વિશ્રામ ૫૦
સંવત ૧૯૪૪ના જેઠ માસના શુક્લપક્ષમાં એકાદશીને દિવસ મુક્તરાજશ્રી વૃષપુરના મંદિરની ઓસરીમાં પોતાને આસને ચાકળા ઉપર વિરાજમાન હતા ને લલાટને વિષે ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું હતું ને હસ્તકમળમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા ને બાપાશ્રી પાસે સંત-હરિભક્તની સભા બેઠી હતી ને સાધુ કેશવપ્રિયદાસજી વચનામૃતની કથા વાંચતા હતા. પછી અનાદિ મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજના આશ્રિત જે ત્યાગી, સાધુ, બ્રહ્મચારી, પાળા, ગૃહસ્થ તે સર્વેને શ્રીજીમહારાજની આજ્ઞામાં રહેવું ને જેને જેટલો મહારાજના વચનમાં વર્તવાનો ફેર પડે તેને તેટલું દુઃખ થાય છે. તેમાં કેટલાકને અત્યારે થાય ને કેટલાકને પાછળથી થાય, પણ થાય ખરું અને ત્યાગી માત્રને સ્ત્રીધનનો ત્યાગ રાખવો. તે સ્વામી નિર્ગુણદાસજી કહેતા જે, ‘સાધુ-બ્રહ્મચારી આદિને દ્રવ્ય રાખવું નહિ ને જે રાખે-રખાવે તેનો મોક્ષ થાય નહિ.’ માટે ત્યાગીને તો સ્ત્રીદ્રવ્યનો ત્યાગ તે મુખ્ય રાખવો અને તેમાં લગાર ફેર પડવા દેવો નહિ ને આગળ સંતોને રહેવાની જગ્યા પણ નહોતી, માન-સન્માન નહોતું તોપણ સુખી હતા; કેમ જે સ્ત્રીદ્રવ્યથી છેટે રહેતા ને હવે જે સ્ત્રીધનનો પ્રસંગ રાખે છે તેને તેટલું દુઃખ થાય છે. તેને પ્રસંગે કરીને બીજાને પણ દુઃખ થાય છે. માટે એવાનો પ્રસંગ પણ રાખવો નહિ ને સ્ત્રીદ્રવ્યના ત્યાગી ને પ્રત્યક્ષ શ્રીજીમહારાજના અનન્ય આશ્રિત ને સર્વોપરી આજ્ઞા-ઉપાસના તેણે જુક્ત એવા પરમએકાંતિક ધર્મને ધારણ કરનારા જે સંત હોય તે સંતની સેવા કરવી અને તેવા સંતની સેવા કર્યાનું દિવ્યફળ થાય છે. માટે પૈસા મળ્યા હોય તો તેવા સંતની સેવા કરવી, પોતાના ગામના મંદિરમાં ઠાકોરજીની સેવા કરવી ને ધર્માદો પણ પૂરેપૂરો કાઢવો. અને જેમ લીલા વૃક્ષને પાણી પાય તો ડાળે-પાંદડે બધે રસ ચડે ને સારાં ફળ થાય, તેમ જ એવા સંતને જમાડવા આદિ સેવા કરવાથી શ્રીજીમહારાજની ને અનંત મુક્તની સેવા થાય છે ને તેનું દિવ્ય ફળ થાય છે. તે ઉપર વાત કરી જે, ‘ગઢપુરમાં શ્રીજીમહારાજને કહીને એક ડોશીએ પાંચસો પરમહંસને જમાડવા માટે પકવાનની રસોઈ કરાવી ને શ્રીજીમહારાજે સંતના મંડળને જમવાના દિવસે સવારમાં ગામડે ફરવા મોકલી દીધા ને ચાર સદગુરુને રાખ્યા. ત્યારે ડોશીએ કહ્યું જે, ‘હે મહારાજ ! મારી રસોઈ કરાવીને તમે સંતને ગામડે મોકલી દીધા, તે હવે આ રસોઈ કોણ જમશે ?’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘આ ચાર સદગુરુ જે મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી ને નિત્યાનંદસ્વામી છે તેમને જમાડો.’ પછી ચાર સદગુરુઓને ઓસરીમાં બેસાડીને શ્રીજીમહારાજ જાતે પીરસવા રહ્યા. પછી ડોશી દેતાં આવે ને શ્રીજીમહારાજ પીરસે. તે જેટલું આપે તેટલું ચાર સંતને પીરસીને જમાડી દે, એમ જમાડતાં જમાડતાં પાંચસો પરમહંસને જમવાની રસોઈ હતી તે ચાર સદગુરુ જમી ગયા ને રસોઈ થઈ રહી. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘કાંઈ હોય તો લાવો; હજી સદગુરુ ભૂખ્યા છે.’ પછી ડોશીએ કહ્યું જે, ‘મહારાજ ! હવે કાંઈ નથી.’ પછી શ્રીજીમહારાજે સદગુરુને કહ્યું જે, ‘તમે કેટલું જમ્યા ?’ ત્યારે સદગુરુ કહે, ‘મહારાજ ! અમને તો પૈસાભાર અન્ન મળ્યું છે.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘આ અન્ન કોને જમાડ્યું ?’ ત્યારે સદગુરુઓએ કહ્યું જે, ‘એ તો બદરિકાશ્રમના, શ્વેતદ્વીપના, ને ભરતખંડના મુક્તને જમાડ્યું.’ પછી મહારાજે ડોશીને કહ્યું જે, ‘તમે કહેતાં હતાં કે, ‘આ રસોઈ કોણ જમશે ?’ પણ આ ચાર સદગુરુ દ્વારે અમે તથા અનંત મુક્ત જમ્યા અને સદગુરુ તો ભૂખ્યા રહે છે’ તેમ એવા એકાંતિક સંત હોય તેમના ભેળા અનંતકોટિ મુક્તે સહિત શ્રીજીમહારાજ જમે છે અને બીજા મુક્તને પણ જમાડે છે ને એવા સંતને જમાડવાથી અનંતકોટિ મુક્તને જમાડવાનું ફળ થાય છે.’’ -એ આદિ ઘણીક વાતો કરી. પછી આઠ વાગે કથાની સમાપ્તિ કરી ને દેશાંતરથી આવેલા જે સંત-હરિભક્તના પત્ર તેને વંચાવીને પોતે સાંભળ્યા ને તેના ઉત્તર લખાવીને મોકલ્યા. પછી ઘેર જમવા પધાર્યા. તે દિવસે કરાંચીના લાલુમલભાઈ ને મહાદેવભાઈએ કેરીની રસોઈ કરાવી હતી તેથી બાપાશ્રીએ સંત-હરિભક્તને રસ પીરસ્યો ને રોટલી આદિ સંત પાસે પિરસાવ્યું, ને સંત-હરિભક્ત જમી રહ્યા ત્યાં સુધી બાપાશ્રીએ બેસી પિરસાવ્યું. પછી બાપાશ્રી પોતાના આસને બેઠા અને સંત-હરિભક્ત પણ જમી આવીને સભામાં બેઠા ને વચનામૃતની કથા વાંચવા માંડી ને પૂજા કરવા સારુ ચંદનપુષ્પના હાર લાવ્યા. પછી સંત તથા હરિભક્ત બાપાશ્રીની પૂજા કરવા લાગ્યા. તે સમે મુક્તશ્રી આસન ઉપર ઓઠીંગણ દઈને ધ્યાનમુદ્રાએ જુક્ત થકા વિરાજમાન હતા. પછી સર્વે સંત-હરિભક્તોએ બાપાશ્રીના ભાલમાં ચંદન ચર્ચીને હાર પહેરાવ્યા, તેથી બાપાશ્રીનું વક્ષઃસ્થળ ને ખભા -તે હજારીપુષ્પના હારથી ભરાઈ રહ્યાં હતાં ને લલાટમાં ભ્રૂકુટિથી શિખા સુધી ઘણુંક ચંદન ચર્ચ્યું હતું. એવી શોભાને ધરતા થકા દર્શન દેતા હતા. પછી બાપાશ્રીને ધ્યાનમાંથી જાગ્રત થઈ પોતાના કંઠમાંથી પુષ્પના હાર કાઢીને સર્વે સંત-હરિભક્તને એક એક હાર પહેરાવ્યો ને સર્વેને હાર પહોંચી રહ્યા ને તે સર્વના અંતરમાં પરમ શાંતિ વર્તતી હતી.
પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘શ્રીજીમહારાજની મૂર્તિ ને આ સભા દિવ્ય છે, માટે મહારાજની મૂર્તિ અને સભાને સંભારશે તેના ઘાટ ટળી જશે ને શ્રીજીમહારાજની મૂર્તિમાં તેના ચિત્તનો નિરોધ થશે અને શ્રીજીમહારાજ ને અમે તેના ઉપર કૃપા કરીને મૂર્તિમાં રાખશું.’’ એમ વાતો કરીને વચનામૃતની કથાની સમાપ્તિ કરી ને બે ઘડી શયન કર્યું. પછી સંત-હરિભક્તોએ સહિત વાડીએ સ્નાન કરવા ચાલ્યા તે નવીવાડી પાસેથી સંતને કાકરવાડીએ સ્નાન કરવા મોકલ્યા ને પોતે હરિભક્તને સાથે લઈ નવીવાડીએ આવ્યા ને તે વાડીમાં જાંબુડાના વૃક્ષ નીચે ઢોલિયામાં બેઠા, ત્યાં તો સંત-મંડળ સર્વે કાકરવાડીએ સ્નાન કરીને તુરત નવીવાડીએ બાપાશ્રી પાસે આવ્યા, ત્યારે મુક્તરાજશ્રી અતિશય રાજી થયા ને નવા ડેલામાં સંત-હરિભક્તની સભા કરીને બેઠા ને બાપાશ્રી સર્વેને પ્રસાદી આપી. પછી વાતો કરતા થકા બોલ્યા જે, ‘‘આ સભામાં આ મુક્તને વિષે પ્રત્યક્ષ મહારાજ બિરાજે છે, તેજોમય છે, મૂર્તિમાંથી તેજ છૂટે છે, મંદ મંદ હસે છે ને મંદ મંદ જુએ છે.’’ -એમ પ્રત્યક્ષ શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત તેમના સ્વરૂપની વાતો કરી, તેથી સર્વને અતિશય આનંદ થયો ને તે ડેલામાં નિત્યે સભા કરીને બેસતા ને સંત સારુ જાંબુડાં ઉતરાવીને ટોપલો ભરી રાખતા ને સંતને ખોબા ભરી ભરીને જમવા આપતા. એક દિવસ સર્વે સંત પુષ્પના હાર તથા ચંદન ઘસીને લાવ્યા હતા, તેથી બાપાશ્રીની પૂજા કરી ને બાપાશ્રીએ સર્વે સંતની પૂજા કરી ને સર્વેને મળ્યા.. પછી સંત સહિત મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી ઓસરીમાં પોતાના આસને ફેંટો તથા અંગરખું ઉતારીને આસનમાં ઓઠીંગણ દઈને બેઠા.
તે સમે સાધુ કેશવપ્રિયદાસે મુક્તરાજશ્રીને પૂછ્યું જે, ‘‘શ્રીજીમહારાજ અનાદિમુક્ત દ્વારા અત્યારે સુખ આપે છે -એમ કેટલાક સંત કહે છે તે કેમ સમજવું ?’’ ત્યારે મુક્તરાજ બાપાશ્રી બોલ્યા જે, ‘‘અનાદિમુક્ત તો શ્રીજીમહારાજનું શરીર છે ને દ્વાર તો બીજા સાધનિકને સમજાવવા સારુ કહેવાય છે ને અનાદિમુક્ત તો મૂર્તિસ્વરૂપ છે પણ મૂર્તિથી જુદા નથી. તેમની સાથે ભાષણ કરીએ છીએ ને તેમની સભામાં બેઠા છીએ એ કેવી મોટી પ્રાપ્તિ કહેવાય ! એ તો અતિ મોટી છે. અને અક્ષર તેમની સભા જુદી છે ને તેમના મુક્ત પણ જુદા છે. અને આ સુખ તો બહુ જબરું છે, સુખના ઢગલેઢગલા છે. તે સુખ અત્યારે જીરવાય નહિ, એ તો એવો પાત્ર થાય ત્યારે જ તે સુખ ભોગવાય છે. તે સુખ અત્યારે જ્ઞાને કરીને ઓળખાય તોપણ અહો ! અહો ! થાય ને દીવાના-મસ્તાના થઈ જવાય. અને તે સુખ મહારાજને કહીને તમને સર્વેને અપાવશું અને મહારાજ અમારું નહિ માને તેમ નથી, એ તો માનશે, માનશે ને જરૂર માનશે જ.’’ એમ વાત કરી. પછી આરતી-ધૂન કરીને ઘેર ભોજન કરવા ગયા. પછી બાપાશ્રી જમી જલપાન કરીને મંદિરમાં આવી સભામાં બેઠા ને સંત પાસે વાતો કરાવીને સાંભળતા હતા. પછી પહેલીકથાની સમાપ્તિ થઈ ત્યારે સાધુ કેશવપ્રિયદાસે શ્રીજીમહારાજની મૂર્તિને જળ ધર્યું. પછી બાપાશ્રીને જળપાન કરાવ્યું ને સર્વે સંત બાપાશ્રીની પાસે આવીને બેઠા. પછી બાપાશ્રીએ બીજી કથા કરવાની ને કીર્તન કરવાની આજ્ઞા કરી ત્યારે સર્વે સંત-હરિભક્ત કીર્તન બોલવા લાગ્યા. પછી વચનામૃતની કથા કરી ને બાપાશ્રી સાંભળતા હતા. પછી લીલા-કીર્તન આદિ નિત્યનિયમ કર્યો. ત્યાર પછી બાપાશ્રીએ ઓસરીમાં આસન પાથરેલું હતું તેમાં શયન કર્યું ને સંત-હરિભક્ત સર્વ પાસે આવીને બેઠા ને બાપાશ્રી સૂતા સૂતા વાતો કરતા હતા. પછી બાપાશ્રીએ યોગનિદ્રા અંગીકાર કરી.
ઇતિ વિશ્રામ ૫૦