વિશ્રામ ૩૫
હવે અનાદિ મુક્તરાજશ્રી વૃષપુર રહ્યા છે. તે સમે ભૂજથી સ્વામી ભક્તિપ્રિયદાસજી ચાતુર્માસમાં કથાવાર્તા કરવા સારુ વૃષપુર આવ્યા હતા ને બાપાશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેતા હતા ને કથાવાર્તા કરતા હતા અને કચ્છના ગામેગામના હરિભક્તો નિત્યે બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ આવતા ને જતા. તે સમે મુક્તરાજશ્રીએ ગુજરાત દેશમાં પોતાના સંતમંડળ પ્રત્યે એક પત્ર લખાવી મોકલ્યો તેની વિગત :-
‘‘સ્વસ્તિશ્રીગામ મોટપ મહાશુભસ્થાને બિરાજમાન સકળ ગુણ નિધાન, પ્રગટ પુરુષોત્તમના ઉપાસક, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમ, દમ, સંતોષ આદિ શુભ ગુણસંપન્ન, દેવ, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાળા, સત્સંગી, આદિની સેવાપરાયણ, અનેક જીવોને વાતેચિતે કરી અહીંથી લૂખા કરીને મૂર્તિમાં જોડનાર અને અનેક પોતાના આશ્રિત જનને પોતા જેવા કરનાર, શ્રીજીમહારાજની આજ્ઞાથી અહીં બેઠા થકા જીવોને અક્ષરધામમાં મૂર્તિના સુખમાં મોકલનાર અને સંસારસાગર-તારણનૌકારૂપ એવી અનેક શુભોપમા યોગ્ય સદ્. સ્વામી વૃંદાવનદાસજી, સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી, સદ્. સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સદ્. સ્વામી નારાયણસેવકદાસજી, પુ. ધર્મકિશોરદાસજી, સાધુ કૃષ્ણકેશવદાસજી, પુ. હરિપ્રસાદદાસજી, પુ. કેશવપ્રિયદાસજી આદિ સંતમંડળ પ્રત્યે શ્રીવૃષપુરથી લિખિતંગ ભાઈ અબજીભાઈ પાંચાભાઈના ‘જય સ્વામિનારાયણ’ વાંચશો.
વિશેષ લખવાનું કે તમારો લખેલો પત્ર મળ્યો છે ને તે વાંચીને તમારા લખવા પ્રમાણે વિગત જાણી છે, વળી લખતા રહેશો. બીજું તમો જેમ મહારાજની આજ્ઞામાં બરાબર વર્તો છો, તેમ સંત-હરિભક્તોને સમજાવીને વર્તાવશો. ને તમો જેવી રીતે મહારાજને અને તેમના મુક્તને અને તેમના સંત-હરિભક્તોને જેવા દિવ્ય સર્વોપરી આદિ સમજો છો તેવી રીતે સંત-હરિભક્તોને સમજાવશો અને આપણે એ જ પરમાર્થ છે, જેથી કરીને જીવનું અજ્ઞાનરૂપી અંધારું નાશ પામે. અને મોટા મોટાનો પણ એ જ સિદ્ધાંત છે જે, ‘આત્મારૂપ થઈ ત્રણ દેહના ભાવ ટાળીને મહારાજની મૂર્તિમાં વળગવું.’ મહારાજ ને મોટા અનાદિમુક્તનો પણ એ જ સિદ્ધાંત છે ને તમારે પણ એ જ સિદ્ધાંત રાખવો. અને દિવ્ય અક્ષરધામમાં પરમ મહાઅનાદિમુક્તો રહ્યા છે, તેઓ મૂર્તિના સુખને અનાદિ કાળના ભોગવે છે પણ કોઈ કાળે તૃપ્ત થતા નથી અને નિરંતર નવીન નવીન સુખ તેમને રહે છે, એવું મહા અલૌકિક, અપાર ને દિવ્ય એવું મૂર્તિનું સુખ છે. માટે આપણે એ મૂર્તિને બાઝી પડવું, તો મોટા સહાયતામાં ભળશે ને આપણું કામ સિદ્ધ થાશે માટે મૂર્તિમાંથી તૃપ્ત થાવું જ નહિ; અખંડ જોડાઈ જવું. અને મહારાજની આજ્ઞા ધર્મામૃત-નિષ્કામશુદ્ધિ પ્રમાણે પાળવી અને કથાવાર્તા-કીર્તન કરવાં અને સાંભળવાં એ તો સાધુનો ધર્મ જ છે તે કરવું, પણ મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખીને કરવું અને મૂર્તિમાં જોડાવું ને સત્સંગ સર્વે દિવ્ય જાણવો. તેમાં આપણને ઘણો જ લાભ છે. અને મહારાજે વચનામૃતમાં પણ ઠેકઠેકાણે લખ્યું છે જે, ‘સત્સંગમાં કોઈનો દ્રોહ કરવો નહિ.’ ને મનુષ્યભાવ આવે તો અપરાધ થઈ જાય. જેથી કરીને અહીં અને ધામમાં સદા સુખી રહેવાય તેમ કરવું. અને તે ધામ પણ આંહીં જ છે; પણ ધામ કાંઈ છેટે નથી એવું દિવ્યપણું સમજવું; ને એવું દિવ્યપણું સમજાય તો તો છતે દેહે જ ધામમાં બેઠા છીએ. માટે આ દેહ છે, ત્યાં લગી આજ્ઞામાં રહીને કથાવાર્તા-ધ્યાનકીર્તન કર્યા કરવું ને મૂર્તિમાં વળગી રહેવું અને નિશાન ચૂકવું જ નહિ. જેમ સિદ્ધાનંદસ્વામીએ સર્વ ક્રિયામાં મહારાજની મૂર્તિ સિદ્ધ કરી હતી, તેમ જ આપણે પણ મંડવું, તો સર્વે વાત સંપૂર્ણ થશે અને તમોએ તો એ વાત સિદ્ધ કરી છે, તોપણ આ તો લખવાની રીતિ છે તે લખ્યું છે. તે જેમ સમજવું ઘટે તેમ સમજજો અને બીજું સર્વે થાય પણ આ વાતમાં જીવ અટકે છે. તે સારુ મહારાજે વચનામૃતમાં પણ લખ્યું છે જે, ‘સર્વ સાધન કરતાં મૂર્તિ રાખવી એ મોટું સાધન છે અને તેથી કોઈ સાધન કઠણ નથી.’ એ જ.
બીજું સ્વામી વૃદાંવનદાસજીને માલમ થાય જે, આ પત્રમાં જેનાં જેનાં નામ છે તે તે સંતમંડળ જ્યાં જ્યાં હોય તેમને તમો આ પત્ર લખી મોકલાવશો અને જે સારા સ્નેહી હરિભક્ત હોય, તેને પણ અમારા ‘જય સ્વામિનારાયણ’ સાથે આ પત્રનો વિધિ લખી મોકલાવશો.
બીજું અહીં સાધુ ભક્તિપ્રિયદાસજીનું મંડળ ફરવા આવ્યું છે, તે સ્વામી ભક્તિપ્રિયદાસજી તથા સનાતનદાસજી તથા ઘનશ્યામદાસજી તથા ભક્તિપ્રસાદદાસજી તથા ભક્તરાજ પટેલ ઝીણા તથા માવજી તથા જાદવજી તથા સેવક કાનજી તથા મનજી તથા સેવક રામજી તથા સભા સર્વેના તથા દહીંસરાના કેસરાભાઈ તથા ખીમજીભાઈ તથા ગામ નારાયણપુરના પટેલ ધનજીભાઈ તથા બીજા હરિભક્તોના તથા ભૂજનગરના સાધુના તથા બીજા ગામડાના હરિભક્તોના જે અહીંયાં છે તે સર્વેના ‘જય સ્વામિનારાયણ’ વાંચશો અને અમારે શરીરે મહારાજની મરજીથી ક્ષેમ-કુશળતા સારી રીતે છે; મંદવાડ નથી, આનંદ છે. બીજું હમણાં નાનામોટા હરિભક્તો જો અહીં આવતા હોય તો તેમની મરજી, પણ સમાગમનું સુખ આવશે નહિ. કારણ કે હાલમાં નિયમના દિવસ છે, તેથી અમારે ભૂજનગર જાવું પડે, રામપુર જાવું પડે તથા ગામ કુંભારિયે મિસ્ત્રીઓમાં જાવું પડે -એવો સંભવ છે; તેથી સુખ આવશે નહિ. પછી મહારાજની મરજી, એ. જ. સંવત ૧૯૭૦ના અસાડ વદ એકાદશી.’’
બાપાશ્રીએ આવી રીતનો પત્ર લખાવીને ગામ મોટપ સદ્. સ્વામી વૃંદાવનદાસજીને મોકલાવ્યો, ત્યારે તે સ્વામી પોતાના કલ્યાણકારી ગુરુ એવા મુક્તરાજશ્રીનો લખાવેલો પત્ર છે એમ જાણીને તે પત્ર માથે ચડાવીને હૃદયમાં ભીડ્યો. પછી તે પત્રને પાટલા ઉપર પધરાવીને દંડવત્ - પ્રદક્ષિણા કર્યા. પછી સર્વે સંતોએ ભેળા બેસીને એ પત્ર વાંચ્યો ને પત્રમાં લખવા પ્રમાણે સર્વે સંત મૂર્તિમાં જોડાવાનો અભ્યાસ કરવા લાગ્યા અને શ્રીજીમહારાજ ને મોટાના પ્રતાપથી તેમને તેલધારાની પેઠે મૂર્તિમાં અખંડ વૃત્તિ રહેવા લાગી. અને તે પત્રમાં બીજા સંતનાં નામ હતાં, તેમના ઉપર પણ તે પત્રના બીજા પત્ર લખાવીને મોકલી દીધા અને તે સંતો પણ તે પત્રને વાંચીને તેવી રીતે પરમ આનંદને પામ્યા.
પછી મુક્તરાજ બાપાશ્રી શ્રાવણ માસમાં ભૂજમંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા સારુ ઘોડીએ બેસીને આવતા હતા પણ રસ્તામાં ઘોડીએ તોફાન કર્યું, એટલે બાપાશ્રી ઘોડીએથી પડી ગયા અને ઘોડી પાછી જતી રહી અને બાપાશ્રીને એક પગમાં વાગ્યું હતું, તેથી ત્યાં જ સૂઈ રહ્યા. પછી કોઈક ગાડાવાળો હતો -તે બાપાશ્રીને જોઈને પાસે આવ્યો ને બાપાશ્રીને પૂછીને ગાડામાં બેસાર્યા અને ભૂજમંદિરમાં પહોંચાડીને પાછો ગયો. પછી સાધુ હરિભક્ત બાપાશ્રી પાસે આવ્યા ને વાગ્યાનું કારણ પૂછ્યું. ત્યારે ઘોડીએ તોફાન કર્યું તે વાત કરી, એટલે તેઓ બાપાશ્રીની સેવા કરવા લાગ્યા. અને તે સમે કણભાના આશાભાઈ આવ્યા હતા, તે બાપાશ્રીની સેવા કરવા લાગ્યા. પછી પાંચ દિવસે બાપાશ્રીને સારું થયું ત્યારે ભૂજના સંતોએ બાપાશ્રીને મંદિરની ગાડીમાં બેસારીને વૃષપુર મોકલ્યા અને તે પછી બાપાશ્રી પાછા સંતને જમાડવા સારુ ભૂજ આવ્યા અને સર્વેને જમાડીને આનંદ પમાડીને પાછા વૃષપુર આવ્યા.
ત્યાર પછી સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી નારાયણસેવકદાસજી આદિ અમદાવાદના અને મૂળીના પુ. સ્વામી ધર્મકિશોરદાસજી આદિ ત્રીસ સંત તથા શેઠ ભૂરાભાઈ આદિ હરિભક્ત તેઓ સર્વે બાપાશ્રીનાં દર્શન-સમાગમ સારુ વૃષપુર આવ્યા ને બાપાશ્રીનાં દર્શન કરી અતિ આનંદ પામ્યા. અને તે માઘ માસમાં માવઠું થયું હતું, તેથી ઠંડી બહુ જ પડતી. તેથી એક હરિભક્તે બાપાશ્રીને કહ્યું જે, ‘‘બાપા ! હરિભક્ત ઘણા આવ્યા છે ને તે પ્રમાણે ઓઢવા, પાથરવા તથા ઉતારા વગેરેની સગવડ પણ સારી મળી છે પણ ઠંડી અતિશય જ પડે છે, તેથી ઠંડી બહુ જ લાગે છે અને નહાતાં ધોતા તો ઠરી જવાય છે.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ટાઢ પડે તો એમ જાણવું જે તપ કરીએ છીએ.’’ અને મુક્તરાજ બાપાશ્રી પણ એવી ટાઢમાં રાત્રીએ મંદિરની ઓસરીમાં વાયરો આવતો, તોપણ ત્યાં જ પોતાને આસને સૂઈ રહેતા ને ઓઢવામાં પણ એક હલકી ગોદડી ઓઢતા. ત્યારે સાધુ કેશવપ્રિયદાસે કહ્યું જે, ‘‘બાપા ! આપ દયા કરીને આ બીજું ગોદડું ઓઢો, કારણ કે ટાઢ તો બહુ છે.’’ -એમ કહીને બીજું ગોદડું ઓઢાડવા માંડ્યું. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘બીજું ગોદડું નહિ જોઈએ.’’ ત્યારે સાધુ કેશવપ્રિયદાસે કહ્યું જે, ‘‘બાપા ! ટાઢ બહુ છે, તેથી આપને ટાઢ વાશે’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આપણા ધણી શ્રીજીમહારાજ શું કરતા ?’’ ત્યારે મુનિએ કહ્યું જે, ‘‘બાપા ! એ તો આપ સમજાવો ત્યારે સમજાય.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘ઉનાળે અગ્નિ તાપતા, ચોમાસે વરસાદની ધારાઓ સહન કરતા અને શિયાળામાં જળમાં બેસતા માટે આપણે પણ થોડું ટાઢું ઊનું સહન કરતા શીખવું.’’ તે બાપાશ્રી પોતે સ્વતઃસિદ્ધ અનાદિ મુક્તરાજ છે, તોપણ બીજા સંત તથા ભક્તજનને શીખવવા સારુ એવું વર્તન રાખતા ને રાત્રીના ત્રણ વાગે જાગીને ધ્યાનમાં બેસતા. તે એક કલાક ધ્યાન કરીને પછી સ્નાન કરવા ઊઠતા ને કોઈક દિવસ રાત્રીએ બે વાગે જાગીને એક કલાક ધ્યાનમાં બેસતા ને કોઈક રાત્રીએ સાડા ત્રણ વાગે જાગ્રત થઈને ધ્યાનમાં બેસતા ને નિત્યે ચાર વાગે સ્નાન કરવા ઊઠતા ને સંત-હરિભક્ત બાપાશ્રીને સ્નાન કરાવતા ને બાપાશ્રી નિત્યવિધિ કરી પોતાને ઘેર જઈ સેવકને કામ બતાવીને પાછા મંદિરમાં આવી સભામાં બેસતા, ને બાપાશ્રી જ્યારે વાતો કરતા ત્યારે સર્વેની વૃત્તિઓ મૂર્તિમાં આકર્ષણ થઈ જતી ને મૂર્તિનું સુખ આવતું. એવી રીતે બાપાશ્રી સદગુરુ આદિ સર્વે સંતમંડળને પોતાના સમાગમનું બહુ સુખ આપવા લાગ્યા.
ઇતિ વિશ્રામ ૩૫