વિશ્રામ ૫૭
ત્યાર બાદ અસાડ વદ અમાસને દિવસે કથાની સમાપ્તિ કરવાની છે અને સર્વે સંત-હરિભક્તને મહાયજ્ઞમાં જમાડી મૂર્તિનું સુખ આપવું છે, તે સારુ અનાદિ મુક્તરાજશ્રીએ બ્રાહ્મમુહૂર્તમાં જાગીને પોતાનો નિત્યવિધિ કર્યો અને સર્વે સંત ને હરિભક્ત તે પણ નિત્યનિયમ કરી છત્રીએ જઈ સભામાં બેસી કથારૂપી અમૃતનું પાન કરવા લાગ્યા. અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી કથામૃતનું પાન સર્વેને કરાવવા લાગ્યા. અને બાપાશ્રી પણ પાલખીમાં બેસી ને કેટલાક સંત-હરિભક્તને સાથે લઈને છત્રીએ પધાર્યા, ત્યાં ચરણારવિંદનાં દર્શન કરીસભામાં સર્વેને દર્શન દઈને ઢોલિયામાં બિરાજ્યા. અને સંત-હરિભક્ત મુક્તરાજશ્રીનાં દર્શનથી આનંદ પામી કથા સાંભળતા હતા. તે સમે રામપુર, દહીંસરા, નારાયણપુર, કેરા, ભારાસર, સામત્રા, માનકૂવા, સુખપુર, માધાપુર આદિ ગામના હજારો હરિભક્ત આવવાલાગ્યા અને ભૂજથી મહેતા ભોગીલાલભાઈ, માસ્તર માવજીભાઈ, લાલશંકરભાઈ, જેઠી ઘેલાભાઈ, કોટવાળ ધનજીભાઈ, નાનાલાલભાઈ આદિ ભૂજના હરિભક્ત આવ્યા હતા, અને ગુજરાત આદિ દેશના હરિભક્ત તો બાપાશ્રીને માંદા સાંભળીને આવ્યા હતા. અને ભૂરાભાઈ, નાગજીભાઈ આદિ સર્વે પહેલેથી જ આવેલા હતા અને હવે બાપાશ્રી સાજા થયા તે નિમિત્તે બાપાશ્રીએ યજ્ઞ કર્યો, તેમાં સર્વે સંત-હરિભક્ત બાકી હતા તે પણ આવ્યા હતા અને મહા મોટો સમૈયો ભરાયો હતો. ને તે દિવસે યજ્ઞની સમાપ્તિ હતી, તેથી બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ ને મનજીભાઈ તથા પૌત્ર માવજીભાઈ, જાદવજીભાઈ, હરજીભાઈ તે સર્વે પૂજા કરવા સારુ આવ્યા. તેમણે ચંદન-પુષ્પના હારથી પુસ્તક તથા પુરાણીની પૂજા કરી અને ભૂજ-ઠાકોરજીની ભેટ મૂકીને આરતી કરવા લાગ્યા અને સંતમંડળ કીર્તન ગાવા લાગ્યા. પછી તેઓએ સભામાં સર્વે સંતની પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યાં. પછી સંતમંડળે બાપાશ્રીની પૂજા કરી. ત્યાર પછી મુક્તરાજશ્રી પલંગમાં બેઠા થકા સંતને પાસે બોલાવીને પૂજા કરવા લાગ્યા. પછી હરિભક્તોની પૂજા કરતાં અતિશય જ ભીડ થઈ ત્યારે બાપાશ્રી ચંદનના તાંસળામાં પાણી રેડાવી પોતાના હસ્તકમળે કરીને સર્વે હરિભક્તને ચંદન છાંટવા લાગ્યા ને બોલ્યા જે, ‘‘આ પાણી જેને અડશે તેનું આત્યંતિક કલ્યાણ થશે.’’ -એમ સર્વેને આશીર્વાદ આપ્યા. પછી સર્વે સંત બાપાશ્રીની આજ્ઞાથી મંદિરમાં જઈ ઠાકોરજીના થાળ કરીને જમ્યા અને મુક્તરાજશ્રી તો હજારો બાઈઓ-ભાઈઓ છત્રીએ આવ્યા હતા, તે સર્વેને દર્શન દેવા સારુ ત્યાં જ રહ્યા અને સર્વેને દર્શન દઈને પાકશાળામાં પધાર્યા. ત્યાં પાકશાળામાં રહેલા જે વૃષપુરના હરિભક્ત તેમને કહ્યું જે, ‘‘સમૈયામાં આવેલા સર્વે હરિભક્તને જમાડજો.’’ એમ આજ્ઞા કરી. ત્યારે તે પાકશાળામાં રહેલા હરિભક્તો ગામડેથી આવેલા સર્વે હરિભક્તોની પંક્તિઓ કરાવીને શીરો, શુખડી, શાક, દાળ, ખીચડી, ઘી વગેરે પીરસીને સારી રીતે જમાડવા લાગ્યા ને ઘણા હરિભક્ત આવ્યા હતા તેથી દસ વાગ્યાથી પંક્તિ થઈ તે દિવસના પાંચ વાગ્યા સુધી સર્વેને જમાડ્યા. એવી રીતે સર્વેને જમાડીને બાપાશ્રી મંદિરમાં આવ્યા અને બ્રહ્મચારીએ બાપા સારુ રસોઈ કરી હતી તે જમ્યા. પછી ઓસરીમાં ઢોલિયામાં બેઠા ને ફરતાં ગામડાંના હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરી રજા લઈને ચાલતા થયા. અને ભૂજના સંત તથા હરિભક્ત તે પણ બાપાશ્રીનાં દર્શન કરીને ગયા. ને સ્વામી વૃંદાવનદાસજી ને પુ. હરિપ્રસાદદાસજી એ આદિ સંત તથા ભૂરાભાઈ, નાગજીભાઈ, આશાભાઈ આદિ હરિભક્ત તે પણ બાપાશ્રીને સારું થયું જાણી બીજે દિવસ જવાનો વિચાર કરીને તે દિવસ રહ્યા, અને સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત ને કેટલાક હરિભક્ત -તે બાપાશ્રીની મરજી જોઈને સેવામાં રહ્યા.
ત્યાર પછી બીજે દિવસ ઓસરીમાં સંત-હરિભક્તની સભા બેઠી હતી ને બાપાશ્રી પણ સભામાં બેઠા હતા ને વચનામૃતની કથા વંચાતી હતી, તે સમે ભૂરાભાઈ, નાગજીભાઈ આદિ બાપાશ્રીનાં દર્શન કરીને પાસે બેઠા. તે સમે બાપાશ્રીની કૃપાથી તેમને શ્રીજીમહારાજે દિવ્યસ્વરૂપે દર્શન આપ્યાં; તે કેવાં, તો શ્રીજીમહારાજના સ્વરૂપમાંથી તેજનાં કિરણો છૂટવા લાગ્યાં તે અતિ શ્વેત, શીતળ, શાંત એવાં તેજનાં કિરણોથી મંદિર ભરાઈ રહ્યું અને તે તેજમાં તેજોમય મૂર્તિ એવા શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને મૂર્તિમાંથી અપરંપાર તેજ છૂટે છે ને પાછું મૂર્તિમાં લીન થઈ જાય છે એવાં શ્રીજીમહારાજનાં દર્શન થવા લાગ્યાં. અને બાપાશ્રી તથા બાપાશ્રી પાસેબેઠા હતા જે મોટા મોટા સંત ને હરિભક્ત તે સર્વે દિવ્ય તેજોમય દેખાયા અને મંદિર ને ચોક તે પણ સર્વે તેજોમય દેખાયું. અને અતિશય તેજોમય અને અતિશય આનંદઘન-સ્વરૂપ એવા શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તેમનાં દર્શન થયાં ને પોતાના દેહનું ભાન ભૂલી શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ ગયા ને મૂર્તિનાં સુખનો અનુભવ થયો ને કથાનું ‘શ્રીપતિમ્’ થયું ત્યાં સુધી એવાં દર્શન થયાં. પછી બાપાશ્રીની ઇચ્છાથી દેહનું ભાન આવ્યું અને શ્રીહરિ અદૃશ્ય થઈ ગયા ને બાપાશ્રી પણ મનુષ્યરૂપે દેખાવા લાગ્યા, ને બાપાશ્રીના વિજોગની ચિંતા થતી હતી તે પણ ટળી ગઈ. પછી બાપાશ્રીની આજ્ઞાથી દેશમાં જવા તૈયાર થયા. અને સ્વામી વૃંદાવનદાસજી ને પુ. હરિપ્રસાદદાસજી તે પણ જમીને જવા તૈયાર થયા ને બાપાશ્રીને દંડવત્ કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રી તેમને મળીને બોલ્યા જે, ‘‘અમે સદાય તમારા ભેગા છીએ ને તમને શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રાખ્યા છે, માટે તમે શ્રીજીમહારાજ-સ્વરૂપ છો ને અનેક જીવના મોક્ષને અર્થે તમને આ લોકમાં રાખ્યા છે.’’ -એમ આશીર્વાદ આપીને જવાનીરજા આપી. ત્યારે સ્વામી વૃંદાવનદાસજી, પુ. હરિપ્રસાદદાસજી, નાગરજીભાઈ, ભૂરાભાઈ, આશાભાઈ તેઓ સર્વે દેશમાં ગયા.
ત્યાર પછી બાપાશ્રીએ શું લીલા કરી તે કહીએ છીએ : તેમાં પ્રથમ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ જે, સર્વથી પર શ્રીજીમહારાજનું અક્ષરધામ છે; તે કેવું છે, તો અતિ શ્વેત, શીતળ, શાંત, ઘાટું અને નિરુપમેય ને અધોઊર્ધ્વ ચારે કોરે પ્રમાણે રહિત એવો શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો સમૂહ છે. તે તેજના સમૂહને જ વચનામૃતમાં અક્ષરધામ કહ્યું છે. તે ધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સદાય રહ્યા છે; તે કેવા છે, તો સર્વ કારણના કારણ છે અને મુક્ત તથા અનાદિમુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા છે. એવા સ્વામિનારાયણ ભગવાન -તે પોતાના અનાદિમુક્તને પોતાના સ્વરૂપમાં રાખે છે ને પરમએકાંતિક મુક્તને પોતાની સમીપે રાખે છે. એવા સ્વતંત્ર, સ્વયંપ્રકાશ ને ભક્તિધર્માત્મજ અને રામપ્રતાપાનુજ, ઇચ્છારામગ્રજ, છપૈયાપુરવાસી ને મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી આદિ અનંત અનાદિમુક્ત જેમના ગુણ ગાય છે ને ગોપાળાનંદસ્વામી, ગુણાતીતાનંદસ્વામી આદિ અનંત અનાદિમુક્ત જેમનું માહાત્મ્ય અતિ અપાર અપાર કહે છે અને મુકુંદવર્ણી ભગુજી, ઉત્તમનૃપ આદિ અનંત પાર્ષદ જેમની સેવામાં નિરંતર રહ્યા છે અને જયા, લલિતા આદિ અનંત શક્તિઓ જેમનાં ચરણ સેવે છે, એવા સર્વોપરી સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન એક જ છે ને તેમના બીજા સર્વે મુક્ત ને અવતાર તે સર્વે અનેક છે. તે જ ભગવાન પોતે જીવોના મોક્ષ કરવા નરનાટક ધારણ કરે છે ને ક્યારેક તેમના અવતાર પૃથ્વી ઉપર પ્રગટ થાય છે, અને ક્યારેક મોક્ષ કરવા પોતાના મુક્તને મોકલે છે. એવા અનાદિમુક્ત બાપાશ્રી તે પોતાના શરીરમાં થોડો તાવ ને ગરમી તે રૂપી કસર જણાવતા હતા અને અહોનિશ કથા-કીર્તન કરાવીને સાંભળતા હતા, ને સંધ્યા-આરતી થયા પછી મંદિરમાં ઠાકોરજી ને સંત-હરિભક્ત, તેમનાં દર્શન કરીને સંત પાસે કીર્તન બોલાવીને સાંભળતા. ને પહેલી કથા થઈ રહ્યા પછી ચોકમાં સૂતા ને હરિભક્ત બાપાશ્રી પાસે બેસીને કીર્તન બોલતા, ને કીર્તન સાંભળીને પછી કથા કરાવતા ને કથા તથા નિત્યનિયમ થઈ રહ્યા પછી સંતમંડળ ચોકમાં બાપાશ્રીના ખાટલા ફરતા બેસીને કીર્તન બોલતા. તેમાં કોઈક દિવસ સર્વે સંત રાત્રીના ચાર વાગ્યા સુધી કીર્તન બોલીને બાપાશ્રીને રાજી કરતા ને મુક્તરાજ બાપાશ્રી પણ દિવસના ઓસરીમાં બેસીને ‘ભક્તચિંતામણિ’ની કથા અખંડ સાંભળતા. અને કોઈક દિવસ સંતમંડળે સહિત પાછલા પહોરમાં માંચીમાં બેસીને વાડીએ પધારતા ને કોઈક દિવસ છત્રીએ પધારતા ને ત્યાં ઓટે બેસીને વાતો કરતા ને સર્વે સંત બાપાશ્રીની ચંદનપુષ્પથી પૂજા કરતા. પછી સંતમંડળ સહિત મંદિરમાં પધારતા - એમકેટલાક દિવસ સર્વેને સુખ આપ્યું.
પછી શ્રાવણ વદ છઠને દિવસ બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસજી તેમને બાપાશ્રીએ ભૂજ જવાની આજ્ઞા કરી, ત્યારે તે બંને તથા શ્રીરંગદાસજી આદિ સંત ભૂજ જવા તૈયાર થઈ બાપાશ્રીને દંડવત્ કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રી તેમને મળીને બોલ્યા જે, ‘‘અમે તમારા ભેગા છીએ ને તમને મૂર્તિમાં રાખ્યા છે માટે આનંદમાં રહેજો અને કથાવાર્તા કરી સર્વેને મૂર્તિના સુખમાં રહેજો.’’ -એમ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા ને ભૂજ મોકલ્યા. પછી સ્વામી ધર્મકિશોરદાસજી ને ભગવત્સ્વરૂપ આદિ સંત, તે પણ બાપાશ્રીની આજ્ઞાથી મૂળી જવા તૈયાર થઈને બાપાશ્રીને દંડવત્ કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રીએ તેમને મળીને આશીર્વાદ આપ્યા જે, ‘‘અમે સદાય તમારા ભેળા રહીશું ને તમે સર્વેને સુખિયા કરજો.’’ -એમ કહ્યું. પછી તે સંત મૂળીએ ગયા ને સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, ગોપીવલ્લભદાસજી, દેવજીવનદાસજી આદિ કેટલાક સંત બાપાશ્રીની મરજીથી ત્યાં જ રહ્યા અને લાલુમલભાઈ, મહાદેવભાઈ ને સોમચંદભાઈ તેમને બાપાશ્રી ચાલી શકે તેવા સાજા થાય ત્યારે આપણે જવું એવો સંકલ્પ હતો. પછી બાપાશ્રીને સાજા થયા જાણી તે પણ ગયા ને બાપાશ્રીને પણ ચાલીને વાડીએ જઈ શકે તેવું સારું થઈ ગયું હતું ને તે વર્ષમાં બાપાશ્રીની મરજીથી સત્સંગમાં તથા સર્વે જગતમાં તાવનારોગની પ્રવૃત્તિ ઘણી થઈ હતી; કેમ જે, પોતે તાવ ગ્રહણ કર્યો તેથી સર્વે સત્સંગમાં ને જગતમાં મંદવાડની પ્રવૃત્તિ થઈ હતી. તેમાં બળદિયા ગામમાં સર્વે સંતને તથા હરિભક્તને તાવ આવવા મંડ્યો. ત્યારે બાપાશ્રી વાડીએ જઈને રહ્યા ને મંદિરમાં સંત હતા, તેમને પણ નારાયણપુર મોકલ્યા ને ત્યાં સર્વે સંતને વિશેષ તાવ આવવા લાગ્યો ને કોઈ કોઈને પાણી પાય તેમ રહ્યું નહિ, અને તે ગામના હરિભક્ત સંતની સેવા કરતા. ને તે મંદવાડમાં કેટલાક ભક્તજનો પણ દેહ મેલી ભગવાનના ધામમાં ગયા હતા અને તે વર્ષમાં વૃષ્ટિ નહોતી થઈ તેથી દુષ્કાળનું વર્ષ હતું. એવી રીતે બાપાશ્રીના મંદવાડની પ્રસાદી સર્વત્ર વહેંચાઈ હતી. હવે સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંત આસો માસમાં સાજા થયા. પછી નારાયણપુરથી બાપાશ્રીનાં દર્શન કરવા વાડીએ બાપાશ્રીની પાસે આવ્યા ને દર્શન કરી દંડવત્ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી સર્વે સંતને મળ્યા ને રાજી થઈને તેમને કહ્યું જે, ‘‘અમે સદાય તમારા ભેગા છીએ ને તમે મૂર્તિને સુખે સુખિયા છો માટે સર્વેને સુખિયા કરજો. હવે તમે ભૂજ-ઠાકોરજીનાં દર્શન કરીને તમારા દેશમાં જાઓ.’’ -એમ આજ્ઞા કરી. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત ભૂજ આવી ઠાકોરજી ને સંતનાં દર્શન કરી આસો સુદ એકાદશીને દિવસે મૂળી-અમદાવાદ વગેરે પોતાના સ્થાનકે ગયા.
ઇતિ વિશ્રામ ૫૭