વિશ્રામ ૭૧

હવે જે ભગવાનના સ્વરૂપમાં ત્રણ વાનાં નથી : તેમાં એક તો માયામય આકૃતિ, બીજું અજ્ઞાન ને ત્રીજી વિષય-વાસના, તે ભગવાનને નથી અને જે ભગવાનના સ્વરૂપમાં ત્રણ વાનાં છે : એક તો દિવ્યાકૃતિ, બીજું સર્વજ્ઞપણું ને ત્રીજું ભક્તના મોક્ષ કરવા એવી શુભ વાસના જે દયા તે છે. માટે જેમને જીવોના મોક્ષ કરવા એ જ એક તાન છે ને અજન્મા થકા ભક્તના સુખ સારુ જન્મ ગ્રહણ કરવાની લીલા કરે છે ને દિવ્યસ્વરૂપ થકા મનુષ્યાકૃતિ દર્શન દે છે ને અક્ષરધામમાં રહ્યા થકા બ્રહ્માંડમાં વિચરે છે -એવા, અને સ્વપ્રકાશ-નિવાસી, અનાદિમુક્તના સુખરાશી અનાદિમુક્તને પોતાના સ્વરૂપમાં નિવાસ કરાવનારા, પરમએકાંતિક મુક્તને પોતાના પ્રકાશમાં રાખનારા, સર્વાધાર ને સર્વના સ્વામી એવા એક શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તેમના જ સંકલ્પથી મનુષ્યરૂપે તેમના મુક્ત પણ પ્રગટ થાય છે.

હવે એવા દયાળુ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત અબજીબાપાશ્રી છે, તે વૃષપુરમાં નિવાસ કરી રહ્યા છે. અને પોતાનો સમાગમ કરનારા એવા જે શ્રીજીમહારાજના અનન્ય ભક્ત તેમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે સહિત ભક્તિ તેણે કરીને પાલન-પોષણ કરવામાં તત્પર એવા અનાદિમુક્ત અબજીબાપાશ્રી-તે જેઠ માસમાં ભૂજનગર આવ્યા. તે સમે ભૂજમંદિરમાં ધર્મામૃતની કથા વંચાતી હતી ને બાપાશ્રી તેમાં બેસીને સાધુના નિર્લોભી, નિષ્કામી, નિઃસ્વાદી ને નિર્માની એ પંચવર્તમાનની વાતો કરીને સંતમંડળને સમજાવતા ને સંત પણ વાતો સાંભળીને તેનું મનન-નિદિધ્યાસ કરીને જીવમાં ઉતારતા. એવી રીતે અનાદિમુક્તરાજ કથાવાર્તાનું સુખ આપતા ને સંડમંડળમાંથી બબ્બે સંત વારાફરતી ચંદન ઘસી પુષ્પના હાર કરીને સભામાં મુક્તરાજ બાપાશ્રીની તથા સંતની પૂજા કરતા ને બાપાશ્રીને ભૂજનગર આવ્યા સાંભળીને ગામડાંના હરિભક્ત પણ સમાગમ કરવા આવ્યા હતા ને નિત્યે કથાવાર્તા થતી.

એક દિવસ અનાદિમુક્તશ્રી સવારની કથા થઈ રહ્યા પછી મેડા ઉપર આસને બેઠા હતા ને પાસે બ્ર. નિર્ગુણાનંદજી તથા કેશવપ્રિયદાસજી આદિ સંત ને ભોગીલાલ, ઘેલાભાઈ આદિ હરિભક્ત તે પણ બેઠા હતા. તે સમે સાધુ તદ્રૂપદાસજી ચંદનનો વાડકો તથા મગફળી ને ખારેકો આદિનો મોટો હાર તથા કંઢીઓ ને જનોઈઓ -તે પ્રસાદી કરવા સારુ લાવી બાપાશ્રીની પૂજા કરવા આવ્યા ને બાપાશ્રીના ભાલમાં તથા વક્ષસ્થળમાં ચંદન ચર્ચીને કંઠમાં હાર તથા કંઠીઓ ને જનોઈઓ પહેરાવી. તે વખતે ત્યાં બેઠેલા જે સાધુ હતા તે પણ સર્વે ઊઠીને પોતપોતાને આસનેથી નવી કંઠીઓ ને જનોઈઓ -પ્રસાદીની કરવા લાવીને બાપાશ્રીની પૂજા કરવા લાગ્યા, ને બાપાશ્રીને ચંદન ચર્ચીને તે કંઠીઓ તથા જનોઈઓ પહેરાવવા લાગ્યા અને અનાદિમુક્તરાજ બાપાશ્રીનો કંઠ ને વક્ષસ્થળ -તે કંઠીઓ ને જનોઈઓથી ભરાઈ રહ્યાં હતાં. તે સમે એવી શોભાએ યુક્ત બાપાશ્રીનાં દર્શન કરીને સર્વેને આનંદ થયો. પછી બાપાશ્રીએ તે કંઠીઓ ને જનોઈઓ સર્વેને પાછી આપી ને સર્વે પ્રત્યે બોલ્યા જે, ‘‘સંતો ! દેશમાં, કે વિદેશમાં ફરવા જાઓ તોપણ મહારાજની મૂર્તિ, મુક્ત ને આ સભાને સંભારજો.’’ તેને સાંભળીને સર્વે સંત રાજી થયા. પછી રાજભોગની આરતી થઈ ને બાપાશ્રી દર્શન કરવા ગયા. પછી બ્ર. નિર્ગુણાનંદજીએ બાપાશ્રીને જમવા બેસાર્યા ને શાક, પાક વગેરે નાના પ્રકારનાં ભોજન થાળમાં પીરસીને જમાડવા લાગ્યા ને બાપાશ્રી જમતા જાય ને જળપાન કરતા જાય, એમ સારી પેઠે જમીને આચમન કર્યું ને પછી પાનબીડીનો મુખવાસ લીધો. પછી સભામાં બેઠા ને કથા સાંભળીને આસને પધાર્યા. એવી રીતે આઠ દિવસ આનંદ આપીને પછી ચાલવાનું કર્યું ત્યારે સર્વે સાધુમંડળને મળી લાલશંકરભાઈના સગરામમાં બેસીને વૃષપુર પધાર્યા.

ત્યાર પછી રામપુરમાં મુક્ત ધનુબા માંદાં હતાં તેથી તેમનાં દર્શન-સમાગમ કરવા બીજા ગામનાં સાંખ્યયોગી બાઈઓ આવ્યાં હતાં. તે સમે મોટા મુક્ત ધનુબાને સો વર્ષની અવસ્થા થઈ હતી ને સર્વે બાઈઓમાં મોટેરાં ને શ્રીજીમહારાજ ને મોટાના કૃપાપાત્ર હતાં ને ત્યાગ-વૈરાગ્યની મૂર્તિ હતાં ને સર્વે સાંખ્યયોગી બાઈઓને નિયમમાં વર્તાવતાં. તેમને મંદવાડ હતો તેથી તેમનાં સેવક કાનબા તથા વાલબા આદિ સાંખ્યયોગી બાઈઓ સેવા કરતાં, પણ ધનુબાને અનાદિ મુક્તશ્રીનાં દર્શન કરવાની ઘણી જ ત્વરા રહેતી તેથી દેવરાજભાઈ ને મુક્તરાજશ્રીને તેડવા વૃષપુર મોકલ્યા, ત્યારે બાપાશ્રી રામપુર પધાર્યા ને ધનુબાને તથા સર્વે બાઈઓને દર્શન દીધાં. ત્યારે તે ધનુબાએ મુક્તરાજશ્રીને કહ્યું જે, ‘‘હું આટલા દિવસ આપને આવા મોટા જાણતી નહોતી પણ આપતો આપ જ છો; આપનો મહિમા જેવો છે તેવો જાણવાને હું સમર્થ નથી માટે દયા કરીને આપનો મહિમા સમજાવો ને જાણેઅજાણે આપની અનુવૃત્તિ બહાર કાંઈ થયું હોય તો ક્ષમા કરો ને મારું પૂરું કરો, ને મને આ દેહ મેલાવીને આપના ભેગા શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખો.’’

ત્યારે પરમ કૃપાળુ મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘સારું; મૂર્તિમાં રાખશું, તમે મૂર્તિ સંભારો.’’ -એમ કહ્યુ. ત્યારે ફઈબાએ અંતર્વૃત્તિ કરીને શ્રીજીમહારાજને સંભાર્યા, ત્યાં જ અંતરમાં તેજના સમૂહમાં શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને મુક્તરાજશ્રી પણ તેજોમય દેખાયા. પછી તેમને જોઈને પરમ આનંદ પામ્યાં. પછી બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તમારું મહારાજે પૂરું કર્યું ને તમને બે દિવસમાં તેડી જશે ને અમે પણ આવશું.’’ -એમ કહીને બાપાશ્રી વૃષપુર પધાર્યા ને ધનુબાફુઈ તો મૂર્તિમાં જોડાઈ ગયાં. પછી બાપાશ્રીના કહેવા પ્રમાણે સંવત ૧૯૮૧ના કાર્તિક સુદ છઠ ને મંગળવારની રાત્રીના બાર વાગે દેહ મેલ્યો ને દિવ્યરૂપે શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા થયાં ને બાઈઓ સર્વે શોકાતુર થઈ ગયાં ને ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ એમ ધૂન કરવા લાગ્યાં.

ત્યાર પછી અનાદિ મુક્તરાજશ્રી ઘોડીએ બેસીને રામપુર આવ્યા ને સર્વે બાઈઓને ધીરજ આપી ને બાપાશ્રીની આજ્ઞાએ કરીને તે સર્વે બાઈઓ મોટાં મુક્ત ધનુબાના દેહને વિમાનમાં બેસારીને ‘સ્વામિનારાયણ’ નામની ધૂન કરતાં થકાં ગંગાજીએ આવ્યાં ને સર્વે હરિભક્ત પણ ઉત્સવ કરતા થકા ગંગાજીએ આવ્યા, અને અનાદિમુક્ત બાપાશ્રી પણ સર્વે ભક્તજનોની સાથે ગંગાજી આવ્યા. તે સમે હજારો મનુષ્યથી ગામથી ગંગાજી સુધી રસ્તામાં ચાલવાનો માર્ગ રહ્યો નહોતો. પછી બાપાશ્રી હજારો ભક્તજનોની વીંટાયા થકા ગંગાજીને કાંઠે બેઠા ને સર્વે બાઈઓ મળીને ધનબાફુઈનો અગ્નિસંસ્કાર કરવા લાગ્યાં ને અગ્નિસંસ્કાર થઈ રહ્યા પછી બાપાશ્રીએ ભક્તજનોએ સહિત તે ગંગાજીમાં સ્નાન કર્યું ને તેમણે સહિત મંદિરમાં આવ્યા, અને સર્વે બાઈઓ પણ સ્નાન કરીને બાઈઓના મંદિરમાં ગયાં. અને તે સુદ સાતમના દિવસે ગામ દહીંસરામાં સર્વે સંતનાં મંડળ આવ્યાં હતાં ને કથાનો પ્રારંભ કર્યો હતો. પછી પાંચ દિવસ થયા ત્યારે અનાદિમુક્તશ્રી પણ વસ્ત્રે સહિત સ્નાન કરી ધોયેલાં વસ્ત્ર પહેરીને રામપુરથી દહીંસરે કથામાં આવ્યા. ત્યારે હજારો હરિભક્ત બાપાશ્રીના સન્મુખ દર્શન કરવા આવ્યા. તેમને દર્શન દેતા દેતા બાપાશ્રી બે કલાકે મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરવા લાગ્યા. ત્યારે સર્વે સાધુ ઊભા થઈને બાપાશ્રીને મળવા આવ્યા, એટલે બાપાશ્રી સર્વેને મળ્યા તેથી સૌને ઘણો આનંદ થયો ને બાપાશ્રી મુક્તરાજ કેસરાભાઈના સુત ખીમજીભાઈને ઘેર ઊતર્યા. પછી પૂનમને દિવસે કથાની સમાપ્તિ થઈ ને બાપાશ્રીએ તથા સંતોએ હરિહરસરોવર પર છત્રીએ ચરણારવિંદ પધરાવ્યાં. ત્યાર પછી હરિભક્તોજમીને બાપાશ્રીનાં દર્શન કરી પોતપોતાને ગામ જવા ચાલ્યા ને બાપાશ્રી બ્ર. નિર્ગુણાનંદજીને તથા સાધુ કેશવપ્રિયદાસજીને સાથે લઈ કેસરાભાઈના પૌત્ર નારાયણભાઈની ગાડીમાં બેસીને રામપુર આવ્યા. ત્યાં બાપાશ્રી મંદિરની ઓરડીમાં ઊતર્યા ને તેમાં ઓછાડે સહિત ગાદલું પાથરેલો ઢોલિયો હતોતેના ઉપર વિરાજમાનથયા. હવે બાપાશ્રીએ રામપુરમાં શું કર્યું તો, ધનબાફુઈનાં સેવક કાનબા આદિ બાઈઓ, તથા તે ગામના શામજીભાઈ, દેવરાજભાઈ આદિ હરિભક્ત તેમની પાસે ધનુબાનું કાર્ય કરાવ્યું.તેમાં ભૂજના સર્વે સંતને તેડાવીને ‘સત્સંગિજીવન’નું પારાયણ બેસાડ્યું હતું ને નાત-તેડું કર્યું હતું ને તેમાં નાનામોટા સર્વે હરિભક્ત આવ્યા હતા તે સર્વેને બાપાશ્રીએ દર્શન-સમાગમનું સુખ આપ્યું ને તે કાર્ય પૂરું કર્યા પછી સર્વે સંત-હરિભક્તને મળીને વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૭૧