વિશ્રામ ૪૦

ત્યાર પછી બીજે દિવસ બાપાશ્રી નિત્યવિધિ કરીને પોતાને ઘેર ગયા, પછી મંદિરમાં આવી કથાવાર્તા કરી. તે દિવસે પરદેશના સર્વે હરિભક્તને જમાડ્યા ને ગામને પણ જમાડ્યું. પછી પરદેશના હરિભક્ત બાપાશ્રીની આજ્ઞાથી જવા તૈયાર થયા, ત્યારે તે સર્વેને સુખડીનાં ભાતાં બંધાવ્યાં. પછી તે હરિભક્ત બાપાશ્રી પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘‘હે કૃપાસાગર ! આપ સદાય અમારા ભેળા રહેજો ને અખંડ મૂર્તિની સ્મૃતિ રહે ને અમારું કાંઈ અધૂરું હોય તે પૂરું કરીને શ્રીજીમહારાજ ને આપની સેવામાં રાખશો.’’ પછી મુક્તરાજશ્રી સર્વેને અમૃત દૃષ્ટિએ જોઈને બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસના દૃઢ રાખશો, તો અમે જરૂર તમારું પૂરું કરશું.’’ એમ કહીને સર્વેને જવાની આજ્ઞા કરી, ત્યારે સર્વે ગયા.

ત્યાર પછી સર્વે સંતનાં મંડળ તે પણ ઠાકોરજીને જમાડી બાપાશ્રીએ જે સુખડી આપી હતી તેને લઈને જવા તૈયાર થયાં. તે સમે બાપાશ્રી સંતને દર્શન દેવા મંદિરની ઓસરીમાં બેઠા હતા, ત્યારે સર્વે સંત બાપાશ્રીને દંડવત્‌ કરીને મળ્યા ને પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘‘હે બાપા ! આપ તો અનાદિમુક્ત છો ને શ્રીજીમહારાજના સંકલ્પથી સર્વેને સુખિયા કરવા આ વૃષપુરને વિષે પાંચાભાઈ ને દેવબા તેમનાથી પ્રગટ થયા છો પણ દિવ્યસ્વરૂપ છો, અને અમે શ્રીજીમહારાજ ને તમારા શરણને પામ્યા છીએ માટે અમને મહારાજની મૂર્તિમાં રાખશો.’’ ત્યારે બાપાશ્રી હસીને બોલ્યા જે, ‘‘તમે પણ ખટકો રાખશો ને શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસના દૃઢ રાખશો, તો અમે તમારી સહાય કરશું.’’ પછી સર્વે સંત બાપાશ્રીને મળીને ચાલ્યા ને બાપાશ્રી સર્વે સંતને વળાવીને પાછા મંદિરમાં આવ્યા. અને તે સર્વે સંત હરિભક્ત બાપાશ્રીએ જે જે સુખ આપ્યાં છે, તેને સંભારતા થકા પોતપોતાને સ્થાનકે ગયા અને મુક્તરાજ બાપાશ્રીને પ્રતાપે કરી સંસારી સુખનો ત્યાગ કરીને એક પ્રત્યક્ષ શ્રીજીમહારાજના ચરણમાં જ પ્રીતિવાળા થયા અને પંચવિષયને ઝેર જેવા જાણીને પંચવર્તમાનરૂપી મહારાજની આજ્ઞા તેનું પ્રેમે કરીને પાલન ન કરતા ને દેહના સુખનો ત્યાગ કરી પોતાને અનાદિમુક્તરૂપ માની મૂર્તિમાં રહીને મૂર્તિનું અખંડ ધ્યાન કરતા. અને તે ભક્તજનના સ્નેહને વશ થઈને શ્રીજીમહારાજ ને મુક્તરાજશ્રી તેમને જાગ્રત-સ્વપ્નને વિષે સાક્ષાત્‌ દર્શન દઈને અતિશય આનંદ પમાડતા.

અને તે ભક્તજનો કેવા છે, તો નિરંતર બાપાશ્રીની મરજી પ્રમાણે વર્તનારા ને પહેલા વચનામૃતમાં શ્રીજીમહારાજે પોતાના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે કઠણમાં કઠણ સાધન કહ્યું છે. તે સાધન જેમણે દૃઢ કર્યું છે, કહેતાં મહારાજની મૂર્તિ, મુક્ત ને ધામ તે વિના આ લોક, ભોગ, દેહ એ આદિને અતિ તુચ્છ જાણી પ્રકૃતુપુરુષ પર્યંત સર્વમાંથી વૃત્તિ તોડી નિર્વાસનિકપણું દૃઢ કરીને અખંડ મૂર્તિમાં નિમગ્ન રહેતા એવા છે. ને વળી કેટલાક ભક્ત તો છેલ્લા વચનામૃતમાં આત્મા-પરમાત્માનો વેગ લગાડવાનો કહ્યો છે, તેવી રીતે જેમણે દૃઢ વેગ લગાડ્યો છે એવા, તથા મધ્યના ૧૩માં તથા છેલ્લાના ૩૧માં શ્રીજીમહારાજે પોતાનું સ્વરૂપ સમજવાનું કહ્યું છે, તેવી રીતે શ્રીજીમહારાજનાં સ્વરૂપની દૃઢતાવાળા-એવા અને મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમમાં વર્તવું તથા વર્તાવવું તેમાં શૂરવીર, એવા જે સરસપુરના પ્રાણશંકરભાઈ, શેઠ બળદેવભાઈ આદિ સોએ સો હરિભક્ત હતા. તેમ જ કચ્છદેશના રામપુરના દેવરાજભાઈ, નારાયણપુરના ધનજીભાઈ ને તેમના દીકરા ખીમજીભાઈ ને દેવજીભાઈ તથા રત્નાભાઈ આદિ તથા ભારાસરના તેજા ભક્ત, પૂંજા ભક્ત આદિ તથા મેઘપુરના નાનજીભાઈ એ આદિ ઘણાક ભક્તજનો છે, તેનાં નામ લખે પાર આવે તેમ નથી. તેમાંના કેટલાકને તો શ્રીજીમહારાજ ને બાપાશ્રીનાં દિવ્યરૂપે દર્શન થયાં હતાં ને કેટલાકને તો બાપાશ્રીનાં અનેક સ્વરૂપે દર્શન થયાં હતાં તેમાંથી એક બે લવલેશ લખીએ છીએ.

કોઈક દિવસ ભૂરાભાઈ તથા નાગજીભાઈ તેમને પૂજા કરતાં વાર થઈ તેથી સભામાં આવતાં પણ મોડું થયું, પછી સભામાં આવીને દર્શન કરવા લાગ્યા. તે સમે કથાની જોડે સિંહાસનમાં શ્રીજીમહારાજની મૂર્તિ છે, તે દિવ્ય તેજોમય સાક્ષાત્‌ શ્રીજીમહારાજ છે એવાં તેમને દર્શન થયાં અને તે સમે બાપાશ્રી પડખે બેઠા હતા, તે પણ તેવા જ દિવ્ય તેજોમય દેખાયા ને સર્વે સંતની સભાનાં દર્શન કરતાં સર્વે સંત પણ તેજોમય દેખાયા અને હરિભક્તની સભામાં સર્વે હરિભક્ત પણ એવા જ તેજોમય દેખાયા. એવી રીતે સભાનાં દર્શન કરી બાપાશ્રીની પાસે આવીને બેઠા ને અંતર્વૃત્તિ કરીને મૂર્તિ ધારી, ત્યાં તો અંતરમાં પણ અતિ અપાર તેજનો સમૂહ દેખાયો, ને મધ્યે શ્રીજીમહારાજની મૂર્તિનાં દર્શન થયાં ને શ્રીજીમહારાજની મૂર્તિમાં બાપાશ્રીનાં પણ દર્શન થયાં એવી રીતે ઘણી વાર સુખ આવ્યું. પછી બહિર્વૃત્તિ કરીને જોયું ત્યારે બાપાશ્રી તથા સર્વે સભા દિવ્ય તેજોમય દેખાઈ ને બહુ આનંદ થયો.

વળી એક દિવસ ભૂજના મહેતા ભોગીલાલભાઈ બાપાશ્રીને ઘેર દર્શન કરવા ગયા ત્યારે બાપાશ્રીએ તેમને બોલાવીને પાસે બેસાર્યા ને વાતો કરી. પછી ભોગીલાલભાઈ મંદિરમાં આવ્યા, ત્યાં તો બાપાશ્રી સભામાં વિરાજમાન છે ને દિવ્યસ્વરૂપ એવાં દર્શન થયાં. ત્યારે તેમનાં મનમાં એમ થયું જે, ‘આ તો બાપાશ્રીએ મને દયા કરીને દર્શન દીધાં,’ એમ જાણી દર્શન કરીને સભામાં બેઠા ત્યાં તો બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા ને થોડી વારે ઘેરથી આવ્યા ને પુસ્તક ને પુરાણીની પૂજા કરવા લાગ્યા ને પૂજા કરીને પછી સભામાં આવીને બેઠા એવાં દર્શન થયાં. એવી રીતે દહીંસરાના રત્નાભાઈ તથા ચંદ્રશંકરભાઈના પિતાશ્રી ગિરજાશંકરભાઈને પણ બાપાશ્રીનાં દર્શન ઘર ને મંદિરમાં તથા છત્રીએ ને પાકશાળામાં એમ અનેક ઠેકાણે થયાં હતાં. એવી રીતે બાપાશ્રીએ આ યજ્ઞમાં મહા અલૌકિક પ્રતાપ દેખાડ્યો હતો.

હવે તે યજ્ઞમાં સાંખ્યયોગી તથા કર્મયોગી બાઈઓ સેવા કરતાં, તેમાં સાખ્યયોગી બાઈઓનાં લક્ષણ કહીએ છીએ : તે કેવાં, તો સાંખ્યયોગનાં વર્તમાનમાં દૃઢ રહેલાં ને શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસનાએ જુક્ત એવાં, ને દેહનું સુખ, દેહના સંબંધી ને વિષયભોગનો ત્યાગ કરીને અખંડ ધ્યાનભજન-કથાવાર્તા કરવામાં જેને રાત્રી-દિવસ વીતે છે એવાં, ને જેમણે ધારણાં-પારણાં આદિ વ્રત કરીને શરીર સૂકવી નાખ્યાં છે એવાં ને મોટાની કૃપાથી ઉત્તમ બ્રહ્મચર્ય વ્રતની સ્થિતિને પામેલાં એવાં, ને વિષયસુખને ઝેર જેવાં જાણી શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિનું ધ્યાન કરતાં એવા તે સાંખ્યયોગી બાઈઓમાં મોટા મોટા સાંખ્યયોગી બાઈઓના નામ કહીએ છીએ :- મુક્તસ્વરૂપ ધનુબા, તથા મુક્તસ્વરૂપ ને બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ ને મનજીભાઈનાં માતુશ્રી દેવુબા, તથા બાપાશ્રીનાં પુત્રીઓ વાલબા તથા રાધાબા, અસલાલીનાં કંકુબા તથા તેમનાં સેવક મોંઘીબા, નારાયણપુરનાં અમરબા, મોંઘીબા, ધનબુનાં સેવક કાનબા, કરાંચીનાં લીરૂબા, સૂરતનાં પાર્વતી બા, હરિબા, લક્ષ્મીબા, ભૂજનાં નાગર પાર્વતીબા, લક્ષ્મીબા, પ્રેમબા, સોની સંતોકબા, પુરીબા, અંજારનાં પ્રેમબાઈ, સાકરબાઈ, વૃષપુરનાં રૂડીબા, વીરૂબા, લાલબાઈ, કેસરબાઈ, સોમબાઈ, મીરજાપુરનાં કાનબાઈ, તેજાબાઈ, પ્રેમબાઈ, વાલબાઈ આદિ તથા નર્મદાબા, સરસપુરનાં બોનજીબા, દિવાળીબા આદિ તથા જેકોરબા, વિસનગરનાં અંબાબા, કુંવરબા આદિ તથા વડનગરનાં રેવાબા આદિ તથા અમદાવાદનાં નહાનાબા આદિ તથા વિરમગામનાં નાથીબા ને સંતોકબા તથા પાટડીનાં ઉજીબા તથા અમૃતબા એ આદિ સાંખ્યયોગી સાઠ સિત્તેર બાઈઓ હતાં. તેમ જ નારાયણપુરના ધનજીભાઈનાં મા કેસરબા ને બળદિયાનાં કેસરબા, તેજબા આદિ કર્મયોગી બાઈઓ યજ્ઞમાં સેવા કરતાં હતાં. એ વિના બીજા હજારે હજાર બાઈઓ ને ભાઈઓ તે યજ્ઞમાં સેવા કરતાં હતાં.

હવે તે યજ્ઞમાં બાપાશ્રીએ જે ચમત્કાર બતાવેલ તે વાત કહીએ છીએ જે, તે યજ્ઞમાં હરિભક્તોએ હજારો મણ સુખડી કરીને ઓરડા ભરી રાખ્યા હતા ને શીરો કરીને શીરાના હોજ ભરતા હતા. તે વખતે શીરામાં ઘી ખૂટે તેવું જણાયું ત્યારે ઘી આપવામાં રહેલા જે મેડાના હરિભક્ત મોહનભાઈ ને જટાભાઈ તથા દેવપરાના કલ્યાણ ભક્ત આદિ તેમણે બાપાશ્રીની પાસે આવીને કહ્યું જે, ‘‘બાપા ! ઘી થઈ રહેવા આવ્યું છે ને હજી શીરો કરવાનો બાકી છે, માટે બીજું ઘી મંગાવવું જોઈશે.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘મંદિરની ઓરડીમાં ઘીના ભરેલા ડબ્બા રાખ્યા છે. તે ઘી લઈ જઈને આપી આવો.’’ ત્યારે તે ભક્તોએ કહ્યું જે, ‘‘બાપા ! એ ડબ્બાનું ઘી તો અમે પ્રથમથી જ ગાળીને રસોડામાં લઈ ગયા હતા ને ડબ્બા તો ખાલી થઈ ચૂક્યા છે.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમે હમણાં જ તે ઓરડીમાં જઈને ડબ્બા જોયા હતા તે ઘીના ભરેલા જણાતા હતા, માટે જઈને જુઓ.’’ ત્યારે તે ભક્ત બાપાશ્રીની સાથે તે ઓરડીમાં આવીને માંહી રહેલા ડબ્બાને જુએ છે, ત્યો તો મહારાજની ઇચ્છાથી સર્વે ડબ્બા ભરેલા જોઈને સર્વે આશ્ચર્ય પામ્યા. પછી તે ઘી લઈ જઈને શીરો કરવા આપ્યું ને શીરો કરીને મોટા મોટા હોજ ભર્યા, તોપણ ઘી, ગોળ, લોટ વગેરે સામાન ઘણો જ વધી પડ્યો અને તે યજ્ઞમાં સર્વેને ચાર દિવસ સુધી સુધી જમાડ્યા ને દૂર દેશના હરિભક્તને તથા ગામના સર્વે માણસોને સમાપ્તિ પછી બે દિવસ સુધી જમાડ્યા તોપણ સુખડી ઘણી વધી હતી, તેથી બાપાશ્રીએ પરદેશી આદિ સર્વે હરિભક્તને સુખડીનાં ટીમણ આપ્યાં ને સંતમંડળને તો જેટલી જોઈએ તેટલી સુખડી આપી, તોપણ તે સુખડી ઘણી વધી હતી. ત્યાર પછી બાપાશ્રીએ વધેલી સુખડી તથા ઘી, ગોળ આદિ જે સામાન વધ્યો હતો તેને ધનજી પટેલ તથા ઝીણા પટેલ પાસે વેચાવી દીધો અને તેની જે કોરીઓ ઊપડી તે યજ્ઞના ખર્ચમાં વપરાણી. તેમાંથી અર્ધું ખર્ચ પૂરું થયું હતું અને તે યજ્ઞનું ખર્ચ અનુમાને લાખો રૂપિયાનું થયું હતું.

ઇતિ વિશ્રામ ૪૦