વિશ્રામ ૨૯
હવે અનાદિ મુક્તરાજ બાપાશ્રીનાં સેવક જે વાલબા તથા રાધાબા તેમણે બાપાશ્રી સારુ શાક, પાક વગેરે ભોજન કરી રાખ્યાં હતાં. પછી બાપાશ્રીને નમસ્કાર કરી આસન બેસવા આપ્યું ને થાળમાં નાના પ્રકારનાં ભોજન પીરસ્યાં, ત્યારે બાપાશ્રી ધીરે રહીને જમ્યા, પછી ચળુ કરી ઓસરીમાં બેઠા ને બાપાશ્રીના પૌત્ર જે માવજી, જાદવજી ને હરજી-તે બાપાશ્રી પાસે આવીને બેઠા ને બાપાશ્રીએ તેમને બોલાવીને પ્રસાદી આપી તથા તેમને રાજી કર્યા. પછી બાપાશ્રી મંદિરમાં પધાર્યા, ત્યારે સ્વામી વૃંદાવનદાસજી ને ઘનશ્યામજીવનદાસજી આદિ સંતશ્રી બાપાશ્રીની વાતોનું મનન કરતા હતા તે તત્કાળ ઊભા થઈ બાપાશ્રીના પગમાં નમસ્કાર કર્યા. પછી બાપાશ્રીએ સર્વે સંતને જમવાની આજ્ઞા કરી, ત્યારે સંત પંક્તિ કરીને જમવા બેઠા ને બાપાશ્રી સંતની પંક્તિને દંડવત્ કરવા લાગ્યા. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ અકળાઈ જઈને બોલવા લાગ્યા જે, ‘‘હે કૃપાળુ ! તમે આ શું કરો છો ! તમે દંડવત્ કરો છો તેથી અમને બહુ ગ્લાનિ થાય છે, માટે તમે દંડવત્ ન કરો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમે તમને દંડવત્ કરતા નથી; અમે તો શ્રીજીમહારાજને દંડવત્ કરીએ છીએ.’’ -એમ કહી છ-સાત દંડવત્ કર્યા, પછી આસને આવીને બેઠા, ત્યારે સંત પણ જમીને બાપાશ્રી પાસે આવીને બેઠા ને એક કલાક સુધી કથાવાર્તા કરી. પછી સમાપ્તિ થઈ, એટલે બાપાશ્રીએ આસનમાં શનય કર્યું. અને સ્વામી વૃંદાવનદાસજી આદિ સંત મંદિરમાં ધ્યાનથી વિશ્રાંતિ કરતા હતા ને કેટલાક સંત બાપાશ્રીની પાસે બેસી પંખાથી વાયરો નાખતા હતા. પછી બે વાગે સંતમંડળ તથા હરિભક્ત સહિત બાપાશ્રી વાડીએ સ્નાન કરવા ચાલ્યા ને નવીવાડી પાસે આવીને સંતમંડળને કહ્યું જે, ‘‘તમે કાકરવાડીએ નાહવા જાઓ; અમે પછીથી આવશું.’’ -એમ કહી હરિભક્તોને સાથે લઈ પોતે નવીવાડીએ આવ્યા ને ત્યાં પોતાના પુત્ર કાનજીભાઈ, મનજીભાઈ આદિ તેમને દર્શન દઈને વાડીનું કામ બતાવ્યું. પછી જાંબુડાના વૃક્ષ નીચે ઢોલિયામાં બેઠા ને સંતમંડળ કાકરવાડીએ સ્નાન કરી વૃક્ષની છાંયે ધ્યાન કરતા હતા ત્યાં બાપાશ્રી પધાર્યા, એટલે સર્વે સંત ધ્યાનમાંથી જાગીને દર્શન કરવા લાગ્યા ને બાપાશ્રીએ સ્નાન કરવાનું કહ્યું ત્યારે સાધુએ જળનો લોટો ભરીને આપ્યો, તે લઈને બહિર્ભૂમિ જઈ આવ્યા. પછી સંતમંડળ બાપાશ્રીને થાળામાં બેસાડીને જળની ડોલો કૂવામાંથી કાઢી કાઢીને સ્નાન કરાવવા લાગ્યા ને ઘણી વાર સ્નાન કરાવ્યું. પછી બાપાશ્રી વસ્ત્ર બદલાવી કોરાં વસ્ત્ર પહેરીને વડવાળા કૂવાથી આથમણા આંબાના વૃક્ષની છાંયે બિરાજમાન થયા અને સંત-હરિભક્ત બાપાશ્રીના સામું જોઈ સભા કરીને બેઠા. પછી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સર્વે સંતમંડળે બાપાશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી અને નમસ્કાર કર્યા ને સર્વે હરિભક્ત પણ પૂજા કરીને દંડવત્ કરવા લાગ્યા. પછી બાપાશ્રીએ સર્વે સંતને તથા હરિભક્તને ચંદન ચરચ્યું ને પ્રસાદીના હાર પહેરાવ્યા ને બાપાશ્રીએ સર્વેને પ્રસાદી વહેંચી.
પછી સર્વેસંત-હરિભક્તને શિક્ષા કરતા થકા બોલ્યા જે, ‘‘આ લીલા સંભારે ને આ પ્રસાદી જમે તેનું કલ્યાણ થાય.’’ પછી ‘‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર,’’ -એ ટૂંક બોલીને કહ્યું જે, ‘‘મહારાજ ને મહારાજના મુક્ત-તે મોક્ષ કરવા આવ્યા છે, તે જે જીવ મોક્ષ માગવા આવે તેનો મોક્ષ કરે છે, માટે સાચે ભાવે કરીને મહારાજ ને મોટાને શરણે થાવું; તે સાચે ભાવે કરીને શરણે થયો કહેવાય, તો શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસના દૃઢ હોય ત્યારે તે સાચે ભાવે શરણે થયો કહેવાય. આજ્ઞા -એટલે ત્યાગી સાધુને નિર્લોભી, નિષ્કામી, નિઃસ્વાદી, નિર્માની ને નિઃસ્નેહી એ પંચ વર્તમાન દૃઢ રાખવાં,તે આજ્ઞા પ્રમાણે કહેવાય ને તેમાં ફેર હોય તો તે સાધુ કહેવાય નહિ ને ત્યાગી થઈને સ્ત્રી-દ્રવ્યનો પ્રસંગ રાખતા હોય તેનો પ્રસંગ રાખવો નહિ ને ગૃહસ્થને તેવા સાધુની કરેલી ભગવાનની કથાવાર્તા પણ સાંભળવી નહિ. અને ગૃહસ્થ સત્સંગીને પણ અગિયાર વર્તમાન કહ્યાં છે, તેમાં દૃઢપણે રહેવું અને જો મોટા વર્તમાનમાં ફેર હોય તો તે ગૃહસ્થનું અન્ન સાધુએ લેવું નહિ.’’
ત્યારે સાધુ સનાતનદાસજીએ પૂછ્યું જે, ‘‘મોટી પંક્તિમાં તો ત્યાગીમાં પણ કેટલાક એવા હોય ને ગૃહસ્થની નાતમાં પણ તેવા હોય, તેનું કેમ કરવું ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તેમના ભેળા ભળવું નહિ ને નોખું કરી લેવું ને નોખું કરવાનો જોગ ન બને તેમ હોય, તો દેશકાળે સાચવીને ભેળું ભળવું; બાકી છેટે રહેવું.’’
ત્યારે કુંભારિયાના મિસ્ત્રી ગોવાભાઈએ પૂછ્યું જે, ‘‘જગતમાં નાત તો ગંગાનો પ્રવાહ કહેવાય છે તે શું સમજવું ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ત્યાગીની નાત હોય; કે ગૃહસ્થની નાત હોય, પણ જો ધર્મ હોય તો ગંગાનો પ્રવાહ કહેવાય ને જો ધર્મ નહોય તો ગંગાનો પ્રવાહ ન કહેવાય; બજારના પાણીનો પ્રવાહ કહેવાય, માટે આપણને શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત મળ્યા છે, તો તેમની આજ્ઞામાં ખરા ખબરદાર થઈને વર્તવું’, ઇત્યાદિક ઘણી વાતો કરી. પછી વળી બોલ્યા જે, ‘‘આ સભાની જય ને માયાનો ક્ષય’’ એમ કહીને ઊભા થયા. એટલે સર્વે સંત-હરિભક્ત બાપાશ્રીને દંડવત્ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી રાજી થઈને સર્વેને મળ્યા. પછી સર્વે સંત સહિત મંદિરમાં પધાર્યા ને ગોડી-આરતી કરી. પછી કથાવાર્તા કરીને બાપાશ્રી ઓસરીમાં આસને આવીને સુતા ને સંત-હરિભક્ત પાસે આવીને બેઠા ને બાપાશ્રીએ સાડા અગિયાર વાગ્યા સુધી વાતો કરી ને પછી યોગનિદ્રા અંગીકાર કરી. એવી રીતે નિત્ય પ્રત્યે સંત-હરિભક્તને સમાગમનું સુખ આપતા હતા -એમ દસ દિવસ વીત્યા.
ત્યાર પછી ગામ કેરામાં ભાઈઓનું મંદિર જે પ્રથમ હતું-તે બાઈઓને સોંપવાનું કરીને ભાઈઓનું મંદિર નવું મોટું કરાવ્યું હતું, તેથી તેમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવા સારુ ભૂજમંદિરથી સ્વામી વિજ્ઞાનદાસજી, ભક્તિપ્રિયદાસજી, બ્ર. નિર્ગુણાનંદજી આદિ સંતમંડળ કેરે આવ્યા હતા. તે સંત તથા કેરાના હરિભક્ત તેમણે સ્વામી વૃંદાવનદાસજી આદિ સંત તથા હરિભક્ત તેમણે સહિત બાપાશ્રીને કેરે મૂર્તિ પધરાવવા સારુ તેડાવ્યા હતા, ત્યારે બાપાશ્રી તે સર્વેને સાથે લઈને ગામ કેરે પધાર્યા. પછી વૈશાખ વદ દશમ ને સોમવારને દિવસે મહારાજની મૂર્તિ સિંહાસનમાં પધરાવી. પછી સંતમંડળ રસોઈ કરીને મહારાજને જમાડીને જમ્યા ને બાપાશ્રી કુંવરજીભાઈને ઘેર જમ્યા. પછી મંદિરમાં આવી કથાવાર્તા કરીને ઓસરીમાં બે ઘડી શયન કર્યું. ત્યાર પછી બાપાશ્રી સર્વે સંત-હરિભક્તને સાથે લઈને નદીએ પ્રસાદીના ધરામાં સ્નાન કરવા પધાર્યા ને ધરાને કાંઠે વસ્ત્ર ઉતારીને બહિર્ભૂમિ જઈ આવ્યા. પછી સંત-હરિભક્તને સાથે લઈને જળમાં પ્રવેશ કરીને સ્નાન કરવા લાગ્યા ને પછી સર્વેને મળ્યા. ત્યાર પછી જળના મધ્યે એક મોટો પથ્થર છે, તે ઉપર પોતે બેઠા ને સંત-હરિભક્ત ચારે કોર જળમાં ઊભા રહીને બાપાશ્રીની પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘‘હે કૃપાસાગર ! હે બાપા ! અમોને આપના ભેળા સદાય રાખશો ને આપને વિષે દિવ્યભાવ રહે ને શ્રીજીમહારાજની ને આપની આજ્ઞામાં ફેર પડે નહિ-તેવી દયા કરશો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમારા ત્રણ ગુણ ને તેના કાર્યરૂપ એવા અંતઃશત્રુ ને ઘાટસંકલ્પ તે સર્વે મૂળમાંથી ટળી જશે ને અખંડ શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત સાંભરશે ને તમો સર્વેને મૂર્તિમાં ભેળા રાખીશું.’’ -એમ આશીર્વાદ આપ્યો ને સર્વે સંત-હરિભક્ત ઉપર જળના લોટા ભરીને જળ રેડ્યું ને સંત-હરિભક્ત બહુ આનંદ પામ્યા. પછી બાપાશ્રીએ પથ્થરથી નીચે ઊતરીને ઊંડા જળમાં પ્રવેશ કર્યો, ને તેમાં સ્નાન કરી બહાર નીકળી વસ્ત્ર પહેરીને સંત-હરિભક્તોએ સહિત માનસીપૂજા કરવા બેઠા. પછી ઊઠીને સર્વે સંત-હરિભક્તને મળ્યા અને સર્વે સંત-હરિભક્ત દંડવત્ કરીને બાપાશ્રીને મળ્યા. પછી સૌની સાથે ચાલ્યા ને મનજી લાખાની વાડીમાં કૂવા પાસે બેઠા ને હરિભક્તોએ જળ લાવીને બાપાશ્રીને જળપાન કરાવ્યું. પછી બાપાશ્રી પોતાની આગળ સાધુએ સુધારીને મેલ્યાં જે કેળાં, શક્કરિયાં ને પતાસાં તેને લઈને સંત-હરિભક્તને પ્રસાદી આપતા થકા બોલ્યા જે, ‘‘આ પ્રસાદીને જે જમશે તેનું આત્યંતિક કલ્યાણ થશે ને આ મુક્ત અક્ષરધામમાંથી શ્રીજીમહારાજની ઇચ્છાથી જીવોનાં કલ્યાણ કરવા આવ્યા છે, તે કાંઈ એક બે જીવનું કલ્યાણ કરવા આવ્યા નથી; ત્યારે શું, તો અનેક જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા આવ્યા છે, માટે અનેક જીવને મનવારો ભરીને લઈ જવા છે.’’ એમ કહીને મનવારની વાત કરી જે, ‘‘મનવાર બહુ મોટી થાય છે.’’
ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ‘‘બાપા ! અમે સર્વે આપના ભેળા જળના ધરામાં નાહ્યા, તે સમે દેહની પણ સ્મૃતિ રહી નહિ, ને શાંતિ શાંતિ થઈ ગઈ તેનું શું કારણ હશે ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘દેહે કરીને જેમ જળમાં નાહ્યા હોય તેમ તમારા જીવાત્માને મૂર્તિમાં રસબસ જોડી દીધા, તેથી તમને મૂર્તિના સુખનો આનંદ આવ્યો ને શાંતિ થઈ. અને આપણે જે જળમાં સ્નાન વગેરે લીલા કરી તે દિવ્ય છે. તેને દિવ્ય જાણીને સંભારશે, તેના ઘાટસંકલ્પથી ટળી જશે ને મૂર્તિનું સુખ આવશે.’’ -એમ વાતો કરી સર્વે સંતહરિ-ભક્ત સહિત ત્યાંથી ચાલ્યા -તે રસ્તામાં ચાલતાં બોલ્યા જે, ‘‘આજથી સર્વેના નવા જન્મ છે; આજ સુધીમાં મહારાજની આજ્ઞામાં કાંઈ આડુંઅવળું થયું હોય તે સર્વે માફ છે, પણ હવેથી મહારાજની આજ્ઞામાં કોઈ ફેર પડવા દેશો નહિ; બરાબર વર્તજો.’’ -એમ વાતો કરતા થકા વૃષપુર-મંદિરમાં પધાર્યા. ત્યાં કથાવાર્તા કરીને અગિયાર વાગે ઓસરીમાં પોતાના આસનમાં બાપાશ્રીએ શયન કરીને યોગનિદ્રા ગ્રહણ કરી.
ઇતિ વિશ્રામ ૨૯