વિશ્રામ ૧૮

તેમાં પ્રથમ મહિમા કહીએ છીએ જે, માયા, કાળ ને પુરુષ તેથી પર બ્રહ્મ ને તેથી પર અક્ષર તે સર્વેથી પર શ્રીજીમહારાજનું અક્ષરધામ છે; તે કેવું છે, તો એ સર્વેનું આધાર ને એ સર્વેનું કારણ એવું શ્રીજીમહારાજનું તેજ છે. તેમાં શ્રીજીમહારાજ બિરાજમાન છે; તે શ્રીજીમહારાજ કેવા છે, તો સર્વાત્માબ્રહ્મ જે અનાદિમુક્ત તેના પણ આત્મા છે, ને તે અનાદિમુક્તને કૈવલ્યમુક્ત ને નિત્યમુક્ત નામે કરીને કહ્યા છે એવા કૈવલ્યમુક્તને પોતાના સ્વરૂપમાં લીન કરીને રાખે છે ને પોતાના તેજરૂપ ધામમાં મહામુક્તને રાખે છે ને તે મહામુક્તને પરમએકાંતિક મુક્ત ને વિદેહીમુક્ત નામે કરીને કહ્યા છે. એવા અનંત મુક્તોના સ્વામી, સુખદાતા ને નિયંતા એવા સ્વામિનારાયણ ભગવાન છે. તે કેવળ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પોતાનું અક્ષરધામ ને મુક્ત તેને પોતામાં લીન રાખીને મનુષ્ય જેવા થાય છે ને પોતાના મુક્તને પણ મનુષ્ય જેવા કરે છે. એવા શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત તે મનુષ્યરૂપે પ્રગટ થઈને જ્યાં વિચરે છે, ત્યાં અક્ષરધામ કહેવાય છે ને તે ભગવાનની સેવામાં રહ્યા જે ભક્ત તે પણ અક્ષરધામના રહેનારા મુક્ત કહેવાય છે. એવા સહજાનંદસ્વામી સ્વામિનારાયણ ભગવાન ને તેમના અનાદિમુક્ત તે સત્સંગમાં પ્રગટ સુખ આપે છે ને પોતાના સ્વરૂપની સર્વોપરી ઉપાસના સમજાવે છે. એવા શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત તેમનો જ્યારે મુમુક્ષુ જીવ ઓળખીને આશરો કરે છે ને તેમની આજ્ઞામાં વર્તે છે, ત્યારે તેમની કૃપા થકી માયાથી મુક્ત થઈ મૂર્તિના સુખને પામે છે. એવા મુક્તરાજશ્રી તે પોતાના સેવક તેમણે પ્રીતિ-અનુવૃત્તિથી સેવ્યા થકા પોતાના ભુવનને વિષે રહ્યા છે.

તે સમયે સદ્‌. સ્વામી અક્ષરજીવનદાસજી તે પોતાના મંડળેસહિત તે પુરમાં મોટું મંદિર કરાવવા સારુ આવ્યા. અને મુક્તરાજશ્રી સંતમંડળે સહિત સ્વામીની સેવા કરતા ને કરાવતા ને સ્વામી પણ મુક્તરાજ સાથે સ્નેહે કરીને કથાવાર્તા કરતા. પછી સ્વામીએ મુક્તશ્રી અબજીભાઈ ને મોટેરા હરિભક્તને મંદિર કરવાની વાત કરી. ત્યાર પછી સ્વામીને મુક્તરાજશ્રીએ મંદિરની જગ્યા રાખી ને મંદિરનું કામ ચાલુ કરાવ્યું. અને મુક્તશ્રી બીજા કેટલાક હરિભક્તનાં ગાડાં જોડાવી ને પોતાનું ગાડું જોડીને મંદિરના મોભ વગેરે ઇમારતી લાકડાં લેવા સારુ માંડવી બંદર ગયા ને ત્યાં મંદિરમાં ઠાકોરજીનાં ને લક્ષ્મીરામભાઈનાં દર્શન કરવા ગયા. ત્યાં મુક્તસ્વરૂપ લક્ષ્મીરામભાઈએ ભાઈશ્રીને કહ્યું જે, ‘‘તમે દયા કરી સર્વે હરિભક્તને સાથે લઈને મારે ઘેર જમવા પધારો.’’ ત્યારે ભાઈશ્રીએ કહ્યું જે, ‘‘મારે જમવું નથી ને જેને જમવું હશે તે મંદિરમાં બ્રહ્મચારીને હાથે જમશે.’’ -એમ કહી મંદિરમાંથી ગાડા પાસે જઈ સમાધિ કરીને મૂર્તિમાં લીન થઈ ગયા. પછી બીજા સર્વે હરિભક્ત મંદિરમાં જમીને ગાડા પાસે આવ્યા, ત્યાં તો અબજીભાઈશ્રીને સમાધિમાં સૂતેલા જોયા. પછી મંદિરનાં લાકડાં ગાડામાં ભર્યાં ને મુક્તશ્રીના ગાડામાં મુક્તને આસન પાથરીને તેમાં સુવાડ્યા ને તે ગાડાને હાંકવા માટે એક હરિભક્ત બેઠા અને બીજા સર્વે પોતપોતાનાં ગાડાં જોડીને ચાલ્યા તે વૃષપુર આવ્યા ને તે હરિભક્તોએ તો પ્રથમ મુક્તશ્રીના ઘેર ઢોલિયામાં ગાદલું પાથરી મુક્તરાજને ગાડામાંથી ઉતારી તેમાં સુવાડ્યા ને પોતાના ગાડામાંથી મોભ વગેરે ઇમારતી લાકડાં મંદિરમાં ઉતાર્યા પછી પોતપોતાને ઘેર ગયા. હવે સ્વામી અક્ષરજીવદાસજી મુક્તશ્રી સમાધિમાં ગયા છે, એમ જાણી પોતાના સાધુ હરિચરણદાસજી આદિ સંતમંડળે સહિત અબજીભાઈના ઘેર દર્શન કરવા સારુ ગયા. તે સમયે ભાઈશ્રી ઢોલિયામાં સમાધિમાં સૂતા હતા ને મૂર્તિના સુખમાં થીજી રહ્યા હતા. એવાં મુક્તશ્રીનાં દર્શન કરી, ને તેમને શરીરે હાથ ફેરવી પાછા મંદિરમાં આવ્યા ને મુક્તશ્રી તેવી રીતે પાંચ દિવસ સમાધિમાં રહ્યા. પછી છઠ્ઠે દિવસ પ્રાતઃકાળમાં જાગ્રત થયા ને સ્નાન, પૂજા વગેરે નિત્યવિધિ કર્યો ને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા આવ્યા ને ઠાકોરજીનાં ને સંતનાં દર્શન કરી ઘેર ભોજન કરવા ગયા, ત્યારે મુક્તશ્રીનાં પત્ની જે દેવુબા તેમણે સાકરનો શીરો, પૂરી, શાક આદિ ભોજન તૈયાર કરી રાખેલ હતાં તે મુક્તશ્રીને જમાડવા લાગ્યાં ને મુક્તશ્રી સર્વે હરિભક્તમાં અગ્રેસર છે માટે મંદિરનું કામ કરાવવા લાગ્યા. પછી સિંહાસન સહિત મંદિર પૂરું થયું, ત્યારે સ્વામીશ્રી ને મુક્તશ્રી તેમણે મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠાનો ઉત્સવ કરવા માંડ્યો. તેમાં પ્રથમ સર્વે સામગ્રી તૈયાર કરી ને ગામડાના સર્વે સત્સંગીને કંકોત્રીઓ લખી ને સંત-હરિભક્તોને તેડાવ્યા ને શાસ્ત્રવિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવીને શ્રીજીમહારાજની મૂર્તિઓ સિંહાસનમાં પધરાવી ને એ કામ પૂરું થયું, ત્યારે સ્વામી અક્ષરજીવનદાસજી ભૂજ ગયા ને અનાદિમુક્તશ્રી પોતાની લખાઈવાડીના ડેલામાં જઈ પછેડી ઓઢીને સમાધિમાં ગયા. હવે ભાઈશ્રીને સમાધિમાં ગયા જાણીને નારાયણપુરના જાદવજીભાઈ ને તેમના દીકરા ધનજી આદિ ને રામપુરના દેવરાજભાઈ આદિ ને બીજાં ગામોનાં બાઈઓ-ભાઈઓ આદિ સર્વ હરિભક્તો મુક્તશ્રીનાં દર્શન કરવા આવતા ને જતા. પછી મુક્તરાજશ્રી ચોથે દિવસ સાંજના પાંચ વાગ્યે સમાધિમાંથી જાગ્યા ને સ્નાન કરીને પૂજા કરી, પછી મંદિરમાં આવી શ્રીજીમહારાજનાં દર્શન કર્યાં ને સૌ હરિભક્તને દર્શન દઈ આનંદ પમાડી ઘેર જઈને ભોજન કર્યું. એવી રીતે મુક્તરાજશ્રી કેટલીક વાર સમાધિમાં જતા, તે ક્યારેક બે દિવસ, ક્યારેક ત્રણ દિવસ ને ક્યારેક પાંચ દિવસ સમાધિમાં રહેતા ને ક્યારેક આઠ-દસ દિવસ પણ સમાધિમાં રહેતા અને સમાધિમાંથી જ્યારે જાગે ત્યારે પોતાનો નિત્યવિધિ કરતા.

સંવત ૧૯૪૪ની સાલમાં સદ્‌. સ્વામી નિર્ગુણદાસજી મૂળીમાં ચાતુર્માસ કરવા રહ્યા હતા ત્યારે તેમને એવો વિચાર થયો જે, ‘‘ઝાલાવાડ દેશના મોટા મોટા હરિભક્તો અહીં સમાગામ કરવા આવે છે ને અહીંના સંતો બહુ ખપવાળા છે ને આપણા મંડળના સાધુને પણ જોગ-સમાગમનો ખરો આગ્રહ છે. આમ સૌને મહારાજના સુખની તાણ છે, તેથી જો વૃષપુરથી અનાદિ મુક્તરાજ અબજીભાઈને તેડાવ્યા હોય, તો હરિભક્તને મુક્તશ્રીનાં દર્શન-સમાગમનો ઘણો લાભ મળે; કેમ કે શ્રીજીમહારાજે તેમને પોતાની વતી મોકલ્યા છે એવી સત્સંગમાં હજી ઘણાને ખબર નથી. તેમ અહીંથી તેમનો સમાગમ કરવા કચ્છમાં થોડા જઈ શકે માટે પત્ર લખી અહીં તેડાવ્યા હોય તો સર્વેને લાભ મળે.’’ -એમ વિચારી સ્વામીશ્રીએ પત્ર લખ્યો જે, ‘અહીં મૂળીમાં અમે ચાતુર્માસ કરવાના છીએ ને ઘણા સંત-હરિભક્ત સમાગમ સારુ આવ્યા છે માટે તમે તે સર્વેના ઉપર દયા કરીને ને ત્યાંથી હેતરુચિવાળા હરિભક્તને સાથે લઈ હાલ મૂળીએ જરૂર પધારશો ને તમારા પધારવાથી સંત-હરિભક્ત ઘણા રાજી થશે ને આપણે પણ પરસ્પર મળી શ્રીજીમહારાજનો રહસ્ય અભિપ્રાય જે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું, એવી અનાદિમુક્તની સ્થિતિની વાતો કરશું. તેથી જોગ-સમાગમવાળાને પણ શ્રીજીમહારાજનો છેલ્લો સિદ્ધાંત ઘણાને સમજાશે. માટે આવવાની ઢીલ કરશો નહિ.’ સ્વામીશ્રીનો આવો પત્ર વૃષપુરમાં પહોંચતાં અનાદિમુક્તશ્રીએ તે પત્ર વાંચીને કુંવરજી પટેલ તથા નારાયણપુરના જાદવજીભાઈ આદિ જે જે હરિભક્તને સ્વામીશ્રીનાં દર્શન ને જોગ-સમાગમની તાણ હતી, તે સર્વેને સાથે આવવાનું કહ્યું. પછી હરિભક્તોએ સહિત મુક્તશ્રી અબજીભાઈ ભૂજમાં ઠાકોરજીનાં દર્શન કરીને ખારીરોડથી સમુદ્રની ખાડી ઊતરી મૂળીએ પહોંચ્યા. અને આગળથી પત્ર લખ્યો હતો તેથી સૌ સંત-હરિભક્ત મુક્તશ્રીને સામા આવ્યા ને ભાઈશ્રી હરિભક્તોએ સહિત તેમની સાથે મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી સ્વામી પાસે આવી દંડવત્‌ કરવા મંડ્યા. ત્યારે સ્વામી નિર્ગુણદાસજી મુક્તશ્રીને દંડવત્‌ કરતા જોઈને અતિ હર્ષભર્યા ઊભા થઈ મુક્તશ્રીને બાથમાં ચાંપીને મળ્યા ને કહ્યું જે, ‘‘બહુ દયા કરી.’’ ત્યારે અબજીભાઈશ્રીએ કહ્યું જે, ‘‘તમે હેતથી ખેંચ્યા તેથી અવાણું.’’ -આમ બંને દિવ્ય મુક્તોએ વાતો કરી. પછી સ્વામીએ મુક્તરાજશ્રીનું ને હરિભક્તોનું આસન ભંડારના જૂના મેડે પોતાના આસન સામે કરાવ્યું. હવે મૂળીમાં અનાદિમુક્તરાજશ્રી કેટલાક હરિભક્તને સાથે લઈને કચ્છમાંથી આવ્યા છે, એવું સાંભળીને ઘણા સંત-હરિભક્ત મૂળીમાં ભેગા થયા હતા ને નિત્યે સભામાં સદ્‌. સ્વામી નિર્ગુણદાસજી ને અનાદિ મુક્તરાજ પરસ્પર પ્રશ્નોત્તર કરી વાતો કરતા ને સ્વામીશ્રીને આસને પણ સંત-હરિભક્તની સભા અખંડ ભરાઈ રહેતી.

એક દિવસ સ્વામીશ્રીએ મુક્તરાજશ્રીને પૂછ્યું જે, ‘‘અનાદિમુક્ત મૂર્તિમાં કેમ રહેતા હશે ?’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘સ્વામી ! શ્રીજીમહારાજનું ધ્યાન કરતાં કરતાં જ્યારે જીવ શ્રીજીમહારાજરૂપ થાય ત્યારે શ્રીજીમહારાજ તેને પોતાની મૂર્તિમાંથી અનુભવજ્ઞાન આપે છે ને અનુભવજ્ઞાને કરીને મૂર્તિમાં ખેંચી લે છે. ત્યારે એ મુક્તને મૂર્તિમાં અતિ અપાર સુખ આવે છે; એ સુખની હદ નથી, જે આટલું જ સુખ અને અનંત અનાદિમુક્ત અનંતકોટિ કલ્પથી એ સુખમાં રમણ કરે છે તોપણ એ સુખનો પાર આવતો નથી ને અપાર અપાર રહે છે; તેનું વર્ણન શું કરાય ! એવા શ્રીજીમહારાજ સુખના સાગર છે; અનાદિમુક્ત એ સાગરમાં ડૂબ્યા જ રહે છે. એવા અનાદિમુક્ત જોગ-સમાગમ ને રાજીપાથી એ મૂર્તિમાં પહોંચાય છે.’’ -આમ વાત કરતા હતા ત્યાં આરતી થઈ તેથી સૌ દર્શને ગયા.

હવે સ્વામીશ્રી નિર્ગણદાસજી મુક્તશ્રીને તથા તેમની સાથે આવેલા હરિભક્તને મેડા ઉપર રસોઈ કરાવીને સર્વેને જમાડતા ને સભામંડપમાં કથા થઈ રહે, ત્યારે સ્વામીના આસને કથાવાર્તા થતી ને સંત-હરિભક્તની મોટી સભા ભરાતી ને કોઈક સમે સ્વામીશ્રી વાતો કરતા ને કોઈક સમે મુક્તશ્રી વાતો કરતા. એક દિવસ સ્વામીના આસને મુક્તશ્રી આદિ હરિભક્ત ને સ્વામી હરિનારાયણદાસજી, સ્વામી બાળકૃષ્ણદાસજી આદિ ઘણા સંતની સભા બેઠી હતી.

તે સમે સાધુ બાળકૃષ્ણદાસજીએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે, ‘‘સૃષ્ટિ સમે શ્રીજીમહારાજ અક્ષર સામું જુએ છે, તે અક્ષર ને શ્રીજીમહારાજનું અક્ષરધામ એ બે એક છે કે જુદાં છે ?’’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘‘મૂળઅક્ષર પર અક્ષરધામ જુદું છે ને અક્ષરધામ તો શ્રીજીમહારાજના તેજનો સમૂહ છે, તેને મહારાજે વચનામૃતમાં અક્ષરધામ કહ્યું છે ને શ્રીજીમહારાજ જેને સૃષ્ટિ કરવાની પ્રેરણા કરે છે, તે અક્ષર તો અનંતકોટિ છે ને તેમના મુક્ત ને તેમનાં ધામ પણ જુદાં છે.’’

ત્યારે વળી તે સંતે પૂછ્યું જે, ‘‘પ્રલયના ૨૧માં અક્ષરનાં બે સ્વરૂપ કહ્યાં છે તે અક્ષર કોને જાણવા ને તેમનાં બે સ્વરૂપ કિયાં જાણવાં ?’’ ત્યારે સ્વામીશ્રીએ મુક્તશ્રીને કહ્યું જે, ‘‘આનો ઉત્તર તમે કરો.’’ ત્યારે અબજીભાઈશ્રી બોલ્યા જે, ‘‘કાર્યકારણરૂપે કરીને અક્ષરનાં બે સ્વરૂપ કહ્યાં છે; તે કેવી રીતે, તો અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છે, તેથી મહારાજ ને મુક્ત ભેળા છે. તેમ જ મહારાજ ને મુક્તનો પ્રકાશ પણ ભેળો છે. તે પ્રકાશને કાર્ય ધામ કહ્યું છે અને મહારાજ ને તેમના મુક્ત તે કારણધામ છે. એવી રીતે અક્ષરનાં બે સ્વરૂપ છે. તે વચનામૃતમાં પણ કહ્યું છે જે, ‘‘એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલકહીએ’’ -તે શ્રીજીમહારાજ ને મુક્તના પ્રકાશને કહેલ છે. ‘ને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહે છે.’ -એમ જે કહ્યું, તે બીજે રૂપે એટલા સાકાર સ્વરૂપે મુક્ત શ્રીજીમહારાજની સેવામાં રહ્યા છે ને મૂર્તિનું સુખ ભોગવવું તેને અહીં સેવા કહી છે, એટલે સુખાનુભવમાં રહ્યા છે. અલબત્ત એમ પણ કહી શકાય કે, તે પ્રકાશમાં જેવા વ્યાપે છે અને જેના દ્વારા ઉત્પત્ત્યાદિકરૂપી સેવા કરાવાય છે તે મૂર્તિમાન મૂળઅક્ષર પણ આ તેજરૂપ અક્ષરનું બીજું સ્વરૂપ છે, પણ તે મૂળઅક્ષરને હજૂરની સેવા કરવાપણું નથી, એમ અક્ષરનાં બે સ્વરૂપ જાણવાં.’’

પછી મુક્તશ્રીએ સ્વામીને પૂછ્યું જે, ‘‘સ્વામી ! અક્ષરનાં બે સ્વરૂપ એમ હશે ને ?’’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘‘તમે તો દેખીને કહો છો. તમારું ક્યાં અજાણ્યું છે. ગોપાળાનંદસ્વામીએ પણ તમે કહ્યું તેમ જ મને કહ્યું હતું જે, ‘નિરાકાર અક્ષર મહારાજ ને મુક્તના તેજને કહ્યું છે’ તેમ જ મુક્ત ને મુક્તના તેજને પણ અક્ષરધામ કહેવાય છે, તેથી જ ગોપાળાનંદસ્વામીને તથા ગુણાતીતાનંદસ્વામીને અક્ષરધામ કહ્યા છે, પણ સૃષ્ટિકર્તા અક્ષર તેમને ન સમજવા; ગોપાળાનંદસ્વામીને તો અક્ષર એટલે મૂર્તિથી જુદા ન પડે એમ અક્ષર કહ્યા છે.’’ -એમ નિત્યે સભામાં વાતો થતી તેથી સર્વે સંત-હરિભક્તને આનંદ થતો.

એક દિવસ મુક્તરાજશ્રીને સમાધિ થઈ ને ત્રણ દિવસ સુધી સમાધિમાં રહ્યા ને ઘણા સંત-હરિભક્ત દર્શન કરવા ને સમાધિ જોવા આવતા. પછી મુક્તશ્રીએ સમાધિમાંથી જાગ્રત થઈને નિત્યવિધિ કર્યો ને ઠાકોરજીનાં દર્શન કરીને સ્વામી નિર્ગુણદાસજી પાસે આવ્યા, ત્યારે તેમને સ્વામીએ પૂછ્યું જે, ‘‘આ સમાધિમાં રહેવારૂપી આપે શું ચરિત્ર કર્યું ?’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘આ સમાધિનો ભાવ દેખાડ્યો, તે તો સત્સંગમાં અનંત જીવના સમાસને અર્થે છે ને આપણે તો સદાય શ્રીજીમહારાજની મૂર્તિમાં છીએ-એ સમાધિ છે, પણ મૂર્તિથી ક્ષણવાર નોખા પડતા નથી; સળંગ મૂર્તિનું સુખ અખંડ અનુભવાય છે.’’ ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘‘એ તો બરાબર છે; શ્રીજીમહારાજના અનાદિમુક્ત તો શ્રીજીમહારાજરૂપ છે.’’ પછી સ્વામીશ્રીએ સંત પાસે રસોઈ કરાવી કચ્છી ભક્તો સહિત મુક્તરાજશ્રીને જમાડ્યા. એમ અનાદિ મુક્તરાજશ્રીએ પોતાની સાથે આવેલા હરિભક્તો સહિત મૂળીમાં કેટલાક દિવસ રહીને સંત-હરિભક્તને કથાવાર્તાનું સુખ આપ્યું. પછી સ્વામીશ્રીની રજા લઈ કચ્છમાં જવાનું કર્યું. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘‘તમે દયા કરીને અહીં આવ્યા તેથી સંત-હરિભક્ત ઘણા સુખિયા થયા ને મને પણ ઘણી શાંતિ થઈ ને હવે તમે અક્ષરધામમાંથી જે કામ કરવા આવ્યા છો તે કરશો.’’ પછી કેસરાભાઈ, જાદવજીભાઈ, કુંવરજી પટેલ આદિ હરિભક્તને મુક્તરાજશ્રીની સેવા કરવાની ભલામણ કરી. પછી સર્વેજવા માટે તૈયાર થયા ને ઠાકોરજીનાં, સ્વામીનાં ને સંતનાં દર્શન કરીને સ્વામીને મળ્યા ને ઘણા સંત-હરિભક્ત મળવા સારુ આવ્યા એ સર્વે મળીને ચાલ્યા, ત્યારે કેટલાક સંત-હરિભક્ત પણ વળાવવા ભેગા ચાલ્યા. તે સર્વેને આશીર્વાદ આપી પાછા વાળી મુક્તશ્રી કચ્છના હરિભક્તની સાથે ભૂજ પધાર્યા, ત્યાં એક દિવસ રહી સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતમંડળને સ્વામી નિર્ગુણદાસજી આદિ સંતમંડળના ‘જય સ્વામિનારાયણ’ ને સમાચાર કહ્યા ને સર્વેને રાજી કરી વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૧૮