દર્શન કરશે ને યજ્ઞની પ્રસાદી જમશે, તે ઠેઠ અક્ષરધામમાં મહારાજના સુખમાં પહોંચશે માટે યજ્ઞ કરો, અમે સેવા કરશું.’’ પછી પોતે અમદાવાદ આવી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને યજ્ઞમાં આવવાનો પત્ર લખ્યો. ત્યાર પછી પોતે ભૂજ ગયા ને સંતોને વાત કરી ને ‘સત્સંગિજીવન’ તથા ‘શિક્ષાપત્રીભાષ્ય’ની પંદર દિવસની કથા કરાવવાનું નક્કી કર્યું. પછી મોટા મોટા હરિભક્તોને યજ્ઞમાં જોઈતો સામાન ઘી, ગોળ, ઘઉં, ખાંડ, સાકર આદિ મંગાવવા ભલામણ કરી ને ગામોગામથી પાગરણ, વાસણ વગેરે મગાવવા માંડ્યું ને ભૂજ, અમદાવાદ, મૂળી આદિ સ્થાનમાંથી સંતો આગળથી આવ્યા હતા ને કથા વાંચનાર શાસ્ત્રી બાળમુકુંદાનંદજી પણ આવ્યા હતા. પછી ગામેગામ કંકોત્રીઓ લખી મોકલી ને ભૂજના સંતોએ કથામંડપ વગેરે ગોઠવણી કરી. એવી રીતે વૈશાખ સુદ એકમના દિવસે કથાનો પ્રારંભ કર્યો ને બ્ર. બાળમુકુંદાનંદજી કથા વાંચવા બેઠા ને બાપાશ્રીએ પોતે ચંદનનો વાડકો હસ્તમાં લઈને પુસ્તકની પૂજા કરી. પછી પુરાણીની પૂજા કરીને પુષ્પનો હાર પહેરાવ્યો ને ચાદર ઓઢાડીને આરતી કરવા લાગ્યા. પછી પુરાણીએ કથા વાંચવાનું ચાલુ કર્યું ને બાપાશ્રી તે સભામાં સર્વે સંત-હરિભક્તની પૂજા કરવા લાગ્યા. તે સમે બાપાશ્રીનાં દર્શન કરીને સર્વેને અતિશય આનંદ ઊભરાતો હતો. પછી બાપાશ્રી ગાદીતકિયે સહિત જે આસન તે ઉપર બેઠા ને હસ્તકમળમાં તુલસીની માળા ધારણ કરી, ને શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન ધરી સર્વેની શિક્ષાને અર્થે કથાનું શ્રવણ કરવા લાગ્યા. અને સંતમંડળ તથા હરિભક્તો તે પણ કથામાં બેસી મહારાજ ને મુક્તના સામું જોઈને કથાનું શ્રવણ કરવા લાગ્યા. પછી દિવસના નવ વાગ્યે નિત્યે કથાની સમાપ્તિ થતી ને અઢી વાગ્યે ફરી પ્રારંભ થતો ને સંતમંડળ રસોઈ કરીને જમતા. ને કથા-શ્રવણ કરવા આવેલા સર્વે હરિભક્તોને જમાડવા સારુ બાપાશ્રીએ ગામમાં રસોડું કરાવ્યું હતું અને સાંખ્યયોગી બાઈઓ રસોઈ કરતાં ને ત્યાં સર્વે હરિભક્ત જમતા ને બાપાશ્રી હરિભક્તને રસોડે જઈ સૌને દર્શન દઈ તથા સંભાળ લઈને અગિયાર વાગે પાછા મંદિરમાં આવતા ને સંતની પંક્તિમાં દર્શન દઈને પોતાના ભુવનને વિષે જમવા પધારતા, ત્યારે સ્વધર્મનિષ્ઠ એવાં મુક્તરાજશ્રીનાં પત્ની જે દેવુબા તથા પુત્રીઓ જે વાલબા આદિ-તે મુક્તશીરની રુચિને અનુસારે બાજરાનો રોટલો ને ગાજરનું શાક, ખીચડી, કેરાં-લીંબુનું અથાણું-તે બાપાશ્રીને જમાડતાં ને બાપાશ્રી જમીને મંદિરમાં બાર વાગ્યાની કથા સાંભળીને પછી અર્ધો કલાક વિશ્રામ કરીને દોઢ વાગ્યે વાડીએ સ્નાન કરવા પધારતા ને અઢી વાગ્યે કથાનો પ્રારંભ થતો ને અબજીબાપાશ્રી પોતે પુસ્તક ને પુરાણીની પૂજા કરીને સભામાં આસન ઉપર બિરાજતા.

તે યજ્ઞમાં શ્રીનગરથી સ્વામી વૃંદાવનદાસજી ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ ને મૂળીથી બાળકૃષ્ણદાસજી, ધર્મકિશોરદાસજી આદિ ઘણાંક સંતમંડળ મુક્તરાજનાં દર્શન-સમાગમ સારુ વૃષપુર આવ્યાં હતાં ને યજ્ઞનું સર્વે કામકાજ કરતા ને શ્રીનગરથી પ્રાણશંકરભાઈ, ગિરજાશંકરભાઈ આદિ તથા ભૂજના પુરુષોત્તમભાઈ, જેઠી ઘેલાભાઈ, દીવાન ઝવેરીલાલભાઈ આદિ સોએ સો હરિભક્તો આવ્યા હતા ને કંકુબા, લીરુબા આદિ બાઈઓનાં મંડળ પણ ઘણાં આવ્યાં હતાં. તે સમે આવેલા સર્વે હરિભક્તના સંઘ તે પ્રથમ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી મુક્તરાજશ્રીને દંડવત્‌ કરીને દર્શન કરવા લાગ્યા. પછી સર્વે ભક્તજનો અતિ સ્નેહે કરીને એક નજરે મુક્તરાજશ્રી સામું જોઈ રહ્યા. તેમાં કેટલાક ભક્ત તો મુક્તનું મુખ જોઈ તેમાં જોડાઈ ગયા. કેટલાક તો તિલક-ચાંદલો ને ભ્રૂકુટિ તેણે સહિત ભાલને જોઈ રહ્યા. કેટલાક તો બે ખભા, બે ભુજાઓ ને બે હાથનાં પોંચાંએ સહિત હથેળીઓમાં રેખાઓ તથા કોમળ આંગળીઓ તેને જોઈ રહેતા હતા. કેટલાક તો વિશાળ ને ઊપડતું અતિ શોભાયમાન એવું વક્ષસ્થળ તેને જોઈ રહ્યા. કેટલાક તો ઉદર, ત્રિવળી નાભી તેને જોઈ રહ્યા. કેટલાક બે સાથળ ને બે ઢીંચણને જોઈ રહ્યા. કેટલાક બે પિંડીઓ ને જંઘાઓને જોતા હતા. કેટલાક તો આંગળીઓમાં નખરૂપી ચંદ્રની પંક્તિ ને બે ચરણનાં તળાં તેને જોતા હતા. કેટલાક સંત-હરિભક્ત તો તેજઃપુંજમાં રહ્યા ને દિવ્યમૂર્તિ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની દિવ્યમૂર્તિમાં રસબસ રહેલા એવા અનાદિમુક્તરૂપ બાપાશ્રીને દેખતા હતા. કેટલાક તો શ્રીજીમહારાજની મૂર્તિની જોડે રહેલા એવા મહામુક્તરૂપ દેખતા હતા. અને કેટલાક તો તે મુક્તશ્રીના સ્વરૂપમાંથી પ્રસરતો એવો દિવ્ય સુગંધ તેની સુગંધી લઈને આશ્ચર્ય પામ્યા. -એમ સર્વે હરિભક્ત આનંદમાં ગરકાવ બન્યા હતા અને બાપાશ્રી પણ સર્વેને પોતાના દર્શનદાને કરીને કોઈના સામું જોવું, કોઈને સમાચાર પૂછવા, કોઈને પુષ્પના હાર-પ્રસાદી આપવા, કોઈને બોલાવવું, કોઈનેમાથે હાથ મેલવા એમ અનેક પ્રકારે કરીનેસર્વેના મનોરથ પૂરા કરતા. પછી બાપાશ્રીની આજ્ઞાએ કરીનેતે સર્વે ઉતારા કરવા ગયા અને બીજે દિવસ કથાનો સમય થયો ત્યારે બાપાશ્રીએ પોતાના પુત્રે સહિત આવીને પુસ્તક તથા પુરાણીની પૂજા-આરતી કરી ને સભામાં સર્વે સંત-હરિભક્ત આવીને બેઠા ને બાપાશ્રી ચંદનનો વાડકો હાથમાં લઈને સંતને ચંદન ચર્ચવા લાગ્યા. ત્યારે બાપાશ્રીનાદીકરા કાનજીભાઈએ કહ્યું જે, ‘‘બાપા ! લાવો હું સંતની પૂજા કરું.’’ ત્યારે તેમને વાડકો આપીને પોતે સભામાં બેઠા ને કથામાં આજ્ઞા-ઉપાસનાની વાતો આવતી ત્યારે તે વાતોને બાપાશ્રી પોતે સ્પષ્ટ કરીને સંત-હરિભક્તોને સમજાવતા ને કોઈક દિવસ સ્વામી અક્ષરજીવનદાસજી, કોઈક દિવસ વૃંદાવનદાસજી ને કોઈક દિવસ સ્વામી ઈશ્વરચરણદાસજી વાતો કરતા. એવી રીતે કથાવાર્તારૂપી જ્ઞાનયજ્ઞ થતો હતો.

પછી વૈશાખ સુદ બારના દિવસે કણબીનાં ચોવીસ ગામના સર્વે હરિભક્તોને આવવાની ફરીથી કંકોત્રીઓ લખાવી. હવે તે સર્વેને જમાડવા સુખડીઓ કરાવીને ઓરડા ભરાવ્યા હતા અને શીરો કરાવીને મોટા મોટા હોજ ભર્યા હતા. ને શાક, દાળ, ખીચડી વગેરે કરાવ્યાં હતાં. પછી ચૌદશને દિવસે ગામડાનાં સર્વે હરિભક્તો નાના બાળક તથા સ્ત્રીઓ તથા વૃદ્ધજનો સહિત ગાડાં જોડીને સમૂહેસમૂહ ભેગા થઈ રસ્તામાં હેતે કરીને શ્રીજીમહારાજ તથા મુક્તરાજને અંતરમાં સંભારીને કીર્તન બોલતા અને સ્વામિનારાયણ નામનું ભજન ગાતા થકા આવવા લાગ્યા ને તે સર્વે ભક્તજનો વાડીઓમાં ગાડાં છોડીને મંદિરમાં શ્રીજીમહારાજ તથા મુક્તનાં તથા સભાનાં દર્શન કરવા સારુ આવતા હતા ને દર્શન કરીને ગામ બહાર વાડીઓમાં પોતાનાં ગાડાં છોડ્યાં છે, ત્યાં જઈને ઉતારા કરતા. પછી બાપાશ્રીએ સાડા ચાર વાગ્યે કથાની સમાપ્તિ કરાવી ને મોટેરા હરિભક્ત ને બહારગામથી આવેલા હરિભક્તોને જમાડવાની આજ્ઞા કરી, તથી ઝીણા પટેલ ને ધનજીભાઈ આદિ તેમણે સર્વે સત્સંગીઓને જમવાની હાકલ કરીને બોલાવ્યા ને બાપાશ્રીના ઘરથી ઉગમણી કોરે ગામ પાસે વાડીમાં પંક્તિઓ કરાવી. તેમાં પ્રથમ બાઈઓને જમાડીને ભાઈઓની પંક્તિઓ કરાવીને પીરસવાની આજ્ઞા કરી, ત્યારે પીરસનારા સર્વે એક હારે મોટી મોટી પંક્તિઓમાં સર્વ ઠેકાણે શીરો પીરસવા લાગ્યા અને સર્વે પંક્તિઓમાં શીરો, દાળ, અથાણું વગેરે પિરસાઈ રહ્યું, ત્યારે સર્વે ‘સહજાનંદસ્વામી મહારાજ’ની જય બોલ્યા ને બંદૂકોના અવાજ થયા ત્યારે સર્વે એકબીજાને નમસ્કાર કરી મહારાજ ને બાપાશ્રીને સંભારતા થકા ને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ બોલતા થકા જમવા લાગ્યા અને સર્વે ભક્તજન મહારાજ ને મુક્તની પ્રસાદીનું ને અતિ સ્વાદુ એવું ભોજન છે, તેથી સારી પેઠે જમવા લાગ્યા ને જમતા થકા બોલવા લાગ્યા જે, ‘‘અહો ! સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દુર્ગપુરમાં સંત-હરિભક્તને જમાડતા હતા, તેમ જ અત્યારે અહીં તેમના અનાદિ મુક્તરાજ આપણને જમાડે છે, માટે આ પ્રસાદી તો મોટા અવતારાદિકને પણ દુર્લભ છે ને આ શીરો ને સુખડી તે અક્ષરધામમાંથી આવ્યાં છે કે શું ! જુઓ તો, આ ભોજન ઘણી વાર જમીએ છીએ પણ આવો સ્વાદ તો ક્યારેય આવ્યો નથી; આનો તો સ્વાદ જ બીજી રીતનો છે.’’ -એમ બોલતા થકા સારી પેઠે જમતા હતા ને બાપાશ્રી સારી પેઠે પિરસાવતા હતા ને સર્વેને દર્શન આપતા હતા. પછી ખીચડી પીરસી ને સૌ જમી રહ્યા, ત્યારે મોટેરા હરિભક્તોના સમૂહે કરીને મંદિર ને ગામની બજારોમાં અતિ ભીડ થઈ હતી તોપણ એટલા માણસની કોઈની કાંઈ પણ વસ્તુ ખોવાતી નહિ ને કોઈકની ચીજ વસ્તુ કોઈક ઠેકાણે પડી ગઈ હોય, તેને કોઈ મનથી પણ લેતુ નહિ તોહાથથી તો લે જ કેમ ! અને તેમાં કેટલાક તો શ્રીજીમહારાજ ને અનાદિમુક્તની સ્થિતિનીવાતો કરતા, કેટલાક તો બાપાશ્રીનાં દર્શન કરતા, કેટલાક તો મૂર્તિ ધારીને ધ્યાન કરતા ને કેટલાક તો મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરતા- એવા હતા. તેમાં ઉત્સવિયાની મંડળીઓના હરિભક્તોએ તો શ્રીજીમહારાજની મૂર્તિને પાલખીમાં પધરાવીને આગળ ઉત્સવ કરતા ને કીર્તન બોલતા થકા રાત્રીના એક વાગ્યા સુધી ઠાકોરજીને ગામમાં ફેરવ્યા ને કેટલાક તો કિટ્‌સનલાઇટોના પ્રકાશે સવારેસવાર રાસ રમ્યા, એમ સર્વે ભક્તજનો અહોનિશ મહારાજનું ભજન કરતા. ને બાઈઓનાં મંડળ બાઈઓના મંદિરમાં કથાવાર્તા કરતાં ને બાર વાગ્યા સુધી ભજન કરતાં ને બાપાશ્રી પણ ચાર વાગે નાહી પૂજા કરીને સભામાં બેસતા ને અલૌકિક વાતો કરીને સર્વેને સુખિયા કરતા. પછી અજવાળું થાય, ત્યારે મોટી કથા બેસતી ને બાપાશ્રી મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિનાં ને સંતનાં દર્શન કરીને કથામાં આવતા ને પોતે પુસ્તક ને પુરાણીની પૂજા કરીને આરતી કરતા, તે સર્વે સર્વેનાં હૃદય આનંદથી ઊભરાતાં. નાના પ્રકારનાં વાજિંત્ર વાગતાં ને મહામોટો આનંદનો ઉદ્‌ઘોષ થતો ને શ્રીજીમહારાજ ને મુક્તશ્રીના પ્રતાપે કરીને સર્વે સંત-હરિભક્તના ચિત્તની વૃત્તિનો શ્રીજીમહારાજની મૂર્તિમાં નિરોધ થઈ જતો ને મૂર્તિનું સુખ આવતું. પછી નવ લાગે કથાની સમાપ્તિ થતી ને ‘શ્રીપતિમ્‌’ બોલાતું અને સંતમંડળ ‘આનંદ આપ્યો અતિ ઘરો રે’ એવાં કીર્તન બોલતા ને ઘણા સંત-હરિભક્ત ઝીલતા તેથી મંદિર ગાજી રહેતું. પછી સર્વે સંત શ્રદ્ધા-મહાત્મ્યથી ઠાકોરજી સારુ રસોઈ કરવામાં તત્પર થઈ જતા ને શ્રી ઠાકોરજીને થાળ જમાડી અને ‘હરે’ કરી સૌ સંત જમીને પાછા સર્વે સંત ભેળા થઈને એક કલાક કથા કરતા ને બાપાશ્રી પણ આવી બેસતા. પછી ઘડીક વિશ્રામ કરીને સ્નાન કરવા જતા પછી ઠાકોરજીને જગાડી માનસીપૂજા કરી સૌ અઢી વાગે સભામાં બેસી જતા અને છ વાગે કથાની સમાપ્તિ કરીને ગોડી-આરતી કરતા. ત્યાર પછી અષ્ટ ને કીર્તન વગેરે બોલીને રાત્રીએ કથા કરતા ને કથા થઈ રહ્યા પછી ચેષ્ટા વગેરે નિત્યનિયમ કરતા.

ઇતિ વિશ્રામ ૨૩