વિશ્રામ ૩૦

ત્યાર પછી અનાદિ મુક્તરાજશ્રી પોતાનો નિત્યવિધિ કરી મંદિરમાં ઠાકોરજી ને સંત-હરિભક્તનાં દર્શન કરીને ઘેર પધાર્યા ને મંદિરમાં સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિ સર્વે સંતમંડળ તથા વાંટાવદરના ભૂરાભાઈ ને પાટડીના નાગજીભાઈ આદિ સર્વે હરિભક્ત પોતપોતાનો નિત્યવિધિ કરી સભામાં બેસી મૂર્તિમાં વૃત્તિ રાખીને કથાવાર્તા કરતા હતા. તે મુક્તરાજશ્રી ઘેરથી આવ્યા; તે કેવા, તો સંતોના સારુ લોટનું ભરેલું માટું મસ્તકે ધારણ કર્યું છે ને એક હાથમાં ઘીનું મોટું પાત્ર લીધું છે ને બીજા હાથમાં ગોળનું મોટું માટલું લીધું છે. એવા થકા મંદિરના ચોકમાં આવ્યા, ત્યારે સ્વામી વૃંદાવનદાસજી ને સ્વામી ઘનશ્યામજીવનદાસજી તેમણે તત્કાળ સન્મુખ જોઈને લોટ, ગોળ, ઘી તેનાં પાત્ર બાપાશ્રીપાસેથી લઈ લીધાં ને બાપાશ્રીને કહ્યું જે, ‘‘આ સીધુસામાન બીજા પાસે મોકલાવતા હો તો સારું; પણ તમે હાથ ઉપાડી લાવો છો તે સારું નથી લાગતું.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘સંતની સેવા તો હાથેથી કરીએ, તેમાં મહારાજ બહુ રાજી થાય ને અમે તો સર્વેને શીખવવાસારુ કરીએ છીએ.’’ -એમ કહીને ઘેરથી ખીચડી, દાળ, શાક, અથાણું વગેરે સામાન સંત સારુ લઈ આવ્યા. પછી ઠાકોરજી ને સંતનાં દર્શન કરી સભામાં આસન ઉપર વિરાજમાન થયા.

પછી બાપાશ્રી સંત-હરિભક્તને આનંદ ઉપજાવતા થકા વાતો કરવા વાગ્યા જે, ‘‘આ સભા ને આ મૂર્તિ દિવ્ય છે. તે જો અંત સમે સાંભરી આવે તો નિશ્ચય આત્યંતિક કલ્યાણ થાય અને શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત પ્રત્યક્ષ મળ્યા છે, પણ દેહથી મળ્યા હોય તે ખરેખરા મળ્યા ન કહેવાય; જીવથી મળ્યા હોય ત્યારે ખરેખર મળ્યા કહેવાય.’’

ત્યારે સાધુ કેશવપ્રિયદાસે પૂછ્યું જે, ‘‘જીવથી ક્યારે મળ્યા કહેવાય ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘માન, મોટપ, રસાસ્વાદ - એ આદિ સર્વે દોષ મૂકીને મૂર્તિમાં જોડાઈ જાય ત્યારે જીવથી મળ્યા કહેવાય ને મોટાનો જોગ થયો કહેવાય. ને મોટાનો જોગ કરીને બાળકિયા સ્વભાવ-રમતિયાળ સ્વભાવ મેલવા જોઈશે ને મહારાજની આજ્ઞા પાળવી; પણ આજ્ઞામાં ફેર પાડવો નહિ. ત્યાગીને જડ માયા જે દ્રવ્ય ને ચૈતન્યમાયા જે સ્ત્રી તેનો ક્યારેય જોગ થવા દેવો નહિ ને જોગ થાય તો કાળો સર્પ વળગ્યો જાણવો. તે જેમ સર્પ કરડીને પ્રાણ લે, તેમ તે કલ્યાણના માર્ગથી પાડે ને ગૃહસ્થને પણ તેવા સાધુનો સંગ ન કરવો. આ લોકમાંથી ને આ દેહમાંથી લૂખા થાવું. આ દેહ તો હાડકાંની મેડી છે, તેને માંસનું લીપણ કર્યું છે ને માંહી પરુ, પાચ, રુધિર, વિષ્ઠા આદિ મળ ભર્યા છે ને વળી કામ, ક્રોધ, માન, મોહ, રસાસ્વાદ આદિ દોષરૂપી પઉ(વળગાડ; બે પથ્થરને ત્રાંબાના ચપલાથી સીસું રેડીને જોઈન્ટ કરવામાં આવે છે તે ચપલાને પઉં કેહવામાં આવે છે) છે. - તેણે કરીને બંધાયેલો છે. તે દેહને મોહે કરીને સારો માને છે પણ તેમાં સારું શું છે; સારું કાંઈ નથી. તે દેહને રાજી કરવા નાના પ્રકારના પદાર્થની તૃષ્ણા કરે છે. તે તૃષ્ણાનો પાર આવે નહિ. ‘તૃષ્ણા તુ બડી નકટી, સબ જીવનકી લાજ લેત’ તૃષ્ણા સર્વેની લાજ લેતેવી છે. સંતને પેટી, આસન, પુસ્તક, પૂજા, પ્રસાદીનાં પગલાં તે સર્વેની તૃષ્ણા મેલવી, નહિતર લાજ ખોવરાવે માટે મનને પાછું વાળી મૂર્તિમાં જોડવું, મન તો હરામજાદું છે, ‘ઝટકી ઝટકી જાત હે; લટકી લટકી વિષયફળ ખાત.’ તે મૂર્તિમાંથી ઝટકી ઝટકીને ક્યાંય જાતું રહે ને લટકી લટકી વિષયરૂપી ફળ ખાય છે; માટે મનને પાછું વાળીને મૂર્તિમાં જોડવું. તે મધ્યના ૨૩માં મહારાજે કહ્યું છે જે, ‘‘સારાનરસા વિષયને જોગે કરીને જેનું મન ટાઢું ન થાય તેને પરમભાગવત સંત જાણવા.’’ તે સંત કોને કહેવાય, તો જે શાંતિ કરે તેને સંત કહેવાય, મોક્ષ કરે તેને પણ સંત કહેવાય માટે આ લોકના રાગ મેલીને સંત થાવું. અમારા દીકરા મને કહેશે જે, ‘તમારા સારુ આ ખાવાનું કરીએ, આ ખાવાનું કરીએ.’ પણ હું કહું જે, ‘આ મને ગરમી કરે, આ ટાઢું પડે, આ વાયુ કરે.’ -એમ કહીને ત્યાગ કરી દઈએ ને બાજરાનો રોટલો ને મઠની ખીચડી તે વિના રુચે જ નહિ. તે જો મૂર્તિમાં રસબસ જોડાઈ જાય, તો મૂર્તિ વિના બીજું સર્વે સુખ તરણા તુલ્ય થઈ જાય છે. આપણે કઈ વસ્તુ પામવી છે ? માટે બીજામાંથી ટૂંકું કરવુંજોઈશે, જરૂર કરવું જોઈશે ને આપણને શ્રીજીમહારાજ મળ્યા છે, તે કેવડા મોટા છે તે વિચારવું. અમે અક્ષરધામમાંથી તમને મહારાજનો મહિમા કહેવા સારુ આવ્યા છીએ. તેજો મહારાજનો ને મોટાનો મહિમા સમજાય તો પંચવિષય, દેહાભિમાન એ આદિ કાંઈ રહે નહિ, મહારાજના સુખમાં ચાલ્યો જાય. કહેનારા સારા છે; જોગ સારો છે માટે પોતાનું પૂરું કરી લેવું પણ આ જીવ છે તે માયાનો લહરકો લેવા જાય છે, તેટલામાં મહારાજને ભૂલી જવાય છે. જેમ એક બ્રાહ્મણ હતો, તે ચક્રવર્તી રાજા પાસે દાન લેવા ગયો. પછી રાજાએ કહ્યું જે, ‘‘બાર વાગે આવજો, તમને પાંચ હજાર સોનામહોરો આપીશું.’’ પછી તે રાજાએ બ્રાહ્મણની પરીક્ષા લેવા માટે સારાં સારાં ભોજન, સેવક, પલંગ ને ગાદલાં આપ્યાં. પછી તે બ્રાહ્મણ તો સારાં સારાં ભોજન જમીને પલંગ, ગાદલાં ને પગચંપી કરનાર સેવક કેને જોઈને જાણે લગાર સૂઈ રહું. પછી સૂતો ને નિદ્રા આવી ગઈ, ત્યાં તો દાન લેવાનો વખત વીતી ગયો. પછી રાજા પાસે ગયો, ત્યારે રાજાએ કહ્યું જે, ‘હવે નહિ મળે.’ તેમ આ જીવ પંચવિષયનો, પુસ્તકનો ને પૂજા આદિ પદાર્થનો લહરકો લેવા જાય છે, ત્યાં મહારાજ ને મોટાને ભૂલી જાય છે. તે માયા ત્યાગ કરી હોય તોપણ ગરી આવે છે માટે સાચવવું.’

પછી વળી બીજું દૃષ્ટાંત દીધું જે, ‘‘શુકદેવજી બાર વર્ષ માતાના ઉદરમાં રહ્યા. પછી માયા ખેંચાવીને જન્મ્યા ને જન્મીને તરત ચાલી નીસર્યા, ત્યારે વ્યાસજી પાછા વાળવા ગયા ને સાદ કર્યો જે, ‘હે પુત્ર ! પાછા વળો.’ ત્યારે શુકદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા જે, ‘‘હું પાછો નહિ વળું.’ પછી ગોપીતલાવડીએ ગોપીઓ નહાતી હતી તેને ભટકાઈને ચાલ્યા, તોપણ તે ગોપીઓએ વસ્ત્ર ન પહેર્યાં ને પછી વ્યાસજી આવ્યા, તેને દેખીને ઝટોઝટ વસ્ત્ર પહેરી લીધાં. ત્યારે વ્યાસજીએ પૂછ્યું જે, ‘તમે સોળ વર્ષના છોકરાને જોઈને વસ્ત્ર ન પહેર્યાં ને મને બુઢ્ઢાને જોઈને વસ્ત્ર પહેર્યાં તેનું કેમ ?’ ત્યારે ગોપીઓએ કહ્યું જે, ‘તેને સ્ત્રીપુરુષનો ભાવ નથી ને તમારે છે.’ પછી વ્યાસજીએ શુકજીને ભેળા થયા ને કહ્યું જે, ‘તમે ભલે તપ કરવા જાઓ, પણ જનકની પાસે જજો.’ પછી શુકદેવજી ફરતા ફરતા જનક રાજાને ત્યાં ગયા ને જનક રાજાએ પોતાની પાસે રાખ્યા.’’

પછી કોઈક દિવસ શુકદેવજીને સ્વપ્ન થયું જે, ‘‘હું બે સ્ત્રીઓ પરણ્યો તેને દીકરા થયા, તેમાં એક માનીતીનો દીકરો ખભે બેસાર્યો ને અણમાનીતીનો દીકરો આવ્યો ત્યારે તેનો હાથ ઝાલીને તિરસ્કાર કર્યો.’’ ત્યારે જનક રાજાએ કહ્યું જે, ‘‘શુકદેવજી શરમાયા અને જનક રાજાને ગુરુ કર્યા. તે માયા ખેંચાવીને જન્મ્યા ને વૃક્ષમાં રહીને ઉત્તર આપ્યો- એવા સમર્થ હતા તોપણ માયા રહી ગઈ. એમ આપણે પણ ઉપરથી માયા ત્યાગ કરી બેઠા હોઈએ પણ અંતરમાં ઘાટ-સંકલ્પ થાય એ રાગ કહેવાય, માટે ઘાટ-સંકલ્પ મૂકીને મૂર્તિમાં વૃત્તિ રાખવી ને જીવમાંથી માયાનો રાગ કાઢી નાખવો. અને સંગ પણ માયાને તર્યા હોય ને મહાકાળ, અક્ષર, તેથી પર એવા એકાંતિક, પરમએકાંતિક ને અનાદિમુક્ત તેનો કરવો પણ માયામાં બંધાયા હોય તેનો સંગ ન કરવો.’’ -એમ વાતો કરીને ઘેર જમવા પધાર્યા ને સંત-હરિભક્ત પણ ઠાકોરજીને થાળ કરીને જમ્યા.

ઇતિ વિશ્રામ ૩૦