વિશ્રામ ૫૧
ત્યાર પછી અનાદિ મુક્તરાજશ્રી ત્રણ વાગે જાગીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવા બેઠા ને ચાર વાગે સ્નાન કરવા ઊઠ્યા, ત્યારે સાધુ કેશવપ્રિયદાસે જળનો લોટો તથા દાતણ આપ્યું, એટલે બાપાશ્રીએ દાતણ કર્યું. પછી બહિર્ભૂમિ જઈ આવીને કૂવા ઉપર સ્નાન કરવા આવ્યા, ત્યારે સાધુ કેશવપ્રિયદાસે બાપાશ્રીને ઘણા જળથી સ્નાનકરાવ્યું. પછી ધોયેલું ધોતિયું પહેરીને બીજું ઓઢી આસન ઉપર માનસીપૂજા કરવા બેઠા. પછી ચંદને કરીને લલાટ, હૃદય ને બાહુના મૂળને વિષે ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કર્યાં ને ભાલમાં કંકુમનો ચાંદલો કર્યો. પછી મૂર્તિઓ પધરાવીને માળા ફેરવવા બેઠા. પછી દંડવત્-પ્રદક્ષિણા કરીને પૂજાની સમાપ્તિ કરી. ત્યાર પછી સર્વે સંત બાપાશ્રીને દંડવત્ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી સર્વે સંતને મળ્યા. પછી મંદિરમાં ઠાકોરજીનાં ને સંતનાં દર્શન કર્યાં ને વસ્ત્ર પહેરીને ઘેર પધાર્યા. પછી પોતાના પુત્રાદિકને ઘર સંબંધી કામ બતાવીને પાછા મંદિરમાં આવી સભામાં બેઠા ને કથાવાર્તા કરી. પછી દસ વાગે પોતાના ઘેર જમીને વાડીએ પધાર્યા ને સાંજના મંદિરમાં આવી આસને બેઠા હતા ને સંત પાસે કથા વંચાવીને સાંભળતા હતા. તે સમે કાનજીભાઈના દીકરા માવજીભાઈ બાપાશ્રીને ખીચડી જમવા સારુ બોલાવવા આવ્યા ત્યારે બાપાશ્રી તેમની સાથે વાળુ કરવા પધાર્યા ને ખીચડી, છાસ, અથાણું, પાપડ આદિ ભોજન જમીને તુરત મંદિરમાં આવ્યા. ત્યારે સાધુ કેશવપ્રિયદાસે પૂછ્યું જે, ‘‘આપ જમીને તરત આવ્યા પણ જમતાં વાર ન લાગી.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘મઠની ખીચડી અને છાસ તે પી લીધું.’’ ત્યારે સાધુ કેશવપ્રિયદાસે કહ્યું જે, ‘‘આપ દૂધ ને ખીચડી જમવાનું રાખો તો સારું.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘કામદુધા દોવા દેતી નથી.’’ ત્યારે સાધુ ગોપીવલ્લભદાસે કહ્યું જે, ‘‘બીજી ગાય રાખીએ.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આપણે તો આ દેહને કોઠી જેવો કરી રાખવો; તે કોઠીમાં બાજરો ભરે કે ઘઉં ભરે તોપણ કોઠીને સરખો આનંદ ને કોઠીમાં ગોળ ભરે કે ઘી ભરે પણ કોઠીને તેનો કાંઈ આનંદ નથી, તેમ આપણે પણ આદેહને કોઠી જેવો કરી રાખવો. તે દેહમાં સારું ભોજન ભરો કે જેવુંતેવું ભરો, પણ તેમાં સરખો આનંદ રહે અને રસ વિનાનું નબળું મળે તેમાં ખેદ નહિ. મહારાજની આજ્ઞા પ્રમાણે ને મહારાજની ઇચ્છાથી જેવું મળે તેવું દેહમાં નાખવું, તો શ્રીજીમહારાજ ને મોટા મુક્ત રાજી થાય. સારાં ભોજન જમવાં ને સારી પથારી કરીને સૂઈ રહેવું, તે તો દેહને રાજી કરવાનું છે પરંતુ તેમાં શ્રીજીમહારાજ રાજી થાય નહિ. માટે ખટકો રાખીને મહારાજ વિના બીજે ક્યાંય વૃત્તિ રાખવી નહિ.’’ -એમ વાતો કરી. પછી ગોડી, આરતી, ધૂન, કથાવાર્તા આદિ કરીને શયન કર્યું. એમ નિત્યે સમાગમનું સુખ આપતા. પછી કરાંચીના હરિભક્ત ગયા. ને બાપાશ્રીએ સંતમંડળને કહ્યું જે, ‘‘તમે પણ અમાસના જવાનું કરજો.’’ -એમ કહીને ઘેર પધાર્યા. પછી બાપાશ્રીએ અમાસને દિવસે નિત્યવિધિ કરીને સંતમંડળને કહ્યું જે, ‘‘આજે તમે છત્રીએ રસોઈ કરો ને ‘વચનામૃત’નું પારાયણ કરો. અને તે પારાયણ છત્રીને ઓટે બેસીને કરજો અને બે સંત રસોઈ કરે ને બીજા સંત સર્વે વાંચવા બેસે તેમાં નોખાં નોખાં વચનામૃત લઈને વાંચવાં ને પ્રત પૂરી કરી દેવી.’’ -એમ આજ્ઞા કરી. પછી પોતે ઘેર પધાર્યા ને સર્વે સંત બાપાશ્રીના કહેવા પ્રમાણે ચંદનપુષ્પના હાર, પુસ્તક તથા ઠાકોરજી આદિ લઈને છત્રીએ ગયા ને છત્રીને ફરતા ઓટા ઉપર વાંચવા બેઠા. અને મુક્તરાજશ્રીએ પોતાના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ તેમની પાસે રસોઈનો સર્વે સામાન છત્રીએ મોકલાવ્યો ને પોતે ગામના મોટા મોટા હરિભક્તને પોતાની સાથે લઈને છત્રીએ પધાર્યા અને ત્યાં ચરણારવિંદનાં ને સંતનાં દર્શન કર્યાં. પછી બાપાશ્રીએ બે સંતની પાસે અગાસી નીચે રસોઈ કરવાનું કામ ચાલતું કરાવ્યું ને પોતે ઓટા ઉપર કથા સાંભળવા બેઠા અને પુ. હરિપ્રસાદદાસજી, ગોપીવલ્લભદાસજી, કેશવપ્રિયદાસ એ આદિ સંત પારાયણ વાંચતા હતા ને શ્રીરંગદાસજી ને હરિવલ્લભદાસજી તે બંને સંત રસોઈ કરતા હતા. એવી રીતે કથા તથા રસોઈ અગિયાર વાગે થઈ રહ્યાં, ત્યારે બાપાશ્રીએ હરિભક્તને પ્રસાદી વહેંચવા સારુ સુખડી કરાવી. પછી ઠાકોરજીને થાળ ધર્યો ને બાપાશ્રીએ પુસ્તક ને સંતમંડળની ચંદનપુષ્પથી પૂજા કરી, ને હરિભક્તને પણ ચંદન ચર્ચી હાર પહેરાવ્યા ને સુખડીની પ્રસાદી આપી. પછી સંતને જમવાની આજ્ઞા કરી, ત્યારે સર્વે સંત જમવા બેઠા ને જમીને બાપાશ્રીને જમવા બેસવાનું કહ્યું. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમે મંદિરમાં જમશું.’’ ત્યારે સંત શીરો, પૂરી, શાક વગેરે લઈને મંદિરમાં આવ્યા ને બાપાશ્રી પોતાના પુત્ર આદિ પાસે સુખડી તથા વધેલો સામાન તથા વાસણ આદિ લેવડાવીને મંદિરમાં આવ્યા ને કૂવા પાસે ઓરડીમાં જમવા બેઠા, ને પુ. હરિપ્રસાદદાસજી તથા કેશવપ્રિયદાસ તેમણે બાપાશ્રીને પીરસીને જમાડ્યા. પછી કથાવાર્તા કરી બે ઘડી વાર શયન કર્યું. ત્યાર પછી સર્વે સંત નારાયણપુર જવા તૈયાર થયા. ત્યારે પોતે પણ સંત સાથે છત્રીએ આવ્યા ને ત્યાં સભા કરીને બેઠા ને સંતમંડળ સર્વેએ બાપાશ્રીને ચંદનપુષ્પથી પૂજા કરીને દંડવત્ કર્યા, ને બાપાશ્રી સર્વે સંતને મળ્યા ને આશીર્વાદ આપ્યા. પછી સંત નારાયણપુર ગયા ને બાપાશ્રી ઘેર પધાર્યા.
પછી બીજે દિવસે બાપાશ્રી નારાયણપુર પધાર્યા ને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરીસર્વે સંતને મળીને ઓસરીમાં બેઠા ને સંતે બાપાશ્રીને જળપાન કરાવ્યું ને બાપાશ્રી વાડીએ પધાર્યા અને સર્વે સંત ધનજીભાઈને ઘેર રસોઈ કરવા ગયા ને ઠાકોરજીના થાળ થયા ત્યારે બાપાશ્રી ધનજીભાઈને ઘેર આવ્યા. પછી ધનજીભાઈએ તથા સંતોએ બાપાશ્રીને જમવાનું ઘણું કહ્યું, પણ બાપાશ્રીને શરીરમાં તાવ હતો તેથી જમવા બેઠા નહિ ને ત્યાં જ સૂઈ રહ્યા ને સર્વે સંત જમીને મંદિરમાં આવ્યા. પછી બાપાશ્રી સાંજ વખતે મંદિરમાં આવ્યા, ત્યારે સંતે આસન પાથરીને સુવાડ્યા ને બાપાશ્રીને તાવ બહુ જ આવેલો જોઈને સર્વે સંત ઉદાસ થઈ ગયા. પછી સવારે તાવ ઊતરી ગયો, ત્યારે સંતોએ બાપાશ્રીને ઊના જળથી સ્નાન કરાવ્યું ને પૂજા કરાવી. પછી વસ્ત્ર પહેરીને આસને બેઠા ત્યારે સંતે કહ્યું જે, ‘બાપા ! આપને શરીરે કસર થઈ છે, માટે અમે આપની સેવા કરવા વૃષપુર આવીએ ?’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘મારે શરીરે સારું છે, પછી મહારાજની ઇચ્છા થાય તો આવજો, પણ અત્યારે તો જાઓ.’’ ત્યારે સર્વે સંત બાપાશ્રીને મળી ભૂજ ગયા ને બાપાશ્રી વૃષપુર પધાર્યા.
ઇતિ વિશ્રામ ૫૧