વિશ્રામ ૯૨

હવે અકળિત સ્વરૂપ અનાદિ મુક્તશ્રીએ અંતર્ધાન થવાનું નક્કી કર્યું છે પણ કોઈ કળી શકે નહિ, તે સારુ કોઈને મળવું, કોઈના ઉપર રાજી થવું, પ્રસાદી આપવી, એમ સર્વે સંત-હરિભક્તને અનેક પ્રકારે પોતાના સમાગમનું સુખ આપતા હતા. પછી સર્વે સંતને સાથે લઈ ગાડામાં બેસીને નારાયણપુર જવા ચાલ્યા, તે સમે બળદિયા, કોરા, દહીંસરા, નારાયણપુર ને સુખપુર આદિ ગામના ઘણા હરિભક્ત આવ્યા હતા તે પણ કીર્તન ગાતા ગાતા અનાદિમુક્ત સાથે ખળખળિયે આવ્યા. ત્યાં અનાદિ મુક્તરાજે સર્વે સંતમંડળ તથા સર્વે હરિભક્ત સહિત જળમાં સ્નાન કર્યું ને સર્વેને મળ્યા. પછી બહાર આવી વસ્ત્ર બદલાવીને ગાડીમાં બેઠા ને સંઘ સહિત નારાયણપુર મંદિરમાં પધાર્યા. ત્યાં આરતી-ગોડી કરીને હરજીભાઈને ઘેર બાપાશ્રી જમવા પધાર્યા, ત્યાં ઠાકોરજી જમાડીને જળપાન કર્યું. પછી ધનજીભાઈના ત્રણેય પુત્રે ને તેમના કુટુંબે બાપાશ્રીની ચંદન ને ફૂલના હારથી પૂજા કરી ને બાપાશ્રી પાસે પ્રસન્નતા માગી, ત્યારે બાપાશ્રીએ અતિ રાજી થઈને આત્યંતિક મોક્ષનો વર આપ્યો. પછી બાપાશ્રી મંદિરમાં પધાર્યા ને આસને પોઢી ગયા.

હવે વૈશાખ સુદ સાતમના દિવસે અનાદિ મુક્તરાજશ્રીએ વહેલા જાગી મૂર્તિનું ધ્યાન કર્યું. પછી સ્નાન-પૂજા કરીને આસને બેઠા હતા. તે સમે લાલજી ને હરજી -તે સાકર એલાયચી નાખી ગરમ કરેલા દૂધનો લોટો ભરીને લાવ્યા અને બાપાશ્રીને પાન કરવા આપ્યું. ત્યારે બાપાશ્રીએ થોડું પીને સર્વેને પ્રસાદી આપી. ત્યાર પછી નોમના રોજ સવારમાં બાપાશ્રીએ નાહીએ પૂજા કરી અને શિક્ષાપત્રીનો પાઠ કરવા લાગ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીને સંકલ્પ થયો જે, ‘આજ બાપાશ્રી શિક્ષાપત્રી વાંચીને પૂરી કરે તો સારું.’ તે સંકલ્પ જાણીને બાપાશ્રીએ શિક્ષાપત્રી પૂરી વાંચીને બોલ્યા જે, ‘‘આજ શિક્ષાપત્રીની પારાયણ પૂરી થઈ.’’ પછી દ્રાક્ષ ને પતાસાંની પ્રસાદી વહેંચી. પછી ઊભા થઈને બોલ્યા જે, ‘‘આવો મળીએ; આજ તો મહારાજ ને મુક્ત કૃપાસાધ્ય થયા છે.’’ ત્યારે સર્વે બાપાશ્રીને મળ્યા. પછી વળી કહ્યું જે, ‘‘સંતો ! આજ તમારે ભૂજ જવાનું છે માટે લાલજીને કહો, જે ગાડાંની સગવડ કરે. અને ગાડાં કેટલાં જોઈશે ?’’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ‘‘બાવીસ મૂર્તિ સંત-પાર્ષદ છે, તે ગાડાં ચાર ખપશે.’’ ત્યારે બાપાશ્રીએ લાલજીને કહ્યું જે, ‘‘સંતને ચાર ગાડાં જોઈશે.’’ ત્યારે લાલજીએ તે પ્રમાણે ગાડાંની સગવડ કરી. હવે બાપાશ્રી ઢોલિયે બેઠા હતા ને મંદિરના પૂજારી નારાયણભાઈ બાઈઓના મંદિરમાંથી સુખડીના લાડુ લાવ્યા, તે લાડુ બાપાશ્રીએ લઈને સર્વે સંતને એકેક લાડુ આપ્યો ને બોલ્યા જે, ‘‘અમારે પારાયણ પણ થઈ ને આ રસોઈ પણ થઈ -તે આ મોટો યજ્ઞ થયો.’’ પછી બાપાશ્રી લાલજીભાઈના ઘેર જમવા પધાર્યા, અને જમીને ત્યાં જ પોઢી ગયા ને સંતમંડળ મંદિરમાં રસોઈ કરીને જમ્યા. પછી લાલજી તથા હરજી સંતને ઘેર તેડી લાવવા સારુ મંદિરમાં આવ્યા, એટલે સંતમંડળ એમની સાથે તેમના ઘેર ગયા ને સંતો બાપાશ્રીનાં દર્શન કરીને કીર્તન બોલ્યા ને બાપાશ્રીને ચંદન ચર્ચીને હાર પહેરાવ્યા. પછી રામજી, લાલજી ને હરજી -તેમણે બાપાશ્રીની પૂજા કરીને હાર પહેરાવ્યા ને મસ્તકે ભારે પાઘ બંધાવી. ત્યાર બાદ સંતમંડળની પૂજા કરીને હાર પહેરાવ્યા ને વસ્ત્ર ઓઢાડ્યાં, પછી દંડવત્‌ કરીને પગે લાગ્યા. ત્યારે મુક્તરાજશ્રીએ ત્રણેય ભાઈને ચંદન ચર્ચીને પ્રસાદીના હાર પહેરાવ્યા ને બોલ્યા જે, ‘‘જેવા ધનજીભાઈ અમારા હતા તેવા જ તમે ત્રણેય ભાઈ અમારા છો ને સુપાત્ર છો અને ધનજીભાઈના જેવો જ તમારો વ્યવહાર ચાલશે ને સત્સંગની સેવા પણ એમના જેવી જ કરો છો, ને કરજો.’’ પછી સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, ‘‘આપ એમને આલોક-પરલોકમાં સુખી રાખશો.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ મારા દીકરા છે; તેમની ચિંતા મારે છે.’’ -એમ રાજી થઈને વર આપ્યો. પછી સંત સહિત મંદિરમાં આવ્યા ને સંતોને કહ્યું જે, ‘‘ગાડાં આવે ત્યારે સામાન ભરાવજો.’’ ત્યાં જ ગાડાં આવ્યાં, તેમાં સામાન ભરાવ્યો ને તે ગામના હરિભક્તો પણ સર્વે આવ્યા ને બાપાશ્રી પાલખીમાં બેઠા અને હરિભક્ત પાલખી ઉપાડીને સંતની સાથે વળાવવા ચાલ્યા, ને સડકે આવી પાલખીથી ઊતરીને સર્વે સંતોને મળ્યા અને ગોળ ને સુખડીની પ્રસાદી સર્વે હરિભક્તને વહેંચી આપી. પછી દયાળુ મૂર્તિ બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ ઈશ્વર બાવો ગાડે બેસે, પછી અમે પાલખીએ બેસીએ.’’ -એમ કહીને તેમને ગાડે બેસારીને પછી પોતે પાલખીએ બેઠા ને સંતોને કહ્યું જે, ‘‘ભૂજમાં ચાર દિવસ રહેજો.’’ પછી ગાડાં ચાલ્યાં ને પોતે મંદિરમાં આવી ગાડી જોડાવીને ખળખળિયે સ્નાન કરવા પધાર્યા. ત્યાં સ્નાન કર્યું ને સર્વે સત્સંગીઓને મળ્યા ને પ્રસાદી વહેંચી આપી. પછી પોતે વૃષપુર પધાર્યા ને સંતો ભૂજ ગયા ને ત્યાં રહ્યા. ત્યાર પછી બાપાશ્રી વૈશાખ સુદ દશમના રામપુર ગયા ને એકાદશીના વૃષપુર આવ્યા.

ઇતિ વિશ્રામ ૯૨