વિશ્રામ ૧૭

સર્વ સુખના નિધિ ને સર્વને સુખ આપનારા એવા શ્રીજીમહારાજ ને મુક્ત છે. તે શ્રીજીમહારાજ ને મુક્ત તેમણે સહિત ૬૦૦ હરિભક્તનો સંઘ તે શ્રીનગરથી ચાલ્યો તે માર્ગમાં જે ગામ આવે ત્યાં સર્વે જનો આ સંઘને જોઈને આશ્ચર્ય પામતાં, તેથી ગામમાંથી સઘળાં માણસો દોડતાં આવે ને ઊભાં રહી જોયા કરે, એવી રીતે આ દિવ્ય સંઘના હરિભક્તો હળવે હળવે ચાલતા ને શ્રીજીમહારાજને સંભારતા થકા ડભાણમાં દર્શન કરી વડતાલ પહોંચ્યા. અને માર્ગમાં સર્વે મળી વડતાલમાં ત્રણ દિવસ રોકાવાનો ઠરાવ કરી મંદિરમાં આવ્યા ને શ્રીહરિકૃષ્ણ મહારાજ ને શ્રીલક્ષ્મીનારાયણ દેવ તેમનાં દર્શન કરવા લાગ્યા, ત્યારે ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી ને સંત-બ્રહ્મચારી તેમને કચ્છનો સંઘ આવ્યાની ખબર પડી તેથી સર્વે રાજી થયા. અને મુક્તશ્રી સંઘના સર્વે હરિભક્ત સહિત સંતની જગ્યામાં સંતનાં દર્શન કરી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પાસે દર્શન કરવા ગયા ને શ્રીફળ વગેરે ભેટ મૂકી આચાર્ય મહારાજશ્રીનાં દર્શન કર્યાં ત્યારે ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીએ સર્વે સંઘને વંડામાં ઉતારા કરવાનું કહ્યું ને મંદિરમાં ઠાકોરજી જમાડવાનું કહ્યું. ત્યારે અનાદિમુક્તશ્રી તથા કેસરાભાઈ ને જાદવજીભાઈ આદિ સર્વેએ મળીને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને કહ્યું જે, ‘‘અમારા સંઘમાં ઘણાં મનુષ્ય છે, તેથી ગોમતીજીના કાંઠે આંબાવાડિયામાં ઊતરશું અને સંઘમાં સર્વે હરિભક્તને મંદિરમાંથી છાશ-મરચું કાંઈ પણ ન લેવું ને હાથે રસોઈ કરી ઠાકોરજીને જમાડવા એવું નિયમ રાખ્યું છે તેથી જમવાની તાણ કરશો નહિ અને ઠાકોરજીને થાળ ને સંતને રસોઈ તે અમારા વતી કરાવશો.’’ ત્યારે ધ. ધુ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે કહ્યું જે, ‘‘તમારું કચ્છનું વૃત્તાંત શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે બરાબર છે.’’ -એમ કહી અનાદિ મુક્તરાજશ્રીને હાર પહેરાવ્યો ને મુક્તશ્રીતથા મોટા મોટા સર્વે હરિભક્તોને મળ્યા. પછી સર્વે હરિભક્તો ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં ઊતર્યા ને રાત્રીએ કથાવાર્તા કરીને સૂઈ રહ્યા. બીજે દિવસ બાપાશ્રીએ ચાર વાગે જાગી મહારાજનું ધ્યાન કરી સંઘ સહિત ગોમતીજીમાં સ્નાન કર્યું ને વસ્ત્ર પહેરી માનસીપૂજા, મૂર્તિપૂજા આદિ નિત્યવિધિ કર્યો. પછી મુક્તરાજશ્રી ને બીજા સર્વે હરિભક્ત મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજનાં તથા શ્રી લક્ષ્મીનારાયણના દેવનાં દર્શન કરવા આવ્યા ને ભેટ મૂકી દંડવત્‌ કરી દર્શન કર્યાં; પછી સંતની જગ્યામાં ને બ્રહ્મચારીની જગ્યામાં દર્શન કરી સભામાં આવ્યા ત્યાં પૂજ્ય આચાર્ય મહારાજશ્રી, તથા સંતનાં દર્શન કરી આચાર્ય મહારાજશ્રીના પાર્ષદે પાથરેલું જે આસન તે ઉપર બેઠા ને કચ્છના બીજા સર્વે હરિભક્ત સભામાં બેઠા. તે સમે સભા અતિશય શોભવાલાગી ને પુષ્ટસ્વરૂપ એવા મુક્તશ્રીનાં દર્શન કરીને સર્વે હરિભક્તને અતિશય આનંદ ઊભરાતો હતો. એવી રીતે આઠ વાગ્યા સુધી કથાવાર્તા કરી, પછી સમાપ્તિ કરીને સૌ ઠાકોરજીનાં દર્શન કરવા ગયા ને મુક્તશ્રી પણ હરિભક્તે સહિત ઠાકોરજીનાં દર્શન કરીને ગોમતીજીને કાંઠે ઉતારે આવ્યા. ત્યાં હજારો સંત-હરિભક્ત મુક્તશ્રીના દર્શન-સમાગમ સારુઆવ્યા ને તે સર્વે દર્શન કરીને પાસે બેઠા.

પછી મુક્તશ્રી સર્વેને વાત કરવા લાગ્યા જે, ‘‘પ્રત્યક્ષ શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત તેમનાં દર્શન અક્ષરાદિકને પણ દુર્લભ છે, તેવા મહારાજ ને મુક્ત આપણને મળ્યા છે. માટે બીજું બધું મેલીને મહારાજની મૂર્તિમાં જોડાવું ને બીજા રાગ માત્ર મેલીને મહારાજની મૂર્તિનું સુખ પામવા યત્ન કરવો. પણ વાઘરણ રાજાની રાણી થઈ તોપણ ટુકડા માગી ખાવાનો સ્વભાવ મૂક્યો નહિ, તેમ સત્સંગમાં આવે, સાધુ થાય, તોપણ વાઘરણના સ્વભાવ મેલે નહિ; તે શું ? તો ઇંદ્રિયોને લાડ લડાવે, મહારાજની આજ્ઞામાં યથાર્થ વર્તાય નહિ, તો મૂર્તિ ક્યાંથી મળે ? ન મળે. તે સારુ તેવા સ્વભાવ મેલવા. ધર્મામૃત-નિષ્કામશુદ્ધિ પ્રમાણે મહારાજની આજ્ઞા પાળવી તો જ સત્સંગનું સુખ આવે.’’ ઇત્યાદિક વાતો કરતા હતા તે સમયે ગોપાળલાલભાઈ ઠાસરાથી આવ્યા ને મુક્તશ્રીને દંડવત્‌ કરી દર્શન કર્યાં, પછી પૂજા કરીને આરતી કરવા લાગ્યા ને સાકર આદિ ભેટ મેલી. પછી સંતોને કહ્યું જે, ‘‘આજ રાત્રીએ શ્રીજીમહારાજે મને દર્શન દઈને એમ કહ્યું જે, ‘અમારા અનાદિમુક્ત વડતાલ ગયા છે તે તમે દર્શન કરવા જાઓ.’ તેથી હું દર્શન કરવા આવ્યો છું.’’ -એમ કહી મુક્તશ્રીને હાથ જોડીને કહ્યું જે, ‘‘મારા ઉપર દયા કરીને મને તમારા ભેગો મૂર્તિમાં રાખશો.’’ ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘તમને મૂર્તિમાં રાખ્યા; અને તમારું પૂરું થયું જાણશો.’’ -એમ આશીર્વાદ આપ્યા ને સાકરની પ્રસાદી આપી. પછી કથાની સમાપ્તિ કરીને ભાઈશ્રી સંઘમાં જમવા સારુ પધાર્યા. આવી રીતે સંત-હરિભક્તને દર્શન-સમાગમનું સુખ આપતા થકા વડતાલમાં સંઘ સહિત મુક્તશ્રી ત્રણ દિવસ રહ્યા. પછી સંત-હરિભક્ત તથા પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને મળી ઠાકોરજીનાં દર્શન કરીને ચાલ્યા, તે ગામ બોચાસણ, બુધેજ થઈને ધોલેરા આવ્યા. ત્યાં શ્રીહરિકૃષ્ણ મહારાજ ને શ્રીમદનમોહનનાં દર્શનકરીને બે દિવસ રહ્યા ત્યાંથી ગામ કમિયાળું, કારિયાણી ને સારંગપુર થઈને મુક્તશ્રી સંઘ સહિત દુર્ગપુર આવ્યા. ત્યાં મંદિરની જગ્યામાં ઊતર્યા ને પ્રતિમારૂપે પ્રત્યક્ષ એવા શ્રીહરિકૃષ્ણ મહારાજ અને શ્રીગોપીનાથ મહારાજ તેમનાં નિત્યે ત્રણ વખત દર્શન કરતા, ઘેલા નદીમાં સ્નાન કરતા, દાદાખાચરના દરબારમાં ઓરડા, ઓસરીઓ, લીંબતરું ને અક્ષરઓરડી તે સ્થાનમાં દર્શન કરતા. લક્ષ્મીવાડીમાં નિત્યે દર્શને જતા, સંત-બ્રહ્મચારીનાં આસને દર્શન કરી સભામાં બેસીને વાતોનું સુખ આપતા ને ભક્તિબાગ, રાધાવાવ, ઘેલાનદીના ઘાટ જે ખળખળિયો, નારાયણધરો ને સહસ્ત્રધરો ત્યાં પણ સ્નાન કરવા ગયા હતા. તેમ જ સર્વે હરિભક્તોએ ને મુક્તરાજે ઠાકોરજીને થાળ ને સંતને રસોઈઓ વગેરે સેવા કરીને રાજી કર્યા. પછી સંઘ સહિત મુક્તશ્રી દુર્ગપુરથી ચાલ્યા તે ગોંડળ દર્શન કરીને જૂનાગઢ ગયા. ત્યાં ઠાકોરજી ને સંતમંડળનાં દર્શન કર્યાં ને ત્રણ દિવસ રહ્યા. ત્યાં સ્વામી જોગેશ્વરદાસજી, અક્ષરસ્વરૂપદાસજી આદિ મોટા મોટા સંત સાથે કથા-વાર્તા ને સેવા કરીને સર્વેને રાજી કર્યા. ત્યાંથી રાજકોટમાં ઠાકોરજીનાં દર્શન કરી જામનગર મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યાં ને બીજે દિવસ બાપાશ્રી સંઘ સહિત આગબોટમાં બેસી ભૂજનગર આવ્યા. ત્યાં શ્રીહરિકૃષ્ણ મહારાજ ને શ્રીનરનારાયણ દેવનાં દર્શન કર્યાં ને સર્વે સંતને મળ્યા ને ગામડામાં આગળથી ખબર પડવાથી હરિભક્તો ભૂજ સામા આવ્યા હતા, તે સર્વેને બાપાશ્રી મળ્યા ને બીજે દિવસ ભૂજ-ઠાકોરજીને થાળ ને સંતને રસોઈ કરાવી. પછી સર્વે સંઘના હરિભક્તને પોતપોતાને ગામ જવાની આજ્ઞા આપીને અનાદિમુક્તશ્રી કેટલાક હરિભક્તો સાથે વૃષપુર પધાર્યા. હવે મુક્તરાજશ્રીને આવતા સાંભળીને મુક્તશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ તથા નગરવાસી સર્વે જનો અતિ હર્ષ પામી સન્મુખ આવ્યા., તે સમે રસ્તામાં આવતા ને ગાડી ઉપર બેઠેલા એવા મુક્તશ્રી અબજીભાઈને દેખીને સર્વેને આનંદ થયો ને દંડવત્‌ કરવા લાગ્યા, ત્યારે મુક્તશ્રી ગાડેથી હેઠા ઊતરી સર્વેને મળ્યા ને પોતાના પુત્રોને તથા બીજા ભક્તોનો આશીર્વાદપૂર્વક સત્કાર કરીને, તેમણે સહિત ને ભક્તજને ગાન કરેલાં કીર્તન તેને સાંભળતા થકા પુરમાં પ્રવેશ કર્યો ને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરીને સર્વે ભક્તજનોએ માન્યા થકા પોતાના દિવ્ય ભુવનમાં નિવાસ કર્યો.

ઇતિ વિશ્રામ ૧૭