વિશ્રામ ૮
ત્યાર પછી અનાદિમુક્ત અબજીભાઈશ્રી સર્વ ભક્તને ગૃહસ્થાશ્રમના ધર્મની શિક્ષાને અર્થે પોતાની પત્ની સાથે ગૃહસ્થાશ્રમના ધર્મનું પાલન કરવા લાગ્યા ને દેહાદિકના નિર્વાહના અર્થે કૃષિવૃત્તિનો ઉદ્યમ કરવા લાગ્યા ને પતિવ્રતા એવાં પોતાનાં પત્ની ને વૃદ્ધ એવાં માતાપિતા તેમને અનેક પ્રકારના રસથી યુક્ત અન્ન, વસ્ત્ર તથા આભૂષણાદિકે કરીને પાલન-પોષણ કરવા લાગ્યા, તેમ જ સર્વ જનને આનંદ પમાડતા હતા. તેવા સમયમાં સદ્. સ્વામી લોકનાથાનંદજી સંતમંડળ સહિત વૃષપુરમાં આવ્યા હતા, ત્યારે આ મુક્તરાજશ્રી બીજા હરિભક્તોને સાથે રાખી સંતમંડળની સેવા કરતા. પછી એક દિવસ મુક્તરાજશ્રી લોકનાથાનંદસ્વામી આદિ સંતમંડળને પોતાની વાડીએ તેડી ગયા ને શકરિયાં બાફીને તથા આમ્રફળનો રસ એક પાત્રમાં કાઢી અને ગુંદાના પત્રના પડિયા તથા પતરાળાં કરાવીને શકરિયાં ને રસશ્રીહરિને ધર્યાં. પછી સર્વે સંતની પંક્તિ કરાવી અને મુક્તરાજશ્રી પોતે પીરસવા લાગ્યા ને વાડકાથી આંબાનો રસ ને શકરિયાં પીરસીને સારી રીતે જમાડ્યા ને પોતાના સંબંધી તથા હરિભક્ત સહિત પોતે પણ જમ્યા. પછી સંત-હરિભક્તની મોટી સભા થઈને મુક્તરાજશ્રી પણ સભામાં બેઠા અને લોકનાથાનંદ સ્વામી વગેરે સંતોએ ઘણી વાર કથાવાર્તા કરી સર્વેને રાજી કર્યા, પછી સ્નાન કરીને મંદિરમાં આવ્યા. એમ લોકનાથાનંદ સ્વામી મુક્તરાજશ્રી સાથે કથાવાર્તાનો મહા આનંદોત્સવ કરતા થકા કેટલાક દિવસ વૃષપુરમાં રહીને ભૂજ ગયા.
ત્યાર પછી કોઈક દિવસ મુક્તશ્રી અબજીભાઈ પોતાના મિત્રો સહિત ભૂજ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા આવ્યા હતા અને મંદિરમાં શ્રીહરિકૃષ્ણ મહારાજ અને શ્રીનરનારાયણ દેવનાં દર્શન કરતા હતા. તે સમયે પ્રતિમાસ્વરૂપે દેખાતા શ્રીહરિકૃષ્ણ મહારાજ સખાઓને સાંભળતા મુક્તસ્વરૂપ અબજીભાઈ પ્રત્યે બોલ્યા જે, ‘‘હે મુક્તરાજ ! તમને મુક્તસ્વરૂપ સૂરજબા સંભારે છે.’’ -એમ કહીને પાનબીડાંઓ આપવા હસ્ત લાંબો કર્યો. ત્યારે મુક્તરાજશ્રીએ મહારાજના હસ્તમાંથી પાનબીડાં લઈને કહ્યું જે, ‘‘હું સૂરજબા પાસે જઈશ.’’ પછી ઠાકોરજીતથા સંતનાં દર્શન કરી સૂરજબાની પાસે ગયા. ત્યારે સૂરજબા અતિ હર્ષ પામતાં થકાં મુક્તસ્વરૂપ અબજીભાઈ પ્રત્યે બોલ્યાં જે, ‘‘અહો ! હે ભાઈ ! હું હમણાં જ તમને સંભારતી હતી ત્યાં તમારાં દર્શન થયાં તેથી હું બહુ જ રાજી થઈ ને મને તમારાં દર્શનથી શ્રીજીમહારાજનાં દર્શન જેવો જ આનંદ થાય છે, ને દિવ્યભાવમાં તમારું સ્વરૂપ શ્રીજીમહારાજનાં જેવું જ ભાસે છે, તેથી શ્રીજીમહારાજનું વચન સાંભરી આવે છે; તે શું, તો અમે અહીંથી શ્રીજીમહારાજને તેડવા ગઢપુર ગયાં હતાં ને શ્રીહરિને કચ્છમાં આવવાની વિનંતી કરી હતી, ત્યારે શ્રીજીમહારાજે કહ્યું હતું જે, ‘મારાથી હવે કચ્છમાં નહિ અવાય, પણ અમારા મુક્તને મોકલશું.’ તે તમે જણાઓ છો.’’ -એમ સૂરજબાએ કહ્યું. તે સમયે રામપુરના કણબી મેઘજીના દીકરા શામજી પાસે બેઠા હતા તેને ઉપશમ અવસ્થા થઈ ગઈ અને શ્રીજીમહારાજ નાગડકામાં સુરાખાચરના દરબારમાં સંત-હરિભક્તની સભા સહિત વિરાજમાન છે ને સુરાખાચર મહારાજની સેવામાં હાજર છે, તે જ હું છું એવું જણાયું. પછી જાગ્રત અવસ્થામાં આવીને સર્વે વાત સૂરજબાને કહી. ત્યારે સૂરજબાએ કહ્યું જે, ‘‘તમે પૂર્વે સુરાખાચર હતા ને મહારાજની ઘણી સેવા કરી હતી, પણ કોઈક કારણને લઈને ફરીથી આવવું પડ્યું છે. હવે શ્રીજીમહારાજ ને મુક્તને રાજી કરજો ને સાધુ થઈને ઘણા જીવને ભગવાન ભજાવજો ને ભજજો. પછી તમને શ્રીજીમહારાજ મૂર્તિના સુખમાં રાખશે.’’ -એમ સૂરજબા વાત કરે છે, તે સમયે મુક્તશ્રી અબજીભાઈ સર્વેને તેજોમય દેખાયા, પછી જેવા હતા તેવા દેખાયા. ત્યાર પછી સૂરજબા મુક્તરાજશ્રીને તથા સર્વે ભક્તને શીરો, પૂરી, શાક, કઢી, ખીચડી આદિ ભોજન જમાડવા લાગ્યાં ને સર્વે જમ્યા. પછી મુક્તરાજશ્રી સર્વે ભક્ત સહિત મંદિરની વાડીએ ગયા, અને ત્યાં સ્નાન કરીને તળાવના તટ ઉપર છત્રીએ આવીને બેઠા ને કેટલાક સંત-હરિભક્ત પણ પાસે આવીને બેઠા.
તે સમયે મુક્તશ્રી મહારાજની વાતો કરવા લાગ્યા જે, ‘‘સત્સંગ વિના બીજે આ જીવનો આત્યંતિક મોક્ષ થતો નથી અને સત્સંગમાં પણ પ્રગટ શ્રીજીમહારાજ ને મુક્તને ઓળખ્યા વિના સાધન કરે તોપણ કસર ટળે નહિ, પણ જો આવા પ્રગટ અનાદિમુક્ત મળે અને તેમને ઓળખે તો તેમના જોગે કરીને કસર માત્ર ટળી જાય ને આત્યંતિક મોક્ષને પામે; અને આખો જન્મારો કસર ટળે એવી ન હોય પણ જો આવા મોટા પુરુષનો જોગ થાય ને વિશ્વાસ આવે તો એક દિવસમાં કસર ટાળીને પૂરું કરી દે એવો મોટાનો પ્રતાપ છે. અને આ મુક્ત મળ્યા છે તે પણ મૂળઅક્ષરથી તથા અક્ષરધામથી પર છે, કેમ જે મૂર્તિમાં રહ્યા છે ને ધામ તો શ્રીજીમહારાજનું ને અનાદિમુક્તનું તેજ છે. અને બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ પણ આ મુક્તની પ્રાર્થના કરે છે ને મૂર્તિનું સુખ માગે છે; એવા મોંઘા આ મુક્ત છે. લાખો-કરોડો જન્મ ધરો ને સત્સંગ કરો, પણ આ જોગ એક મિનિટનો પણ તેથી અધિક છે; કેમ જે એક મિનિટમાં અનાદિ કરી મૂકે. જેમ ઉત્તમ પારસને જે વસ્તુ અડે તે અડતાં જ પારસ થઈ જાય, એવા આ મુક્ત છે. માટે કહેનારા સારા છે ને જોગ પણ સારો છે. માટે પોતાનું પૂરું કરી લેવું. અને કરવાનું પણ એ છે જે, મહારાજ અને મોટા પુરુષને ઓળખી તેમની અનુવૃત્તિમાં રહેવું ને મૂર્તિમાં જોડાવું અને મોટા પુરુષને વિષે હેત ને વિશ્વાસ - તે દૃઢ કરવાં ને મહારાજ ને મોટાની આજ્ઞામાં રહેવું.’ -એમ વાતો કરીને પછી મંદિરમાં આવ્યા ને ઠાકોરજી તથા સંતનાં દર્શન કરીને સભામાં બેઠા. પછી કથાની સમાપ્તિ થઈ, ત્યારે મેડા ઉપર બે ઘડી શયન કર્યું અને ઠાકોરજી જાગ્યા, ત્યારે ઠાકોરજી તથા સર્વે સંતોનાં દર્શન કરીને વૃષપુર પધાર્યા.
હવે અનાદિમુક્ત અબજીભાઈશ્રી શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છે અને સ્વતંત્ર છે ને સર્વેને મૂર્તિના સુખદાતા છે ને અનંત ઐશ્વર્ય ને સર્વે સિદ્ધિઓ તે પણ જેમના ચરણમાં રહે છે એવા મુક્તરાજશ્રી છે, તોપણ સર્વે ભક્તજનને આ લોકની સ્થિતિ દેખાડવા સારુ ને અનેક જીવનો મોક્ષ કરવા સારુ કોઈક સમયે પોતાના પિતા તથા બીજા કેટલાક ભક્તજન સાથે દ્રવ્ય-ઉપાર્જનનું નિમિત્ત કરી કરાંચી બંદર પધાર્યા હતા. ત્યાં મુક્તરાજશ્રીને વિષે સ્નેહવાળા ભક્ત કાનજી તથા નાથા આદિ જે સાથે ગયા હતા, તે સર્વે મુક્તરાજશ્રીની સેવા કરતા અને મુક્તશ્રી મંદિરમાં પોતે રહ્યા હતા અને સંત-હરિભક્તો સર્વે સેવા-સમાગમનો લાભ લેતા. તે સમયે રાજકોટના મિસ્ત્રી રણછોડભાઈનું જાગીરું કરાવવાનું કારખાનું હતું તેથી મુક્તરાજશ્રી તે મિસ્ત્રીની ગાડી હાંકતા અને તે મિસ્ત્રી અબજીભાઈશ્રીને મોટા મુક્ત જાણીને તથા તેમની ક્રિયાની ચાતુરી જોઈને ભાઈશ્રીને નિત્યના સવા ત્રણ રૂપિયા મૂલ્ય આપતા અને મુક્તશ્રી તેમનું બીજું પણ કામ કરતા ને ઘણાક જીવોને દર્શન દઈ વાતો કરીને કૃતાર્થ કરતા અને ત્યાંના ભક્તજનો નાના પ્રકારની સામગ્રી વડે મુક્તશ્રીની સેવા-પૂજાનો લાભ લેતા. એમ એ મુક્તરાજશ્રી કેટલાક દિવસત્યાં રહીને ઘણુંક દ્રવ્ય કમાઈને સર્વે હરિભક્ત સહિત પાછા વૃષપુર આવ્યા.
ઇતિ વિશ્રામ ૮