વિશ્રામ ૧૦

ત્યાર પછી સદ્‌. સ્વામી નિર્ગુણદાસજી તે પોતાના મંડળના તથા પોતાની સાથે આવેલા સર્વે સંત સહિત વૃષપુર પધાર્યા. ત્યાં મુક્તશ્રી અબજીભાઈનાં દર્શન-સમાગમ તથા તેમની સાથે કથાવાર્તા કરતા થકા સર્વે સંત-હરિભક્તને સમાગમનું સુખ આપવા લાગ્યા ને કેટલાક દિવસ વૃષપુરમાં રહ્યા ને નિત્યે કથાવાર્તા કરતા. એવી રીતે સ્વામીશ્રી મુક્તરાજ ભાઈશ્રીને રાજી કરતા અને આ મુક્તરાજ પણ સ્વામીશ્રીની મરજી જાણી મૂર્તિના સુખની થોડી થોડી વાતો કરતા ને સાંજ-સવાર ચંદન ચર્ચે, હાર પહેરાવે, મળે - એમ પરસ્પર હેત જણાવતા. તે જોઈને સંત-હરિભક્તોને જાણ થાતી ગઈ, જે આવા મહા સમર્થ ને શ્રીજીમહારાજના લાડીલા સદગુરુ જેમણે અનાદિ મુક્તરાજ સદ્‌. ગોપાળાનંદસ્વામીને સેવેલા છે તે ઊઠીને આ મુક્તને ચંદન ચર્ચે, હાર પહેરાવે, મળે, ને કાંઈ વચન માગે એ કેવડી વાત ! ને કહે જે, ‘‘હવે સુખની લહાણી કરો; મહારાજે તમને શું કરવા રાખ્યા છે ?’’ આવાં વચનો હરિભક્ત ને સાથે રહેલા સંત સાંભળે, એમ કરતાં હરિભક્તને જાણ થાતી ગઈ, તેથી મુક્તરાજનાં દર્શન-સમાગમ માટે ગામેગામના હરિભક્ત આવ-જા કરતા. એમ કેટલાક દિવસ વૃષપુરમાં રહીને પછી નારાયણપુર, રામપુર, દહીંસરા આદિક ગામોમાં હરિભક્તોને કથાવાર્તાનું સુખ આપી પાછા ભૂજનગરમાં આવ્યા. ત્યાં કેટલાક દિવસ રહીને પછી મૂળીપુર થઈને અમદાવાદ ગયા અને મૂળીના સંત મૂળી રહ્યા.

અને સદ્‌. સ્વામી નિર્ગુણદાસજી તો જ્યારે ભૂજથી અમદાવાદ જાય, ત્યારે ત્યાં પણ સભામાં વાતો કરે જે, ‘‘જેને આ ટાણે મહારાજનું સુખ વહેલું જોઈતું હોય, તેણે વૃષપુર ગામમાં એક મોટા મુક્ત અબજીભાઈ નામે છે તેમનો જોગ-સમાગમ કરવો ને સેવા કરી રાજી કરવા અને એ અખંડ મૂર્તિમાં રહે છે. જેના ઉપર કૃપાદૃષ્ટિ કરે છે તેને મૂર્તિમાં રાખે છે ને કેટલાક હરિભક્ત દેહ મૂકે છે, ત્યારે શ્રીજીમહારાજ સાથે તેમનાં દર્શન થાય છે.’’ આવી વાતો કરતા. વળી પોતાના જોગ-સમાગમવાળાને કહેતા જે, ‘‘જેમ મારી પાસે આવો છો તેમ એમની પાસે જઈને જોગ-સમાગમ કરજો. એ સિદ્ધ મુક્ત છે ને શ્રીજીમહારાજરૂપ છે.’’ -આવી વાતો મૂળી, અમદાવાદ, કચ્છ વગેરેમાં કરી આ અનાદિમુક્તને બહુ પ્રસિદ્ધ કર્યા.

ત્યાર પછી સર્વે સંત-હરિભક્ત અબજીભાઈને શ્રીજીમહારાજરૂપ મોટા અનાદિમુક્ત જાણીને દર્શન-સમાગમ કરતા આવ-જા કરતા અને મુક્તરાજશ્રી પણ સર્વેને સમાગમનું સુખ આપતા. તેવા સમયમાં મુક્તરાજને ત્યાં મોટા પુત્રનો જન્મ થયો ને તેમનું નામ ‘કાનજીભાઈ’ એવું રાખ્યું હતું. હવે મુક્તરાજશ્રી પોતે વ્યવહાર સંબંધી કામ કરતા પણ બહુધા તો સમાધિમાં રહેતા અને તેમના વ્યવહારનું કામ તો બીજા ભક્તજનો કરતા. અને મુક્તરાજશ્રી સમાધિમાં જતા, ત્યારે કોઈ વખત પાંચ દિવસ સમાધિમાં રહેતા અને કોઈ સમે દસ દિવસ અને કોઈ સમે પંદર દિવસ સમાધિમાં રહેતા અને કોઈ વખત બે વા ત્રણ દિવસ સમાધિમાં રહીને જાગતા ને પોતે તો સદા મૂર્તિમાં જ રહ્યા છે ને મૂર્તિરૂપ જ છે, તોપણ બીજા ભક્તના સમાસને અર્થે સ્વતંત્રપણે સમાધિમાં જતા-આવતા અને જ્યારે સમાધિમાંથી જાગતા ત્યારે પોતાનો નિત્ય વિધિ કરી મંદિરમાં મૂર્તિઓનાં દર્શન કરતા. પછી ઘેર ઠાકોરજી જમાડતા અને વાડીમાં જઈને કોસ હાંકવો વગેરે વાડીનું કામ કરતા.

કોઈક સમયે મુક્તરાજશ્રી મૂર્તિમાં જોડાઈને કોસ હાંકતા હતા, તેવા સમયમાં રામપુરના વશરામભાઈ, દેવરાજભાઈ ને રામજીભાઈ આદિ કેટલાક હરિભક્ત મુક્તશ્રીનાં દર્શન-સમાગમ કરવા આવ્યા ને ભક્ત ‘જય સ્વામિનારાયણ’ કહીને દંડવત્‌ કરવા લાગ્યા. પછી દર્શન કરીને પડખે ઊભા રહ્યા. તોપણ મુક્તશ્રીને હરિભક્ત આવ્યા તેની ખબર પડી નહિ; કેમ જે પોતે મૂર્તિમાં રહીને કોસ હાંકતા હતા ને તે કોસને ડુબાવવો હોય ત્યારે વરતને તાણીને ડુબાડે ને કોસ બહાર આવે ત્યારે ઠાલવીને બળદને હાંકે અને પોતે તો સ્વતંત્રમુક્ત છે ને પુરુષોત્તમરૂપ છે તોપણ બીજા એકાંતિક ભક્તની શિક્ષાને અર્થે એમ ઉપશમમાં રહીને ક્રિયા કરતા હતા, તેથી પોતે જાણ્યું નહિ ને હરિભક્ત અર્ધો કલાક ઊભા થઈ રહ્યા. પછી વશરામભાઈએ મુક્તરાજનો હસ્ત ઝાલીને કહ્યું જે, ‘‘ભાઈ ! જય સ્વામિનારાયણ’’ ત્યારે અબજીભાઈએ ધીરા રહી નેત્ર ઉઘાડી સામું જોઈને કહ્યું જે, ‘‘અહો ! ભાઈ ! તમે ક્યારના આવ્યા છો ?’’ ત્યારે તે ભક્તોએ કહ્યું કે, ‘‘અર્ધો કલાક થયો.’’ પછી મુક્તરાજશ્રી કોસ છોડી સભા કરીને બેઠા ને મહારાજની વાતો કરવા લાગ્યા જે, ‘‘મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખીને બીજી ક્રિયા કરવી ને મૂર્તિમાં રસબસ થઈને મૂર્તિનું ધ્યાન કરવું ને મહારાજની આજ્ઞાવિરુદ્ધ સંકલ્પ પણ થવા દેવો નહિ, તો મહારાજ રાજી થઈને તેને મૂર્તિમાં રાખે’’ -એમ ઘણીક વાતો કરી. પછી સૂર્યાસ્તનો સમય થયો ત્યારે મુક્તરાજશ્રી સર્વેને સાથે લઈને મંદિરમાં આવ્યા ને આરતી, ધૂન તથા કથાવાર્તા કરી. પછી તે હરિભક્તને ઘેર લઈ જઈ વાળુ કરાવ્યું ને પાછા મંદિરમાં આવીને બીજી કથા કરી, ને નિત્યનિયમની સમાપ્તિ થયા પછી પોતે યોગનિદ્રા અંગીકાર કરી ને આવેલા હરિભક્ત પણ મુક્તશ્રીની સાથે સૂઈ રહ્યા ને ચાર વાગે જાગી મુક્તશ્રીની રજા લઈને પોતાને ગામ ગયા. એવી રીતે બીજા ગામના હરિભક્તો બાઈઓ-ભાઈઓ તે વૃષપુર આવીને અનાદિમુક્તનાં દર્શન-સમાગમનું સુખ લેતાં ને મુક્તરાજ પણ સર્વેને શ્રીજીમહારાજની આજ્ઞા, ઉપાસના ને ધ્યાન તેને દૃઢ સમજાવીને પરિપક્વ સ્થિતિ કરાવતા. અને તે સર્વે ભક્તજનો પણ મોટાના પ્રતાપથી મહારાજની આજ્ઞામાં દૃઢ વર્તતા ને ઉપાસના સર્વોપરી સમજી મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરતા. એવી રીતે અનાદિમુક્તના જોગે કરી અનાદિમુક્તની સમજણ દૃઢ કરીને અનાદિમુક્ત થયા. ત્યાર પછી તે મુક્તરાજ અબજીભાઈને ઘેર બીજા પુત્રનો જન્મ થયો તેનું નામ ‘મનજીભાઈ’ એવું રાખ્યું હતું.

ઇતિ વિશ્રામ ૧૦