વિશ્રામ ૩૯

મહામાયા ને મહાપુરુષથી પર જે મહાકાળ, તેથી પર જે બદરિપતિ નારાયણ, તેથી પર શ્વેતદ્વીપવાસી વાસુદેવ ને તેમના મુક્ત, તે સર્વે બ્રહ્મકોટિ કહી છે. તેથી પર જે અનંત સૃષ્ટિકર્તા અક્ષર ને અક્ષરના મુક્ત, તે સર્વે અક્ષરકોટિ કહી છે. તેથી પર શ્રીજીમહારાજનું અક્ષરધામ છે; તે કેવું છે, તો જેને વચનામૃત આદિ શાસ્ત્રમાં સચ્ચિદાનંદ, પરમપદ, ચિદાકાશ, બ્રહ્મ, અમૃતધામ અને બ્રહ્મપુર આદિ નામે કહ્યું છે ને તે અક્ષરધામ શ્રીજીમહારાજના અંગનો પ્રકાશ છે ને તે તેજ અતિ શ્વેત, શીતળ ને શાંત છે ને અનંત અપાર એવો તેજનો સમૂહ છે. તે તેજરૂપ અક્ષરધામ તેમાં દિવ્ય દ્વિભુજ-સાકારમૂર્તિ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે; તે કેવા છે, તો જેને પરાત્પર પુરુષોત્તમ સર્વ કારણનાં કારણ કહે છે તથા વિષ્ણુ, વાસુદેવ, શ્રીકૃષ્ણ, હરિકૃષ્ણ આદિ અનંત નામે કરીને કહ્યા છે ને સર્વ શક્તિમાન, સર્વને સુખદાતા ને સર્વના મુક્તના સ્વામી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. અને તે પોતે પોતાના સાધર્મ્યપણાને પામેલા માટે દિવ્ય સાકારમૂર્તિ-એવા અનંતકોટિ અનાદિમુક્ત છે, તેમને પોતાના સ્વરૂપમાં રાખીને પોતાના સળંગ સ્વરૂપનું નવીન નવીન સુખ અખંડ અનુભવાવે છે ને તે અનાદિમુક્તને કૈવલ્યમુક્ત, નિત્યમુક્ત ને સર્વાત્માબ્રહ્મ એ નામે કહેવાય છે ને તે સર્વે મુક્તના કારણ આધાર ને સુખદાતા એવા એક શ્રીજીમહારાજ છે. અને તે શ્રીજીમહારાજ તેજરૂપ ધામમાં અનંતકોટિ પરમએકાંતિક મુક્ત રહ્યા છે, તે પણ દિવ્ય સાકાર છે ને શ્રીજીમહારાજની મૂર્તિ સાથે જોડાઈ રહ્યા છે ને તે મુક્તને મહામુક્ત, વિદેહીમુક્ત ને પરમએકાંતિક નામે કહ્યા છે. એવા અનંતકોટિના મુક્તના સ્વામી શ્રીજીમહારાજ છે ને શ્રીજીમહારાજ તે સર્વે મુક્તને સન્મુખ ને સમીપે દેખાય છે ને તે મુક્તની સભા પણ ચારે કોર તથા ઉપર નીચે અવધિએ રહિત અપાર છે. તે સર્વના મુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા એવા શ્રીજીમહારાજ છે તે સત્યસંકલ્પ છે. તે પોતે પોતાની ઇચ્છાથી પોતાના પ્રેમી ભક્તને લાડ લડાવવા ને એકાંતિક ધર્મ પ્રવર્તાવવા મનુષ્યરૂપે પૃથ્વી ઉપર પ્રગટ થાય છે અને ક્યારેક તો તે ભગવાનની ઇચ્છાથી મુક્ત પણ પૃથ્વી ઉપર આવે છે, ને ક્યારેક તો તે પુરુષોત્તમ ભગવાન જે તે, શ્રીકૃષ્ણ-નરનારાયણ આદિ અવતારને ધારણ કરે છે એવા શ્રીજીમહારાજ છે. તેમની ઇચ્છાએ કરીને આ અનાદિમુક્ત દિવ્યરૂપ થકા મનુષ્યરૂપે દર્શન આપે છે ને સ્વધર્મ, જ્ઞાન, શમદમાદિક ગુણે કરીને યુક્ત છે અને મુક્તસ્વરૂપ પાંચાભાઈ ને દેવબા તેમના પુત્રરૂપે પ્રગટ થયેલા ને સંત-હરિભક્તને શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસનાનું પોષણ કરવામાં ચંદ્ર તુલ્ય એવા ને જેમને સર્વેને મૂર્તિનું સુખ આપવું એ જ તાન છે અને અનંત જીવના મોક્ષને અર્થે બ્રહ્મયજ્ઞ-જ્ઞાનયજ્ઞ કરવામાં તત્પર રહેતા-એવા અનાદિ મુક્તરાજ અબજીબાપા તેમણે અનેક સાધુ-સત્સંગીને એકાંતિક, પરમએકાંતિક ને અનાદિમુક્તની સ્થિતિનું ભાન કરાવ્યું અને શ્રીજીની સર્વોપરી આજ્ઞા-ઉપાસનાનું પ્રવર્તન કરાવ્યું.

હવે ચાલતી વાત કરીએ છીએ જે, જે અનાદિ મુક્તરાજ બાપાશ્રી નિત્યનિયમ કરીને પોતાના ભુવનમાં પધાર્યા ને મંદિરમાં સવારે છ વાગે સંત-હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પુ. ધર્મકિશોરદાસજી સત્સંગિજીવનની કથા વાંચતા હતા ને બાપાશ્રીના ઘર આગળ ઉત્સવિયા ઉત્સવની ઝીક મચાવી રહ્યા હતા ને નાના પ્રકારનાં વાજિંત્ર વાગતાં હતાં. પછી બાપાશ્રીએ ભૂજમંદિરના હરિકૃષ્ણ મહારાજની સેવા સારુ હજારો રૂપામહોર ને હજારો રૂપિયાના દેવના પોશાંગ તેની છાબો ભરાવી અને પોતાના પુત્ર કાનજી તથા મનજી ને નારાયણપુરના હરજી તથા લાલજી તેમનીપાસે ઉપડાવીને પોતે ભેગા ચાલ્યા અને બીજા હરિભક્તો પણ ભેગા ચાલ્યા ને ઉત્સવિયાની મંડળીઓ ઝાંઝ-મૃદંગ બજાવી ઉત્સવ કરતા થકા મંદિરમાં આવ્યા ને સભામાં ઠાકોરજીની આગળ તે છાબોની ભેટ મૂકી અને કથાની સમાપ્તિ કરી. ત્યાર પછી મુક્તરાજ બાપાશ્રીએ ને તેમના પુત્રોએ પુસ્તક તથા પુરાણીની પૂજા કરી ને વસ્ત્ર ઓઢાડ્યાં. પછી આરતી કરવા લાગ્યાં અને હજારો મનુષ્યથી મંદિર ભરાઈ ગયું હતું. પછી આરતી થઈ રહી ત્યારે સર્વે બેઠા ને સંતમંડળ ઝિલણિયા કીર્તન બોલવા લાગ્યા ને બાપાશ્રીના પુત્રે સર્વે સંતને ચંદન ચર્ચી હાર પહેરાવી વસ્ત્ર ઓઢાડ્યાં ને બાપાશ્રી પોતે સભામાં સદગુરુની આગળ બેઠા. તે સમે પ્રૌઢ છે આકૃતિ જેમની ને સમ છે શરીર જેમનું એવા બાપાશ્રીને જોઈને હજારો સંત-હરિભક્તની મનોવૃત્તિ બાપાશ્રીમાં આકર્ષણ થઈ રહી હતી, અને કેટલાક ભક્તજનો નવીન કીર્તન-છંદથી બાપાશ્રીના ગુણના ઉત્કર્ષપણાનું ગાન કરતા હતા. તે સમે ભૂજમંદિરના મહંત સ્વામી મહાપુરુષદાસજી તથા ભક્તિપ્રિયદાસજી ને કોઠારી વેલજીભાઈ તેમણે બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવ્યો. પછી નરનારાયણ દેવના કોઠાર તરફથી મુક્તરાજ બાપાશ્રીને મસ્તકે શ્વેત પાઘ બંધાવી ને શેલું ઓઢાડ્યું ને બાપાના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ તેમને છેડાવાળી ધોતલીઓ બંધાવી અને માવજી, જાદવજી ને હરજી - તેમને પણ છેડાવાળી ધોતલીઓ બંધાવી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી આદિ સદગુરુ તથા બ્ર. નિર્ગુણાનંદજી, મુનીશ્વરાનંદજી તથા મુળીના પુ. ધર્મકિશોરદાસજી આદિ સંતમંડળ ને પાર્ષદ તે સર્વે ચંદનપુષ્પના હારથી મુક્તરાજશ્રીની પૂજા કરવા લાગ્યા, તે સમે સર્વેને અતિશય આનંદ થતો હતો.

ત્યાર પછી મુક્તશ્રીની આજ્ઞાએ કરીને સંત-હરિભક્તોએ શ્રીજીમહારાજનાં ચરણારવિંદને પાલખીમાં પધરાવ્યાં ને હરિભક્તો પાલખી ઉપાડીને છત્રીએ જવા સારુ ચાલ્યા. તે વખતે ઉત્સવિયા હરિભક્ત ઉત્સવ કરતા થકા આગળ ચાલ્યા ને મુક્તરાજ બાપાશ્રી પણ ચરણારવિંદની પ્રતિષ્ઠા કરવા સારુ હજારો સંત-હરિભક્ત સહિત પાલખીની સાથે ચાલ્યા. અને જે બાઈઓનાં મંડળ હતાં, તે આગળથી છત્રીએ જઈને છેટે બેઠાં અને છેટેથી દર્શન કરતાં ને કીર્તન ગાતાં હતાં ને ઉત્સવિયાની મંડળીઓ છત્રીની ચારે કોર બેસીને ઉત્સવ કરતી હતી ને ભણેલા સંતો મુક્તરાજશ્રીને રાજી કરવા સારુ સ્તોત્ર તથા અષ્ટક બોલતા હતા ને બીજા સંત કીર્તન બોલતા હતા. અને તે સમે મુક્તરાજશ્રી છત્રીના ઓટા ઉપર ઉગમણે મુખે બેઠા હતા ને મોટા મોટા સંત-હરિભક્તો બાપાશ્રીને સન્મુખ ચારે કોરે બેઠા હતા ને કેટલાક ઊભા હતા ને સર્વેની મનોવૃત્તિ મુક્તરાજને વિષે તદાકાર થઈ રહી હતી ને મુક્તરાજશ્રી તે સમે અતિ તેજસ્વી અલૌકિક સ્વરૂપે દર્શન આપતા હતા અને આકાશ પણ દેવના વિમાનથી છાઈ રહ્યું હતું ને પૃથ્વી પણ ચારે કોર કોસ પર્યંત હરિભક્તોથી ઢંકાઈ રહી હતી. પછી મુક્તરાજ બાપાશ્રીએ પાષાણનાં ચરણારવિંદને પંચામૃતથી સ્નાન કરાવીને તીર્થ-જળથી સ્નાન કરાવ્યું. પછી શુદ્ધોદકથી સ્નાન કરાવીને બાપાશ્રીએ પોતાના હાથે ચરણારવિંદને છત્રીએ પધરાવ્યાં. તે સમે ચરણારવિંદ ઉપર તેજનો સમૂહ થઈ ગયો ને છત્રી ઢંકાઈ ગઈ ને આકાશમાંથી ચંદનપુષ્પની વૃષ્ટિ થવા લાગી ને સંત-હરિભક્ત તથા ચંદનપુષ્પથી ચરણારવિંદની પૂજા કરીને આરતી કરવા લાગ્યા ને કેટલાક દંડવત્‌ કરતા હતા ને શિલ્પીકર્મને જાણનારા ભક્તે તે ચરણારવિંદને સિમેન્ટથી યથાસ્થિત કર્યાં. પછી મુક્તરાજ બાપાશ્રી ઈશ્વરચરણદાસજીને તથા બ્ર. નિર્ગુણાનંદજી ને દેવરાજભાઈ, ખીમજીભાઈ આદિ ભક્તજન પ્રત્યે કહેવા લાગ્યા જે, ‘‘આ છત્રી ને આ યજ્ઞના ઉત્સવમાં દર્શન-સેવા કરવા ને પ્રસાદી જમવા સારુ જે જીવ આવ્યા છે, તે સર્વેનું કલ્યાણ કરવું છે ને આકાશમાં જે દેવ દર્શન કરવા આવ્યા છે તેમનું પણ કલ્યાણ કરવું છે. અને જે કોઈ અહીં આવી છત્રીનાં દર્શન કરશે ને તલાવડીમાં નહાશે ને આ સ્થાનમાં સેવા કરશે તે સર્વેનો મોક્ષ કરશું ને આ યજ્ઞ સાત દિવસનો જાણશો નહિ પણ આ તો સાત મહાકલ્પનો છે. અને પ્રત્યક્ષ મહારાજ અને મહારાજના અનાદિમુક્ત મળ્યા વિના આ જીવ સાત કલ્પ સુધી સાધન કરે તોપણ અમે આ સાત દિવસમાં જેવું મોક્ષનું કામ કર્યું તેવું નહિ થાય, તેમાં પણ જે જીવ મહારાજ ને અનાદિમુક્તનો મહિમા સમજીને આ યજ્ઞમાં આવ્યા હશે ને મહિમા સમજીને પ્રસાદી જમશે ને સેવા કરશે ને આજ્ઞામાં રહેશે, તેનું તો આ જન્મે જ આત્યંતિક કલ્યાણ થાશે; બીજાનું જન્માંતરે થાશે એમ જાણવું.’’

પછી મુક્તરાજશ્રી પ્રતિષ્ઠાવિધિ સમાપ્ત કરીને સંત-હરિભક્ત સહિત પાછા મંદિરમાં આવ્યા ને ઉત્સવિયાની મંડળીઓના હરિભક્તો મહારાજની મૂર્તિ ને કથાનું પુસ્તક તેને પાલખીમાં પધરાવીને ગામમાં ફરવા લાગ્યા ને બાપાશ્રીએ સંતની પંક્તિઓ કરાવીને મોતૈયા લાડુ આદિ પકવાન -તે સંત પાસે પિરસાવી સંતમંડળને સારી રીતે જમાડ્યા. પછી ઉત્સવિયાની મંડળીઓ બાર વાગે મંદિરમાં આવીને ચોકમાં બેસી ઉત્સવ કરવા લાગી. તે સમે વાડીમાં સર્વે બાઈઓની પંક્તિઓ થઈ હતી અને તે બાઈઓ જમી રહ્યાં, ત્યારે એક વાગે સર્વે હરિભક્તને જમવાના ‘હરે’ થયા, એટલે સર્વે જમવા સારુ ગયા ને ધનજી પટેલ તથા ઝીણા પટેલ આદિ મોટેરા હરિભક્ત તેમણે પાકશાળા પાસે નારાયણવાડીમાં મોટી મોટી પંક્તિઓ કરાવીને સર્વેને બેસાડ્યા ને તે યજ્ઞમાં પીરસનારા હરિભક્ત તેમણે પ્રથમથી જ લાડુ, સુખડી આદિ પકવાન તેનાં મોટાં કડાયાં ભરી ભરીને પંક્તિઓને મધ્યે મંડપ કર્યો હતો તેમાં રાખ્યાં હતાં અને શાક, ખીચડી વગેરેનાં પણ તપેલાં ભરીને મંડપમાં રાખ્યાં હતાં. પછી પંક્તિઓમાં સર્વે બેસી ગયા, ત્યારે પીરસનારા હરિભક્ત એક હારે સુખડી તથા શીરો લઈને પીરસવા લાગ્યા ને કેટલાક દાળ, શાક આદિ પીરસવા લાગ્યા ને સર્વે પંક્તિઓમાં સર્વે વસ્તુ પિરસાઈ રહી ત્યારે પીરસનારા હરિભક્તો ‘સહજાનંદસ્વામી’ની જય બોલ્યા. ત્યારે સર્વે શ્રીજીમહારાજ ને બાપાશ્રીને સંભારીને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ બોલતા થકા જમવા લાગ્યા ને જમતાં જમતાં સર્વે પરસ્પર બોલવા લાગ્યા જે, ‘‘અહો ભાઈઓ ! શ્રીજીમહારાજના સંકલ્પની મૂર્તિ એવા મુક્તશ્રી તે આપણને જમાડે છે માટે આપણું ધન્યભાગ્ય માનીને જમો, આ તો શ્રીજીમહારાજે જયતલપુર ને ડભાણમાં જેવા યજ્ઞ કર્યા હતા, તેવો જ આ યજ્ઞ છે. આ યજ્ઞની પ્રસાદી પણ ક્યાંથી મળે !’’ એમ બોલતા આનંદમાં જમતા હતા ને પીરસનારા વારંવાર પીરસીને જમાડતા હતા ને સર્વે જમી રહ્યા, એટલે ‘સહજાનંદસ્વામી’ની જય બોલાણી ત્યારે સૌ ઊઠ્યા. અને તે યજ્ઞમાં ગામમાં ને વાડીઓમાં સર્વત્ર હરિભક્તો જ દેખાતા હતા; મંદિર તથા બાપાશ્રીના ઘેર તો ઊભા રહેવાનો પણ માર્ગ રહેતો નહિ ને તે સર્વે હરિભક્ત નિયમ, નિશ્ચય ને પક્ષ તથા એકાંતિક ધર્મ તેણે જુક્ત એવા હતા. કેટલાક તો અહોનિશ કથાવાર્તા-કીર્તનના અંગવાળા હતા ને કેટલાક તો મૂર્તિમાં રહીને મૂર્તિનું અખંડ ધ્યાન કરવું ને ક્ષણ વાર મૂર્તિ ભુલાય નહિ એવી સ્થિતિવાળા હતા. તેવા શેઠ ભૂરાભાઈ, નાગજીભાઈ, આશાભાઈ તે સર્વે હરિભક્તો બાપાશ્રીની સેવામાં રહ્યા હતા અને બીજા ગામેગામના હરિભક્ત સેવા-પૂજા કરીને પોતપોતાને ગામ જવાને તૈયાર થયા અને કેટલાક પરદેશથી આવેલા હરિભક્તને બાપાશ્રીએ બીજે દિવસ રહેવાની ને જમવાની તથા સુખડીનું ભાતું લઈ જવાની આજ્ઞા કરી, તેથી તે સર્વે રહ્યા અને કચ્છદેશના હરિભક્તો પોતપોતાને ગામ ગયા.

ઇતિ વિશ્રામ ૩૯