વિશ્રામ ૪૧

ત્યાર પછી મુક્તરાજશ્રી યજ્ઞની સંપૂર્ણ સમાપ્તિ કરીને પોતાના ઘરને વિષે વિરાજમાન હતા,તે સમે ગામ સુખપુરથી બાપાશ્રીને પ્રતિષ્ઠામાં આવવાનું આમંત્રણ આવ્યું ત્યારે મુક્તરાજશ્રીએ ત્યાં પધારી સર્વેને આનંદ પમાડ્યા ને ભાઈઓના નવા મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિ સિંહાસનમાં પધરાવી. પછી ત્યાંથી ભૂજ આવી શ્રીજીમહારાજ ને સંતનાં દર્શન કરી વૃષપુર આવ્યા. વળી જેઠ માસમાં ધર્મામૃતની કથામાં ભૂજ આવ્યા અને સાધુના ધર્મની વાતો કરી સંત-બ્રહ્મચારીને આનંદ પમાડીને પાછા વૃષપુર પધાર્યા. ત્યાર પછી વર્ષાઋતુ આવી, તેમાં ગાજવીજ, વરસવું તેણે સહિત મેઘની ઘટાઓથી આકાશ ઢંકાઈ ગયું હતું ને મેઘ સર્વેને સુખકારી જળની વૃષ્ટિઓ કરતા હતા ને મોટાં મોટાં સરોવર ને નદીઓ-તે જળથી પૂર્ણ થયાં હતાં ને ખેડુજનો પણ નાના પ્રકારના ધાન્યથી હર્ષ પામતા હતા અને ગાયો આદિ પશુ તે પણ સુખી થયાં હતાં. એવી સર્વેને સુખાકારી વર્ષાઋતુમાં મુક્તરાજ બાપાશ્રી બ્રાહ્મમુહૂર્તમાં જાગીને ધ્યાન કરતા. પછી નિત્યવિધિ કરી મંદિરની ઓસરીમાં બેસીને કથાવાર્તા કરતા ને બાપાશ્રીનાં દર્શનથી સર્વેને આનંદ થતો. પછી બાપાશ્રી ઘેર જમીને હાથમાં લાકડી લઈ વાડીએ પધારતા ને વરસાદ વરસે ત્યારે આંબાનાં વૃક્ષ નીચે ઊભા રહેતા ને બાપાશ્રીનાં દર્શન કરવા સારુ ગામડેથી હરિભક્ત ઘણાક આવતા ને દર્શન કરીને જતા ને કોઈક સમે બાપાશ્રી વાડીમાં સ્વચ્છ પૃથ્વીને વિષે શયન કરતા ને દિવસનો પાછલો પહોર રહે, ત્યારે હસ્તમાં લાકડી લઈને રસ્તામાં જનોને આનંદ આપતા થકા મંદિરમાં પધારતા ને આરતી-ધૂન કર્યા પછી ઘેર વાળુ કરવા જતા. પછી મંદિરમાં આવી વચનામૃતની કથા વંચાવીને સાંભળતા, એવી રીતે નિત્યે આનંદ પમાડતા. પછી કોઈક સમે બાપાશ્રી શ્રાવણ માસમાં હિંડોળામાં ઠાકોરજીનાં દર્શન કરવા સારુ ભૂજ આવ્યા હતા ને ત્યાં શ્રીજીમહારાજની મૂર્તિઓનાં ને સંત-હરિભક્તનાં દર્શન કરીને પાછા વૃષપુર પધાર્યા હતા. ત્યાર પછી અન્નકૂટ ઉપર ભૂજ આવ્યા હતા ને દર્શન કરી ને પાછા વૃષપુર પધાર્યા હતા. ત્યાર પછી પોતાના ગામના મંદિરમાં વસંતપંચમીનો મહોત્સવ કર્યો ને સર્વેને સુખી કર્યા.

પછી માઘ માસમાં સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી, પુ. ધર્મકિશોરદાસજી આદિ મૂળી-અમદાવાદનાં સંતમંડળ અનાદિ મુક્તરાજ બાપાશ્રીની સેવા-સમાગનો લાભ લેવા વૃષપુર આવ્યા હતા ને મુક્તરાજશ્રીનાં દર્શન કરીને પરમ આનંદમાં સમાગમનું સુખ લેતા હતા. તે સમે સાધુ કૃષ્ણકેશવદાસજી રસ્તામાંથી જ માંદા થઈને આવ્યા હતા. તેમનો એવો સંકલ્પ હતો જે, ‘બાપાશ્રી દયા કરીને મારું પૂરું કરીને મૂર્તિના સુખમાં રાખે.’ તેથી શ્રીજીમહારાજની મૂર્તિ વિના આ દેહ, લોક, ભોગ તથા પ્રકૃતિપુરુષનાં લોક, ભોગ તથા બ્રહ્મકોટિના ને અક્ષરકોટિનાં સુખ-ઐશ્વર્યને તુચ્છ જાણી તેમાંથી વૃત્તિ તોડીને એક પ્રત્યક્ષ શ્રીજીમહારાજ ને મુક્ત તેમને તદાકાર વૃત્તિએ કરીને સંભારતા હતા ને અતિશય જ તે વાતનો વેગ લગાડી દીધો હતો. પછી બાપાશ્રીએ તેમની પાસે આવીને કહ્યું જે, ‘‘કૃષ્ણકેશવદાસજી ! મૂર્તિ સંભારજો. આ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ ને મુક્તના શબ્દ છે.’’ એમ કહીને મૂર્તિમાં જોડી દીધા.પછી દશમની રાત્રિના નવ વાગે દેહ મેલાવીને દિવ્ય મૂર્તિના સુખમાં રાખ્યા. ત્યાર પછી ચાર વાગે સંત-હરિભક્ત તેમનો અગ્નિસંસ્કાર કરીને મંદિરમાં આવ્યા ને તે દિવસે સર્વે સંત સુતકી હતાં ને સાધુ કેશવપ્રિયદાસ ને ભૂજના સ્વામી હરિચરણદાસજી તે બે સંતો ઠાકોરજીના થાળ કરવા સારુ રહ્યા હતા, તેમણે સર્વેને પૂજાઓ કરાવી ને સર્વે સારુ રસોઈ કરી. અને બાપાશ્રીએ તે દિવસે પોતે વચનામૃતની કથા વાંચીને સર્વે સંતમંડળને સંભળાવી ને બાપાશ્રીની અમૃત સરખી સ્વાદુ વાણી સાંભળીને સર્વે સંત પણ અતિશય આનંદ પામ્યા.

ત્યાર પછી બીજે દિવસે મંદિરની ઓસરીમાં બાપાશ્રી આસને વિરાજમાન હતા ને આગળ સદગુરુ વગેરે સંત-હરિભક્તની સભા બેઠી હતી ને પ્રથમનું ૭૧મું વચનામૃત વંચાતું હતું. તેમાં એમ આવ્યું જે, ‘ભગવાન જીવના કલ્યાણને અર્થે મૂર્તિ ધારણ કરે છે, ત્યારે પોતાનું અક્ષરધામ ને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ ને પોતાનાં ઐશ્વર્ય, તે સહિત જ પધારે છે માટે સર્વે ભગવાન ભેળું જ છે એમ સમજવું.’

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ‘‘બાપ ! આ વચનામૃતમાં એમ કહ્યું જે, ‘‘જ્યાં શ્રીજીમહારાજ બિરાજે છે ત્યાં જ અક્ષરધામ ને અનંત મુક્ત ને સર્વે ઐશ્વર્યસુખ છે, ત્યારે કૃષ્ણકેશવદાસજી દેહ મેલીને ક્યાં ગયા હશે ?’’ ત્યારે મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘બીજે ક્યાંય ગયા નથી, આ શ્રીજીમહારાજની મૂર્તિમાં જ છે, માટે આ મૂર્તિનેતથા આ મુક્તને ખરેખરા દિવ્ય તેજોમય સમજજો પણ માયિક સમજશો નહિ. આ પ્રતિમા દિવ્યમૂર્તિ છે અને આ મુક્ત પણ દિવ્ય છે. તેમાંથી ઝળહળ ઝળહળ તેજ છૂટે છે ને તેજોમય છે. જે જે દેહ મૂકીને ગયા છે, તે સર્વે આ શ્રીજીમહારાજ સિંહાસનમાં બિરાજે છે, તે મૂર્તિમાં જ છે. અને આ મૂર્તિને વિષે મનુષ્યભાવ-પ્રતિમાભાવ સમજવો નહિ. આવી દિવ્યભાવની સમજણ થાય, તેને જવું-આવવું ક્યાંય નથી.’’ એમ ઘણીક વાતો કરી ને વળી બોલ્યા જે, ‘‘આ સભા તો પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની છે અને તમે સર્વે તેમાં બેઠાં છો; તેમાં બેસવાનું ક્યાંથી મળે ! આ જોગ ખરેખરો છે. આ જોગમાં જે પડી રહે તેનું કામ થઈ જાય, માટે આ જોગ કરીને મૂર્તિમાં જોડાવું. તે જેમ વૃક્ષ સાથે છાલ વળગી છે, તેમ પરમએકાંતિક મુક્ત મૂર્તિ સાથે વળગ્યા છે અને અનાદિમુક્ત તો જેમ વૃક્ષમાં રસ વ્યાપી રહ્યો છે, તેમ મૂર્તિમાં જોડાઈ ગયા છે; તેમ આપણે મૂર્તિમાં જોડાવું તે મોટાનો જોગ કરીને તેવું થવાય છે પણ મોટા અનાદિમુક્તના જોગ વિના એવી પ્રાપ્તિ થાય નહિ ને આ સભામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ બિરાજે છે. ઝળસ ઝળસ તેજ ઝળકે છે, સૌ સંત જોઈ રાજી થાય છે ને હસે છે. તે મહારાજ વિના આનંદ થાય નહિ પણ જીવને નાસ્તિકભાવ છે, તેથી સમજાય નહિ. આ સભા અક્ષરધામની છે; દિવ્ય છે. પૂર્વે શુકદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા, તેમ આ સંત વૃક્ષમાં રહીને બોલે કે ન બોલે ? તો વૃક્ષમાં રહીને બોલે તેમાં તો શું કહેવું પણઆ સંત તો અક્ષર આદિ સર્વેમાં પ્રવેશ કરીને બોલે તેવા છે ને આ સંત તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા છે ને તમારા સંકલ્પ ચાલે છે. જેમ ગોપાળાનંદસ્વામીના સંકલ્પના સો સંત થયા હતા, તે ઝાડી દેશમાં ફરી આવ્યા, તેમ તમારા સંકલ્પ મૂર્તિમાન થઈ જીવને દર્શન દઈને કલ્યાણ કરે છે પણ તમને તમારા બળની ખબર નથી. જેમ બળદેવજીમાં બળ અપાર હતું, તોપણ પ્રલંબાસુર લઈ ચાલ્યો ત્યારે જણાવ્યા વિના જાણી શક્યા નહિ. તેમ તમે તમારા બળને જાણતા નથી. તે તમારા સુખને અર્થે તમારું બળ શ્રીજીમહારાજે ને અમે રોકી રાખ્યું છે.’’

ત્યારે સાધુ કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, ‘‘બાપા ! મહારાજ ને મોટા અનાદિમુક્ત મળ્યા છે અને આપે કેવળ કૃપા કરીને મૂર્તિમાં રાખ્યા છે તે પણ જીવમાંથી હા પાડે છે ને મૂર્તિ ભુલાતી પણ નથી ને મૂર્તિ વિના બીજે પ્રીતિ પણ જણાતી નથી ને મૂર્તિના સુખની ત્વરા પણ રહે છે પણ જેમ છે તેમ સુખ ભોગવાતું નથી, એટલે અનાદિમુક્તની સ્થિતિ ભોગવાતી નથી -તેનું શું સમજવું ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘તમને મૂર્તિમાં મૂકી દીધા છે અને મહારાજ ને મોટા તમારા ભેગા જ છે પણ અણુ જેટલાય છેટે નથી; આપણે કયા દરજ્જામાં છીએ, તો અનાદિમુક્તરૂપ છીએ, પણ તેમાં નાસ્તિકભાવ રાખવો નહિ. તમારા પણ સંકલ્પ ચાલે છે પણ તમને તમારા બાળની ખબર નથી. તમારું સામર્થ્ય તમારા સુખને અર્થે મહારાજે અને આ મુક્તે રોકી રાખ્યું છે, પણ વખત ઉપર સર્વે સુખ સોંપી દેશું ને પૂરું કરી મૂર્તિમાં રાખી મૂર્તિનું સુખ ભોગવાવશું.’’

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ‘‘બાપા ! મોટા મળ્યા પછી શું કરવું ?’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘ખરેખરું ઉપશમ કરી મૂર્તિમાં જોડાવું; મૂર્તિમાં રસબસ થઈ મૂર્તિના સુખસમુદ્રમાં ઝીલવું ને મૂર્તિનું સુખ આવે તો માયિક સુખ સર્વે ખારાં ઝેર થઈ જાય છે. વળી જો માયિક સુખ સારું લાગે તો દુખિયો થાય છે, માટે પ્રકૃતિનું કાર્ય સર્વે ખોટું કરી નાખવું અને પ્રકૃતિનું કાર્ય સર્વે છે પણ ખોટું માટે ખોટાને ખોટું કર્યું તેમાં કાંઈ કર્યું ન કહેવાય, પણ સાચું છે તેને પણ ખોટું કરવું. તે સાચું કિયું ? તો બ્રહ્મકોટિ, અક્ષરકોટિ ને અક્ષરધામનાં ઐશ્વર્ય તે સાચું છે. તેને પણ ખોટું કરીને મૂર્તિમાં જોડવું ને મૂર્તિનું અનુભવજ્ઞાન થાય ત્યારે મૂર્તિમાં રહેવાય; અનુભવજ્ઞાન તે શું ? તો મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું અને મૂર્તિની ખુશબો આવે ને મૂર્તિનું, મુક્તનું અને સુખનું જાણપણું રહે તે અનુભવજ્ઞાન કહેવાય છે. તે અનુભવજ્ઞાન મુક્તને મૂર્તિમાં ખેંચી જાય છે ત્યારે તે અનાદિમુક્ત કહેવાય છે. તે અનુભવજ્ઞાન કેમ થાય તો આ જોગમાંથી ને મોટાની કૃપા થાય છે.

અને વળી બાપાશ્રીએ વાત કરી જે, ‘‘શ્રીજીમહારાજે સારંગપુરના ૭માં કહ્યું છે જે, ‘મનોમયચક્ર કોને કહેવાય તો મનને કહેવાય અને તેની ધારા તે શી સમજવી, તો જે ઇંદ્રિયો તે ધારા સમજવી. તે જે ઠેકાણે તે ધારાઓ બૂઠી થઈ જાય તે ઠેકાણે નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. તે જ્યાં એકાંતિક સંત રહેતા હોય ત્યાં ધારાઓ કુંઠિત થાય તેથી નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય.’’ અને જ્યાં આવા અનાદિમુક્ત રહેતા હોય ત્યાં તો જીવને અપરંપાર લાભ થાય ને ત્યાં અક્ષરધામ કહેવાય. તેવા અનાદિમુક્ત આ છે અને અમે ખોટું કહેતા હોઈએ તો અમને પાપ છે.’’ -એમ ત્રણ વખત બોલ્યા. ત્યારે કલ્યાણ ભક્તે કહ્યું જે, ‘‘બાપા ! આમાં તો કોઈ તમે ખોટું કહેતા હશો -એમ માનતા નથી.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘અમે તો સાચી વાત કહીએ છીએ.’’

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસે પૂછ્યું જે, ‘‘આવા મુક્તને ઓળખે તેને કેવો લાભ થાય ? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘જે ઓળખે તેને અમારા જેવા કરીએ પણ ઓળખે છે કોણ ?’’ ત્યારે પુરાણી હરિપ્રસાદદાસજીએ કહ્યું જે, ‘‘બાપા ! આ તો સર્વે ઓળખે છે.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આટલાની શી ગણતરી, જેટલા ઓળખે તેટલા સર્વેને અમારા જેવા કરીએ; કેમ જે આ મુક્ત શ્રીજીમહારાજના સંકલ્પે કરીને દર્શન દે છે અને શ્રીજીમહારાજની વતી આવ્યા છે, માટે શ્રીજીમહારાજ જેટલું કામ કરે તેટલું આ મુક્ત પણ કરે છે અને જેમ શ્રીજીમહારાજનું કર્યું થાય છે તેટલું શ્રીજીમહારાજની ઇચ્છાથી તેમના મુક્તનું પણ કર્યું થાય છે ને મુક્તદ્વારે ક્રિયા પણ શ્રીજીમહારાજ કરે છે.’’ ઇત્યાદિક ઘણીક વાતો કરી. તેને સાંભળીને સદગુરુ તથા સર્વે સંત -તે બાપાશ્રીને પરમ અનાદિમુક્ત જાણીને પરમ આનંદ પામ્યા ને બાપાશ્રી કથાની સમાપ્તિ કરાવીને ઘેર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૪૧