વિશ્રામ ૭૫
અક્ષરબ્રહ્મના કારણ, પરમ એકાંતિક-અનાદિમુક્તના અધિરાજ ને રામકૃષ્ણાદિક અવતારને ઐશ્વર્ય આપનારા, એવા સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને ને તેમના અનાદિમુક્તોએ તથા તેમના અવતારોએ આ પૃથ્વીમાં પ્રગટ થઈને જે જે લીલા-ચરિત્ર કર્યાં છે તે સર્વે ગાવા યોગ્ય છે. અને શ્રી સ્વામિનારાયણ ભગવાન ને તેમના અનાદિમુક્તનાં ચરિત્ર ભેગાં હોય છે માટે તેમના ચરિત્રનું શ્રવણ-કીર્તન કરવું; કેમ જે શ્રોત્રે કરીને ભગવાન ને ભગવાનના ભક્તના ગુણ સાંભળવા -એ જ તેનું ફળ છે, ને નેત્રે કરીને ભગવાન ને ભગવાનના ભક્તનાં દર્શન કરવાં તે તેનું ફળ છે, ને વાણીએ કરીને તેમનાં ગુણગાન કરવા-એ જ વાણીનું સુફળપણું છે, મને કરીને ભગવાન ને ભગવાનના ભક્તને સંભારવા ને બુદ્ધિએ કરીને તેમનો નિશ્ચય કરવો -તે જ તેમની ચતુરાઈ છે. અને ભગવાનના સંબંધ વિના તો ભગવાન ને ભગવાનના ભક્ત જે પૃથ્વીમાં વિચર્યા હોય એવી પવિત્ર પૃથ્વીમાં જન્મ પામ્યા હોય ને બુદ્ધિ આદિ ઇંદ્રિયોના રૂડા ગુણે યુક્ત હોય, તોપણતે મનુષ્યને શાસ્ત્રમાં મૂર્ખ, અંધ ને બધિર કહ્યા છે, માટે શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે, ‘મારા આશ્રિત તેમણે રામકૃષ્ણાદિક અવતારના અવતારી, સંતના પતિ ને ભક્તિધર્મના પુત્ર એવા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણભગવાન જે અમે, તે અમારી ભક્તિ કરવી-તે જ આત્યંતિક મોક્ષનું સાધન છે પણ તે ભક્તિ વિના બીજું કલ્યાણકારી સાધન કોઈ નથી.’ અને પ્રત્યક્ષ ભગવાનનો માહાત્મ્યે સહિત નિશ્ચય કરીને તે મૂર્તિમાં પ્રીતિ કરવી ને ભગવાનને ભગવાનના ભક્તનાં દિવ્ય ચરિત્ર ને મનુષ્યચરિત્ર તેને દિવ્ય જાણીને ગાવવાં-સાંભળવાં, તેને જ ભક્તિ કહી છે. અને ભગવાનની આજ્ઞા દૃઢ પાળવી ને જ્ઞાન, વૈરાગ્ય આદિ સદ્ગુણે જુક્ત માહાત્મ્યે સહિત એવી ભક્તિ કરવી અને તે ભક્તિએ કરીને જ મૂર્તિનું સુખ પમાય છે; ને જો પ્રત્યક્ષ ભગવાનમાં ભક્તિ ન થઈ હોય તો ઉત્તમ કુળમાં જન્મ આપ્યો ને ઉપવીત-સંસ્કાર ને યજ્ઞદીક્ષાને પામ્યો, વેદ ભણ્યો, વેદોક્ત કર્મ કર્યાં, દેવતા જેટલું લાંબું આયુષ્ય પામ્યો, શાસ્ત્ર સાંભળ્યાં, તપ કર્યું, સારી વાણી ને સારી બુદ્ધિ હોય, ઇંદ્રિયોનું ડહાપણ હોય, પણ જો તેણે કરીને ભગવાન ન પમાય તો તે સર્વે નકારાં છે. અને અષ્ટાંગયોગ સાધ્યો, ચિત્તની વૃત્તિ એકાગ્ર કરી, બીજાં પણ મોક્ષનાં સર્વે સાધન કર્યાં હોય, તોપણ જો પ્રત્યક્ષ ભગવાનની એકાંતિક ભક્તિ ન થઈ તો તેણે કરીને શું ફળ થયું ? કાંઈ ન થયું. માટે એવી ભક્તિ કરીને શ્રીજીમહારાજની મૂર્તિ સિદ્ધ કરવી, તે ખરું રહસ્ય છે. તે પણ શિક્ષાપત્રીમાં કહ્યું છે જે :-
‘गुणीनां गुणवत्ताया ज्ञेयं ह्येतत् परं फलम् ।
कृष्णे भक्तिश्च सत्संङ्गोऽन्यथा यान्ति विदोऽप्यधः ।।
‘વિદ્યાદિક ગુણવાળા પુરુષના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, કિયું તો ભગવાન શ્રીહરિની ભક્તિ ને સત્સંગ, તે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિનેપામે છે’ -એટલે શ્રીહરિની મૂર્તિના સુખની પ્રાપ્તિથી ઓરા રહે છે. માટે શ્રીહરિજીની મૂર્તિને પમાડનારી ભક્તિ થવાનું કારણ કહું છું તે સાંભળો :-
અનાદિમુક્તના સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે. તેમના અનાદિમુક્ત બાપાશ્રી તે નિત્યવિધિ કરતા. પછી જમી ઘોડી ઉપર બેસીને વાડીએ પધારતા. ત્યાં જાંબુડાના વૃક્ષ નીચે બિછાવેલ જે ઢોલિયો તે ઉપર વિરાજમાન થતા ને ઘણા ભક્તજન આવીને પાસે બેસતા ને બાપાશ્રી તેમને વાતો કરીને મૂર્તિમાં જોડતા. પછી અષાઢી અમાસનો સમૈયો સમીપે આવ્યો ને છત્રીએ કૂવામાં પાણી હતું નહિ, કેમ જે ગયા વર્ષમાં અલ્પ વૃષ્ટિ થઈ હતી ને બીજા વર્ષના અસાડ સુદમાં વરસાદ વરસ્યો નહોતો તેથી અસાડ સુદ બારસના દિવસે બાપાશ્રીના કાનજીભાઈ ને હીરજી તથા જાદવજી તેમને બાપાશ્રીએ છત્રીનો કૂવો ગાળવાનું કહ્યું, ત્યારે તે સર્વે છત્રીએ કૂવો ગાળવા ગયા. ત્યાર પછી બાપાશ્રી જમી ઘોડી ઉપર બેસીને છત્રીએ કૂવો જોવા ગયા હતા, પછી કૂવો જોઈને બાપાશ્રી ઘોડીએ બેસીને ત્યાંથી પોતાની વાડીએ ચાલ્યા ને છત્રીએ કાનજીભાઈ ને હીરજીભાઈ કૂવામાં ઊતરી કૂવો ગાળતા હતા ને ઉપરથી કાળો નાગ કૂવામાં પડ્યો તે હીરજીભાઈના બરડા સાથે અથડાઈને કાનજીભાઈના પગમાં આવીને પડ્યો; પણ શ્રીજીમહારાજે રક્ષા કરી ને દોરડું ઝાલીને બેય જણા વારાફરતી બહાર નીકળ્યા. પછી તે સાપને પણ બહાર કાઢીને કૂવો ગાળવા લાગ્યા. એમ ભક્તજનની સર્પ થકી રક્ષા કરી ને પોતે તે ભક્તના નિમિત્તે ઘોડીએથી પડી ગયા; તે કેવી રીતે, તો વાડીની ઉત્તરાદી પડખે વોકળો છે, તે વોકળામાંથી વાડીમાં જવાની સાંકડી વાટ હતી તેમાં ઘોડી હાંકી તે ઊંચાણમાં ઘોડી પાછળ નમી, તેથી બાપાશ્રી મનુષ્યલીલા કરતા થકા ઘોડીના પડખેથી નીચે પડી ગયા ને ત્યાં પૃથ્વીમાં રેત હતી તેથી વાગ્યું નહિ, પણ રેતમાં ડૂબેલો નાનો પથ્થર હતો તે ડાબા પડખા નીચે આવ્યો ને ઉપરથી શરીરનો ભાર આવ્યો, તેથી પડખામાં વાગ્યું ને થોડો દુખાવો થયો. તે સમે બાપાશ્રી પાસે ઘોડી વિના કોઈ હતું નહિ ને ઘોડી તો બાપાશ્રીને પડી ગયા જાણીને ત્યાં ને ત્યાં જ ઊભી રહી ને બાપાશ્રીને સૂંઘવા લાગી, એટલે બાપાશ્રી તે ઘોડીનો પગ ઝાલીને ઊભા થયા ને પડામાં(વાડીનો એક વિભાગ – કચ્છની ભાષામાં) આવ્યા, ત્યારે ત્યાં કેટલાક ભક્તજન હતા તેમણે દેખ્યા ને બાપાશ્રી પડી ગયા જાણી દોડી આવ્યા ને બાપાશ્રીની ભુજાઓ ઝાલીને વાડીમાં જાંબુડા નીચે લાવ્યા અને આસન પાથરેલ ઢોલિયા ઉપર શયન કરાવ્યું. પછી બાપાશ્રીના કાનજીભાઈ, મનજીભાઈ, માવજી, જાદવજી તે સર્વે આવ્યા ને બાપાશ્રીની સેવા કરવા લાગ્યા, ને અનાદિ મુક્તરાજશ્રી શાંતિ પામીને સૂઈ રહ્યા. પછી પડખામાં કાંઈક દુઃખવા માંડ્યું તેથી મનજીભાઈ ને માવજીભાઈ બાપાશ્રીને ઘોડાગાડીમાં બેસાડીને મંદિરમાં તેડી લાવ્યા ને ગામના હરિભક્ત સર્વે બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા ને મંદિરમાં સાધુ પણ હતા, તેમણે સર્વેએ દર્શન કરીને બાપાશ્રીને ગરમ પાણીથી શેક કર્યો. પછી સાંજે ખીચડી ને દૂધ જમીને ઓરડીને વિષે જે ઢોલિયો તેમાં શયન કર્યું. તે સમે પણ અગિયાર વાગ્યા સુધી થોડો થોડો શેક કર્યો. પછી ગરમી થયાથી બંધ રાખ્યો ને બાપાશ્રી પોઢી ગયા.
ત્યાર પછી બીજે દિવસ સવારમાં ભૂજ મંદિરમાં ખબર પડી જે, ‘અનાદિમુક્તશ્રી ઘોડીએથી પડી ગયા છે.’ ત્યારે બ્ર. નિર્ગુણાનંદજી, સાધુ કેશવપ્રિયદાસ, મહેતા ભોગીલાલ, કોટવાળ ધનજીભાઈ ને સોની મોતીભાઈ -તે સર્વે તુરત જ બાપાશ્રીનાં દર્શન કરવા આવ્યા ને મંદિરમાં દર્શન કરીને વાડીએ ગયા, ત્યાં જાંબુડાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર બિરાજમાન ને પાસે દસ-બાર હરિભક્ત બેઠા છે ને કરુણાદૃષ્ટિથી ભક્તજન સામું જોતા -એવા અનાદિ મુક્તશ્રીને દંડવત્ કર્યા અને દર્શન કરીને મળ્યા ને બાપાશ્રીને ઘોડીએથી પડી ગયાના સમાચાર પૂછ્યા -ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમને કાંઈ વાગ્યું નથી.’’ ત્યારે સર્વે રાજી થયા. પછી બ્ર. નિર્ગુણાનંદજી દૂધમાં કરેલા લાડુ-પૂરીનો પાંચ શેર ભાર ડબ્બામાં ભરીને લાવ્યા હતા ને એક પાકું તરબૂચ લાવ્યા હતા તે સુધારીને બાપાશ્રીને લાડુ, પૂરી ને તરબૂચ જમાડ્યાં ને સાધુ કેશવપ્રિયદાસે જળપાન કરાવ્યું. પછી બાપાશ્રીએ તે ડબ્બામાંથી લાડુ, પૂરીઓ ને તરબૂચ લઈને મહેતા ભોગીલાલ, કોટવાળ ધનજીભાઈ ને સોની મોતીભાઈ આદિને સારી પેઠે જમાડ્યા, તોપણ તે લાડુ, પૂરી ને તરબૂચ વધ્યાં. ત્યારે બીજા હરિભક્ત દર્શન કરવા આવ્યા હતા તે સર્વેને તથા વાડીમાં હતા તે સર્વેને બાપાશ્રીએ તેમાંથી એકેક લાડુ ને બબ્બે પૂરીઓ પ્રસાદી આપી તોપણ તે વધ્યું, ત્યારે -તે બ્રહ્મચારી તથા પુરાણીને આપ્યું. આવી રીતે બાપાશ્રીએ થોડાક લાડુમાંથી ઘણાને પ્રસાદી આપી ને કેટલાકને જમાડ્યા -એવો મહા અદભુત ચમત્કાર જોઈને સર્વે જનો આશ્ચર્ય પામ્યા. પછી ભોગીલાલભાઈ આદિ હરિભક્ત બાપાશ્રીને દંડવત્ કરીને મળ્યા ને રજા લઈને ભૂજ ગયા. પછી બ્ર. નિર્ગુણાનંદજી ને પુ. કેશવપ્રિયદાસજી તે બેયને બાપાશ્રીએ કહ્યું જે, ‘‘તમે આ ડેલામાં જઈને પ્રસાદી જમી લો.’’ ત્યારે તે બેય ત્યાં જઈને જમ્યા. પછી બાપાશ્રી પાસે આવીને બેઠા અને મોતીભાઈ ને માવજી પટેલ તે પણ ત્યાં બેઠા હતા. પછી બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળના સમાચાર પૂછ્યા અને પોતે પણ તેમની વાત કરી. ને વળી બોલ્યા જે, ‘‘સત્સંગમાં કુસંગી જેવા હોય તેને ઓળખીને તેથી છેટે રહેવું ને ધર્મવાળા ને હેતવાળા સાધુ-હરિભક્ત હોય તે સાથે હેત રાખવું ને તેમનો પક્ષ રાખવો.’’ -એમ કહીને વળી કહ્યું જે, ‘‘અમે મૂળીના યજ્ઞમાં ગયા હતા, વળી ત્યાંથી હરિભક્તોના હેતથી ગામડાંમાં પણ ગયા હતા. તેમાં કેટલાક સમજ્યા વિના અવળું પણ બોલતા, પરંતુ અમે તો જે કરીએ છીએ તે સાધુ-હરિભક્તને સુખ થાય તે સારુ ને મહારાજને રાજી કરવા સારુ કરીએ છીએ.’’ -એમ વાતો કરીને બ્રહ્મચારી તથા પુરાણીને કહ્યું જે, ‘‘તમારે નાહવું હોય તો લખાઈવાડીએ નાહી આવો ને અમે હિંડોળા સમે ભૂજ દર્શન કરવા આવશું; તમે ઠાકોરજીને હિંડોળામાં બેસાડીને ઝુલાવજો.’’ ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે, ‘‘સારુ બાપા ! જરૂર દયા કરીને દર્શન દેવા પધારજો; અમે આપ જેમ કહેશો તેમ કરશું.’’ પછી બ્રહ્મચારી ને પુરાણી લખાઈવાડીએ નાહીને પાછા આવ્યા ને બાપાશ્રી વસ્ત્ર પહેરીને મસ્તકે ફેંટો બાંધીને બેઠા હતા ત્યાં જાદવજીએ ઘોડી તૈયાર કરી, એટલે બાપાશ્રી ઢોલિયેથી ઊઠી વડ નીચે પૈયામાં(કોસના બળદને ચાલવાની જગ્યા) આવીને ઘોડી ઉપર બેઠા. પછી ચાલ્યા ને તેમની સાથે બ્રહ્મચારી અને સંત પણ ચાલ્યા અને મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી ઘડીક ઓસરીમાં આસન ઉપર બેસીને કથા સાંભળી. પછી બાપાશ્રી ઘેર વાળુ કરવા ગયા ને વાળુ કરી આવી આરતી-ધૂન કરીને ચોકમાં વાયરે સૂતા થકા દર્શન દેતા હતા, પછી છેલ્લી કથા ને ચેષ્ટાનાં પદ ગાઈ રહ્યાં ત્યારે ઓરડીમાં જઈને ઢોલિયામાં શયન કર્યું. પછી બાપાશ્રીએ બ્ર. નિર્ગુણાનંદજી ને મુનિને સવારમાં વહેલા ભૂજ જવાની આજ્ઞા કરી અને પોતે યોગનિદ્રા અંગીકાર કરી. હવે બ્રહ્મચારી ને સાધુ સવારમાં વહેલા ઊઠીને ભૂજ ગયા ને બીજે દિવસે વરસાદ થયો, તેથી કાળીતલાવડીમાં પાણી આવ્યું ને કૂવામાં પણ પાણી થયું ને અષાઢી અમાસનો સમૈયો પણ કર્યો. તેમાં ભૂજના ને ગામડાંના હરિભક્તોએ આવીને બાપાશ્રીનાં દર્શનનો લાભ લીધો.
પછી શ્રાવણ માસમાં બાપાશ્રીએ હિંડોળામાં ભૂજ ઠાકોરજીનાં દર્શન કરવા આવવાનું કહ્યું હતું પણ દશમ લગી ન આવ્યા, ત્યારે અતિ સ્નેહી બ્ર. નિર્ગુણાનંદજી ને મુનિ તથા બીજા કેટલાક સંતો તે કહેવા લાગ્યા જે, ‘અનાદિમુક્તશ્રીએ હિંડોળામાં આવવાનું કહ્યું હતું પણ હજુ સુધી ન આવ્યા ને આવતી પૂનમનું ગ્રહણ છે માટે એકાદશી પછી આવવાનો જોગ નથી માટે આવે તો આજ જ આવવા જોઈએ. વરસાદ વરસ્યો, ઠંડી હવાના દિવસ પણ થયા છે, ઠાકોરજી હિંડોળામાં ઝૂલે છે, ઉત્સવ થાય છે. સંત-હરિભક્તો પ્રત્યક્ષ શ્રીજીમહારાજની મૂર્તિને સંભારીને ચાતુર્માસનાં વિશેષ નિયમ વ્રત કરે છે ને શાંતિ-સુખેથી સર્વે મહારાજનું ભજન કરે છે, પણ મુક્તરાજશ્રી પધારે તો સર્વેને સમાગમનો લાભ મળે.’’ -એમ તે ભક્તજનો વરસાદની પેઠે રાહ જોતા હતા, ત્યાં તો મુક્તશ્રીની વધામણી આવી;તે શું તો મોતીભાઈના મગનભાઈએ આવીને કહ્યું જે, ‘‘બાપાશ્રી વૃષપુરથી પોતાની ઘોડાગાડીમાં બેસીને આવે છે ને બાપાશ્રીની આજ્ઞાથી હું તમને સમાચાર દેવા સાઇકલથી આવ્યો.’’ -એમ કહ્યું. ત્યારે તે ભક્તનાં વચન સાંભળીને સર્વે આનંદ પામ્યા ને અનાદિ મુક્તરાજનાં દર્શન-સેવા કરવામાં તત્પર થયા ને બાપાશ્રી સારુ આસન પાથરીને તૈયાર કર્યું, ત્યાં તો મુક્તરાજશ્રી પધાર્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને સભામંડપમાં આવ્યા, એટલે સર્વે ભક્તજનો સામા જઈને દંડની પેઠે પડતાં મૂકી નમસ્કાર કરીને અનાદિમુક્ત બાપાશ્રીને મળ્યા ને સુંદર આસન ઉપર બાપાશ્રી બેઠા ને સર્વે ભક્તજનો તેમના સામું જોઈને બેઠા.
પછી સંધ્યા-આરતી થઈ ત્યારે બાપાશ્રીએ આરતી-ધૂન કરીને ઠાકોરજી ને સંતમંડળનાં દર્શન કર્યાં, પછી જમવા પધાર્યા ને બ્રહ્મચારીએ બાપાશ્રીને ખીચડી, શાક, દૂધ, પૂરી વગેરે પીરસીને સારી રીતે જમાડ્યા. ત્યાર પછી મેડા ઉપર જઈને આસને સૂતા ને છેલ્લી કથા થઈ રહ્યા પછી યોગનિદ્રા ગ્રહણ કરી. પછી ત્રણ વાગે જાગીને ધ્યાન કર્યું ને નિત્યવિધિ કરીને સભામાં પધાર્યા ને સભા ઊઠ્યા પછી મેડા ઉપર આસને બેઠા હતા ને સંત-હરિભક્ત પણ બેઠા હતા. તે સમે સાધુ કેશવપ્રિયદાસજીએ ‘બાપાશ્રીનું જીવનવૃત્તાંત’ નામનું આ પુસ્તક લાવીને બાપાશ્રીના હસ્તમાં આપ્યું ને બાપાશ્રીની પાસે પ્રમાણ ને પ્રસન્નતા તથા આશીર્વાદ માગ્યા ત્યારે બાપાશ્રીએ થોડું વંચાવીને અતિ પ્રસન્નતા જણાવી ને પોતાની સહી આપી ને ચંદનથી પૂજા કરી અને આશીર્વાદ આપ્યો જે, ‘‘આ જીવનવૃત્તાંત વાંચશે ને સાંભળશે તેનાં દુઃખ, દારિદ્ર્યને રોગ જશે અને સુખ, શાંતિ ને સમૃદ્ધિ પામશે અને શ્રીજીમહારાજની આજ્ઞા-ઉપાસના દૃઢ થાશે ને શ્રીજીમહારાજની કૃપાથી એકાંતિક, પરમએકાંતિક ને અનાદિમુક્તની પદવીને પામીને શ્રીજીની મૂર્તિનું સુખ ભોગવશે.’’ -એમ કહીને તે પુસ્તક કેશવપ્રિયદાસજીને પાછું આપ્યું. પછી જમીને ઘડીક પોઢી રહ્યા ને પછી જાગ્યા.
તે સમે બાપાશ્રીને ડાબા કાને સંભળાતું નહિ ને દુખાવો પણ રહેતો, તેથી મહેતા ભોગીલાલભાઈ દુલેરાય ડૉક્ટરને બોલાવી લાવ્યા હતા તેને બાપાશ્રીએ કાન બતાવ્યો, ત્યારે તે ડૉક્ટરે કાન જોઈને પિચકારીથી ધોયો. તે સમે ડૉક્ટરને બાપાશ્રીએ દિવ્ય અતિ અદભુત સ્વરૂપ -એવાં દર્શન આપ્યાં, એટલે તે ડૉક્ટરે આશ્ચર્ય પામી હાથ જોડીને મોક્ષ માગ્યો. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘બીજે જન્મે કરશું.’’ ત્યારે તેણે કહ્યું જે, ‘‘હે સમર્થ ! તમે મળ્યા ને હવે જન્મ લેવાનો ન રહેવો જોઈએ.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આવું હેત રાખીને શ્રીજીમહારાજ તથા અમને સંભારશો, તો આ જન્મે જ મોક્ષ થશે.’’ પછી ડૉક્ટર રાજી થઈ નમસ્કાર કરીને ગયા ને બાપાશ્રી તૈયાર થઈને સર્વે સંત-હરિભક્તને મળી ગાડીમાં બેસીને વૃષપુર પધાર્યા.
ઇતિ વિશ્રામ ૭૫