વિશ્રામ ૪૯
ત્યાર પછી રામપુરનાં ધનુબાએ ભૂજમંદિરમાં ‘સત્સંગિભૂષણ’ના બીજા અંશનું પારાયણ કરાવ્યું હતું, તે પ્રસંગે બાપાશ્રી ભૂજ પધાર્યા હતા ને બે દિવસ સુખ આપી ઘેલાભાઈની ઘોડાગાડીમાં બેસીને વૃષપુર પધાર્યા હતા. પછી પોષ માસમાં સાધુ કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ વૃષપુર ગયા હતા ને બાપાશ્રીની રહસ્યવાતો સાંભળવી, ને ગરમ જળથી બાપાશ્રીને સ્નાન કરાવવું, ને ચંદન ઘસી તિલક-ચાંદલો કરવો એ આદિ બાપાશ્રીની સેવા-સમાગમનો લાભ સંતને મળતો હતો. તેવા સમયમાં બ્ર. નિર્ગુણાનંદજી બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ આવ્યા હતા. તેમને બાપાશ્રી રહસ્યની વાતો કરીને રાજી કરતા. તેમાં એકાદશીને દિવસ ચાર વાગે બાપાશ્રીને ઊના જળે કરીને ઘણા જળથી સારી પેઠે સ્નાન કરાવ્યું. પછી બાપાશ્રી ઓરડીમાં ધોતિયું પહેરી તથા એક ઓઢી સગડીએ તાપીને પછી પૂજા કરવા બેઠા ને બ્ર. નિર્ગુણાનંદજી બાપાશ્રીને તિલક-ચાંદલો કરતા હતા. તે સમે સાધુ કેશવપ્રિયદાસ બાપાશ્રીનું ધોતિયું ધોઈને ઓરડામાં આવ્યા. ત્યારે બાપાશ્રી બ્ર. નિર્ગુણાનંદજીને કહેવા લાગ્યા જે, ‘‘આ પુરાણીએ અમારી બહુ સેવા કરી છે ને અમને બહુ રાજી કર્યા છે.’’ -એમ બ્રહ્મચારી મહારાજને કહીને સાધુ કેશવપ્રિયદાસજીને કહ્યું જે, ‘‘આવો આવો’’ -એમ પાસે બોલાવીને પોતે તિલક-ચાંદલો કરતા હતા તે પ્રસાદીના ચંદનથી કેશવપ્રિયદાસને ચાંદલો કરીને કહ્યું જે, ‘‘આ તમને મૂર્તિ આપી ને ભેળા રાખશું ને ભેળા રહેશું.’’ -એમ મુનિસંતને આશીર્વાદ આપ્યો. તે દિવસથી દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજ ને બાપાશ્રી તેમના ભેળા અખંડ રહ્યા છે ને તેમને મૂર્તિમાં રાખ્યા છે -એમ તેમના જીવમાં થઈ ગયું.
વળી કોઈક દિવસ અનાદિ મુક્તરાજ બાપાશ્રી પૂજા કરીને ઘેર પધાર્યા, પછી જમ્યા વિના જ મંદિરમાં આવ્યા અને ઠાકોરજીનાં દર્શન કરી આસને બેઠા ને ઊંચે સાદે ‘હરે’ -એમ બોલીને સર્વેને કથા સાંભળવા બોલાવ્યા. ત્યારે સર્વે સંત સભામાં બાપાશ્રી પાસે આવીને બેઠા ને સાધુ કેશવપ્રિયદાસ વચનામૃતની કથા વાંચવા લાગ્યા ને બાપાશ્રી વચનામૃતના રહસ્ય અર્થ સર્વેને સમજાવતા હતા. પછી કથાની સમાપ્તિ થઈ ત્યારે સાધુ કેશવપ્રિયદાસે બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘બાપા ! આપ જમ્યા છો કે નથી જમ્યા ?’’ ત્યારે બાપાશ્રી હસીને બોલ્યા જે, ‘‘ઘણું જમ્યા છીએ; કેમ જે સંતને હરિભક્ત પૂજામાં સાકરનો એક એક કાંકરો ધરે તોપણ કેટલું થાય ? તેટલું જમ્યા છીએ ને મહારાજ ભેળા મુક્ત નહિ જમતા હોય ! મોટા મુક્ત પણ મહારાજ ભેળા જ જમે છે.’’ -એમ વાત કરી.
વળી એક સમે બાપાશ્રી મંદિરની ઓસરીમાં બેઠા હતા, તે વખતે સંતના ‘હરે’ થયા ત્યારે બાપાશ્રીને સાધુ કેશવપ્રિયદાસે કહ્યું જે, ‘‘બાપા ! આપ જમવા પધારશો ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હા આવશું.’’ ત્યારે વળી પુરાણીએ કહ્યું, ‘‘આપ જમશો ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હા, તમારા ભેળા જમશું.’’ વળી ભૂજના સંતને કહ્યું જે, ‘‘તમારા ભેળા જમશું તો તમે વટલાશો નહિ ?’’ ત્યારે સંત કહે જે, ‘‘ના બાપા, આપ તો દિવ્યમૂર્તિ છો તે અમારા ભેળા જમો તેથી તો અમે પવિત્ર થઈએ.’’
વળી કોઈક દિવસ પુ. હરિપ્રસાદજી ને સ્વામી ગોપીવલ્લભદાસજી બાપાશ્રી પાસે બેઠા હતા. તે સમે સાધુ કેશવપ્રિયદાસે બાપાશ્રીના ચરણમાં માથું મેલીને નમસ્કાર કર્યો. પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ મુનિબાવો આમ ને આમ રાત્રિ-દિવસ અમારી પાસે બેસીરહે છે તેથી અમને એમ થાય છે જે, ‘આ સાધુને શું આપીએ ! શું આપીએ !’ પણ અમારી પાસે જે વહાલી વસ્તુ છે તે આપશું ને તેમને મૂર્તિ આપી છે ને મૂર્તિમાં રાખ્યા છે.’’ -એમ અતિ પ્રસન્ન થઈને બોલ્યા. ત્યાર પછી બ્ર. નિર્ગુણાનંદજી ભૂજ પધાર્યા. તેવા સમયમાં મૂળીમંદિરમાં ભગવત્સ્વરૂપદાસજીને મંદવાડ હતો, તેથી તેમના મંદવાડના સમાચારનો પત્ર બાપાશ્રીને આવ્યો. તે પત્ર બાપાશ્રીએ સાધુ કેશવપ્રિયદાસની પાસે વંચાવ્યો તે લખીએ છીએ :-
‘સ્વસ્તિશ્રી અક્ષરધામ તુલ્ય શ્રીવૃષપુરમાં બિરાજમાન સ્વતઃસિદ્ધ અનાદિ મુક્તરાજ શ્રી અબજીભાઈ પાંચાભાઈની દિવ્ય સેવામાં મુળી લિ. ભગવત્સ્વરૂપદાસજીના ઘણા સ્નેહથી અનંત દંડવત્ સહિત જય શ્રી સ્વામિનારાયણ વાંચશો.
બીજું વિનંતી સાથ લખવાનું કે શ્રીજીમહારાજ ને આપની દયાથી કુશળ વર્તે છે ને આપની કુશળતાનો પત્ર મુનિસ્વામીનો લખેલો આવ્યો હતો, તે વાંચી આપનાં દર્શન તુલ્ય આનંદ થયો છે. વળી તેમ જ લખવા કૃપા કરશો. ને આપને એ વિનંતી છે જે, કર્યું તો એક શ્રીજીમહારાજ ને આપ જેવા મુક્તનું જ થાય છે ને મને મંદવાડમાંથી સુવાણ આવતાં ગૂમડું નીકળ્યું તે તો હજી તેમ જ છે ને વળી કંઠના પડખાના ભાગે તેવું જ બીજું ગૂમડું નીકળ્યું છે, તે તો જેમ શ્રીજીમહારાજ ને આપની મરજી હશે તેમ જ થશે, તેનું તો આપને કાંઈ કહેવાનું નથી, પણ એક શ્રીજીમહારાજ ને આપના વિના હાલમાં મારે બીજે ક્યાંય વૃત્તિ નથી; નિરંતર શ્રીજીમહારાજ ને આપના સામી જ મારી વૃત્તિ છે, તેમ જ શ્રીજીમહારાજની મરજીથી આ દેહનું જેમ થશે તેમ હું રાજી છું. ને પ્રત્યક્ષ શ્રીજીમહારાજ ને આપના વિના બીજે ક્યાંય મારે વાસના રહે નહિ ને નિરંતર અનાદિમુક્તને પોતાનું રૂપ માનતા થકા જેમ અનાદિમુક્ત મૂર્તિમાં રહ્યા છે તેમ જ હું પણ રહ્યો છું, પણ રહેવું છે-એમ નહિ; મૂર્તિમાં જ છું, છું ને છું જ, -એમ નિરંતર રહેવાય પણ રહેવું છે -એમ થાય જ નહિ. ને જેમ સમુદ્ર મધ્યે રહેલા વહાણના કાગને વહાણના સ્તંભનો જ આધાર છે, તેમ અખંડ અનાદિ અને મૂર્તિ જ આધાર મનાય છે પણ તે સિવાય બીજો આધાર ભૂલે પણ મનાય નહિ-એ જ વિનંતી છે.
બીજું, આ લોકના સુખની મારે ઇચ્છા નથી, તે તો જે દિવસથી શ્રીજીમહારાજ ને આપ મળ્યા છો તે દિવસથી જ ટળી ગઈ છે અને આપે જે સુખ આપ્યું છે ને અમોને જે સુખ ભોગવાવ્યું છે, તે તો આપની ને શ્રીહરિની પ્રાપ્તિ થવાની જ પ્રાપ્ત થાય છે અને આપ જો મળ્યા ન હોત તો બહુ ખામી રહી જાત ને આપનો બદલો મારાથી વળે તેમ નથી. તો તે સુખ આપને જેમ ભોગવાવું છે, તેમ જ આપ દયા કરીને નિરંતર ભોગવાવશો એવી દાસની અરજ છે અને નિરંતર શ્રીજીમહારાજ ને આપના ભેળા રાખશોજી.
બીજું અમો સાધનિક છીએ, તેથી કોઈ વખતે આપની મરજી સચવાણી ન હોય તોપણ તે સામું નહિ જોતાં નિરંતર આપના ભેળા શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખશો ને આ લોક, ભોગ, દેહ તેમાંથી વાસના તોડાવીને જેમ અનાદિમુક્ત મૂર્તિમાં રહ્યા છે, તે અનાદિમુક્તને પોતાનું રૂપ મનાય ને તેમની પેઠે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવાય એ જ દાસની વિનંતી છે, તે પૂરી કરશો. ત્યાં મુનિસ્વામી ને શ્રીરંગદાસજી ને ભણનારા સંતને તથા આપના સેવક કાનજીભાઈ તથા મનજીભાઈ, ઠાકોરજીના સેવક રામજીભાઈ, પટેલ ઝીણા આદિ સર્વેને અમારા જય શ્રી સ્વામિનારાયણ કહેશો. અત્રેથી પુ. ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી આદિના સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ વાંચશો. લેખક સાધુ ગોપીવલ્લભદાસના ઘણા જ હેતથી જય સ્વામિનારાયણ વાંચશો.’
આ પત્ર બાપાશ્રીએ સભામાં વંચાવ્યો ને તેનો પ્રત્યુત્તર સાધુ કેશવપ્રિયદાસ પાસે લખાવ્યો તેની વિગત :-
‘સ્વસ્તાનશ્રી મૂળી મહાશુભસ્થાને બિરાજમાન શ્રીજીમહારાજકૃત મર્યાદાપાલક, પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ઉપાસક, સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક શુભ ગુણસંપન્ન, શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ રહેલા, શ્રીજીમહારાજ ને અનાદિમુક્તના લાડીલા ને સાધુના લક્ષણે જુક્ત એવા સાધુ ભગવત્સ્વરૂપદાસજી આદિ સંતમંડળ પ્રત્યે શ્રીવૃષપુરથી લિ. મુક્તરાજ અબજીભાઈ પાંચાભાઈના ઘણા સ્નેહથી આશીર્વાદપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ વાંચશો.
બીજું તમારો પત્ર પહોંચ્યો છે; વાંચી સર્વે વિગત જાણી છે. બીજું મહારાજના આશ્રિતને દૈહિક દુઃખ આવે અને શ્રીજીમહારાજ મટાડે ત્યારે મટે. ને સાધુને દૈહિક દુઃખમાં રાજી રહેવું, પણ તેને મટાડવાની ઇચ્છા ન રાખવી ને શાંતિ ને સુખ, તે તો પ્રત્યક્ષ શ્રીજીમહારાજની મૂર્તિ ને સભામાં જ છે પણી બીજે ક્યાંય નથી માટે પ્રત્યક્ષ શ્રીજીમહારાજની મૂર્તિ ને શ્રીજીમહારાજની પ્રત્યક્ષ સભા તેને અહોનિશ અખંડ સંભારજો, તે જ શાંતિનો ઉપાય છે ને તમને મૂર્તિમાં રાખ્યા છે તેનો આનંદ રાખજો ને મહારાજ ને મોટાને તો પોતાનું સર્વ સુખ પોતાના અનન્ય આશ્રિતને આપવું છે, તે જરૂર આપશે અને આપણે તેમના ખરેખરા થઈ રહેવું, તે તમો તો તેવા જ થયા છો. એ જ.
ત્યાં સ્વામી અક્ષરજીવનદાસજી, સ્વામી ગુણાતીતદાસજી, પુ. ધર્મકિશોરદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સ્વામી ગોપીવલ્લભદાસજી આદિ સંતમંડળને તથા હરિભક્ત સર્વેને જય શ્રી સ્વામિનારાયણ કહેશો. અત્રથી સર્વેના જય શ્રી સ્વામિનારાયણ વાંચશો.’’
આવી રીતે બાપાશ્રીએ પત્ર લખાવીને મૂળી મોકલ્યો. પછી બાપાશ્રીએ સાધુ હરિપ્રસાદદાસજી ને કેશવપ્રિયદાસજી આદિ સર્વેને સમાગમનું બહુ સુખ આપ્યું. ત્યાર પછી ફાગણ સુદ ૧૫નો ગામના મંદિરમાં ફૂલદોલનો ઉત્સવ કરાવ્યો ને પછી સંતમંડળને ભૂજ જવાની આજ્ઞા કરી, ત્યારે સર્વે સંત ભૂજ આવ્યા. પછી વૈશાખ માસમાં ગામ સામત્રામાં ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથા કરાવી હતી, તેમાં પુ. હરિપ્રસાદદાસજી ને મૂળીથી સાધુ ગોપીવલ્લભદાસજી આદિ સામત્રે કથામાં આવ્યા હતા ને બાપાશ્રી વૃષપુરથી પગપાળા ચાલીને તે કથામાં પધાર્યા હતા ને સર્વેને સુખ આપી કથાની સમાપ્તિ થયા પછી મહેતા ભોગીલાલભાઈની ગાડીમાં બેસીને ભૂજ પધાર્યા હતા. ત્યાં ભોગીલાલભાઈએ મંદિરના સર્વે સંતને તથા બાપાશ્રીને પોતાને ઘેર બોલાવી રસોઈ કરાવીને જમાડ્યા ને બાપાશ્રી પાંચ દિવસ મંદિરમાં રહી પાછા વૃષપુર પધાર્યા. તે સમે સાધુ હરિપ્રસાદજી, કેશવપ્રિયદાસજી, ગોપીવલ્લભદાસ આદિ સર્વે સંત પણ બાપાશ્રીનો સમાગમ કરવા સારુ વૃષપુર ગયા હતા ને કરાંચીના લાલુમલ તથા મહાદેવભાઈ તે પણ આવ્યા હતા ને બાપાશ્રી તે સર્વેને સમાગમનું બહુ સુખ આપતા.
ઇતિ વિશ્રામ ૪૯