વિશ્રામ ૬૪
હવે શ્રીજીમહારાજના સંકલ્પે કરીને મનુષ્યરૂપે સર્વેને દર્શન આપતા એવા અનાદિમુક્ત બાપાશ્રી યજ્ઞની સમાપ્તિ કરીને મંદિરમાં બેઠા હતા. તે સમે સ્વામી ઈશ્વરચરણદાસજી તથા ગુણાતીતદાસજી આદિ સર્વેએ મળીને બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘મૂળીમાં શ્રીરાધાકૃષ્ણ મહારાજનો શતવાર્ષિક-પાટોત્સવ કરવો કે નહિ ? કેમ જે અત્યારના દેશકાળ સારાં નથી.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હિંમત રાખીને કરો; દાખડો તો બહુ પડશે પણ મહારાજ પૂરું કરશે ને અમે પણ યજ્ઞમાં આવશું.’’ -એમ કહીને બાપાશ્રીએ વાત કરી જે, ‘‘સર્વ કર્તા ને અક્ષર પર આનંદધન-સ્વરૂપ ને અનાદિમુક્તના સ્વામી, સર્વ કારણના કારણ, સત્સંગીના સુખધામ, સંત-હરિભક્તને ઠરવાનું ઠામ, અનેક નામના નામી, અનેક સ્વરૂપના એક સ્વરૂપી -એવા એક શ્રીહરિ સ્વામિનારાયણ મહાપ્રભુ છે તેમને ભેળા રાખીને કરશો.’’ -એમ કહીને સર્વેસંતને દેશમાં જવાની રજા આપી. પછી બીજે દિવસે સર્વે સંત બાપાશ્રીને મળીને દેશમાં ગયા.
ત્યાર પછી દહીંસરામાં અનાદિમુક્ત કેસરાભાઈ માંદા હતા તેમને બાપાશ્રી આદિ અનંત મુક્તોએ સહિત તેજના સમૂહને વિષે શ્રીજીમહારાજે દર્શન દીધું. ને કેસરાભાઈ સંવત ૧૯૭૮ના જ્યેષ્ઠ સુદિ સપ્તમી ને બુધવારના દિવસ દેહ મેલીને મહારાજની મૂર્તિમાં જોડાઈ ગયા. પછી અસાડ માસમાં અમાસને દિવસ બાપાશ્રીએ છત્રીએ ગામનાં સર્વે છોકરાંને તથા સાંખ્યયોગી બાઈઓ સર્વેને જમાડ્યાં.
ત્યાર પછી મોટાં ધનુબાને મંદવાડ થયો હતો તેથી તેમણે મુક્તરાજશ્રીને તેડાવ્યા હતા, તેથી બાપાશ્રી રામપુર ગયા ને દેવરાજભાઈ આદિ હરિભક્તને સાથે લઈ બાઈઓના મંદિરમાં પધાર્યા ને સર્વેને દર્શન દઈને બેઠા. ત્યારે મોટાં મુક્ત ધનુબા તેમણે મુક્તરાજશ્રીને કહ્યું જે, ‘‘મને દેહ મેલાવીને અક્ષરધામમાં મૂર્તિમાં રાખો; કેમ જે, મારે હવે આ લોકમાં રહેવું નથી ને આ દેહે કરીને કાંઈ ક્રિયા થાય તેવું પણ રહ્યું નથી, માટે ધામમાં તેડી જાઓ.’’ ત્યારે મુક્તરાજશ્રીએ કહ્યું જે, ‘‘પાંચ દિવસ ખમો; પછી તેડી જઈશું.’’ ત્યારે ધનુબા રાજી થયાં ને કહ્યું જે, ‘‘જોજો ફરી જતા નહિ; જરૂર તેડી જજો.’’ ત્યારે અનાદિમુક્તશ્રીએ કહ્યું જે, ‘‘પાંચ દિવસ શ્રીજીમહારાજના છે માટે શ્રીજીમહારાજે આ લોકમાં જેટલું રાખવું ધાર્યું હશે તેટલું રહેવું પડશે, પણ તેમાં કાંઈ ઓછું નહિ થાય માટે ધીરજ રાખવી.’’ -એમ કહી સાજાં કરીને રાખ્યાં ને બાપાશ્રી પાછા બળદિયે પધાર્યા.
ત્યાર પછી વળી ધનુબાના સેવક કાનબા માંદાં થયાં ને દેહની સ્મૃતિ પણ ન રહી : જાણે જે દેહ પડી જશે તેવું. તેને જાણીને ધનુબાને એમ થયું જે, ‘મારી સેવા કરનારા જશે તો મારા દેહની ક્રિયા કોણ કરાવશે.’ -એમ જાણીને મુક્તશ્રીને તેડાવીને કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! આપ જેમ ધારો તેમ કરવા સમર્થ છો; કેમ જે શ્રીજીમહારાજ તમારું સાંભળે છે માટે આ કાનબાઈને હમણાં રાખો, ને જો આમને ધામમાં તેડી જવાં હોય તો પ્રથમ મને તેડી જાઓ ને પછી તેમને તેડી જજો; નહિતર તેમને સાજાં કરો.’’ ત્યારે મુક્તરાજશ્રીએ કહ્યું જે, ‘‘તેમને દેહ નહિ પડે ને તમે કાંઈ ચિંતા કરશો નહિ.’’ -એમ કહીને કાનબાઈને પાસે આવીને બોલાવ્યાં ને સાજાં કર્યાં. પછી તે કાનબાઈએ તે જ દિવસે મુક્તરાજ બાપાશ્રી સારુ ને ધનુબા સારુ રસોઈ કરીને તેમને જમાડ્યાં અને તે કાનબાઈ સાજાં થયાં ને ધનુબાની સેવા કરવા લાગ્યાં. આવી રીતે શ્રીજીમહારાજ ને અનાદિમુક્તનાં અલૌકિક દિવ્ય ચરિત્ર પ્રત્યક્ષ જોઈને સર્વેને આનંદ થતો. પછી બાપાશ્રી વૃષપુર પધાર્યા ને એકાદશીની સવારમાં પૂજા કરીને છત્રીએ પધાર્યા અને ત્યાં ચરણારવિંદ તથા હનુમાનજીનાં દર્શન કરીને છત્રીને ઓટે બેઠા. ત્યારે તે એકાદશીનો દિવસ હતો માટે બીજા ગામના ને તે ગામના, ઘણાક હરિભક્ત દર્શન કરવા આવ્યા. તે સર્વે છત્રી ને હનુમાનજીનાં દર્શન કરીને બાપાશ્રીનાં દર્શન કરવા લાગ્યા. પછી બાપાશ્રી પાસે બેઠા.
પછી બાપાશ્રી વાત કરવા લાગ્યા જે, ‘‘પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તેમણે અહીં પ્રગટ થઈને અમારી માતુશ્રીને દર્શન આપ્યાં હતાં ને અમે પણ અહીંયાં કેટલીક વાર યજ્ઞ કરીને સંત-હરિભક્તને જમાડ્યા છે, માટે આ સ્થાન સર્વોત્તમ છે. આ સ્થાનમાં આવીને જે કોઈ દર્શન કરશે, તેને સર્વે પ્રસાદીના સ્થાનનાં દર્શન કર્યાંનું ફળ થશે. ને જે કોઈ આ સ્થાનમાં બેસીને વચનામૃત વાંચશે, પારાયણ કરશે-કરાવશે તેને અક્ષરધામની પ્રાપ્તિ થશે અને તેને મૂર્તિના સુખમાં રાખશું. અને જે કોઈ આ છત્રી અને હનુમાનજીને સંભારશે અથવા દર્શન કરશે, અથવા કોઈ દૂર દેશમાં રહ્યા થકા આ ભીડભંજન દેવની તથા છત્રીની સંકલ્પ કરીને માનગત કરશે તેનાં દુઃખ, દરિદ્ર, રોગ, ભય, શોક આદિ નાશ પામશે અને સ્ત્રી, પુત્ર, ધન, સુખ, સંપત્તિ તે પ્રાપ્ત થશે ને તેના સર્વે દોષ નાશ પામશે. અને કોઈકને ભૂત, પ્રેત, ગ્રહ વગેરેનો વળગાડ હશે ને દુઃખ દેતા હશે, અને તે જો આ સ્થાનમાં આવીને મહારાજ તથા મોટાને સંભારીને દર્શન કરશે ને આ તલાવડીમાં સ્નાન કરશે, તો તે ભૂત-પ્રેત થકી મુકાઈ જશે. અને જે કોઈ પિતૃ અસદ્ગતિને પામ્યા હશે તેનો તીર્થવિધિ અહીં કરશે, તો તે પણ મોક્ષગતિને પામશે.’’ આવી રીતે બાપાશ્રીએ વાતો કરી, તેને સાંભળીને સર્વે હરિભક્તરાજી થઈને ગયા ને બાપાશ્રી મંદિરમાં પધાર્યા. આવી રીતે આ સ્થાનનો મહિમા બાપાશ્રીએ કહ્યો છે માટે આ સ્થાન સર્વોપરી તીર્થ છે. ને આ સ્થાનમાં બાપાશ્રીએ કેટલાક યજ્ઞ કર્યા છે, કેટલીક વાર સંત-હરિભક્તની સભાઓ કરી છે, કથાવાર્તાઓ કરી છે, કીર્તન ગવરાવ્યાં છે, રાસ રમાડ્યા છે, આ કૂવે ને આ તલાવડીમાં ઘણી વાર સંત-હરિભક્ત સહિત નાહ્યા છે, સંત-હરિભક્તને જમાડ્યા છે ને પૂજાઓ કરી છે માટે આ સ્થાન અત્યંત પ્રસાદીનું છે અને આ સ્થાનમાં જે કોઈ સ્નાન, પૂજા, જપ, ધ્યાન વગેરે કરશે તથા સાધુ-સત્સંગીને જમાડશે તેઓ સર્વે અક્ષરધામમાં દિવ્ય મૂર્તિનું સુખ પામશે નેઆ લોક-પરલોકમાં પરમ સુખી રહેશે. તેમ જ આ ગામનાં બે મંદિર તથા બાપાશ્રીનાં ઘર ને વાડીઓ તે પણ તેવાં જ તીર્થ છે. અને આ ગામ ને સીમ, તે સર્વે ગઢપુર ને છપૈયા તુલ્ય છે -આવી વાતો બાપાશ્રીએ ઘણી વાર કરી છે, માટે આવો મહિમા આપણે સમજવો ને સર્વેને સમજાવવો.
હવેતે વૃષપુરમાં બાપાશ્રી ઉપર મૂળીમંદિરથી સાધુ-સત્સંગીનો પત્ર આવ્યો તેની વિગત :-
સ્વસ્તિશ્રી અક્ષરધામ તુલ્ય શ્રીવૃષપુરમાં નિવાસ કરીને રહ્યા અને અનાદિ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી મનુષ્યરૂપ ને શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા ને પોતાના શિષ્યને શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખી મૂર્તિનું સુખ પમાડનારા ને અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાનપ્રવર્તક ને પરમએકાંતિક ધર્મના ધારક એવા ને એકાંતિક ધર્મને વિષે નિષ્ઠાને પામેલા, એવા હજારે હજાર સાધુ અને સત્સંગી તે જેમની સેવા-સમાગમ શ્રદ્ધા-માહાત્મ્યથી કરે છે ને પરમએકાંતિક ધર્મનું સ્થાપન કરનારા, આત્મારામ અને પૂર્ણકામ -એવા મુક્તરાજ અબજીબાપાશ્રીની દિવ્ય સેવામાં મૂળી મંદિરથી લિ. દીનદાસ સાધુ ઈશ્વરચરણદાસજી, ઘનશ્યામજીવનદાસજી, ગુણાતીતદાસજી, ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી આદિ આપના સ્નેહી સંતમંડળના તથા શેઠ બળદેવભાઈ, ચતુરભાઈ, નાગરદાસભાઈ, જીવા પટેલ આદિ સર્વે સત્સંગીના ઘણા સ્નેહથી ‘જય સ્વામિનારાયણ’ આપની દિવ્ય સેવામાં અંગીકાર કરશો.
બીજું, મૂળી મંદિરનો પાટોત્સવ કરવામાં જો આપની મરજી હોય ને આપ પ્રેરણા કરો ને તે સમે આપ પધારીને સર્વેને દર્શન દો ને કૃતાર્થ કરો, તો પાટોત્સવ કરીએ ને પાટોત્સવ કરવાના રૂપિયા ગામેગામના હરિભક્ત પાસેથી ઉઘરાવીને ભેગા કરવાના છે; કેમ જે મૂળી મંદિરમાં રિસીવર છે, તે પાટોત્સવનું ખર્ચ આપે નહિ. માટે સર્વે સત્સંગી મળીને પાટોત્સવનું ખર્ચ ઉપાડી લેશે ને સંત દેહે કરીને સેવા કરશે, માટે આપ પધારો તો જ સમૈયો કરવો છે ને સત્સંગીઓ પણ સર્વે એમ કહે છે જે, ‘બાપાશ્રી પાટોત્સવમાં જરૂર પધારે તો પાટોત્સવના ખર્ચમાં રૂપિયા આપીએ; પણ બાપાશ્રી પધારે નહિ તો રૂપિયા આપીએ નહિ.’ તો હવે જેમ આપની મરજી હોય તેમ દયા કરીને પત્રમાં લખી મોકલાવશો. અને અમને પણ એક શ્રીજીમહારાજ ને આપને જ રાજી કરવાની ઇચ્છા છે પણ બીજી કાંઈ ઇચ્છા નથી; પાટોત્સવ કરીને નેબીજા સાધન કરીને, આપને ને શ્રીજીમહારાજને રાજી કરવા છે ને આપને રાજી કરવા સત્સંગની સેવા કરવી છે માટે શ્રીજીમહારાજ ને તમે અમારા સર્વના ઉપર રાજી થઈને અખંડ મૂર્તિમાં રાખશો જ, ને સળંગ મૂર્તિનું રોમરોમનું નવીન નવીન સુખ આપશો એ અમારી વિનંતી છે -એ જ.
ત્યાં સ્વામી મહાપુરુષદાસજી, ભક્તિપ્રિયદાસજી, બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસજી આદિ સંતમંડળ તથા સેવક કાનજી, મનજી આદિ તથા પટેલ ઝીણા, પટેલ ધનજી ને દેવરાજભાઈ, મહેતા ભોગીલાલ, જેઠી ધનજીભાઈ, ઘેલાભાઈ, સોની મોતીભાઈ આદિ સર્વે સત્સંગીને અમારા ‘જય સ્વામિનારાયણ’ કહેશો.
દ : સાધુ ઈશ્વરચરણદાસ
હવે મુક્તરાજ બાપાશ્રીએ આ પત્રનો પ્રત્યુત્તર લખાવ્યો તેની વિગત :-
સ્વસ્તિશ્રી મૂળી મંદિરમાં સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ગુણાતીતદાસજી, પુ. ધર્મકિશોરદાસજી આદિ સંત તથા શેઠ બળદેવભાઈ, પટેલ જીવાભાઈ આદિ પ્રત્યે શ્રીવૃષપુરથી લિ. અનાદિ મુક્તરાજ અબજીભાઈ પાંચાભાઈના ‘જય સ્વામિનારાયણ’ વાંચશો.
લખવાનું જે તમારો પત્ર પહોંચ્યો છે; વાંચી વિગત જાણી છે. તમોએ રાધાકૃષ્ણ-હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ કરવા ધાર્યો છે તે કરશો. તેમાં મહારાજ રાજી થશે પણ તેમાં વિઘ્ન આવશે, ધીરજ રાખજો; મહારાજ પૂરું કરશે ને વિઘ્ન નડશે નહિ. અને અમારે શરીરે મહારાજ સારું રાખશે તો અમે જરૂર આવશું ને દિવ્ય સ્વરૂપે તો તમારા ભેળા જ છીએ ને ભેળા ભળશું, માટે મહારાજને રાજી કરવા કરશો ને મહારાજની આજ્ઞામાં રહી કથાવાર્તા ધ્યાનભજન કરવું ને કરાવવું તે સાધુનો ધર્મ છે માટે સાધુને તો સર્વે ઈષણા મેલી પુરુષોત્તમરૂપ થઈ મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન, ઉપાસના, ભક્તિ વગેરે કરવાં, અને એકાંતિક ધર્મે યુક્ત પુરુષોત્તમરૂપ મૂર્તિના સુખભોક્તા એવા જે સંત છે, તેમને જ કલ્યાણકારી માનવા ને તે જ સદગુરુ ને સાધુ જાણવા. એવા સંત દેવની પ્રતિષ્ઠા કરે તેમાં દૈવાતન આવે. એવા સંત હોય તે સાધુ કરે તેમાં સાધુતા આવે. એવા સંતના જોગે કરીને નિષ્કામ ધર્મ પળે. એવાસંત છે તે જ એકાંતિક ધર્મના ધારક છે; મોક્ષના કર્તા છે; મુમુક્ષુને શરણ પામવા યોગ્ય છે. માટે એવા સાધુ થાવું ને એવા સાધુ થવું હોય તેને તેવા સાધુનો જોગ કરવો ને ભગવાન ભજવા ને ભજાવવા -એ જ.
ત્યાં સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, ભગવત્સ્વરૂપદાસજી આદિ સર્વે સંત તથા નાગરદાસભાઈ, ભૂરાભાઈ આદિ સર્વેને અમારા ઘણા સ્નેહથી ‘જય સ્વામિનારાયણ’ કહેશો. આવી રીતે પત્રનો પ્રત્યુત્તર લખી મોકલ્યો.
ત્યાર પછી ધનુબા રામપુરમાં ‘વચનામૃત’ ને ‘ભક્તચિંતામણિ’નું દસ દિવસનું પારાયણ કરાવતાં હતાં, તેમાં બાપાશ્રી બીજે દિવસે રામપુર પધાર્યા ને બાપાશ્રી નિત્યે સભામાં આવીને બિરાજતા ને વાતો કરીને સર્વેને સુખ આપતા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે ધનુબાએ સર્વે સંતને ચાદરો અપાવી અને સાંખ્યયોગી બાઈઓ સર્વેને થાળીઓ આપી ને સર્વેને જમાડ્યા. પછી બાપાશ્રી સંતમંડળ સહિત હરિભક્તને ઘેર પધરામણીએ જતા. એવી રીતે બાપાશ્રી રામપુરમાં પાંચ દિવસ રહીને પાછા વૃષપુર આવ્યા. પછી ભૂજનગર ગયા ત્યાં બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ કેશવપ્રિયદાસ બાપાશ્રીને જમાડવા, જળપાન કરાવવું વગેરે સેવા કરતા. એવી રીતે બાપાશ્રી સંત-સત્સંગીને શાંતિ પમાડી પાછા વૃષપુર જઈને રહ્યા.
ઇતિ વિશ્રામ ૬૪