વિશ્રામ ૪૭
સંવત ૧૯૭૩ના વૈશાખ માસમાં સ્વામી ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતનાં મંડળ વૃષપુર આવીને બાપાશ્રીને મળ્યાં ને બાપાશ્રી પણ સર્વે સંતને જોઈને બહુ રાજીપો જણાવીને બોલાવે, મળે ને વાતો કે, એમ બહુ સુખ આપવા લાગ્યા. ને વળી તે સમે બાપાશ્રીએ ડાબા ઢીંચણમાં વાને ગ્રહણ કર્યો હતો ને શરીરમાં કિંચિત ગરમી ને થોડો તાવ તે રૂપી મંદવાડ ગ્રહણ કરીને અંતર્ધાન થવાની ઇચ્છા પણ જણાવતા હતા. તેમાં કોઈક દિવસ મોટા મોટા સંતમંડની સભા બેઠી હતી તેમાં બાપાશ્રી વાતો કરતા થકા બોલ્યા જે, ‘‘સંતો ! હવે અમે ક્યાં સુધી રહેશું; હવે અમારા દેહનો તો કોઈ નિર્ધાર નથી જણાતો ને આગળ મોટા મોટા મુક્ત ને શ્રીજીમહારાજ તે પણ વખત ઉપર ચાલ્યા ગયા છે, તેમ અમે પણ હવે મહેમાન છીએ; માટે તમે મહારાજની આજ્ઞામાં બરાબર રહેજો ને પરસ્પર હેત રાખીને ભગવાનનું ભજન કરજો તો શ્રીજીમહારાજ ને અમે તમારા ભેળા રહીશું ને મહારાજને તથા મોટાને તો ક્યાંય જવું-આવવું છે જ નહિ, એ તો એમની લીલા છે. ને મોટાને વિશે અતિશય સ્નેહ હોય ને મરજી પ્રમાણે વર્તે તો મહારાજ ને મોટા ભેળા જ છે; ભેળા હોય તેવું જ કામ કરે છે ને જો નાસ્તિકભાવ હોય, તો ‘ગુરુ ગયા ગોકળ, ને ચેલાને થઇ મોકળ’ એવું થાય.’’ -એમ આવતા વર્ષમાં અંતર્ધાન થવાની ઇચ્છા જણાવી, ત્યારે ઈશ્વરચરણદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી તેમણે કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! આપને આ લોકમાં પોણોસો વર્ષ રહેવાનો સંકલ્પ છે તે પણ હજી પૂરાં થયાં નથી.’’ ત્યારે મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘તોંતેર વર્ષના અધિક માસ ગણો -એટલે પૂરાં થઈ રહેશે.’’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘‘અધિક માસ તો ગણાય નહિ.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘મહારાજ સારું કરશે.’’ -એમ આવતા વર્ષમાં અંતર્ધાન થવાનો ભાવ જણાવ્યો ને નિત્ય પ્રત્યે સંતમંડળને રહસ્યસિદ્ધાંતની વાતો કરતા ને સમાગમનું સુખ આપતા.
ત્યાર પછી ગામ કુંભારિયામાં મિસ્ત્રી ગોવાભાઈએ ‘શિક્ષાપત્રીભાષ્ય’નું પારાયણ કરવાનો પ્રારંભ કર્યો હતો. તેમાં સંતમંડળને લઈને પધારવાની બાપાશ્રીને કંકોત્રી મોકલી, ત્યારે બાપાશ્રીએ તે કંકોત્રી સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે વંચાવીને સર્વેને સંભળાવી. પછી બાપાશ્રીએ સ્વામી આદિ સર્વે સંતને કહ્યું જે, ‘‘આપણે કુંભારિયે યજ્ઞમાં જવું જોઈશે પણ તમે દહીંસરામાં કેસરાભાઈ મુક્ત છે ને રામપુર-ગંગાનું તીર્થ છે ત્યાં આ ફેરે ગયા નથી, તો ત્યાં જાઓ ને દર્શન ને તીર્થ કરીને સર્વેને દર્શન-સમાગમનું સુખ આપજો, ત્યાંથી ભૂજમાં ઠાકોરજી ને સંતનાં દર્શન કરવા જાજો ને ત્યાંથી કુંભારિયે આવજો અને અમે અહીંથી પાધરા આવશું.’’ પણ સંતમંડળ સર્વે બાપાશ્રીની આજ્ઞા માથે ચડાવીને તુરત ચાલ્યા, તે ગામ દહીંસરા, રામપુર થઈને ભૂજ આવ્યા ને ભૂજમાં ઠાકોરજી ને સંત-બ્રહ્મચારી એ સર્વેનાં દર્શન કરી ભેળા થઈ કુંભારિયે ગયા, ને બાપાશ્રી પણ તે દિવસે મિસ્ત્રીના સગરામમાં બેસીને કુંભારિયે આવ્યા ને સર્વેને દર્શન દીધાં. ત્યાં બાપાશ્રીનો ઉતારો દરવાજાની મેડી ઉપર રાખ્યો હતો ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત પણ ત્યાં જ ઊતર્યા હતા ને બાપાશ્રીને જમવાની રસોઈ મુક્તસ્વરૂપ ધનુબા આદિ બાઈઓના ઉતારે થતી, તેથી બાપાશ્રી ત્યાં જમવા પધારતા ને સંત-હરિભક્તને બહુ સુખ આપતા ને કથાનો મંડપ મંદિર પાસે જે વાડો છે તેમાં કર્યો હતો. તે મંડપને જોઈને બાપાશ્રીએ ભૂજના સંત ને કુંભારિયાના હરિભક્ત-તેમને કહ્યું જે, ‘‘ઇંદ્ર અતિશય ઘેલો થયો છે, તે વિઘ્ન કરે તેવું છે માટે કથા વાંચવાનું મંદિરની ઓસરીમાં રાખો.’’ ત્યારે સંત-હરિભક્તોએ કહ્યું જે, ‘‘બાપા ! મંદિરમાં સંકડાસ પડે તેમ છે, માટે તમે મહારાજને કહેજો જે વિઘ્ન થવા દે નહિ.’’ પછી બાપાશ્રી આસને આવીને સ્વામી ઈશ્વરચરણદાસજીને કહેવા લાગ્યા જે, ‘‘સાધુનેતથા હરિભક્તને મંદિરમાં કથામંડપ રાખવાનું કહ્યું પણ મંદિરમાં સંકડાસ પડે -એમ જાણીને ત્યાં કથા કરવાનું રાખ્યું પણ ઇંદ્ર વિઘ્ન કરે તેવું છે.’’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ‘‘બાપા ! ઇંદ્રને ના પાડો, જે આવે નહિ.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘હવે તો ઇંદ્રને કહેવું જોઈશે; કેમ જે આપણે યજ્ઞમાં આવ્યા ને જો ઇંદ્ર વરસાદથી વિઘ્ન કરે તો થોડી સમજણવાળા હોય તે મહારાજ ને મોટાનો અવગુણ લે.’’ પછી બાપાશ્રીએ ઇંદ્રને કહ્યું જે, ‘‘આ ગામની અંદર વરસીશ નહિ ને આ ગામના ફરતો બીજે બધે વરસાદ કરજે.’’ પછી ગામ ફરતો વરસાદ થાય ને બીજે બધે ય થાય ને નદીએ પૂર આવ્યું ને ફરતા ગામડામાં વરસાદ બહુ થયો; તળાવ ભરાઈ ગયાં, નદીઓમાં પૂર આવ્યાં ને વરસાદનું તોફાન ઘણું થયું પણ કુંભારિયામાં ન વરસ્યો, એમ બાપાશ્રીએ કથામા ંવરસાદનું વિઘ્ન આવવા દીધું નહિ.
અને વળી રાત્રીએ તે મેડા ઉપર બાપાશ્રી ને સ્વામી ઈશ્વરચરણદાસજી સૂતા હતા ને રાત્રીના બે વાગે બાપાશ્રીએ સ્વામીને વાત કરી જે, ‘‘માનકૂવાના ગાંગજી પટેલનો દીકરો માંદો હતો. તેણે આ ટાણે દેહ મેલ્યો, તેને અમે ધામમાં મૂકી દીધો. તે છોકરો સારો ભગવદી હતો પણતેનાબાપે તમારાં (સંતનાં) દર્શન કરાવ્યાં નહિ, પણ માંદાને તો સંતનાં દર્શન અવશ્ય કરાવવા જોઈએ.’’ -એમ વાત કરી સૂઈ રહ્યા ને બીજે દિવસે ભારાસરના માવજી પટેલ, ગાંગજી પટેલ ને તેજો ભક્ત તે આવ્યા. તેમણે બાપાશ્રીને કહ્યું જે, ‘‘જાદવો ધામમાં ગયો.’’ ત્યારે બાપાશ્રીએ તેમને કહ્યું જે, ‘‘રાત્રીના બે વાગે અમે આ બાવાને કરી હતી જે, ‘અમે ગાંગજી પટેલના જાદવાને આ ટાણે ધામમાં મૂકી આવ્યા.’’ ત્યારે સ્વામીએ પણ તેમને કહ્યું હતું જે, ‘‘બાપાશ્રીએ રાત્રીના બે વાગે વાત કરી હતી.’’
વળી બીજે દિવસ સવારમાં સીનોગ્રાના મિસ્ત્રી ડાહ્યાભાઈ મેડા ઉપર દર્શન કરવા આવ્યા, ત્યારે તેમને બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તમારી આયુષ્ય આવી રહી છે તેથી તમને ધામમાં તેડી જવા છે.’’ ત્યારે ડાહ્યાભાઈ બોલ્યા જે, ‘‘બાપા ! મારે ત્રણ વર્ષ રહેવાની ઇચ્છા છે, માટે રાખો તો બહુ સારું.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘ત્રણ વર્ષે પરવારી રહેજો પછી કહેશો તોપણ નહિ રાખીએ; આજથી ત્રણ વર્ષે તમને તેડી જઈશું.’’ ત્યારે તે બોલ્યા જે, ‘‘ત્રણ વર્ષે હું પરવારી રહીશ; પછી ભલે તેડી જજો.’’ -એમ આયુષ્ય વિના ત્રણ વર્ષ રાખીને બાપાશ્રી તેમને તેડી ગયા, એમ કુંભારિયામાં બાપાશ્રીએ ચમત્કાર જણાવ્યા હતા. પછી કથા કરવાનું તે જ મંડપમાં રાખ્યું હતું અને પુ. ધર્મકિશોરદાસજી ને કેશવપ્રિયદાસજી તે બન્ને કથા વાંચતા જે સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સદગુરુ અને ભૂજના સર્વે સંત તથા બીજા ઘણા સંત આવ્યા હતા તેની મોટી સભાઓ થતી ને હરિભક્તની સભા પણ મોટી થતી. અને મુક્તરાજ બાપાશ્રી પણ તે સભામાં આસન ઉપર બિરાજતા અને હરિભક્ત ચંદન ચર્ચીને હાર પહેરાવતા ને સદગુરુઓ સભામાં વાતો કરતા ને નવ વાગે ‘શ્રીપતિમ્’ બોલીને કીર્તન બોલતા. પછી બાપાશ્રી આસને આવીને વાતો કરતા ને સંત-બ્રહ્મચારી સાંભળતા ને રાત્રીએ ક્યારેક બાર વાગી જતા ને સંત ને બ્રહ્મચારી -તે બાપાશ્રીના સમાગમની આતુરતાથી ખાવું, પીવું, સૂવું તે પણ ભૂલી જતા ને અખંડ સમાગમનું સુખ લેતા. વળી બ્રહ્મચારી તો જમવા રસોઈ પણ કર્યા વિના ફળફૂલ કે ગસિયો જમીને રહેતા. એમ આળસ, નિદ્રા, ઇત્યાદિકનો ત્યાગ કરીને બાપાશ્રીનો સમાગમ અહોનિશ કરતા ને બાપાશ્રી પણ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, આજ્ઞા ને મૂર્તિમાં જોડાવાની ભારે ભારે વાતો કરતા ને બાપાશ્રીની વાતો સાંભળીને સર્વે સંત મૂર્તિ વિના સર્વેમાંથી લૂખા થઈને મૂર્તિમાં રસબસ જોડાઈ જતા ને મૂર્તિનું સુખ આવતું.
કોઈક દિવસ રાત્રીએ બાપાશ્રી પોતાને આસને બેસીને સ્વામી આદિ સંતને બ્રહ્મચારીને વાતો કરતા. તે સમે ભૂજના સાધુ ઉત્તમપ્રિયદાસજી પાકાં આમ્રફળ સુધારી ઠાકોરજીને જમાડીને બાપાશ્રીને જમવા ને સંતને પ્રસાદી આપવા સારુ લાવ્યા, ત્યારે બાપાશ્રીએ પોતાના હાથે સ્પર્શ કરી પ્રસાદી કરીને પાછી આપી, પણ જમ્યા નહિ. ત્યારે સ્વામી તથા બ્રહ્મચારીએ તે કેરીઓની થાળી હાથમાં લઈને બાપાશ્રીને કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! આમાંથી થોડું જમો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આમાં તે શું જમીએ ! આ તો રસના આદિ ઇંદ્રિયોને રાજી કરવાનું છે ને આ જમીએ, એટલી વખત મહારાજની વાતો કરીએ તો કેટલું કામ થાય ? એ તો અક્ષરધામ સુધી પહોંચાય ને આ તો ક્ષણિક છે.’’ -એમ કહીને જમ્યા નહિ ને પાછી આપી દીધી. ત્યારે સ્વામી ને બ્રહ્મચારી તેમણે જાણ્યું જે, ‘બાપાશ્રીને તો મહારાજની મૂર્તિનું સુખ જ આપવું છે માટે આપણે પણ મૂર્તિ પામવાની જ ત્વરા રાખવી, પણ બીજામાં ખોટી થાવું નહિ ને મૂર્તિ જેવું પ્રસાદીમાં પણ હેત રાખવું નહિ; એમ જાણી ત્રણે અવસ્થામાં અખંડ મૂર્તિમાં જ નિમગ્ન રહેતા ને બાપાશ્રી પણ નિત્ય પ્રત્યે મૂર્તિનું નવું નવું સુખ આપતા. પછી કથાની પૂર્ણાહુતિ થઈ, તે દિવસે મિસ્ત્રી ગોવાભાઈ ને તેમના દીકરા તેમણે મુક્તરાજ બાપાશ્રી ને સંત આદિ સર્વેની પૂજા કરી, ને તળાવની પાળે છત્રી કરાવી છે તેમાં શ્રીજીમહારાજનાં ચરણારવિંદ ને નીચે હનુમાનજી પધરાવવાનો પ્રતિષ્ઠાવિધિ કરીને બાપાશ્રીને હાથે ચરણારવિંદ ને હનુમાનજી પધરાવ્યા. પછી ગામમાં આવ્યા ને સંત-હરિભક્તની પંક્તિ થઈ અને બાપાશ્રી પંક્તિઓનાં દર્શન કરીને મોટાં ડોશીને ઉતારે જમવા પધાર્યા ને બાપાશ્રી જમ્યા.
એવી રીતે સર્વેને સુખ આપી બીજે દિવસ બાપાશ્રી ગોવામલભાઈના શગરામમાં બેસીને ચાલ્યા અને સર્વે સંતને વળાવવા ચાલ્યા. પછી ગામ બહાર આથમણા ખેતરમાં આવીને બાપાશ્રી ગાડીમાંથી નીચે ઊતરીને ઊભા રહ્યા ને સર્વે સંત ચંદન ચર્ચી હાર પહેરાવી દંડવત્ કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રી સર્વેને મળ્યા. તે સમે બાપાશ્રીએ સંતોને કહ્યું જે, ‘‘મહારાજની આજ્ઞામાં રહેજો ને તમને મૂર્તિમાં રાખ્યા છે માટે મૂર્તિમાં રસબસ રહીને કથાવાર્તા-કીર્તન કરજો. હવે અમારા શરીરનો કોઈ નિર્ધાર નથી માટે તમે ખટકો રાખજો.’’ ત્યારે સંત બોલ્યા જે, ‘‘બાપા ! તમે અમારા ઉપર સદાય આવા ને આવા રાજી રહેજો ને અખંડ આપનાં આવાં ને આવાં દર્શન દેજો.’’ -એમ કહી નમસ્કાર કરવા લાગ્યા ને બાપાશ્રી સંતને આશીર્વાદ આપી ગાડીમાં બેઠા ને ગાડીને હંકાવીને ચાલ્યા, ત્યારે સર્વે સંત કેડે કેડે દૂર સુધી ચાલ્યા. પછી બાપાશ્રીએ ગાડી ઊભી રખાવીને સર્વે સંતને ઊભા રહેવાનું કહ્યું ને બળદિયાને એકદમ દોડાવીને ચાલ્યા, ત્યારે સર્વે સંત ઊભા થઈ રહ્યા ને વિયોગે કરીને અતિ દુઃખી થતા મંદિરમાં આવ્યા. તે સમે બાપાશ્રીને વિષે અતિ સ્નેહે કરીને કેટલાક સંત ને બ્રહ્મચારીની છાતીઓ ભરાઈ આવી ને નેત્ર સજળ થઈ ગયાં ને દેહનું ભાન ભૂલી ઉપશમ અવસ્થા પામીને મૂર્તિમાં રસબસ જોડાઈ રહ્યા. પછી દેહની સ્મૃતિ પામીને પોતપોતાના દેશ પ્રત્યે જવા તૈયાર થયા. તેમાં પુ. ધર્મકિશોરદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી આદિ મૂળીના ને પુ. હરિપ્રસાદદાસજી આદિ સંત સામે કાંઠે દેશમાં ગયા ને બ્ર. નિર્ગુણાનંદજી ને પુ. કેશવપ્રિયદાસજી -તે ભૂજના સ્વામી મહાપુરુષદાસજી સાથે ભૂજ આવ્યા ને સ્વામી ઘનશ્યામજીવનદાસજી ને સ્વામી ઈશ્વરચરણદાસજી તે ભૂજ-ઠાકોરજીનાં દર્શન કરીને વૃષપુર ગયા ને થોડા દિવસ બાપાશ્રીનો સમાગમ કરી પાછા અમદાવાદ આવ્યા.
ઇતિ વિશ્રામ ૪૭