વિશ્રામ ૪૫
સંવત ૧૯૭૨ની સાલમાં, ક્ષર અક્ષરથી પર અક્ષરધામના નિવાસી ને અનંત મુક્તના સ્વામી એવા પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, તેમના સંકલ્પથી જીવના મોક્ષ કરવા સારુ મનુષ્યરૂપે સર્વને દૃષ્ટિગોચર થયેલા એવા, અને જેમને અનંત જીવના મોક્ષ કરવાનું જ તાન છે એવા મુક્તરાજશ્રી તે તૈયાર થઈ દેવરાજભાઈને, તથા ધનજીભાઈ, ખીમજીભાઈ, આદિ દસ હરિભક્તને સાથે લઈને છપૈયે જવા નીસર્યા, તે પ્રથમ ભૂજ પધાર્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી ભૂજના સંત-હરિભક્તોને મળી અમદાવાદ તથા છપૈયે જવાની વાતકરી, ત્યારે તે પણ સર્વે રાજી થયા. પછી બાપાશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતને સાથે લઈ ગાડીમાં બેસીને સ્ટેશને પધાર્યા, ત્યાં ઘણા સંત-હરિભક્ત સ્ટેશને આવ્યા હતા તેમને પાછા વાળી સંત-હરિભક્ત સહિત પોતે રેલવેમાં બેઠા તે તુણા બંદરથી આગબોટમાં બેસી રોજી બંદર ઊતર્યા. ત્યાં જામનગરના સોની ડાહ્યાભાઈ આદિ ઘણા હરિભક્તો સામા આવ્યા હતા, તેમણે મુક્તરાજશ્રીને તથા સદગુરુ સ્વામીનો ઘોડાગાડીમાં બેસાર્યા ને બીજા સંત-હરિભક્ત ચાલ્યા તે જામનગર મંદિરમાં આવ્યા. ત્યાં બીજે દિવસ મુક્તરાજશ્રી પ્રાતઃકાળમાં નિત્યવિધિ કરીને જમ્યા. પછી સંત-હરિભક્તે સહિત સ્ટેશને પધાર્યા. તે સમે જામનગરનાં હજારો હરિભક્ત મુક્તરાજશ્રીનાં દર્શન કરવા સારુ આવ્યા. તેમને સર્વેને દર્શન દઈ બાપાશ્રી સંત-હરિભક્તની સાથે રેલગાડીના એક ડબ્બામાં બધા ભેગા બેઠા. તે વખતે બાપાશ્રીની સાથે હરિભક્ત હતા તે અખંડ કીર્તન બોલતા ને બાપાશ્રી વાતો કરતા ને સર્વે સંત-હરિભક્તને રેલગાડીમાં પણ બાપાશ્રીના સમાગમથી અક્ષરધામના જેવું સુખ આવતું હતું ને ડબ્બો પણ અક્ષરધામ તુલ્ય થઈ ગયો હતો. પછી મુક્તરાજશ્રી ત્યાંથી રાજકોટ આવ્યા, ત્યાં બાપાશ્રીનાં દર્શન કરવા મોરબીના શેઠ હીરજીભાઈના ભાઈ ગોવિંદભાઈ ને કાળુભાઈ આદિ હરિભક્ત આવ્યા હતા, તે સર્વેને દર્શન દઈને બાપાશ્રીએ સ્ટેશન ઉપર નદીમાં સ્નાન કર્યું ને ત્યાંથી વાંકાનેર આવ્યા. ત્યાં પણ ઘણા હરિભક્ત આવ્યા હતા, તે સર્વેને દર્શન દઈને બાપાશ્રી મૂળી સ્ટેશને ઊતર્યા. ત્યાં ઘણા સંત-હરિભક્ત સામા આવ્યા, તેમણે બાપાશ્રી તથા સદગુરુને શિગરામમાં બેસાર્યા ને સર્વે મંદિરમાં આવ્યા. તે વખતે બાપાશ્રીનો ઉતારો નવી જગ્યાના મેડા ઉપર રાખ્યો હતો ને બાપાશ્રીની સાથે આવેલા સ્વામી ઈશ્વચરણદાસજી આદિ સંત ને દેવરાજભાઈ આદિ હરિભક્ત તે પણ બાપાશ્રીના ભેળા ત્યાં જ ઊતર્યા હતા. હવે બાપાશ્રી મૂળી પધાર્યા છે, એવું સાંભળીને ગામડામાં રહેલા સંત-હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરવાસારુ જેમ સમુદ્રની સન્મુખ નદીઓ આવે, તેમ તત્કાળ આવવા લાગ્યા ને મૂળી મંદિરના મહંત સ્વામી હરિનારાયણદાસજી ને તેમના સાધુ ગુણાતીતદાસજી, ગોપીવલ્લભદાસજી આદિ તથા પુ. ધર્મકિશોરદાસજી આદિ નાનામોટા સર્વે સંત તથા હરિભક્ત તે અતિ હેતે કરીને બાપાશ્રીનાં દર્શન સેવા-સમાગમ કરવા લાગ્યા. તે વખતે મૂળીમાં સંત-હરિભક્તનો સમુદાય સમૈયા જેવો હતો ને બાપાશ્રી નિત્યે ચાર વાગે જાગી ધ્યાનમાં બેસતા ને પાંચ વાગે કૂવા ઉપર સ્નાન કરતા. પછી નિત્યવિધિ કરી મંગળા-આરતીમાં ઠાકોરજીનાં દર્શન કરીને સભામાં બેસતા ને સભા ઠસોઠસ ભરાઈ જતી ને સ્વામી વૃંદાવનદાસજી વાતો કરતા. એમ નવ વાગ્યા સુધી કથાવાર્તા થાતી ને બે વાગ્યા પછી બાપાશ્રીના આસને સભા થાતી.
એક દિવસ બાપાશ્રી પાસે સ્વામી હરિનારાયણદાસજી આદિ મૂળીના ઘણા સંત બેઠા હતા ને સ્વામી વૃંદાવનદાસજી આદિ અમદાવાદના સંત પણ હતા ને લીંબડી સ્ટેટના દિવાન ઝવેરભાઈ તથા કારભારી રાણાશ્રી મેઘાભાઈ એ બન્ને આ મુક્તરાજશ્રીનાં દર્શન કરવા લાગ્યા હતા, તેઓ પણ તે સભામાં બાપાશ્રી પાસે બેઠા હતા. તે વખતે એક સંતે ઠાકોરજીની પ્રસાદીનો મોટો હાર લાવી બાપાશ્રીને પહેરાવ્યો, ત્યારે મેઘાભાઈના મનમાં એમ થયું જે, ‘આ બાપાશ્રી અનાદિમુક્ત છે ને તે સર્વેના અંતરનું જાણે છે એમ ઘણા સંત-હરિભક્ત કહે છે, પણ મારો સંકલ્પ જાણી પોતે પહેરેલો હાર જો મને પહેરાવે તો બાપાશ્રી અંતર્યામી ખરા, પણ દિવાન સાહેબ સાથે છે એટલે લોકવ્યવહારે કદાચ એમને આપવો જોઈએ પણ મને જ આપે તો અનાદિમુક્ત ખરા.’ -એમ સંકલ્પકરતા હતા, ત્યાં તો બાપાશ્રીએ પહેરેલો હાર પોતાના હાથમાં લીધો. તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીએકહ્યું જે, ‘‘ઝવેરભાઈને હાર પહેરાવો.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘સ્વામી ! મેઘાભાઈનો સંકલ્પ છે.’’ -એમ કહી એ હાર મેઘાભાઈને પહેરાવ્યો. એ વખતે સ્વામી હરિનારાયણદાસજીએ કહ્યું જે, ‘‘ભાઈ ! તમે થોડી વાત કરો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘જેવા સ્વામિનારાયણ ભગવાન છે તેવા સાક્ષાત્ જણાય તો એ મૂર્તિ ક્ષણ વાર ભુલાય નહીં; જીવમાં મહિમા સમજાય તો મૂર્તિમાં રસબસ થઈ રહેવાય. અને મૂર્તિનું સુખ આવે તો મૂર્તિ વિના સર્વે ખારું ઝેર થઈ જાય ને આવા જોગમાંથી મહિમા સમજાય; આ જોગ બહુ દુર્લભ છે.’’ -એમ બાપાશ્રીએ ઘણીક વાતો કરી, તેને સાંભળીને સર્વે બહુ રાજી થયા. પછી સભા વિસર્જન થઈ ત્યારે મેઘાભાઈએ બાપાશ્રીએ પોતાનો સંકલ્પ જાણી હાર આપ્યો તે વાત કરી. આવી રીતે બાપાશ્રી મૂળીમાં પાંચ દિવસ રહી ઐશ્વર્ય-પ્રતાપ જણાવી ત્યાંથી ફાગણ વદ દશમને દિવસ લીલાપુર પધાર્યા. તે વખતે મૂળીના ઘણાક સંત બાપાશ્રીનાં દર્શન-સમાગમની ઇચ્છાથી ભેળા આવ્યા ને ગામડાના હરિભક્તો પણ ઘણા આવ્યા હતા. ને બાપાશ્રી ત્યાં રાત રહી એકાદશીને દિવસ ફળાહાર કરીને ચાલ્યા, -તે સર્વે સંત-હરિભક્ત સહિત ગામ સેડલે તથા બજાણે થઈને બારસની(બારસવાહિની એકાદશી હોવાથી ફાગણ વદ તેરસના પધાર્યા હતા. સં.૧૯૭૨) સવારમાં ગામ પાટડી પધાર્યા.
હવે પાટડીમાં બાપાશ્રીનો ઉતારો કાળિદાસભાઈને ઘેર રાખ્યો હતો ને તે દિવસ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની હતી. તેથી બાપાશ્રી તથા સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતમંડળ મંદિરમાં આવ્યા. તે સમે નાગજીભાઈ આદિ હરિભક્ત મંડપમાં મૂર્તિઓ પધરાવીને હોમ-હવન કરતા હતા. પછી પૂજાવિધિની સમાપ્તિ કરીને મૂર્તિઓ સિંહાસન પાસે લાવ્યા, ત્યારે બાપાશ્રી ને બન્ને સદગુરુ ત્યાં આવ્યા ને અનાદિ મુક્તશ્રીએ શ્રીજીમહારાજની મોટી મૂર્તિને પોતાના હાથે સિંહાસનમાં પધરાવી ને સદગુરુઓએ બીજી મૂર્તિ બીજા સિંહાસનમાં પધરાવી. પછી બાપાશ્રીએ આવાહનમંત્ર બોલીને સર્વે મૂર્તિઓ ઉપર પોતાનો હાથ ફેરવ્યો. પછી બાપાશ્રી મોટી મૂર્તિ સામું જોઈ રહ્યા. તે સમે મૂર્તિમાંથી અપરંપાર તેજ છૂટવા માંડ્યું અને તેજનો સમૂહ થઈ ગયો અને તે તેજમાં તેજોમય મૂર્તિ એવા શ્રીજીમહારાજ ને બાપાશ્રીનાં દિવ્યરૂપે બન્ને સદગુરુ ને નાગજીભાઈ આદિ કેટલાકને સાક્ષાત્ દર્શન થયાં તે જ્યાં સુધી બાપાશ્રીએ અને બેય સ્વામીએ આરતી ઉતારી ત્યાં સુધી તેવાં દર્શન થયાં, પછી શ્રીજીમહારાજ પ્રતિમારૂપે દેખાયા. ત્યાર પછી કાળિદાસભાઈ તથા નાગજીભાઈએ આરતી કરી. પછી બાપાશ્રી મંદિરમાં બિરાજમાન થયા ને બાપાશ્રી પાસે હજારો સંત-હરિભક્તની સભા બેઠી ને સ્વામી વૃંદાવનદાસજીએ વાતો કરી. પછી સમાપ્તિ કરીને અનાદિ મુક્તરાજશ્રી પોતાની સાથે આવેલા હરિભક્તને લઈને બાઈઓના મંદિરમાં જમવા પધાર્યા અને સંત તથા સર્વે હરિભક્ત ધર્મશાળામાં જમવા ગયા. તે સમૈયામાં કાળિદાસભાઈ ને નાગજીભાઈ તેમણે ધર્મશાળામાં સંત-હરિભક્તને જમાડવા સારુ બ્રાહ્મણ પાસે દાળ, ભાત, લાડુ વગેરેની ઘણી રસોઈ કરાવી હતી, પણ બાપાશ્રીને પધારવાના સાંભળીને હરિભક્ત ઘણા આવ્યા હતા. તેથી પંક્તિ જમવા બેઠી ત્યાં પહેલી પંક્તિમાં જ લાડુ વરી ગયા ને થોડા જ રહ્યા, તેથી ખૂટવાની બીકે શેઠ કાળિદાસભાઈ બાપાશ્રીને કહેવા લાગ્યા જે, ‘‘લાડુ તો થઈ રહેવા આવ્યા ને જમનારા મનુષ્ય ઘણા બાકી છે ને આ ગામમાં લોટ પણ તૈયાર મળશે નહિ તે લાજ જશે.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમે કાંઈ ફિકર રાખશો નહિ; સ્વામિનારાયણ ભગવાન ને અનાદિમુક્ત તમારા યજ્ઞમાં આવ્યા છે, તે લાડુ ખૂટવા દેશે નહિ ને વધી પડશે.’’ પછીતો સૌ જમ્યા, તોપણ લાડુ ઘણા વધ્યા ને બીજે દિવસ જે રહ્યા હતા તેમને પણ જમાડ્યા હતા, તેથી કાળિદાસભાઈ આદિ સર્વેને બાપાશ્રીનો પ્રતાપ જણાયો. પછી અનાદિમુક્તશ્રી ને સદગુરુ આદિ સંતમંડળ -તે ઉતારે આવ્યા અને શાંતિથી વિશ્રાંતિ કરી. ત્યાર પછી પાછલા પહોરે મંદિરમાં પધાર્યા ને સર્વે હરિભક્તોએ બાપાશ્રીની ને સંતોની પૂજા કરી. પછી બાપાશ્રીએ નાગજીભાઈને કહ્યું જે, ‘‘તમારે સૌને અમને પાંચ દિવસ રાખવાની ઇચ્છા હતી તે પૂરી થઈ; કેમ જે આત્યંતિક મોક્ષનું કામ અનંત વર્ષે કરીને ન થાય. તે કામ મોટા મુક્ત રાજી થાય તો એક મિનિટમાં કરી દે, તે થયું. અને અમે સદગુરુ આદિ સંત સહિત તમારે ઘેર આવ્યા ને જમ્યા-રમ્યા ને મંદિરમાં શ્રીજીમહારાજને પધરાવ્યા ને તમારી સેવા અંગીકાર કરીનેતમારા મનોરથ પૂરા કર્યા; હવે અમને રજા આપો.’’ ત્યારે નાગજીભાઈએ કહ્યું જે, ‘‘બાપા ! અમને કૃપા કરીને પોતાના કરી રાખ્યા છે ને સેવા-સમાગમનો ઘણો લાભ આપ્યો છે ને વળી કેવળ કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા છે, હવે શ્રીજીમહારાજની મૂર્તિનું અખંડ સુખ આવે એવા સદાય રાજી રહેશો ને ભેળા રાખશો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમને ભેળા રાખશું ને અમે તમારા ભેળા રહેશું અને મંદિરમાં મૂર્તિ પધરાવી છે તેમાં પણ મહારાજ પ્રગટ રહેશે.’’ પછી કાળિદાસભાઈએ બાપાશ્રીને કહ્યું જે, ‘‘બાપા ! તમે તો સમર્થ છો અને તમારો પ્રતાપ તો અમે નજરે દેખ્યો જે, લાડુ પહેલી પંક્તિમાં જ ખૂટી રહેવા આવ્યા હતા પણ આપે કહ્યું જે, ‘ખૂટશે નહિ.’ તેથી ખૂટ્યા જ નહિ ને થોડાકમાંથી જ સર્વે માણસ જમ્યા ને ગરીબોને આપ્યા, તોપણ વધી પડ્યા છે ને હજી પડ્યા છે માટે તે આપનો પ્રતાપ છે ને આપ તો અનાદિમુક્ત છો, તે મારો મોક્ષ કરજો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘કુટુંબે સહિત તમારો મોક્ષ કરશું અને તમારા ઘરમાં રહ્યા તે ઘર પણ પ્રસાદીનાં થયાં ને આ ઘરમાં જે રહેશે ને આ બારમાંથી જે નીકળશે તેનો પણ મોક્ષ થશે.’’ પછી શેઠ કાળિદાસભાઈના દીકરા ગોપાળજી મોહનભાઈ, કાંતિલાલ તથા રામભાઈ પંડ્યા, મેરાઈ રણછોડ, નાથાલાલ, અંબારામ આદિ સર્વેને બાપાશ્રીએ આત્યંતિક મોક્ષના આશીર્વાદ આપ્યા ને કથાવાર્તા કરવા-સાંભળવાની ને મહારાજની આજ્ઞામાં રહેવાની ભલામણ કરીને રાત્રી રહીને પછી બીજે દિવસ સંત સહિત બાપાશ્રી વિરમગામ પધાર્યા. ત્યાં એક દિવસ રહીને સરસપુર આવ્યા, ત્યાંથી મોટા મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરીને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને તથા સંતોને મળીને પાછા સરસપુર મંદિરમાં આવીને રહ્યા.
ઇતિ વિશ્રામ ૪૫