વિશ્રામ ૧૦૧
ત્યાર પછી સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી આદિ ઘણાક સંત બાપાશ્રીનું કાર્ય થઈ રહ્યા પછી વૃષપુરમાં રહ્યા હતા અને કથાવાર્તા કરીને હરિભક્તને બાપાશ્રીના વિયોગનું દુઃખ ટાળી અને બાપાશ્રીનું ને શ્રીજીમહારાજનું પ્રગટપણું બતાવી મૂર્તિને સુખે સુખિયા કરતા હતા. તેમાં એક દિવસ સવારમાં સંત-હરિભક્તની મોટી સભા બેઠી હતી,તે સમે સ્વામી ઈશ્વરચરણદાસજી બાપાશ્રીના મહિમાની વાતો કરતા થકા બોલ્યા જે, ‘‘સ્વામી નિર્ગુણદાસજી બાપાશ્રીનાં દર્શન કરીને બાપાશ્રીને કહેતા જે, ‘‘તમારું સ્વરૂપ તથા મુખનો ચહેરો શ્રીજીમહારાજના જેવો જ દેખાય છે અને તમારાં દર્શનથી શ્રીજીમહારાજનાં દર્શન કરવા જેવી જ શાંતિ આવે છે. અને તમે તો શ્રીજીમહારાજમાં રહ્યા છો માટે શ્રીજીમહારાજરૂપ દેખાઓ છો અને તમારાં દર્શન શ્રીજીમહારાજની મૂર્તિમાં પણ થાય છે.’’ -એમ સ્વામી નિર્ગુણદાસજી અનાદિમુક્તની સ્થિતિની ઘણી વાતો કરતા, માટે આપણે પણ બાપાશ્રીનો એવો મહિમા સમજવો; કેમ જે બાપાશ્રી અનાદિમુક્ત છે ને શ્રીજીમહારાજે અનાદિમુક્ત દ્વારે આપણને સુખ દેવા સારુ જ પોતાના સંકલ્પે કરીને બાપાશ્રીને મોકલ્યા છે. તે જુઓને, બાપાશ્રીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના સમજાવી. અને વળી શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન રહીને સળંગ મૂર્તિના સુખભોક્તા એવા અનાદિમુક્તની સ્થિતિ સમજાવી, તેતો આપણા ઉપર મહદ્ કૃપા કરી છે. તે જો આપણે તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીને જોઈએ, તો તે સ્થિતિની સમજણથી આપણને જે કાંઈ ઓજસ પ્રાપ્ત થયું છે, જેટલી ધારક શક્તિ આવી છે, જેટલી કારક શક્તિ આવી છે, જેટલી પાલન કરવાની શક્તિ મેળવી છે, જેટલી વર્ધક શક્તિ સંપાદન કરી છે, જે કાંઈ નિશ્ચયની દૃઢતા તથા મૂર્તિનો સાક્ષાત્કાર થયો છે, તે તો અતુલ, અમાપ ને અવર્ણનીય છે. તે જુઓને, બાપાશ્રીએ તો એવા અનંત અનાદિમુક્ત કર્યા ને આપણને પણ મૂર્તિમાં રાખવાના કોલ આપ્યા છે. વળી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને મહાત્મ્યે સહિત એકાંતિક ભક્તિ તે રૂપ પરમએકાંતિક ધર્મ, -તે બાપાશ્રીએ ઘણા સંત-હરિભક્તને વિષે સ્થાપન કર્યો ને સત્સંગમાં સત્સંગ કરાવ્યો અને અનંત ભક્તને છતે દેહે જ મૂર્તિમાં રાખ્યા ને સ્થાવર-જંગમ એવા અનંત જીવોનો ઉદ્ધાર કર્યો. વળી બાપાશ્રીએ શ્રીજીમહારાજનું સદાય પ્રત્યક્ષપણું સમજાવ્યું. તે આવી એકાંતિક ધર્મની પ્રવૃત્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે કરે અથવા પોતાના અનાદિમુક્ત પાસે કરાવે તો જ થાય. એવા શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત આપણને પ્રગટ મળ્યા છે. અને જુઓને, બાપાશ્રી પ્રગટ થયા ત્યારથી કેવાં અલૌકિક ચરિત્ર કર્યાં છે ! એમ સદ્. સ્વામી નિર્ગુણદાસજી પણ બાપાશ્રીનો મહિમા સંત-હરિભક્તને કહેતા, ને જેમ છે તેમ તો બાપાશ્રીએ પોતે જ પોતાનો મહિમા સમજાવ્યો છે. અને વળી બાપાશ્રીએ મોટા મોટા યજ્ઞ કરીને સર્વે સંત-હરિભક્તને ઘણાં સુખ આપ્યાં છે તે જુઓ :-
સંવત ૧૯૫૯ની સાલમાં બાપાશ્રીએ મોટો યજ્ઞ કર્યો હતો, તેમાં અમદાવાદ આદિ દેશના મોટા મોટા સદગુરુઓ આવ્યા હતા ને હરિભક્તો પણ ઘણા આવ્યા હતા. ને સ્વામી અક્ષરજીવનદાસજી પણહતા. (૨) પછી સં. ૧૯૭૧માં કાળીતલાવડી પર છત્રી કરાવીને તેમાં ચરણારવિંદ પધરાવવા સારુ મોટો યજ્ઞ કર્યો હતો ને તેમાં તો બેય દેશના ઘણા સંત-હરિભક્ત આવ્યા હતા. (૩) ત્યાર પછી સં. ૧૯૭૪માં મંદવાડમાંથી સાજા થયા, તે નિમિત્તે છત્રીએ યજ્ઞ કર્યો હતો. (૪) પછી સં. ૧૯૭૮માં છત્રીએ મંદિરની જગ્યાનું ભર્યું તથા હનુમાનજીની પ્રતિષ્ઠાનું નિમિત્ત કરીને મોટો યજ્ઞ કર્યો અને તેમાં ઘણા સંત-હરિભક્ત આવ્યા હતા. પછી હનુમાનજી પધરાવ્યા ને કહ્યું જે, ‘‘આ હનુમાનજી સારંગપુરના હનુમાનજીની પેઠે કામ કરશે ને આ છત્રીનાં દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે.’’ -એમ આશીર્વાદ આપ્યા હતા. (૫) વળી સં. ૧૯૮૨માં સર્વેને સમાગમનો લાભ મળે તે સારુ મોટો યજ્ઞ કર્યોહતો. (૬) અને સં. ૧૯૮૪માં પોતાને અંતર્ધાન થવાનું જણાવીને તે નિમિત્તે છેલ્લો યજ્ઞ કર્યો અને તે સિવાય બીજા નાના યજ્ઞ તો ઘણાય કર્યા છે. આવી રીતે બાપાશ્રીએ આપણને ૮૪ વર્ષ સુધી અનંત, અપાર ને નિઃસીમ સુખ આપ્યાં છે.
વળી હજારો સંત-હરિભક્ત બાપાશ્રીનો સમાગમ કરવા આવતા તેમને બાપાશ્રી વાતો કરીને ‘સ્વામિનારાયણ’ ભગવાનનો સિદ્ધાંત સમજાવતા ને વચનામૃતના રહસ્ય અર્થ કરીને સમજાવતા ને તેની ‘રહસ્યાર્થ-પ્રદીપિકાટીકા’ પણ લખાતી ને બાપાશ્રી વાતો કરતા તે પણ લખાતી. તે હવે છપાઈને બહાર પડ્યાં છે તેથી વચનામૃત ને તેની ટીકા તથા બાપાશ્રીની વાતો, -તે મુમુક્ષુને શ્રીજીમહારાજનો સિદ્ધાંત સમજવાનો ને અનાદિમુક્તની સ્થિતિ પામવાનો મોક્ષનો દરવાજો સદાયને માટે થયો છે; કેમ જે તે પ્રમાણે શ્રીજીમહારાજની ઉપાસના સમજશે ને મહારાજની આજ્ઞા પાળશે તેનો અમે મોક્ષ કરશું, -એમ બાપાશ્રીએ કહ્યું હતું. અને ‘બાપાશ્રીનું જીવનવૃત્તાંત’ પણ લખાયું છે. -એમ સ્વામી ઈશ્વરચરણદાસજીએ ઘણી વાતો કરી.
એક દિવસ સભામાં સદગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ વાત કરી જે, ‘‘બાપાશ્રી આપણને એવો આશીર્વાદ આપે જે, તમને મૂર્તિમાં રાખ્યા ને દેહ-સ્વભાવ માત્ર કાઢી નાખ્યા. ત્યારથી આપણે એમ સમજવું જે, ‘‘મુને અનાદિમુક્ત કરીને બાપાશ્રીએ મૂર્તિમાં રાખ્યો છે; હું અનાદિમુક્ત જ છું; શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ ભોગવું છું; મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ.’’ એવો દૃઢ નક્કી-નક્કોર નિઃસંશય નિશ્ચય કરવો અને મહારાજની આજ્ઞામાં યથાર્થપણે રહેવું, તો તે અનાદિમુક્ત જ છે ને બાપાશ્રીના આશીર્વાદથી તેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ને તેમ વર્તાય છે.’’
વળી સ્વામીએ વાત કરી જે, ‘‘સંવત ૧૯૫૧ની સાલમાં બાપાશ્રી કચ્છમાંથી થોડા હરિભક્તને સાથે લઈને મૂળી થઈને ઉપરદળ આવ્યા હતા. ત્યાં રામજીભાઈને રાજી કરીને ધોળકે આવ્યા અને ધોળકામાં હું મહંત હતો ને બાપાશ્રીએ મને વાત કરી જે, ‘સ્વામી ! શું કરવા આવ્યા છો ? ત્યારે મેં કહ્યું જે, ‘કરવાનું મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું, તેવી અનાદિમુક્તની સ્થિતિ પામવી તે છે પરંતુ તે થતું નથી ને આ દેહે કરીને થાય તેમ જણાતું પણ નથી.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘મોટાના વચનથી આ દેહનો ભાવ ટળી જાય ને અનાદિમુક્તની સ્થિતિ પમાય તે બીજો જન્મ જાણવો.’ ત્યારે મેં કહ્યું જે, ‘એવી આપ કૃપા કરો ને એવો આશીર્વાદ આપો.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘આજથી તમારો નવો જન્મ; તમારા દેહ-સ્વભાવ સર્વે ગયા ને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા. હવે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ અખંડ ભોગવો; તમારાં આવરણ માત્ર ગયાં.’ -એમ કહીને અતિ હેતે કરીને મળ્યા. તે દિવસથી મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવાય છે ને કાંઈ આવરણ આવતું નથી અને તે દિવસથી જે સમજે તેને તે જ વાતો સમજાવીએ છીએ. વળી કોઈક સમે બાપાશ્રીએ અમને એમ કહ્યું જે, ‘તમે તો અમારા સંકલ્પ-સ્વરૂપ છો.’ તે દિવસથી મૂર્તિ વિના બીજું કાંઈ દેખાતું જ નથી; અખંડ મૂર્તિના સુખમાં જ રહેવાયછે. આવું અનુભવજ્ઞાન સાક્ષાત્કાર કરાવ્યું છે. તેમ જ જે મુમુક્ષુ બાપાશ્રીને શરણે આવે છે ને બાપાશ્રીને જીવ સોંપી દે છે, તેને પણ બાપાશ્રી આવી રીતે અનુભવજ્ઞાન આપી બીજા રાગ, ભય આદિ કષાય માત્ર ટાળી નાખીને પોતા જેવા અનાદિમુક્ત કરે છે, માટે બાપાશ્રીને જીવ સોંપી દેવો અને શ્રીજીમહારાજ ને બાપાશ્રીના સિદ્ધાંત પ્રમાણે વર્તવું.’’ -એમ ઘણીક વાતો કરી.
આવી રીતે બન્ને સદગુરુ વારફરતી કથાવાર્તાનું સુખ આપતા હતા. તે સમે બાપાશ્રીના કાનજીભાઈ તથા મનજીભાઈ તેમણે સ્વામીને કહ્યું જે, ‘‘સ્વામી ! અમને એમ સંકલ્પ થાય છે જે, ‘આપ બાપાશ્રીના અંતર્ધાન થયાના સ્થાને બાપાશ્રીની સ્મૃતિરૂપ છત્રી કરાવો ને દયા કરીને ત્યાં સુધી મહિનો-પંદર દિવસ અહીં રહો.’’ ત્યારે ભૂજના ભોગીલાલભાઈ તથા લાલશંકરભાઈ -તેમણે પણ સ્વામીને કહ્યું જે, ‘‘તમે ભૂજ પધાર્યા હતા ત્યારે છત્રી કરવાની અમે પણ તમને પ્રાર્થના કરી હતી માટે જરૂર કરાવો, ને છત્રી થઈ રહે ત્યાં સુધી આપ રહેવા દયા કરો.’’ પછી વળી બાપાશ્રીના કાનજીભાઈએ કહ્યું જે, ‘‘સ્વામી ! એ છત્રીનું કામ તો અમારે જ કરવાનું છે; પણ તમે કરાવો ને જે ખર્ચ થશે તે અમે આપીશું, માટે દયા કરીને ત્યાં સુધી રહો ને તે કામ પૂરું કરીને પછી પધારવાનું કરશો.’’ ત્યારે સદગુરુ સ્વામી બન્નેએ હા કહી ને છત્રી કરાવવાનું નક્કી કર્યું.
પછી સ્વામીએ વૃષપુરના મિસ્ત્રી ગોવિંદ અરજણને તથા વેકરાના મિસ્ત્રી વીરજી મનજી તે બેયને તેડાવીને કહ્યું જે, ‘‘આપણે બાપાશ્રીના અંતર્ધાન થયાના ઠેકાણે છત્રી કરાવવી છે.’’ ત્યારે તે બહુ રાજી થયા ને તે કામ કરવાની હા કહી. પછી બાપાશ્રીના દીકરા કાનજીભાઈ તથા મનજીભાઈ -તેમણે મિસ્ત્રીના કહેવા પ્રમાણે સારા પથ્થર મંગાવ્યા ને જોઈતી સામગ્રી સર્વે તૈયાર કરાવી. ત્યાર પછી તે મિસ્ત્રીઓએ છત્રીનો નકશો કરીને તે કામ ચાલુ કર્યું અને તે કામ કરવામાં તે મિસ્ત્રીઓની મદદમાં તે ગામના વાઘજી ગોવિંદ, કાનજી હરજી ને ભોજા આદિને પણ બોલાવ્યા હતા, તેઓ સર્વે બાપાશ્રીને સંભારીને હેતે કરીને કામ કરતા હતા. તેમાં એક સમે વાઘજી ગોવિંદ છત્રીના પથ્થર ઘડતા હતા, તેમને બાપાશ્રીએ દર્શન દઈને એમ કહ્યું જે, ‘‘કામ સારું કરજો; અમે અહીં રહેશું.’’ -એમ કહીને અંતર્ધાન થઈ ગયા.
વળી એક સમયે મિસ્ત્રી વીરજીભાઈ છત્રીના થાંભલા ઘડતા હતા તેમને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, ‘‘થાંભલા સારા ઘડજો; આ અમારું સ્થાનક છે.’’ -એમ કહીને અતિ પ્રસન્નતા જણાવીને અંતર્ધાન થઈ ગયા. તે વાત તેમણે સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતને કહી. આવી રીતે બાપાશ્રી છત્રીના કામમાં પ્રસન્નતા જણાવતા ને તે મિસ્ત્રીઓએ પણ અતિ શોભાયમાન ને સારા રૂપમાં છ થાંભલાની છત્રી એક મહિનામાં તૈયાર કરી.
ત્યાર પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીના દીકરા કાનજીભાઈ તથા મનજીભાઈ -તેમની પાસે છત્રીનું કામ કરનારા મિસ્ત્રી ગોવિંદભાઈ તથા વીરજીભાઈને પાઘડીઓ બંધાવી ને કામ કરનારા સર્વે હરિભક્તને પણ ધોતલીઓ બંધાવી, ને સર્વેને મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા ને કહ્યું જે, ‘આ સ્થાન થયાથી અનેક સંત-હરિભક્તને આત્યંતિત મોક્ષ થવા રૂપ એક નવું સદાવ્રત ચાલતું થયું ને આ સ્થાન બહુ પવિત્ર છે ને બહુ મોટું તીર્થ છે; કેમ જે આ સ્થાનમાં પ્રથમ શ્રીજીમહારાજે બાપાશ્રીના માતુશ્રીને દર્શન દઈને અનાદિમુક્ત દ્વારે પ્રગટ થવાનું કહ્યું હતું ને ત્યાં જ શ્રીજીમહારાજ બેસતા ને બાપાશ્રીએ પણ ત્યાં જ છત્રી કરાવી છે. અને વળી બાપાશ્રીની અંતર્ધાન થયાની લીલાનો વિધિ પણ ત્યાં જ થયો ને ત્યાં જ આ બાપાશ્રીના સંસ્મરણરૂપ છત્રી થઈ અને આ સ્થાનમાં બાપાશ્રીએ ઘણાં યજ્ઞો-પારાયણો કરાવ્યાં છે ને આ સ્થાન બાપાશ્રીને બહુ પ્રિય છે. વળી બાપાશ્રી ઘણી વાર ખેતરમાં જઈ અહીં આવીને આ છત્રીએ સૂતા ને બાપાશ્રી દર એકાદશીએ દર્શન કરવા અહીં આવતા અને બાપાશ્રીએ મને (ઈશ્વરચરણદાસજીને) પણ કહ્યું હતું જે, ‘આ સ્થાનમાં અમે સદાય રહેશું ને આ અમારું મંદિર જાણજો ને તમે પણ અહીં આવીને દર્શન કરજો. અને આ અમારો સભામંડપ ને આ અમારો ભંડાર જાણજો.’ -એમ છત્રીને તથા મહોલને ઉદ્દેશીને કહ્યું હતું. એમ આ સ્થાન બાપાશ્રીનું જ છે ને જે કોઈ અહીં આવી આ સ્થાનનાં દર્શન કરશે તેમને બાપાશ્રીનું સહજસ્મરણ થશે અને બાપાશ્રીના ગુણ, ઐશ્વર્ય, પ્રતાપ ને બાપાશ્રીનું અપાર માહાત્મ્ય તે આ સ્થાનથી જાણવામાં આવશે; માટે આ સ્થાન અનેક મુમુક્ષુ જીવોના મોક્ષરૂપ કાર્ય સિદ્ધ કરશે, ને કોઈ આ સ્થાનની યાત્રા કરવા આવશે તેનાં પાપનો પ્રલય થશે અને ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે અને આ હનુમાનજી દુઃખ, દારિદ્રય ને ભય આદિ સર્વેને હરનારા છે ને ધર્મ, ધન, સ્ત્રી, પુત્ર, યશ આદિ સુખને આપનારા છે અને આ કાળીતલાવડી બાપાશ્રીએ ઘણી વાર સંત-હરિભક્તે સહિત સ્નાન કરીને અતિ ઉત્તમ તીર્થ કર્યું છે. એમ સદગુરુ સ્વામી બેયે સર્વે હરિભક્તને વાત કરી. પછી કહ્યું જે, ‘‘તમે સર્વે હેત પ્રીત રાખીને ભગવાનને ભજજો; હવે અમે અમદાવાદ જવાનું કરશું.’’ ત્યારે હરિભક્ત ઘણા દિલગીર થયા, તેઓ સર્વેને ધીરજ આપીને સ્વામીશ્રી આદિ સર્વે સંત ભૂજ થઈને ગુજરાત તરફ જવા માટે તૈયાર થયા.
હવે સ્વામીને જવાના સમાચાર આગળથી બીજાં ગામોમાં મળ્યા હતા; તેથી વૃષપુરના તથા ફરતા ગામડાંનાં ઘણા હરિભક્ત સ્વામીશ્રી આદિ સંતોને વળાવવા ભૂજ આવ્યા હતા. હવે ભૂજમાં સ્વામી આદિ સંતોએ એક રાત્રી રહી બીજે દિવસ સવારમાં સ્નાન-પૂજા કરીને ઠાકોરજી જમાડ્યા. પછી ઠાકોરજી તથા સંતનાં દર્શન કરીને સ્ટેશન ઉપર જવા ચાલ્યા, ત્યારે ગામડાંના તથા ભૂજના સર્વે હરિભક્ત સ્વામીશ્રી આદિ સંતોને વળાવવા સ્ટેશને આવ્યા ને ત્યાં મોટી સભા કરી. અને સ્વામીશ્રીએ સર્વે હરિભક્તને ભલામણ કરી જે, ‘‘મહારાજની આજ્ઞામાં યથાર્થ રહેજો, કથાવાર્તા કરજો, બાપાશ્રીને વિષે નવું નવું હેત રાખજો ને તેમના ઘરની જોડે ઐક્યતા રાખજો. દેશકાળની ઉપાધિમાં ધીરજ રાખીને ભગવાનને ભજજો; મુઝાશો નહિ; બાપાશ્રી રક્ષા કરશે.’’ -એમ વાત કરીને સ્વામી આદિ સંતો સર્વે હરિભક્તને મળ્યા. પછી સંતો રેલમાં બેસી ગુજરાતમાં આવ્યા. હવે તે સંતો ગુજરાતમાં પણ કથાવાર્તા કરીને હરિભક્તને રાજી કરતા અને કચ્છના સર્વે હરિભક્ત ભૂજ-સ્ટેશનથી પાછા વળીને મંદિરમાં આવ્યા ને ઠાકોરજી તથા સંતનાં દર્શન કરીને ઠાકોરજી જમાડ્યા. પછી સૌ બાપાશ્રીએ આપેલાં સુખનું સંસ્મરણ કરતા થકા પોતપોતાને ગામ ગયા.
ઇતિ વિશ્રામ ૧૦૧
ઇતિ શ્રી સહજાનંદસ્વામી-ચરણકમળસેવક શ્રીપુરનિવાસી સદગુરુ પુરાણી મુનિસંત કેશપ્રિયદાસેન સંગ્રહિતમ્ અનાદિમુક્ત જીવનવૃત્તાંતમ્ સમાપ્તમ્