વિશ્રામ ૮૨

ત્યાર પછી ભાદરવા વદ અમાસને દિવસ અનાદિ મુક્તરાજ બાપાશ્રી વૃષપુરના મંદિરમાં સંત-હરિભક્તની સભામાં બેઠા હતા. તે વખતે સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી ને સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ સંતોએ બાપાશ્રીને કહ્યું જે, ‘વાત કરો.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે :-

(૧) ‘‘છેલ્લા પ્રકરણના બીજા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક-વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું.’ -એમ કહ્યું. તેમાં મહારાજને કહેવાનું એ છે જે, ‘અમે શ્વેતદ્વીપના પતિ વાસુદેવ, ને ગોલોકાધિપતિ રાધાકૃષ્ણ, ને બદરિકાશ્રમવાસી નરનારાયણ -તે સર્વે અવતારથી અમે અધિક છીએ; કેમ જે તે સર્વે અવતારને સુખ, સામર્થી ને પ્રકાશના પ્રદાતા એવા અવતારી છીએ.’

વળી મધ્યના ૯માં કહ્યું છે જે, ‘પોતાને સાક્ષાત્‌ મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકારમૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય.’ -આ વચનામૃતમાં પણ શ્રીજીમહારાજ પોતાનો અભિપ્રાય એવો જણાવે છે, ‘અમે શ્રીકૃષ્ણ, નરનારાયણ આદિ અવતારના કારણ, અવતારી ને તે અવતારને પોતાના પ્રકાશે કરીને પ્રકાશમાન કરનારા ને સદાય દિવ્ય સાકારમૂર્તિ ને સર્વોપરી છીએ.’

તથા પંચાળાના ૧માં પણ કહ્યું છે જે, ‘બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.’ -આમાં પણ શ્રીજીમહારાજે વૈકુંઠથી ગોલોકનું સુખ ને તેનાથી અક્ષરધામનું સુખ અતિ અધિક કહ્યું. તેણે કરીને ગોલોકવાસી શ્રીકૃષ્ણભગવાનથી અક્ષરધામના પતિ શ્રીજીમહારાજ ઘણા અધિક છે. -એમ શ્રીજીમહારાજ પોતે પોતાનું સ્વરૂપ જણાવે છે. એ આદિ ઘણાં વચનામૃતમાં શ્રીકૃષ્ણાદિક અવતારના અવતારી ને કારણ મૂર્તિ અમે છીએ -એમ શ્રીજીમહારાજ જણાવે છે.

(૨) હવે અક્ષરકોટિથી પર પોતાના પ્રકાશરૂપ અક્ષરધામમાં શ્રીજીમહારાજ રહ્યા છે એમ પણ ઘણાં વચનામૃતમાં કહ્યું છે. તે જુઓ :- લોયાના ૧૦મા ‘પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંતકોટિ જે મુક્ત તેના પણ આત્મા છે; એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું.’ -આમાં શ્રીજીમહારાજે પોતાને ‘સર્વાત્માબ્રહ્મ’ જે અનાદિમુક્ત તેના ‘આત્મા’ એટલે મૂર્તિમાન થકા આધાર કહ્યા છે -એટલે અનાદિમુક્તને મૂર્તિમાં રાખે છે, ને ‘અક્ષર’ એટલે પોતાની મૂર્તિનો પ્રકાશ તેના પણ ‘આત્મા’ એટલે મૂર્તિમાન થકા પોતે આધાર છે. અને ‘અનંતકોટિ જે મુક્ત’ એટલે અનંતકોટિ પરમએકાંતિક મુક્ત તેના પણ ‘આત્મા’ એટલે તેમને પોતાના તેજરૂપ ધામમાં ધરી રહ્યા છે.

અને પ્રથમના ૭૧માં ‘નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ તેથી પરને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા.’ -આમાં પણ નિરાકાર અક્ષરબ્રહ્મ કહ્યું તે પોતાની મૂર્તિના પ્રકાશને કહેલ છે અને તે અક્ષરબ્રહ્મમાં જ મુક્તે સહિત પોતે રહ્યા છે, તેમ જ મધ્યના ૧૩માં પણ કહ્યું છે જે, ‘એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ; અને એ પ્રકાશને વિષે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્ત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ.’’ -આમાં પણ શ્રીજીમહારાજે પોતાના અંગના પ્રકાશને જ અક્ષરધામ કહ્યું છે અને પ્રકાશરૂપ ધામમાં જ પોતે રહ્યા છે.

(૩) વળી શ્રીજીમહારાજ સર્વના આધાર છે પણ પોતાને કોઈનો આધાર નથી તેમ લોયાના ૧૩માં કહ્યું છે તે જુઓ :- ‘અને જે અક્ષરધામને વિષે પોતે રહ્યા છે, તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે; અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે.’ -આમાં શ્રીજીમહારાજ એમ જણાવે છે જે, ‘અમારે અક્ષરધામનો આધાર નથી પણ અમે જ અક્ષરધામ તથા મુક્તના આધાર છીએ.’

(૪) હવે મૂર્તિમાન મૂળઅક્ષરમાં શ્રીજીમહારાજ અન્વયપણે રહ્યા છે પણ વ્યતિરેક મૂર્તિનો સંબંધ તેમને નથી, એમ ઘણાંક વચનામૃતમાં કહ્યું છે તે જુઓ : સારંગપુરના ૫માં ‘અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષીરૂપ થકા રહ્યા છે અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી, તેમ જ ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષીરૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહિત છે એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે અને જીવ, ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ -એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું.’ આમાં શ્રીજીમહારાજ અક્ષરમાં અન્વય સ્વરૂપે રહ્યા છે પણ અક્ષરમાં વ્યતિરેક સ્વરૂપે રહ્યા એવું કહ્યું નથી; અને વ્યતિરેક સ્વરૂપે તો પોતાના પ્રકાશરૂપ ધામમાં જ રહ્યા છે એમ કહ્યું છે. અને વળી પ્રથમના ૪૧માં ‘અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિસમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે.’ આમાં પુરુષોત્તમ ભગવાન જે તે અક્ષર સામી દૃષ્ટિ કરે છે એમ કહ્યું તે અંતર્યામીપણે તેજ દ્વારે પ્રેરણા કરે છે એમ સમજવું. અને અક્ષરમાં પ્રવેશ કરે છે -એમ કહ્યું, તે જો અક્ષરમાં વ્યતિરેક સ્વરૂપે મહારાજ રહેતા હોય તો પ્રવેશ કરવાની શી જરૂર હોય ? માટે અક્ષરમાં મહારાજ અન્વય સ્વરૂપે જ રહે છે અને શ્રીજીમહારાજ સૃષ્ટિ કરવાની પ્રેરણા પ્રથમ અક્ષરને કરે છે માટે સૃષ્ટિકર્તા મૂળકારણ એ છે તેથી મૂળ અક્ષર કહેવાય છે.

અને મૂર્તિમાન અક્ષરમાં શ્રીજીમહારાજ પોતાની અંતર્યામી શક્તિએ કરીને રહ્યા છે એમ પ્રથમના ૭૨માં કહ્યું છે તે જુઓ :- ‘અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ જ પ્રકૃતિપુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે અને ક્ષર-અક્ષર એ બેયને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે અને પોતે તો ક્ષર-અક્ષરથી ન્યારા છે.’ -આમાં પણ શ્રીજીમહારાજે ‘ક્ષર-અક્ષરના આત્મા’ એટલે અંતર્યામી પોતાને જ કહ્યા છે ને ‘પોતાની શક્તિ’ જે પોતાના પ્રકાશનાં કિરણો તેણે કરીને ક્ષર-અક્ષરને ધરી રહ્યા છે એટલે અક્ષરમાં ભગવાન અન્વયપણે રહ્યા છે ને પોતાને ‘ક્ષર-અક્ષરથી ન્યારા’ કહ્યા એટલે અમે અમારા તેજરૂપ ધામમાં રહ્યા છીએ -એમ કહ્યું છે.’’ (૪)

એટલી વાત કરીને બોલ્યા જે, ‘મહારાજને બોલાવો.’ ત્યારે સંતે વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં ‘ભગવાનને મળેલા સંત મળે તો મોક્ષ કરે.’ -એમ આવ્યું ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘મૂર્તિમાં રહેતા હોય તે મળેલા છે, પણ કેટલાક ગૃહસ્થ ને ત્યાગી બાહ્યદૃષ્ટિએ એમ કહે છે જે, ‘આજે તો મહારાજને મળેલા નથી.’ પરંતુ આજ તો મળેલા ઘણા છે; કેમ જે સત્સંગમાં શ્રીજીમહારાજ ને મુક્ત સદાય પ્રત્યક્ષ છે. તે જો અંતદૃષ્ટિ કરીને વિચારી જુએ ને વળી મહારાજ ને મોટાનો વિશ્વાસ હોય, તો તેને શ્રીજીમહારાજ પ્રત્યક્ષ જણાય છે ને તેનો છેલ્લો જન્મ થઈ જાય; એટલે મોક્ષનું કામ પૂરું થઈ જાય.

પછી વચનામૃત વાંચ્યું. ત્યારે વળી બાપાશ્રી બોલ્યા જે, ‘‘આજ પ્રગટના જે આહારી છે તેને પ્રગટ છે અને જે પ્રગટના આહારી નથી તેને પ્રગટ નથી; પરોક્ષ છે. ને મહિમા સમજાય તેને તો આ શુકદેવજી પણ પ્રગટના જોગમાં આવ્યા ત્યારે શુકમુનિ થયા ને આજ કેટલાક ઈશ્વરકોટિમાંથી, કેટલાક બ્રહ્મકોટિમાંથી ને કેટલાક અક્ષરકોટિમાંથી આવ્યા છે, તે અક્ષરધામની સભામાં આવીને બેઠા છે. જે સ્વામિનારાયણના થાય તેની સ્વામિનારાયણ ખબર રાખે છે.’’ એમ વાત કરીને વળી બોલ્યા જે, ‘‘આ વૃષપુરમાં કાળીતલાવડી ઉપર છત્રી કરાવી છે તે ઠેકાણે શ્રીજીમહારાજે એક મુસલમાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું હતું જે, આ ગામમાં અનાદિમુક્ત પ્રગટ થશે અને માતુશ્રી દેવબાને પણ એ જ ઠેકાણે દર્શન આપીને કહ્યું હતું જે, આ ગામમાં અનાદિમુક્ત પ્રગટ થશે અને માતુશ્રી દેવબાને પણ એ જ ઠેકાણે દર્શન આપીને વર આપ્યો હતો જે, ‘અમારા અનાદિમુક્ત તમારે ઘેર પ્રગટ થશે.’ -એમ વાત કરી. પછી સંતોએ બાપાશ્રીની પૂજા કરવા માંડી ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, ‘‘કારણ બગાડશો નહિ.’’ પછી બોલ્યા જે, ‘સહુને વશ કરું રે, સહુનો કારણ હું ભગવાન.’ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. પછી સત્સંગીઓએ પૂજા કરવા માંડી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘આવો; કોઈ પૂજા કર્યા વિના રહી જશો નહિ. આજ શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત રાજી છે.’’ -એમ પ્રસન્ન થઈને સર્વેને પૂજા કરવાની રજા આપી. પછી સર્વેએ પૂજા કરી. પછી બાપાશ્રી સર્વે સંતની પૂજા કરીને હરિભક્તનીપૂજા કરવા મંડ્યા. તે વખતે બોલ્યા જે, ‘‘આ અક્ષરધામમાં ચંદન ચર્ચાય છે એમ જાણજો. આ ચર્ચનારા અક્ષર પરના છે એટલે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત છે -તે સર્વેને મૂર્તિમાં રાખે છે.’’ -એમ વાતો કરી. પછી નારાયણપુર અને કેરાના હરિભક્તો હાર અને ચંદન લાવ્યા હતા, તેથી તેઓએ બાપાશ્રીની ને સંતની પૂજા કરી, પછી સભામાં બેઠા. એમ નિત્યે રામપુર, દહીંસરા, સુખપુર ને ભારાસર આદિ ગામના હરિભક્તના સમૂહે સમૂહ અનાદિ મુક્તરાજશ્રીનાં ને સંતમંડળનાં દર્શન કરવા આવતા ને દર્શન-સમાગમ કરીને સર્વેના હૃદયમાં આનંદ ઊભરાતો હતો ને સંતની વાતો સાંભળીને ‘અહો ! અહો ! આપણને જેજોઈએ તે મળ્યું ને કૃતાર્થ થયા’ -એમ નિશ્ચય કરીને જાતા હતા. એવી રીતે આસો માસમાં એકવીસ દિવસ સુધી સંત બાપાશ્રી પાસે રહ્યા. તે સમે બાપાશ્રીને કાનમાં દુખાવો જણાતો હતો ને સંતો સેવા કરતા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત એકવીસ મૂર્તિ હતા તેમને અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ નારાયણપુર જવાની આજ્ઞા કરી, ત્યારે તે સર્વે સંત નારાયણપુર ગયા ને બાપાશ્રી પણ બીજે દિવસ વૃષપુરથી ઘોડાગાડીમાં બેસી ખળખળિયે નાહીને નારાયણપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૮૨