વિશ્રામ ૨૮
સંવત ૧૯૬૮ના માઘ માસમાં શ્વેતવૈકુંઠદાસજી ને ભગવત્સ્વરૂપદાસજી આદિ સંત-તે બાપાશ્રીનો સમાગમ કરવા સારુ આવ્યા હતા ને વલુ પટેલ આદિ હરિભક્ત પણ ભેગા હતા. તેમાં એક દિવસ બાપાશ્રીએ સંતને હાથમાંપાણી આપી મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા. ત્યારે સંતદાસજીએ કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! આપ દયા કરીને મને મૂર્તિના સુખમાં મૂકી દો.’’ ત્યારે બાપાશ્રીએ સંતદાસજીનો હાથ ઝાલીને કહ્યું જે, ‘‘અમારો વિશ્વાસ છે ? જો વિશ્વાસ હોય, તો આ તમને મૂર્તિના સુખમાં મૂકી દીધા, તે સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, તોપણ મોટા પુરુષનું વચન નહિ ફરે.’’ -એમ કહીને સંતને જમવાની આજ્ઞા કરી. પછી સંતની પંક્તિનાં દર્શન કરી તથા કથા સાંભળીને વાડીએ પધાર્યા ને સંતદાસજી બાપાના વચનથી મૂર્તિમાં જોડાઈ ગયા, તેથી તેમને મંદવાડનું દુઃખ કાંઈ જણાતું નહિ ને કોઈ બોલાવે તો બોલે પણ નહિ ને જ્યારે બાપાશ્રી ઘેરથી ઊનું દૂધ લોટીમાં લાવીને સંતદાસજીને કહે જે, ‘‘લો આ અક્ષરધામની પ્રસાદી.’’ ત્યારે સંતદાસજી બેઠા થઈને બાપાશ્રી દૂધ આપે તે તુરત પી જતા ને પાછા ઊંડા ઊતરી જાય. એમ ચાર દિવસ માંદા રહ્યા ને ચોથે દિવસે પહેલી કથા થઈ રહી, ત્યારે બાપાશ્રીએ સંતને કહ્યું જે, ‘‘સંતદાસજી પાસે રહેજો; દેહ મૂકી દેશે.’’ -એમ કહીને પોતે મંદિરમાં આવીને ધ્યાનમાં બેઠા. એ જ વખતે સંતદાસજીએ દેહ મૂકી દીધો ને શ્વેતવૈકુંઠદાસજી, ભગવત્સ્વરૂપદાસદજી આદિ સંતને મોટો તેજનો સમૂહ દેખાયો ને તે તેજમાં તેજોમય મૂર્તિ એવા શ્રીજીમહારાજ ને અનાદિ મુક્તશ્રીનાં દિવ્યસ્વરૂપે દર્શન થયાં, ત્યારે સર્વે સંત-હરિભક્ત દંડવત્ કરવા લાગ્યા ને સંતદાસજીએ તેજના સમૂહમાં દિવ્યમૂર્તિ એવા શ્રીજીમહારાજ ને બાપાશ્રીને જોઈને અતિ આનંદમાં એક મિનિટમાં અનંત દંડવત્-પ્રદક્ષિણા કર્યાં ને શ્રીજીમહારાજ તથા સર્વે મુક્તને અનંત વાર મળ્યા. અને શ્રીજીમહારાજે સંતદાસજીને એમ સર્વેને મળાવી અનુભવજ્ઞાન આપી પોતાના સ્વરૂપમાં રસબસ કરીને મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત કર્યા. તે સમે બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ તે બેય ને બીજા કેટલાક હરિભક્ત-તે બાપાશ્રીની આજ્ઞા લઈને શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા છપૈયે ગયા ને ભૂજના બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ યોગેશ્વરદાસજી આદિ કેટલાક સંત-તે પણ છપૈયે ગયા. પછી શ્વેતવૈકુંઠદાસજી ને ભગવત્સ્વરૂપદાસજી આદિ સંત તે પણ બાપાશ્રીની આજ્ઞાથી મૂળી ગયા.
ત્યાર પછી વૈશાખ માસમાં સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુ. ધર્મકિશોરદાસજી, સનાતનદાસજી આદિ વીસ-પચીસ સંત બાપાશ્રીનો સમાગમ કરવા સારુ વૈશાખ સુદ ત્રીજના ભૂજનગર આવ્યા. અને તે દિવસે ભૂજના બ્ર. નિર્ગુણાનંદજી ને સાધુ જોગેશ્વરદાસજી આદિ છપૈયે ગયા હતા તે પણ યાત્રા કરીને પાછા આવ્યા હતા. તે સમેય રામપુરનાં મોટાં ડોશી ધનુબાએ નોમથી પૂનમ સુધીની વચનામૃતની કથા કરવાનું નક્કી કરીને ભૂજમંદિરના સંતમંડળને તથા આવેલા સંતમંડળને તેડવા ગાડાં લઈને હરિભક્તને ભૂજ મોકલ્યા. ત્યારે ભૂજના સ્વામી ભક્તિપ્રિયદાસજી આદિ ત્રીસ સંત અને સ્વામી વૃંદાવનદાસજી આદિ મુળી-અમદાવાદના સંતો-તેઓ સર્વે ગાડામાં બેસી રામપુર ગયા. અને નોમની સવારમાં વચનામૃતની કથાનો પ્રારંભ કર્યો ને મોટાં મુક્ત ધનુબાએ મુક્તરાજશ્રીને તેડવા દેવરાજભાઈને મોકલ્યા. તે સમે કડીના છગનભાઈ ને પાટડીના નાગજીભાઈ આદિ હરિભક્ત બાપાશ્રી પાસે આવ્યા હતા તે સર્વેને સાથે લઈને બાપાશ્રી રામપુર આવ્યા, તેથી સર્વે સંત બાપાશ્રીનાં દર્શન કરીને અતિશય આનંદ પામ્યા ને તે ‘વચનામૃત’ના પારાયણમાં બાપાશ્રી વાતો કરીને વચનામૃતનાં રહસ્યાર્થને સર્વેને સમજાવતા.ત્યાર પછી વૈશાખ સુદ પૂનમની સવારમાં કથાની સમાપ્તિ કરીને તે પૂનમે રાત્રીના પ્રથમ પહોરમાં ગ્રહણ હતું, તેથી મુક્તશ્રી સર્વે સંતમંડળ અને હરિભક્ત સહિત ગંગાએ ગ્રહણ કરવા સારુ પધાર્યા. ત્યાં નદીની રેતીમાં સર્વે સભા કરીને બેઠા હતા ને બાપાશ્રી સ્નાન કરી એક વસ્ત્ર પહેરી તથા એક વસ્ત્ર ઓઢીને સભામાં બેઠા ને ઘડીક વાતો કરી. પછી સંતે કથા-કીર્તન કર્યાં ને ગ્રહણ મુકાયું, ત્યારે સંત-હરિભક્ત બાપાશ્રી સાથે નદીના ધરામાં સ્નાન કરવા લાગ્યા. પછી બાપાશ્રી સંત-હરિભક્તો સહિત જૂની ગંગાએ સ્નાન કરી નવી ગંગાએ સ્નાન કરવા આવ્યા ને બાપાશ્રી ગંગાના જળના ધારોડાની નીચે ઊભા રહ્યા ને નીચે પ્રસાદીના જળમાં સંત-હરિભક્ત સ્નાન કરવા લાગ્યા. પછી બાપાશ્રી બહાર આવી વસ્ત્ર પહેરી સર્વે સંત-હરિભક્ત સહિત મંદિરમાં પધાર્યા ને બીજે દિવસે બાપાશ્રી જમી અને મોટાં ડોશીની રજા લઈ સંત-હરિભક્તને સાથે લઈને વૃષપુર જવા ચાલ્યા ને ભૂજના સંત ભૂજ ગયા ને બાપાશ્રી ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત દિવસ આથમે કેરાની નદીએ પહોંચ્યા ત્યાં સંત સહિત નદીમાં સ્નાન કર્યું. પછી ત્યાં આરતી-ધૂન બોલ્યા ને સર્વે સંતોએ બાપાશ્રીને ઘણી વાર સુધી દંડવત્ કર્યા. ત્યારે સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, ‘‘બાપા ! સંત આપને દંડવત્ કરે છે.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘શ્રીજીમહારાજને દંડવત્ કરે છે; માટે કરવા દો.’’ પછી બાપાશ્રીએ કહ્યું જે, ‘‘રાખો,’’ ત્યારે સર્વે નમસ્કાર કરીને પાસે બેઠા. પછી બાપાશ્રીએ વાત કરી જે, ‘‘અક્ષરધામમાં દર્શન કરવા જવું હોય તો જવાય નહિ, માટે અમે તમને દર્શન-સમાગમનું સુખ દેવા સારુ શ્રીજીમહારાજની ઇચ્છાથી અક્ષરધામમાંથી આવ્યા છીએ.’’ પછી કડીના છગનભાઈ આદિ હરિભક્તને કહ્યું જે, ‘‘તમને થાક લાગ્યો હશે ?’’ ત્યારે તે ભક્તો કહે જે, ‘‘આપનાં દર્શન થાય છે, તેથી થાક જણાતો નથી.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘મહારાજ ને મોટાના ભેળા ફરીએ છીએ તે અનંત જન્મના થાક ઉતારવા ફરીએ છીએ. -એમ જાણવું ને મહારાજ ને મુક્તનો મહિમા જણાય, તો થાક, ભૂખ-તરસ, માન-અપમાન આદિ કાંઈ જણાય નહિ.’’ -એમ વાતો કરી વૃષપુર આવ્યા ને મંદિરમાં કથાવાર્તા કરી સૂઈ રહ્યા. પછી ચાર વાગે જાગી શ્રીજીમહારાજનું ધ્યાન કરવા બેઠા. પછી સ્નાન-પૂજા વગેરે નિત્યક્રમ કરી સંત-હરિભક્તનાં દર્શન કરીને સભામાં બેઠા ને સંત વચનામૃતની કથા વાંચતા હતા.
પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજના સંકલ્પે કરીને અનાદિમુક્ત દર્શન આપે છે એવા અનાદિમુક્ત સાથે જીવ જોડે. તેને મૂર્તિનું સુખ આવે છે. મૂર્તિનું સુખ પામવામાં અનાદિમુક્ત દરવાજો છે. ને જે જાણપણારૂપી દરવાજો છે, તે વિષયને ખોટા કરીને મૂર્તિમાં વૃત્તિ રાખવાનો છે. ને અનાદિમુક્તરૂપી દરવાજો મૂર્તિમાં જવાનો છે માટે અનાદિમુક્ત સાથે આપોપું કરે, તો જ મૂર્તિનું પૂરું સુખ પમાય છે. તે ઉપર દૃષ્ટાંત જે, ‘‘ગામમાં પેસવાનો દરવાજો હોય અને રાજદરબારનો પણ દરવાજો હોય ને રાજા પાસે જવાનો પણ દરવાજો હોય, પરંતુ તેમાં ભેદ બહુ છે.’’ ને ‘‘મંદિરની ઓસરીમાં હોય તે પણ મંદિરમાં કહેવાય ને સિંહાસન પાસે હોય તે પણ મંદિરમાં કહેવાય.’’ તેમ અક્ષરધામમાં અનાદિમુક્ત મૂર્તિમાં ભેળા છે ને બીજા જે મુક્ત છે, તે તો મૂર્તિને સમીપે રહે છે. ને અનાદિમુક્ત છે તે તો મૂર્તિમાં રહીને મૂર્તિના સુખને ભોગવે છે તેવા આ અનાદિમુક્ત છે, તે અનાદિમુક્તની પંક્તિમાં ભેળવીને મૂર્તિનું સુખ પમાડશે, અને શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત મળ્યા ત્યારથી શરદઋતુ આવી છે. તે શરદઋતુમાં સાચાં મોતી પાકે, પણ ઋતુ વિના કોઈ ફળ પાકે નહિ. તેમ શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત મળ્યા વિના શ્રીજીમહારાજનું સર્વોપરી સુખ મળે નહિ. તે સુખ અપાર છે. તે સુખ ભોગવતાં કલ્પેકલ્પ વીતી જાય છે, તોપણ નવાં નવાં સુખ આવે જાય છે ને તે મૂર્તિના સુખની હદ અનાદિમુક્ત પણ પામતા નથી ને મહારાજ પોતે પણ પોતાના મહિમાનો પાર પામતા નથી; તે શું, તો અનાદિમુક્ત ને મૂર્તિનું સુખ ને મૂર્તિનું તેજ, ઐશ્વર્ય એ સર્વે અપાર છે. તે સર્વે સુખના આપનારા શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત આ સભામાં બિરાજમાન છે; આ સભામાં સુખ અપાર છે પણ તેવો મહિમા સર્વેને સમજાતો નથી ને તપ કરવામાં, ભક્તિમાં, મહંતાઈમાં ને વિદ્યા ભણવામાં રોકાઈ જાય છે. પરંતુ આ સુખ ભોગવતા નથી ને હલર-વલર કરે છે, પણ મહારાજ ને મોટાનું સુખ લેવું તે છાનું લેવું પણ હલર-વલર કરવું નહિ ને પડદા તૂટતા જાય તો સુખ આવતું જાય; પડદા તે શું, તો દેહાભિમાન, પંચવિષયમાં આસક્તિ, માન-મોટપમાં રુચિ, તથા શ્રીજીમહારાજ ને મુક્તના વચનમાં વર્તાય નહિ તે પડદા છે. ને અહીં સમાગમ કરવા આવે છે, તે સર્વે પડદા તોડવાને મૂર્તિનું સુખ પામવા આવે છે. માટે સત્સંગનો વ્યવહાર હોય તે કરીને નિવૃત્તિ પામવી અને મોટાનો જોગ કરવો ને મૂર્તિમાં જોડાવું; બહુ પ્રવૃત્તિ મૂર્તિ ભુલાવે છે. તે શ્રીજીમહારાજે શ્રીનગરમાં બ્રાહ્મણની ચોરાસી કરી, તેને વિસારવા સારુ પોતે માંદા થઈ ગયા, માટે મૂર્તિ ભુલાય તેવી સત્સંગની પ્રવૃત્તિ પણ કરવી નહિ ને એકદેશી પણ થાવું નહિ; કેમ જે એકદેશી થવાથી આજ્ઞાની ખબર રહે નહિ, માટે આજ્ઞા પ્રમાણે રહેવું ને શ્રીજીમહારાજને રાખીને સત્સંગનો વ્યવહાર કરવો તો શ્રીજીમહારાજ ને મોટા રાજી થાય. મોટા અનાદિ સાથે જીવ જોડ્યો હોય ને મહારાજની આજ્ઞામાં રહ્યો હોય તો મોટા એના છેલ્લી વારના પડદા તોડાવીને મૂર્તિમાં પહોંચાડે; મોટા સાથે હેત કરવું-તે આત્યંતિક મોક્ષનો મુદ્દો છે.’’ -એ આદિ ઘણીક વાતો કરી પણ તેમાંથી આ તો દિશામાત્ર લખી છે. પછી વચનામૃત વંચાવીને દિવસના નવ વાગે કથાની સમાપ્તિ કરી ને સંત-હરિભક્તને રસોઈ કરવાની આજ્ઞા આપી ને પોતે બે ઘડી વાર બેસીને ઘેર જમવા પધાર્યા.
ઇતિ વિશ્રામ ૨૮