વિશ્રામ ૮૪
ત્યાર પછી જેમનો સ્વભાવ સર્વને સુખકારી છે એવા અનાદિ મુક્તરાજ બાપાશ્રી કાર્તિક સુદ ૮ને રોજ નિત્યવિધિ કરીને સભામાં બેઠા અને ધનજીભાઈ ને તેમના દીકરા નિત્યની પેઠે ઊનું કરેલું દૂધ લાવ્યા, તે પીને સર્વેને પ્રસાદી આપી. પછી બાપાશ્રી ધનજીભાઈના ઘેર જમવા પધાર્યા ને જમી આવીને ઘડીક પોઢીને જાગ્યા. ત્યાર પછી બાપાશ્રીસંતોએ સહિત ધનજીભાઈના દીકરા રામજીને ઘેર પધાર્યા, ત્યાં તેમણે બાપાશ્રીની પૂજા કરીને પાઘ બંધાવી ને સંતોને પણ વસ્ત્ર ઓછાડ્યાં. પછી ચાર વાગે ખળખળિયે પધાર્યા, ત્યાં નિત્યની પેઠે સ્નાન કરી, કથાવાર્તા કરીને પ્રસાદી વહેંચી. પછી બાપાશ્રી સર્વે સંત સહિત મંદિરમાં પધાર્યા. ત્યાં સાંજની કથાવાર્તા કરીને જમવા ગયા ને જમીને મંદિરમાં પધાર્યા, પછી નિત્ય નિયમ કરીને ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજ્યા ને હરિભક્તોએરાસ લીધો. -એમ બાપાશ્રીની પ્રસન્નતા મેળવીને પોતાનું જીવિતવ્ય સાર્થક કર્યું અને સુદ નોમને રોજ બાપાશ્રી વહેલા ઊઠી સ્નાન કરીને માનસીપૂજા કરવા બેઠા. પછી તિલક-ચાંદલો કરીને મૂર્તિઓ પધરાવી ને આવાહન, નમસ્કાર, સ્તુતિ-પ્રાર્થના, મંત્રજપ, પ્રદક્ષિણા, દંડવત્ આદિ કરીને પૂજાની સમાપ્તિ કરી. તે સમે સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી ને સ્વામી વૃંદાવનદાસજી આદિ ઘણાક સંત બાપાશ્રીનાં દર્શન કરવા પાસે બેઠા હતા ને બાપાશ્રી શિક્ષાપત્રીનો પાઠ કરવા લાગ્યા. તેમાં નીચેનો શ્લોક આવ્યો :-
एते राधादयो भक्तास्तस्य स्युः पार्श्वतः क्कचित् ।
क्कचितङ्गेऽतिस्नेहात्स तु ज्ञेयस्तदैकलः ।। १११ ।।
તેમાં એમ આવ્યું જે, ‘એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રીકૃષ્ણભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણભગવાનના અંગને વિષે રહે છે, ત્યારે તો તે શ્રીકૃષ્ણભગવાન એકલા જ હોય એમ જાણવા.’ ત્યારે બાપાશ્રીએ સદગુરુ આદિ સંતને પૂછ્યું જે, ‘‘આમાં શ્રીકૃષ્ણભગવાન કહ્યા તે કોને કહ્યા ? ને રાધાદિક ભક્ત કિયા જાણવા ? અને અંગ તે શું જાણવું ? ને અંગમાં કેવી રીતે રહેતા હશે ?’’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજે સત્સંગિજીવન ગ્રંથ દ્વિઅર્થી કરાવ્યો છે, તેમાં પરોક્ષ અર્થ સર્વજન-હિતાવહ છે ને પ્રત્યક્ષ અર્થ પોતાના એકાંતિક ભક્તને સમજવા સારુ છે. તે આ શિક્ષાપત્રીમાં ‘શ્રીકૃષ્ણભગવાન’ કહ્યા તે શ્રીજીમહારાજે પોતે પોતાને જ શ્રીકૃષ્ણભગવાન નામે કરીને કહ્યા છે, ને જે ‘રાધાદિક ભક્ત’ કહ્યા તે રાધિકાદિક નામે પોતાના મુક્ત જે જયા, લલિતા આદિને કહ્યા છે ને મુક્તાનંદ, બ્રહ્માનંદ આદિ સંતને પણ કહ્યા છે અને ઉદ્ધવ, અક્રૂર, અર્જુન, બળદેવજી આદિ નામે કરીને રામપ્રતાપભાઈ, શ્રીઅયોધ્યાપ્રસાદજી, શ્રીરઘુવીરજી, ઉત્તમનૃપ, સોમ-સૂરાદિક મુક્તને કહ્યા છે. અને ‘ક્યારેક શ્રીકૃષ્ણભગવાનના પડખે હોય છે.’ -એમ કહ્યું. તે પરમએકાંતિક મુક્ત શ્રીહરિજીની પાસે રહે છે તેમને કહ્યા છે, અને ‘ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણભગવાનના અંગને વિષે રહે છે.’ -એમ કહ્યું. તે અનાદિમુક્તને કહ્યા છે ને ‘અંગ’ મૂર્તિ તથા સ્વરૂપને કહ્યું છે પણ એક અવયવને કહેવું નથી; કેમ જે અનાદિમુક્તને શ્રીજીમહારાજ પોતાના સ્વરૂપમાં રાખે છે તેથી ‘અંગને વિષે રહે છે’ -એમ કહ્યું છે, ને ‘ક્યારેક’ કહ્યું તે સ્વામી-સેવકપણું જણાવતા કહ્યું છે પણ અનાદિમુક્ત તો સદા ભગવાનના સ્વરૂપમાં જ રહે છે.’’ -એમ કહ્યું. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘યથાર્થ ઉત્તર કર્યો.’’
વળી બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજ સર્વ અવતારના અવતારી છે ને સર્વ મુક્તના સ્વામી છે ને પોતાના અક્ષરધામમાં સદાય રહ્યા છે. અને શ્રીજીમહારાજનું ગોલોક તથા અક્ષરધામ તે પણ શ્રીકૃષ્ણભગવાનના ગોલોકથી તથા અક્ષરથી પર છે, અને પોતાના સ્વરૂપના પ્રકાશનો સમૂહ તેને જ ગોલોક તથા અક્ષરધામ કહ્યું છે. અને તે ધામમાં અનંતકોટિ મહામુક્ત છે -તે શ્રીજીમહારાજની પાસે રહ્યા છે ને શ્રીજીમહારાજની મૂર્તિને જોઈને આનંદ પામે છે. અને અનંતકોટિ અનાદિમુક્ત છે -તે શ્રીજીમહારાજના સ્વરૂપમાં રહ્યા છે, ને તે મુક્ત શ્રીજીમહારાજના સ્વરૂપમાં ઐક્યપણું પામીને સળંગ સ્વરૂપનો આનંદ અનુભવે છે. એ સર્વેના મુક્તના સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે, -તેમના સંકલ્પથી અમે તમને અમારા સમાગમનું સુખ આપવા આવ્યા છીએ અને તમને પણ અમારા જેવા મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે ને અમારા સંકલ્પથી મુમુક્ષુ જીવોના મોક્ષ કરવા તમને અવરભાવમાં પણ રાખ્યા છે.’’ પછી બોલ્યા જે, ‘‘જે છે-તે અક્ષરધામ, મૂર્તિ, મુક્ત સર્વે અહીં છે પણ અક્ષરધામ બીજે છે; કે મૂર્તિ બીજે છે; કે મુક્ત બીજે છે -એમ ન જાણવું.’’ પછી ઊભા થઈને સર્વેને મળ્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને આસને બેઠા ને વચનામૃતની કથા વંચાવીને સૂતા સૂતા સાંભળતા હતા અને સંત પણ પાસે બેસીને કથા સાંભળવા લાગ્યા.
ત્યાર પછી બાપાશ્રી સંત-હરિભક્તને સાથે લઈને ધનજીભાઈની નવાણ નામની વાડીએ પધાર્યા, ત્યાં ખળામાં બેઠા ને સંત-હરિભક્તની સભા થઈ ને કીર્તન બોલ્યા, અને ધનજીભાઈએ બાપાશ્રી પાસે ગોળ-તલની પ્રસાદી અપાવી ને બાપાશ્રીએ તે વાડીનું ‘ઘનશ્યામ વાડી’ -એવું નામ પાડ્યું. પછી બાપાશ્રી સંતોએ સહિત તેમની ગામ પાસેની વાડીએ ગયા, ત્યાં બળદ, ગાયો, ઘોડી આદિ સર્વે પશુઓને વર્તમાન ધરાવ્યાં ને મોક્ષનો વર આપ્યો. પછી મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને ઘેર જમવા ગયા ને જમી આવીને મંદિરના ચોક વચ્ચે ઢોલિયે વિરાજ્યા.
પછી સ્વામીએ બાપાશ્રીને પૂછ્યું જે, ‘‘મૂર્તિનું સુખ નિત્યે વધતું જાય તેનો શો ઉપાય છે ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘મૂર્તિરૂપ થઈને મૂર્તિમાં નિમગ્ન રહેવું, તેણે કરીને શાંતિ ને સુખ વધતાં જાય છે.’’
પછી મુક્તરાજશ્રી સ્વામી ઈશ્વરચરણદાસજીના હાથમાંથી કલમ ને બુક લઈ હાથનો લટકો કરીને એમ બોલ્યા જે, ‘‘તમે મહારાજ ને મુક્તનો મહિમા લખો છો પણ આખી પૃથ્વીનો કાગળ કરો, વનસ્પતિ માત્રની કલમો કરો ને સાત સમુદ્રની શાહી કરો, તે લખતાં લખતાં કલમો ઘસાઈ જાય ને શાહી ખૂટી જાય તોપણ શ્રીજીમહારાજના મહિમાનો પાર આવે નહિ, -એવા શ્રીજીમહારાજ છે. અને આ મુક્તનો મહિમા પણ અપાર છે, તોપણ આ બાવો જાણે જે હું બધો મહિમા લખી નાખું પણ પાર પામી શકાય નહિ.’’ -એમ પોતાની છાતીએ હાથ દઈને બોલ્યા. એમ શ્રીજીમહારાજનું ને મુક્તનું અપારપણું ને સર્વોપરીપણું સમજાવ્યું. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ‘‘બાપા ! જો આપની મરજી હોય તો લખું.’’ ત્યારે બાપાશ્રી સ્વામીને માથે હાથ મૂકીને બોલ્યા જે, ‘‘ભલે લખો; અમે રાજી છીએ.’’ પછી સર્વે સંત-હરિભક્તોએ કથાવાર્તા કરી. ત્યાર પછી બાપાશ્રી પોઢી ગયા.
હવે બાપાશ્રી બીજે દિવસ પણ પ્રથમની પેઠે સ્નાન-પૂજા કરી દૂધ પીને સભામાં બેઠા ને સંત-હરિભક્તની સભા ભરાઈને બેઠી ને સ્વામીએ વચનામૃતની કથા વાંચીને ઘણી વાર વાતો કરી. અને બાપાશ્રીને છેલ્લી અવસ્થામાં અશક્ત શરીર હતું, તેથી સૂતા સૂતા સાંભળતા હતા. પછી કથાવાર્તાની સમાપ્તિ કરીને બાપાશ્રી ધનજીભાઈને ઘેર જમવા પધાર્યા. ત્યાં અમરબાઈ, કાનબાઈ, મોંઘીબાઈ, કેસરબાઈ આદિ બાઈઓએ બાપાશ્રી સારુ થાળ કર્યો હતો, -તે જમ્યા ને જળપાન કર્યું પછી સર્વેએ બાપાશ્રીની પૂજા કરી. પછી તે જ ઘરે ડેલીમાં જે ઓરડો છે ત્યાં ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને ઘણી વાર વાતો કરીને સર્વેને અભયદાન આપ્યું. ત્યાર પછી બાપાશ્રી મંદિરમાં પધાર્યા ને પોઢીને બે વાગે જાગ્યા ને જળપાન કર્યું.
ત્યાર બાદ કેરાના હરિભક્તો ગાડાં લઈને આવ્યા ને તેમણે સંતોએ સહિત બાપાશ્રીને કેરે પધારવાની પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ સ્વામી વગેરે સંતને કહ્યું જે, ‘‘ચાલો કેરે.’’ ત્યારે સંત તૈયાર થયા ને સદગુરુઓ ગાડે બેઠા ને બીજા સંતો ચાલ્યા અને બાપાશ્રી પણ ગાડીમાં બેઠા ને તેઓ સર્વેએ ખળખળિયો જે નાગધરો -ત્યાં આવીને જળમાં સ્નાન કર્યું. પછી વસ્ત્ર બદલીને સર્વેને મળ્યા અને સભા કરીને બિરાજ્યા ને સર્વેને પ્રસાદી વહેંચી. પછી સર્વે સંત-હરિભક્તોએ બાપાશ્રીને ચંદનપુષ્પના હારથી પૂજા કરી ને બાપાશ્રીના ચરણમાં પડીને નમસ્કાર કર્યા. ત્યારે બાપાશ્રી અતિશય રાજી થઈને બોલ્યા જે, ‘‘આ સર્વે અમારી સાથે ધરામાં નાહ્યા તેનું આત્યંતિક કલ્યાણ થઈ રહ્યું છે ને અમે સર્વેને શ્રીજીમહારાજની મૂર્તિમાં લઈ જઈશું, અને આ ખળખળિયામાં જે શ્રીહરિની સ્મૃતિએ સહિત નહાશે, કે જળ પીશે તે સર્વેને અક્ષરધામમાં તેડી જઈશું.’’ -એમ રાજી થઈને વર આપ્યો. તે સમે ધનજીભાઈ તથા તેમના દીકરા તેમને બાપાશ્રીનો વિયોગ થશે -એવા ભાવથી તેમના હૃદય ભરાઈ આવ્યાં ને નેત્રમાંથી જળ પડવા મંડ્યાં. ત્યારે બાપાશ્રીએ તેમને માથે હસ્ત મેલીને હિંમત આપી અને નારાયણપુર ફરીથી આવવાનો વર આપ્યો ને શાંતિ પમાડ્યા, -એમ નારાયણપુરમાં દસ દિવસ રહીને બાપાશ્રી સંતોએ સહિત કેરે પધાર્યા.
ઇતિ વિશ્રામ ૮૪