વિશ્રામ ૭૭
સંવત ૧૯૮૨ની સાલમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી, તે અનેક પ્રકારે પોતાના સેવકને સમાગમનું સુખ આપતા થકા પોતાના ઘરને વિષે રહ્યા છે. તે સમે ગામ કુંભારિયાના મિસ્ત્રી મનજીભાઈ તથા અમરસીભાઈએ પોતાના પિતા ગોવામલભાઈ ધામમાં ગયા. તેમની વાંસે કાર્તિક માસમાં દસ દિવસની પારાયણ પોતાના ગામમાં કરાવી હતી. તે પારાયણમાં અનાદિ મુક્તરાજશ્રીને તેડવા પોતાનો સગરામ મોકલ્યો હતો, તેમાં બેસીને બાપાશ્રી કુંભારિયે પધાર્યા ને મંદિર પાસેના ઘરનાં બારણાં મંદિરમાં કરીને તેમાં બાપાશ્રીનો ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળનો ઉતારો કર્યો હતો, અને ભૂજના સર્વે સંત તથા હરિભક્ત આવ્યા હતા ને મંદિર પાસે વંડામાં સભામંડપ કર્યો હતો ત્યાં સભા બેસતી, ને અનાદિ મુક્તરાજશ્રી મહાસભામાં આવીને આસન ઉપર બેસતા ને તે સમૈયામાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ બાપાશ્રીએ વચનામૃતની ટીકા જે ‘રહસ્યાર્થપ્રદીપિકા’ નામે કરી છે તે ટીકાએ સહિત વચનામૃતના ગુટકા નવા છપાવીને સર્વેને આપવા લાગ્યા હતા ને સંત-હરિભક્તને આપતા હતા. ત્યારે સંત-હરિભક્તમાં કોઈકને શંકા થઈ જે, ‘વચનામૃત ગુજરાતી ભાષામાં છે તેમાં ટીકા શું કરવાની હશે ? ને ટીકાના કર્તા અનાદિમુક્ત બાપાશ્રીને લખ્યા છે, તે શું તેમણે ટીકા કરી હશે ?’ ત્યારે એ વાત બાપાશ્રીના જાણવામાં આવી. એટલે સંત-હરિભક્તની સભામાં બાપાશ્રીએ વાત કરી જે, ‘‘વચનામૃત છે તે અક્ષરાતીત મુક્તના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના મુખકમળની વાણી છે, તે પરોક્ષાર્થ ને પ્રત્યક્ષાર્થ એમ દ્વિઅર્થી છે ને તેનો રહસ્યાર્થ સમજવો અતિ ગુહ્યમાં ગુહ્ય ને ગહન છે તેથી પોતાની મેળે તે રહસ્યાર્થ સમજવામાં આવે નહિ. એ તો અખંડ મૂર્તિમાં રહેતા હોય ને શ્રીજીમહારાજની મરજી જાણતા હોય એવા અનાદિમુક્ત સમજાવે ત્યારે સમજાય, માટે સર્વેને સમજાય તે સારુ વચનામૃતની ટીકા અમે કરી છે ને સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે લખાવી છે. આ ટીકા પ્રમાણે વચનામૃતમાંથી શ્રીજીમહારાજનો મહિમા સમજશે તે સર્વેને અમે શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખશું; ને મૂર્તિમાં રહેવું -તે જ આત્યંતિક મોક્ષ છે.’’ -એવી બાપાશ્રીની વાતો સાંભળીને તે સર્વે સત્સંગીઓએ ટીકાવાળા ‘વચનામૃત’ના ચોપડા લીધા ને સાધુએ પણ લીધા. પછી તો વચનામૃતની સાધુમાં ને સત્સંગીમાં જણ જણ પ્રત્યે પ્રવૃત્તિ થઈ. પછી પારાયણ પૂરી થઈ, તે દિવસે મનજીભાઈ ને અમરસીભાઈએ પુરુષોત્તમરૂપ અનાદિ મુક્તશ્રીને પોતાને ઘેર પધરાવ્યા ને ભારે પૂજા કરી. અને મુક્તરાજશ્રીએ પણ તેમની ઉપર અતિ રાજી થઈને સહકુટુંબ સર્વનો મોક્ષ કરવાનો વર આપ્યો. હવે કાનજીભાઈને આંખ દુઃખતી હતી, તેથી બાપાશ્રીએ આંખનું ઑપરેશન કરાવવા સારુ તેમને સ્વામી ઈશ્વચરણદાસજી અને ડૉક્ટર નાગરદાસભાઈની સાથે અમદાવાદ મોકલ્યા ને બાપાશ્રી પોતે સ્વામી વૃંદાવનદાસજી ને સ્વામી ઘનશ્યામજીવનદાસજીને મંડળે સહિત પોતા ભેગા લઈને વૃષપુર પધાર્યા.
ત્યાર પછી અમદાવાદથી સ્વામી તથા બળદેવભાઈએ બાપાશ્રીને તાર કરીને તેડાવ્યા હતા, તેથી બાપાશ્રી તે સદગુરુ આદિ સંતને તથા નારાયણપુરના હરજી ને ખીમજી એ બે સેવકને સાથે લઈને ભૂજ થઈને શ્રીનગર પધાર્યા. ત્યારે ત્યાંના હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરીને અતિ રાજી થયા ને સરસપુર મંદિરમાં ઊતર્યા. ત્યાંથી નિત્યે મોટરમાં બેસીને મોટા મંદિરમાં દર્શન કરવા જતા ને બાપાશ્રીના કાનજીભાઈ તથા પૌત્ર રામજીની એક એક આંખે ઑપરેશન કરાવ્યું ને તેમને દુઃખ મટીને શાંતિ થઈ. પછી ગુજરાત આદિ દેશના હરિભક્તોએ આવીને બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘હે દયાળુ મૂર્તિ ! આપ તો સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી વૃષપુરમાં દેવબા અને પાંચાભાઈથી પ્રગટ થયા છો, તે આપને આ પૃથ્વીને વિષે મનુષ્યરૂપે વિચરવું તે અનેક જીવોના આત્યંતિક મોક્ષને અર્થે છે ને આપ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવો છો ને શ્રીજીમહારાજના અનાદિમુક્ત છો. તે તમે અમારાં ગામ ને ઘેર પધારીને અમને કૃતાર્થ કરો ને આપનાં દર્શન-સ્પર્શથી અનંત જીવોનો ઉદ્ધાર થશે.’ -એવી ભક્તોની પ્રાર્થના સાંભળીને અનાદિ મુક્તરાજશ્રીએ તે તે ભક્તજનોના ગામ અને ઘર તે પ્રત્યે જઈને તે તે ભક્તજનોના મનોરથ પૂરા કર્યા.
ત્યાર પછી કાનજીભાઈ અને મનજીભાઈનાં માતુશ્રી દેવુબા -તે વૃષપુરમાં થોડા દિવસથી માંદાં હતાં. તેમને તેડવા દિવ્યસ્વરૂપે શ્રીજીમહારાજ ને બાપાશ્રી આવ્યા હતા ને તેમના ભેળા મોટા સદગુરુ સંતો ઘણા હતા; તેણે કરીને મંદિર ને ઘરમાં જ્યાં જુએ ત્યાં સાધુ ને શ્રીજીમહારાજ તથા બાપાશ્રી દેખાય. આવાં કેટલાક ભક્તને દર્શન દઈ મુક્તસ્વરૂપ દેવુબાને દેહ મેલાવી દિવ્ય દેહે શ્રીજીમહારાજે પોતાના ભેળા મૂર્તિમાં રાખ્યાં. પછી તે દેવુબાના દેહ મેલ્યાનો તાર બાપાશ્રીને ગુજરાતમાં કર્યો. તે સમાચાર સાંભળીને બાપાશ્રી તે દેશના હરિભક્તને રાજી કરીને તુરત જ કચ્છ તરફ રવાના થયા અને બળદેવભાઈ ને નાગરદાસભાઈ આદિ હરિભક્ત જામનગર સુધી બાપાશ્રી ભેગા આવ્યા, તેમને સમુદ્રની ખાડીથી પાછા વાળીને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળને સાથે લઈને બાપાશ્રી આગબોટમાં બેઠા. અને કચ્છમાં વૃષપુર આદિ ગામના સર્વે હરિભક્તને બાપાશ્રીના આવવાના સમાચાર આગળથી મળ્યા હતા,તેથી તે હરિભક્તો બાપાશ્રીના સામા ભૂજ-સ્ટેશને આવ્યા હતા. તે સમે રેલગાડી આવી ને બાપાશ્રી ગાડીમાંથી નીચે ઊતર્યા, ત્યારે સર્વે હરિભક્તો બાપાશ્રીને દંડવત્ કરવા લાગ્યા. પછી સર્વે હરિભક્તે ચંદનપુષ્પના હારથી બાપાશ્રીની પૂજા કરી ને બાપાશ્રી તે સર્વેને અમૃત દૃષ્ટિએ જોઈને ગાડીમાં બેસીને ચાલ્યા ને સર્વે હરિભક્ત પણ ઉત્સવ-કીર્તન કરતા ચાલ્યા. એવી રીતે ગાજતેવાજતે ભૂજમંદિરમાં પધાર્યા ને ઠાકોરજીનાં દર્શન કર્યાં અને સર્વે સંત મળવા આવ્યા, તેમને પ્રથમ પોતે સ્નાન કરીને પછી મળ્યા. પછી આસન ઉપર બેઠા ને સર્વે સંત-હરિભક્તની સભા ભરાઈને બેઠી ને બાપાશ્રીએ ગુજરાતના સંત-હરિભક્તના હેતની વાતો કરી. પછી ઠાકોરજીને રસોડે જમ્યા ને રાત્રી રહી બીજે દિવસ જમીને વૃષપુર પધાર્યા. ત્યાં કાનજીભાઈ ને મનજીભાઈનાં માતુશ્રીનું કાર્ય કર્યું ને ગામના સર્વે મનુષ્યને તથા સાંખ્યયોગી બાઈઓ સર્વેને જમાડ્યાં ને સાંખ્યયોગી બાઈઓને સાડલા દીધા. પછી સ્વામીને મંડળે સહિત ગુજરાતમાં મોકલ્યા.
પછી વળીતેજ સાલમાં (૧૯૮૨)માં બાપાશ્રીએ મોટો યજ્ઞ કરવાનો નિર્ધાર કર્યો. તેનો સમારંભ પ્રથમ ચૈત્ર સુદ ચૌદશ ને પૂર્ણાહુતિ વદ આઠમ ને મંગળવારે હતી. હવે તે યજ્ઞમાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સર્વે સંતમંડળને તાર કરીને તેડાવ્યાં, ત્યારે તે સર્વે સંતમંડળ વૃષપુર આવ્યાં. અને ભૂજના સ્વામી યોગેશ્વરદાસજી મંડળે સહિત યજ્ઞનું કામ કરવા સારુ આગળથી વૃષપુર આવ્યા હતા. પછી મંદિરમાં ચોકમાં ચંદની બંધાવી ને સભામંડપની વચ્ચે કથાની પાટ ને ઠાકોરજીનું સિંહાસન તે સર્વે શોભાયમાન કર્યાં. તેમ જ હરિભક્તોને જમાડવાનું રસોડું તથા મોટી પાકશાળા તે સર્વે તૈયાર કર્યાં. પછી દેશદેશના હરિભક્તના સંઘ આવવા લાગ્યા અને મૂળી-અમદાવાદથી સંતનાં મંડળો પણ આવવા લાગ્યાં અને ભૂજના સર્વે સંત પણ આવ્યા ને વડતાલ, ગઢડા અને જૂનાગઢના સંત પણ આવ્યા હતા ને મહા આનંદ-ઉત્સવ થઈ રહ્યો હતો. પછી ચૈત્ર સુદિ ચૌદશ ને રવિવારને દિવસે પ્રાતઃકાળમાં ચોઘડિયાં આદિ વાજિંત્રો વાગવા લાગ્યાં ને ચિત્રવિચિત્ર વસ્ત્ર-આભૂષણ, તોરણ ને પુષ્પના હાર તેણે કરીને ઠાકોરજીનું સિંહાસન ને કથાની ગોમટી અતિશય શોભી રહ્યાં હતાં.
વળી તે સમયે ઘણા સંત ને હરિભક્તના સમૂહથી સભામંડપ ઊભરાતો હતો. ત્યાં તો અનાદિ મુક્તરાજ બાપાશ્રી પોતાના સેવકોએ સહિત ને જ્ઞાનયજ્ઞમાં શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું પૂજન કરવા સારુ મંડપમાં પધાર્યાં ને મંડપ મધ્યે ઠાકોરજીના સિંહસનને સન્મુખ આસન ઉપર વિરાજમાન થયા; તે કેવા, તો જેમણે સ્નાન કરીને એક વસ્ત્ર પહેર્યું છે ને એક વસ્ત્ર ઓઢ્યું છે અને જેમનું મુખ પ્રફુલ્લિત કમળ સરખું શોભે છે. અને ભાલને વિષે કંકુમના ચાંદલે સહિત ઊભું તિલક શોભી રહ્યું છે. અને જેમનાં નેત્ર સુશોભિત છે ને કંઠને વિષે બેવડી કંઠી ધરી રહ્યા છે. ને જેમના બે અંશ પુષ્ટ છે, તેમાં ડાબા ખભાને વિષે શ્વેત યજ્ઞોપવીત ને ઉત્તરીય વસ્ત્રને ધરી રહ્યા છે, એવા અનાદિ મુક્તરાજશ્રીનાં દર્શન તે સમે હજારો સંત-હરિભક્ત કરતા હતા ને બાપાશ્રીના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ આદિ બાપાશ્રીને ડાબે પડખે બેઠા હતા નેતે સમે માંગલિક વાજિંત્ર વાગી રહ્યાં હતાં ને ચંદનપુષ્પની વૃષ્ટિઓ થતી હતી. પછી પૂજાવિધિમાં પ્રવીણ એવા હળવદના વિપ્ર દેવશંકર તથા પુ. કેશવપ્રિયદાસજી ને પુ. ઉત્તમપ્રિયદાસ તેમણે શ્રીજીમહારાજના નામમંત્ર તથા મહામંત્ર બોલીને બાપાશ્રીને યજ્ઞદીક્ષા આપવા માંડી. તેમાં પ્રથમ અનાદિ મુક્તશ્રીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી ને પરિવારે સહિત મુક્તરાજના હસ્તના કાંડે મંગળસૂત્ર બાંધ્યું. એવી રીતે બાપાશ્રીને યજ્ઞદીક્ષા આપી. પછી ષોડશોપચારે કરીને શ્રીહરિકૃષ્ણ મહારાજની પૂજા કરાવી ને માતૃકાને સ્થાને શ્રીજીમહારાજની સોળ શક્તિઓનું સ્થાપન કર્યું અને નવ ગ્રહને ઠેકાણે શ્રીજીમહારાજ-સ્વરૂપ એવા મહા મુક્તનું સ્થાન કરીને તેમની પૂજા કરાવી. પછી બાપાશ્રી પાસે પુસ્તક ને પુરાણીની પૂજા કરાવીને આરતી ઉતરાવી. પછી સર્વે સંતમંડળ ને હરિભક્ત -તે સભામાં બેઠા ને બાપાશ્રી પણ સભામાં પોતાના આસને વિરાજમાન થયા ને બાપાશ્રીના સેવકો સભામાં સંત-હરિભક્તની પૂજા કરવા લાગ્યા ને પુ. કેશવપ્રિયદાસ મંગળાચરણ કરી મહારાજની મૂર્તિ ધારીને કથા કરવા લાગ્યા.
હવે તે કથામાં સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી ને કોઈ વખત સ્વામી વૃંદાવનદાસજી પ્રસંગોપાત્ત વાતો કરીને કથાનું રહસ્ય સમજાવતા ને બાપાશ્રી પણ ક્યારેક પોતાની દિવ્ય વાણીનું પાન કરાવતા ને નવ વાગ્યા પછી ‘શ્રીપતિમ્’ બોલીને સર્વે સભાજનો ઝિલણિયા કીર્તન બોલતા ને પ્રસાદી વહેંચાતી. પછી સર્વે સંતમંડળ રસોઈ કરીને ઠાકોરજીને જમાડીને જમતાં ને હરિભક્ત, હરિભક્તને રસોડે જમતા ને બાપાશ્રી હરિભક્તોની પંક્તિમાં દર્શન દેવા પધારતા ને મંદિરમાં પણ સંતની પંક્તિમાં દર્શન કરીને પોતાને ઘેર જમતા ને બાપાશ્રીને સેવક થાળ કરીને જમાડતા ને જમીને મંદિરમાં આવી ઓરડીમાં ઢોલિયા ઉપર બેસતા ને સંત-હરિભક્તને ઘડીવાર દર્શન દઈને વિશ્રાંતિ કરતા. તેવી જ રીતે દેશદેશનાં હજારો સાંખ્યયોગી બાઈઓનાં મંડળ પણ આવ્યાં હતાં ને તેઓ બાઈઓના મંદિરમાં કથાવાર્તા કરતાં, ને પાછલા પહોરમાં પણ તેવી જ રીતે અઢી વાગે કથા ચાલુ થતી ને છ વાગે સમાપ્તિ થતી ને બાપાશ્રી રાત્રિ-દિવસ સંત-હરિભક્તના સેવા વગેરેના મનોરથ પૂરા કરવામાં જમવાનો તથા નિદ્રાનો સમય પણ પામતા નહિ; રાત્રે ક્યારેક બાર વાગે, ને ક્યારેક એક વાગે પોઢતા અને જમવાનું પણ દિવસે ક્યારેક બાર વાગે, ને ક્યારેક એક વાગે કરતા. એમ અહોનિશ હરિભક્તને સમાગમનું સુખ આપતા ને સંત-હરિભક્ત પણ શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખીને બાપાશ્રીનાં દર્શન-સમાગમનો લાભ લેતા ને તેઓ સર્વેને બાપાશ્રીના પ્રતાપે કરીને ધ્યાન-ભજનમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં ઉપશમ થઈ જતું ને અખંડ મૂર્તિનું સુખ આવતું, એવી રીતે નિત્યે મહા જ્ઞાનયજ્ઞ થતો.
ઇતિ વિશ્રામ ૭૭