વિશ્રામ ૫૬

ત્યાર પછી અનાદિમુક્તરાજશ્રીએ તેરશના દિવસ મોટા મોટા સંત અને બ્રહ્મચારીને પાસે બોલાવીને કહ્યું જે, ‘‘તમે સર્વે સંતમંડળ કાળીતલાવડી ઉપર છત્રીએ જાઓ, ત્યાં કથાની પાટ ને ઠાકોરજીનું સિંહાસન તેનું સ્થાપન કરીને કથાયજ્ઞ ચાલુ કરો અને અમે પણ ત્યાં આવશું.’’ પછી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, ભગવત્સ્વરૂપદાસજી આદિ ઘણા સંત-પાર્ષદ ને હરિભક્ત છત્રીએ ગયા ને અગાશી નીચે પાટ નાખી, ને પાટના આથમણા પડખે સિંહાસનમાં મહારાજની મૂર્તિ પધરાવી ને પડખે બાપાશ્રીના પલંગનો માર્ગ રાખ્યો, ને કથાની પાટ ઉપર ગાદીતકિયો નાખી બાજઠ ઉપર પુસ્તક પધરાવ્યું અને બ્ર. નિર્ગુણાનંદજી ‘પુરુષોત્તમલીલામૃત-સુખસાગર’ની કથા વાંચવા બેઠા. પછી બાપાશ્રીના માવજીભાઈએ પુસ્તક ને પુરાણીની પૂજા-આરતી કરી ને સંતમંડળની પૂજા કરી અને સર્વે સંત કથા સાંભળવા બેઠા હતા. તે સમયે અનાદિ મુક્તરાજ બાપાશ્રી પાલખીમાં બેસી ઘણા સંત-હરિભક્તને સાથે લઈને છત્રીએ પધાર્યા ને બાપાશ્રી છત્રીએ દર્શન કરીને અગાશી નીચે કથાની પાટ જોડે બાપાશ્રીનો પલંગ બિછાવ્યો હતો તે ઉપર બેઠા અને બ્રહ્મચારી કથા વાંચતા હતા, ને તે સમયે સભાએ સહિત બાપાશ્રીનાં અલૌકિક દર્શન થતાં હતાં. પછી તે કથામાં મહારાજના મળેલા ગંગદાસ આદિ હરિભક્તની વાત આવી જે, ‘‘શ્રીજીમહારાજ ગંગદાસને ઘેર થાળ જમ્યા હતા ને બીજાં પણ રત્નો ભક્ત ને કરસન, મેઘો, આદિ શ્રીજીમહારાજનાં ભક્ત હતા અને બાઈઓમાં દેવબા, વીરૂબા, હીરાબા, ભાનુબા એ આદિ શ્રીજીમહારાજનાં આશ્રિત હતાં, તે સર્વે શ્રીજીમહારાજની સેવા કરતાં ને શ્રીજીમહારાજ તે ભક્તને ઘેર જમતા ને આ કાળીતલાવડીમાં સ્નાન કરતા ને આ છત્રી છે ત્યાં બેસતા ને ભક્તજનોને વાતો કરીને સુખ આપતા ને અહીંથી રામપુર પધારતા-એમ મહારાજ લીલા કરતા.

ત્યાર પછી તે રૂડા ભક્તના પાંચાભાઈ નામે પુત્ર થયા અને તેમનાં પત્ની દેવબા નામે હતાં તેમને શ્રીજીમહારાજે દિવ્યસ્વરૂપે દર્શન દઈને વર આપ્યો હતો જે, ‘મારા અનાદિમુક્ત તમારે ઘેર પ્રગટ થશે અને તમને ને બીજા સર્વે ભક્તને લાડ લડાવશે ને મૂર્તિમાં રાખશે ને શ્રીજીમહારાજની મૂર્તિને સુખે સુખિયા કરશે.’’ પછી પાંચાભાઈ ને દેવબા તેમનાથી અનાદિ મુક્તરાજ પ્રગટ થયા અને વૃષપુરમાં મોટા મોટા મહોત્સવ કરીને સંત-હરિભક્તને બહુ સુખ આપ્યાં અને તે મુક્તરાજશ્રીના નિવાસે કરીને આ બળદિયા ગામ ગઢપુર જેવું તીર્થરૂપ થયું ને કાળુસરમાં મુક્તરાજશ્રીએ સંત-હરિભક્તો સહિત ઘણી વાર સ્નાન કર્યાં છે. તેથી તે તલાવડી હરિતીર્થમાં ગોમતી તલાવ છે તથા નારાયણતીર્થમાં દેવસરોવર છે તેવું જ તીર્થરૂપ થયું.’ -એવી કથામાં વાત આવી. તેને સાંભળીને બાપાશ્રી બોલ્યા જે, ‘‘ઝીણા ! ગાંગજી ! આ તમારા ગામનીવાત કથામાં આવી તેને સાંભળો.’’ -એમ કહીને તે વાત ફરીથી વંચાવી અને કહ્યું જે, ‘‘અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં અનાદિમુક્ત રહ્યા છે તે અનાદિમુક્ત તમારા કુળમાં ને તમારા ગામમાં પ્રગટ થયા છે. તે જો અમને તેવા જાણશો તો તમને સર્વેને અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં રાખશું ને સળંગ મૂર્તિનું રોમરોમનું નવીન નવીન સુખ તેના ભોક્તા એવા અનાદિમુક્ત કરશું. અને અમારે તો અમારા જોગમાં જે જે આવ્યા છે અને આવશે, અને અમને અનાદિમુક્ત જાણે છે ને જાણશે, તે સર્વેનું આત્યંતિક કલ્યાણ કરવું છે. અને અમે તો જીવને મહારાજની મૂર્તિનું સુખ આપવા સારુ જ આવ્યા છીએ અને આ ગામમાં જે કોઈ અધમ જીવ હશે કે પશુ હશે, તે પણ મરીને જમપુરીમાં જાશે નહિ, છતાં પણ શ્રીજીમહારાજ અને અનાદિમુક્ત તેમનો મહિમા સમજ્યા વિના મૂર્તિનું ખરું સુખ મળે નહિ, માટે પ્રાપ્તિ તો બહુ જબરી થઈ છે પણ જેવા શ્રીજીમહારાજ છે ને અનાદિમુક્ત છે, તેવા માહાત્મ્યજ્ઞાને સહિત ઓળખવા જોઈએ; તો મહારાજ ને મોટા મોક્ષ કરે.’’ -એમ ઘણીક વાતો કરીને દસ વાગે કથાની સમાપ્તિ કરી.

પછી સંત ચંદન ઘસીને લાવ્યા હતા, તેણે કરીને બાપાશ્રીએ પુસ્તક ને પુરાણીની પૂજા કરી. ત્યાર પછી સંત-બ્રહ્મચારીએ બાપાશ્રીની પૂજા કરી ને બાપાશ્રીએ સદગુરુ આદિ સંતની પૂજા કરી. પછી વળી ચંદનના તાંસળામાં પાણી રેડીને સર્વે હરિભક્તને તે પાણી છાંટ્યું ને વર આપ્યો જે, ‘‘આ પાણીનો છાંટો જેના ઉપર પડશે તેનો મોક્ષ થશે.’’ -એમ આશીર્વાદ આપ્યા. પછી હરિભક્તો સર્વે પોતપોતાને સ્થાનકે ગયા અને સર્વે સંત મંદિરમાં જઈ ઠાકોરજીના થાળ કરીને જમ્યા અને બ્રહ્મચારીએ બાપાશ્રી સારુ રસોઈ કરી ને બાપાશ્રીએ છત્રીએ થાળ લાવીને જમાડ્યા ને બાપાશ્રી જમીને સૂઈ રહ્યા ને સાંજના ખુરશીમાં બેસીને મંદિરમાં પધાર્યા, -અને પાછલા પહોરમાં પણ એવી રીતે છત્રીએ કથા થઈ. અને તે દિવસે સાંજના ભૂજથી ઘણાક સંતનાં મંડળ આવ્યાં. પછી ચૌદશને દિવસે મુક્તરાજ બાપાશ્રીએ સંતને છત્રીએ રસોઈ કરીને ત્યાં જ જમવાની આજ્ઞા કરી. ત્યારે સંતમંડળે છત્રીએ જઈને છત્રીના પડખે પાકશાળા કરી અને લોટ, દાળ વગેરે સર્વે સામગ્રી બાપાશ્રીના ઘેરથી તૈયાર કરીને હરિભક્ત લાવ્યા. પછી પ્રથમ તો સર્વે કથામાં બેઠા અને બ્રહ્મચારી કથા વાંચતા હતા ને બાપાશ્રી પણ કથામાં પધાર્યા હતા. પછી નવ લાગે કથાની સમાપ્તિ કરી અને ભૂજના ને અમદાવાદના સર્વે સંત મળીને રસોઈ કરવા લાગ્યા. પછી છત્રીએ મહારાજની મૂર્તિઓ પધરાવી ને થાળ જમાડ્યો. પછી ‘હરે’ કર્યા અને છત્રી ફરતા પંક્તિઓ કરીને સંત જમવા બેઠા. અને બાપાશ્રીને જમવા સારુ બ્રહ્મચારીએ થાળ કર્યો હતો, તેથી બાપાશ્રીને પણ ત્યાં જમાડ્યા. પછી સર્વે સંત જમીને મંદિરમાં ગયા ને બાપાશ્રી છત્રીથી ઈશાન ખૂણામાં ક્ષેત્ર છે ત્યાં હરિભક્તોની પાકશાળા કરી હતી ને હરિભક્ત પાસે સુખડી, શીરો, ખીચડી, શાક આદિ ભોજન કરાવ્યાં હતાં, તેને જોવા સારુ ત્યાં પધાર્યા ને બાપાશ્રી સાથે સ્વામી ઈશ્વરચરણદાસજી ને ગોપીવલ્લભદાસજી આદિ સંત-હરિભક્ત પણ હતા. પછી બાપાશ્રીએ સર્વે ભોજન જોયાં અને પ્રસાદી કરી આપી અને રસોઈ કરનારા હરિભક્તને જમવાની આજ્ઞા કરી ને ત્યાંથી મંદિરમાં પધાર્યા.

ઇતિ વિશ્રામ ૫૬