વિશ્રામ ૬૯

ત્યાર પછી સદ્‌. સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે સંતમંડળ સહિત અનાદિ મુક્તરાજશ્રીને તેડવા માટે ઘાંટીલાના હરિભક્ત ગાડાં લઈને આવ્યા, તેથી બાપાશ્રી ગામ ઘાંટીલે પધાર્યા ને ત્યાં મંદિરમાં ઊતર્યા. અને બીજે દિવસ સવારમાં નિત્યવિધિ કરી. ત્યાં તો સર્વે હરિભક્ત આવીને બાપાશ્રીની પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘આપ દયા કરીને અમારા ઘેર પધારો.’ ત્યારે બાપાશ્રીએ ઘરોઘર પધારી સર્વેનાં ઘર તીર્થરૂપ કર્યાં ને ગામના તળાવમાં પાણી રહેતું નહોતું, તેથી બાપાશ્રીની પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, ‘‘શ્રીજીમહારાજ હવે તમારા ગામમાં પાણીનું દુઃખ નહીં રહેવા દે.’’ ત્યારથી પાણી પણ બારે માસ રહેવા લાગ્યું. -એમ સર્વેને રાજી કરી આનંદ પમાડ્યા ને ત્યાંથી માલણિયાદ આવ્યા. ત્યાંના ગાંધી અમીચંદભાઈ, છગનભાઈ, મોતીચંદભાઈ, વેલસીભાઈ, ચતુરભાઈ, જેઠાલાલ આદિ હરિભક્ત તેમણે પ્રેમે કરીને બાપાશ્રીની સેવા કરી ને ઘણા દિવસના જે પોતાના મનોરથ તે પૂરા કર્યા. ત્યાંથી બાપાશ્રી બીજે દિવસ ધ્રાંગધ્રા, બોટાદ ને પાળિયાદ થઈ તુરખે રાત્રી રહ્યા. ત્યાં મિસ્ત્રી પુરુષોત્તમભાઈ આદિ હરિભક્તો દૂધનાં બોઘરણાં ભરીને લાવ્યા તેથી તેમની સેવા અંગીકાર કરી. વળી તે વખતે આખું ગામ બાપાશ્રીનાં દર્શન કરવા આવેલું હતું તે સર્વેએ મોક્ષના આશીર્વાદ માગ્યા તેથી બાપાશ્રી તે સર્વે ઉપર પાણી છાંટતા થકા બોલ્યા જે, ‘‘આ પાણીનો છાંટો જેના ઉપર પડશે તેનો આત્યંતિક મોક્ષ થશે,’’ એવો પોતાનો અદભુત પ્રતાપ જણાવીને પછી ત્યાંથી એકાદશીને દિવસ સવારમાં ગઢપુર પહોંચ્યા. ત્યાં મંદિરમાં ગોપીનાથ-હરિકૃષ્ણ મહારાજ, ધર્મભક્તિ-વાસુદેવનારાયણ ને કૃષ્ણબળદેવ-રેવતીજી આદિ મૂર્તિઓનાં દર્શન કરીને ત્યાંથી દાદાખાચરના દરબારમાં ઓરડા, લીંબતરુ, અક્ષરઓરડી ને ગંગાજળિયો કૂવો આદિનાં દર્શન કર્યાં. પછી ત્યાંના કોઠારી સાધુએ સત્કાર કર્યા થકા બાપાશ્રી સંતોએ સહિત મંદિરમાં સભામંડપની જગ્યામાં ઊતર્યા ને બાપાશ્રીએ ઠાકોરજી, સંત, બ્રહ્મચારી, પાર્ષદ વગેરે સર્વેને સુંદર ભોજન કરાવીને જમાડ્યા ને ઘેલા નદીમાં નિત્યે સ્નાન કરતા ને લક્ષ્મીવાડીએ પણ નિત્યે ઠાકોરજીનાં દર્શન કરવા જતા, ને ભક્તિબાગે ને રાધાવાવે સ્નાન-દર્શન કરતા. એવી રીતે ત્યાંના સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ ને હરિભક્તોને દર્શન દઈ તથા કથાવાર્તાઓ કરીને રાજી કરતા હતા.

ત્યાં વળી ભાવનગરના દીવાનસાહેબ ત્રિભુવનદાસભાઈએ મુક્તરાજશ્રીને પોતાના પુરમાં પધરાવવા સારુ પોતાના નાના ભાઈ હરગોવિંદદાસને દુર્ગપુર મોકલ્યા હતા. તેમણે મુક્તરાજ પાસે આવીને ભાવનગર પધારવા પ્રાર્થના કરી, ત્યાં મુક્તરાજશ્રી સંતમંડળ સહિત ભાવનગર પધાર્યા. ત્યાં દીવાનસાહેબ ઘોડાગાડીમાં બેસીને મુક્તરાજશ્રી સામા આવ્યા ને ચરણમાં પડીને મુક્તરાજનાં દર્શન કર્યાં ને હાથ જોડીને પ્રાર્થના કરી. પછી બાપાશ્રીને પોતાની ઘોડાગાડીમાં બેસાર્યા ને સંતનાં દર્શન કરીને તેમને બીજી ગાડીઓમાં બેસાર્યા અને સંતમંડળે સહિત બાપાશ્રીને મંદિરમાં નિવાસ કરાવ્યો. પછી બીજે દિવસે સ્વામી આદિ સંતોએ સહિત અનાદિમુક્ત બાપાશ્રીને પોતાના ભુવનમાં પધરાવ્યા ને ચંદન તથા પુષ્પના હાર ને નવીન વસ્ત્ર તેણે કરીને મુક્તરાજશ્રીની પૂજા કરી, ત્યાર પછી સંતની પૂજા કરી. પછી મુક્તરાજશ્રીની આગળ મેવાથી ભરેલાં પાત્ર મેલી દંડવત્‌ કરી હાથ જોડીને કહેવા લાગ્યા જે, ‘હે દયાળુ ! આપ અમારા ઉપર કૃપાદૃષ્ટિ કરીને અમારો આત્યંતિક મોક્ષ કરજો ને અમારું પૂરું કરજો; તમે અમને મળ્યા ત્યારથી જ અમારું તો પૂરું થઈ ગયું છે, પણ આટલા દિવસ આપને ઓળખ્યા વિના અલેખે ગયા ને હવે આપે દયા કરીને હાથ ગ્રહ્યો છે તે મૂકશો નહિ.’’

ત્યારે બાપાશ્રીએ રાજી થઈને તે દીવાનસાહેબ તથા તેમના ભાઈ ને તેમના પુત્ર આદિ સર્વેના ઉપર દયાદૃષ્ટિ કરીને માથે હાથ મેલ્યા ને તેમણે મેવાનાં ભરેલાં પાત્ર મેલ્યાં હતાં તેમાંથી પ્રસાદી આપી ને ‘તમારો સર્વેનો આત્યંતિક મોક્ષ કરશું’ એમ આશીર્વાદ આપીને મંદિરમાં પધાર્યા ને ત્રીજે દિવસ દીવાન આદિ ભક્તોએ પૂજ્યા થકા ત્યાંથી રેલમાં બેસીને મૂળી સ્ટેશન આવ્યા. ત્યારે મૂળીના સ્વામી ગોપીવલ્લભદાસજી તથા સ્વામી ભગવત્સ્વરૂપદાસજી આદિ સંતમંડળ અનાદિ મુક્તરાજશ્રીને આવવાના જાણીને આગળથી સ્ટેશને આવ્યા હતા. પછી રેલગાડી આવી ત્યારે તેમણે બાપાશ્રીને મૂળીએ ફરીથી પધારીને સુખ દેવાની વિનંતી કરી, ત્યારે બાપાશ્રી મૂળીએ પધાર્યા ને ઠાકોરજી તથા સંતનાં દર્શન કરી બે દિવસ રોકાયા, તેથી સર્વે સંત-હરિભક્ત રાજી થયા. પછી ત્યાંથી બીજે દિવસ ચાલ્યા, ત્યારે બીજા સંતો ત્યાં રહ્યા ને સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી ને આશાભાઈ બાપાશ્રી ભેગા કચ્છમાં જવા ગાડીમાં બેઠા ને તેમણે સહિત બાપાશ્રી વાંકાનેર ને રાજકોટ થઈને જામનગર આવ્યા. ત્યાં સ્વામી રાધામનોહરદાસજી મહંત હતા તેમણે તથા તે ગામના સર્વે હરિભક્તે બાપાશ્રીને તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને સેવાએ કરીને રાજી કર્યા. પછી બીજે દિવસ પોતે વહેલા તૈયાર થયા ને ઘણા સંત-હરિભક્ત વળાવવા આવ્યા તે સર્વેને રાજી કરીને બાપાશ્રી આગબોટમાં બેસી તૂણે ઊતર્યા, ત્યાં ધનજીભાઈ આદિ ઘણા હરિભક્ત સામા આવેલા, તે સૌ હાર પહેરાવી દંડવત્‌ કરીને મળ્યા. પછી સંતો તથા બાપાશ્રી આદિ સર્વેએ નાહીને કોરાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે ધનજીભાઈને યાદ આવ્યું તેથી બાપાશ્રીને કહ્યું જે, ‘‘બાપા ! તમે નાહ્યા ત્યારે હું કહેવું ભૂલી ગયો પણ આપને નાહ્યા જેવું છે. તે જો અહીં નહિ નાહો તો આગળ જ્યારે ખબર પડશે, ત્યારે બધાંય લૂગડાં પલાળવાં પડશે.’’

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હું તો જામનગરમાં એક વાર નાહ્યો છું; બીજી વાર નવરાવવો હોય તો રેડો પાણી; મારી ના નથી. અમારા મનજીની દીકરી દુઃખાણી છે એ વાત છે કે બીજું ? તમને નાહ્યાનું ન મનાતું હોય તો આશાભાઈને પૂછો.’’ આ વાતથી ધનજીભાઈ પણ વિસ્મિત થયા. પછી બાપાશ્રી ને સંતોએ પૂજા કરી લીધી, ત્યાં રેલ આવી એટલે સૌ ગાડીમાં બેઠા. આગળ જતાં અંજાર આવ્યું ત્યાં પણ હરિભક્તો દર્શન કરવા ઊભા હતા. ત્યાંથી ભૂજ સ્ટેશન આવ્યા, ત્યાં તો સ્ટેશને બાપાશ્રીના પધારવાના સમાચાર આગળથી મળ્યા હોવાથી ભૂજના તથા ગામડાંના ઘણા હરિભક્તો સામા આવ્યા હતા ને ભૂજના ભોગીલાલભાઈ બાપા સારુ સ્ટેશને ગાડી લાવ્યા હતા. પછી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તે સર્વેને દર્શન દઈને ભોગીલાલભાઈની ગાડીમાં બેઠા ને ભોગીલાલભાઈ તથા દેવરાજભાઈ તે પણ બાપાશ્રીની સાથે ગાડીમાં બેઠા. અને સ્વામી ઈશ્વરચરણદાસજી ને મુક્તવલ્લભદાસજી તે બીજી ગાડીમાં બેઠા અને બાપાશ્રીની ગાડી આગળ હજારો હરિભક્તો ઝાંઝ-મૃદંગ બજાવી કીર્તન બોલીને ઉત્સવ કરતા થકા આગળ ચાલવા લાગ્યા ને બાપાશ્રી ગાડીની કેડે હજારો હરિભક્ત ચાલતા હતા. હવે અનાદિ મુક્તરાજ બાપાશ્રી તે પુરમાં આવ્યા સાંભળીને પુરના હજારો લોકો દર્શન કરવા આવ્યા હતા, તે સર્વે મુક્તરાજ બાપાશ્રીનાં દર્શન કરીને કૃતાર્થ થયા અને બાપાશ્રી સર્વેને દર્શન દઈને મંદિરમાં પધાર્યા ને ત્યાં ઠાકોરજીનાં દર્શન કરીને સભામંડપમાં આવ્યા. તે વખતે સર્વે સંતમંડળ બાપાશ્રીને મળવા આવ્યા, તેમને મળીને બાપાશ્રી સભામાં આસન ઉપર વિરાજમાન થયા ને સર્વે સંત-હરિભક્તની સભા થઈ. પછી બાપાશ્રીએ તે સભામાં મૂળીમાં પાટોત્સવ થયો તેની તથા ઝાલાવાડ ને ગુજરાતના હરિભક્ત તેમનાં અતિ હેત ને શ્રદ્ધા તેની વાતો કરીને સર્વેને રાજી કર્યા. પછી સભા વિસર્જન કરી ને પોતે મેડા ઉપર આસને પધાર્યા. ત્યાં રાત્રીએ બ્ર. નિર્ગુણાનંદજીએ બાપાશ્રી સારુ ખીચડી વગેરે થાળ કર્યા હતા તે જમ્યા ને ઠાકોરજીની શયન-આરતીનાં દર્શન કરીને યોગનિદ્રા અંગીકાર કરી સૂઈ રહ્યા. પછી બીજે દિવસ જમીને ઠાકોરજીનાં દર્શન કરી તથા સર્વે સંતોને મળીને ચાલવા તૈયાર થયા ને મંદિરની વાડીમાં આવ્યા. ત્યાં પણ ઘણા સંત-હરિભક્ત આવ્યા હતા, તેમને મળીને સગરામમાં બેઠા અને સંતમંડળે પુષ્પના હાર પહેરાવ્યા. પછી બાપાશ્રી ભૂજના સર્વે સંતોને તથા સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી ને આશાભાઈ-તેમને પણ ઊભા રહેવાનું કહી ગાડીને હંકાવીને ભારાપર પહોંચ્યા, ત્યારે ત્યાં વૃષપુરના ઘણા હરિભક્ત કીર્તન બોલતા બોલતા સન્મુખ આવ્યા ને બાપાશ્રીનાં દર્શન કરીને દંડવત્‌ કરવા લાગ્યા ને બાપાશ્રીએ તે સર્વે હરિભક્તોએ સહિત વૃષપુરમાં પ્રવેશ કરી મંદિરમાં આવીને પ્રથમ ઠાકોરજીનાં દર્શન કર્યાં. પછી પોતાના મંદિરમાં નિવાસ કર્યો ને ત્યાંના સ્નેહી હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરીને પરમ આનંદ પામ્યા.

ઇતિ વિશ્રામ ૬૯