ગ્રંથકર્તા સદગુરુ મુનિસ્વામીશ્રીની પ્રસ્તાવના
૧ : અનાદિમુક્તના સમાગમનું મુખ્યપણું
स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुवि ।
प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्ममासुरात्।।
श्रीस्वामिनारायणमादिदेवं स्वकीयतेजः स्थितिदिव्यस्वरूपं ।
मुक्ताश्रयं श्रीपुरुषोत्तमं तं वंदे परब्रह्म सनातनं च ।।
‘श्रोतियं ब्रह्मनिष्ठं – એમ શ્રુતિ છે. તથા -
तस्माद्गुरुं प्रपधेत जिज्ञासुः श्रेय उत्तमम् ।
शाब्दे परे च निष्णातं ब्रह्मण्युपशमाश्रयम् ।।
એમ ભાગવતમાં કહ્યું છે. તથા સત્સંગિજીવન - પ્ર. ૧, અ. ૫૪માં -
मनोरथस्यास्य फलोपलब्धिस्त्वदङि्घ्रसंसेवनमन्तरेण ।
कथञ्चनापीह भवेन्न मे वै कलौ त्वमेवासि जगद्गुरुर्यत् ।।
‘પ્રત્યક્ષ શ્રીહરિનાં દર્શનરૂપ મારા મનોરથની પ્રાપ્તિ આપના ચરણની સેવાથીજ થશે, પણ તે વિના બીજા કોઈ પ્રકારે નહિ જ થાય; કેમ જે આ સમયે પ્રત્યક્ષ શ્રીહરિનાં દર્શન કરાવનારા તમે જ છો; મુમુક્ષુનો મોક્ષ કરવા પરમાત્માએ તમને ગુરુપદ આપ્યું છે.’ આવી રીતે શ્રીજીમહારાજે રામાનંદ સ્વામીને કહ્યું છે. આમાં શ્રીજીમહારાજે એમ જણાવ્યું છે જે, ‘અમારી ઇચ્છાથી મુક્ત પણ મોક્ષ કરે છે.’ તથા સત્સંગિજીવન-પ્ર. ૪,અ. ૩૫માં :-
अपरोक्षपरब्रह्मसाक्षात्कारो हि लक्षणम् ।
सतां मुख्यतया प्रोक्तं कुतः स्यात्तद्धरिं विना ।।
પ્રત્યક્ષ પરબ્રહ્મ ભગવાનનો જે સાક્ષાત્કાર - એ જ મુક્તાત્મા એવા સંતોનું લક્ષણ મુખ્યપણે કરીને કહ્યું છે, તો શ્રીહરિના પ્રાકટ્ય વિના (સાક્ષાત્કાર થયા વિના) તે લક્ષણ ક્યાંથી હોય ? જેને પ્રગટ ભગવાન મળ્યા હોય અથવા પોતાના આત્મામાં મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય, તેમને જ મોક્ષદાતા સંત કહ્યા છે. તથા -
यस्य यस्य पुरा मुक्तिर्जाता संसृतिबन्धनात् ।
हरेर्हरि जनानां वा सङ्गेनैवोदितास्ति सा ।।
પૂર્વે પણ જેની જેની સંસારના બંધનથકી મુક્તિ થઈ છે તેને તેને પ્રગટ ભગવાન અથવા પોતાના આત્મામાં ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર પામેલા સત્પુરુષ, તેમના સમાગમથી જ થઈ છે. તથા ભાગવતમાં :-
नैषां मतिस्तावदुरुक्रमाङि्घ्रं स्पृशत्यनर्थापगमो यदथः ।
महीयसां पादरजोऽभिषेकं निष्कञ्चनानां न वृणीत यावत् ।।
જે મુમુક્ષુ પુરુષોની બુદ્ધિ જ્યાં સુધી ‘निष्कञ्चनानां’ કહેતાં ધર્મામૃતમાં ત્યાગી સાધુને જેટલાં વસ્ત્રાદિક પદાર્થનો સંગ્રહ કરવાનો કહ્યો છે તેટલો જ સંગ્રહ કરનારા; પણ તેથી અધિક કાંઈ પણ વસ્તુનો સંગ્રહ નહિ કરનારા. ને ‘महीयसा’ કહેતાં એકાંતિક ધર્મને ધારણ કરનારા એવા સત્પુરુષના પગની રજનો અભિષેક તેનો સ્પર્શ નથી કરતી; કહેતાં કહેતાં મોટા સત્પુરુષમાં આત્મબુદ્ધિવાળી નથી થઈ ત્યાં પર્યંત તે મુમુક્ષુ પુરુષની બુદ્ધિ શ્રીહરિના ચરણને પણ નથી વરતી - કહેતાં શ્રીહરિના ગાઢ પ્રીતિવાળી થાતી નથી. અને ‘अनर्थपगमः’ એટલે અનર્થ જે માયાનું બંધન તેનો અપગમ જે નાશ થવો, કહેતાં માયાના બંધનમાંથી છૂટવું, તેમાં ‘यदर्थः’ यत् या - કહેતાં જે ભગવાનમાં દૃઢ પ્રીતિવાળી બુદ્ધિ તે જ अर्थ - કહેતાં કારણભૂત છે, કહેતાં શ્રીહરિમાં ગાઢ પ્રીતિ થાય છે ત્યારે જ માયાના બંધનથી છુટાય છે ને ભગવાનની પ્રાપ્તિ થાય છે. તથા -
प्रसंगमजरं पाशमात्मनः कवयो विदुः ।
स एव साधुषु कृतो मोक्षद्वार-मपावृतम् ।।
જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે, તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના ભક્તને વિષે થાય તો મોક્ષનું દ્વાર ‘अपावृतम्’ કહેતાં આવરણે રહિત થાય છે.
गुणिनां गुणवत्ताया ज्ञेयं ह्येतत् परं फलम् ।
कृष्णे भक्तिश्च सत्संङ्गोऽन्यथा यान्ति विदोऽप्यधः ।।
જ્ઞાન-વૈરાગ્યાદિક ગુણવાળા પુરુષના ગુણગાનપણાનુ એ જ પરમ ફળ જાણવું, કિયું ? તો એકાંતિક, પરમએકાંતિક તથા અનાદિમુક્ત-એવા સત્પુરુષનો સમાગમરૂપ સત્સંગ કરવો ને તેવા સંતનો સમાગમ કરીને અનાદિ શ્રીકૃષ્ણ, એવા સ્વામિનારાયણ શ્રીહરિનું માહાત્મ્યજ્ઞાન જીવમાં સમજીને પોતાને અનાદિમુક્તરૂપ માનવું ને વર્તનમાં એકાંતિકપણું દૃઢ કરવું, ને અતિ સ્નેહે કરીને મૂર્તિમાં જોડાઈ રહેવાય - એવો સ્નેહ કરવો, તેને ભક્તિ કહી છે. તેવી ભક્તિ જો થાય તો જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણનું ફળ છે, ને તેણે કરીને શ્રીજીમહારાજ રાજી થઈને તેને પોતાની મૂર્તિમાં રાખે છે ને સળંગ મૂર્તિનો આનંદ અનુભવાવે છે; પરંતુ તેવી સમજણ વિના ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિક બીજા અનેક શુભ ગુણ હોય, તોપણ તે મૂર્તિના સુખથી ઓરા રહે છે એટલે બીજા ધામમાં રહે છે, માટે અનાદિમુક્તના સમાગમની જરૂર છે.
૨ : એકાંતિકનાં લક્ષણ
હવે વચનામૃતમાં શ્રીજીમહારાજે એકાંતિક, પરમએકાંતિક ને અનાદિ - એમ ત્રણ પ્રકારના મુક્ત કહ્યા છે. તેમાં પ્રથમ એકાંતિકને જણાવીએ છીએ : પ્રથમના ૧૧માં કહ્યું છે જે, ‘ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય ને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.’ તથા લોયાના ૬માં પણ કહ્યું છે જે, ‘એકાંતિકપણું એમાં આવે એ અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું ? તો ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય એ ત્રણે યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ.’ આવાં એકાંતિકનાં લક્ષણ વચનામૃતમાં ઘણે સ્થળે કહ્યાં છે.
૩ : એકાંતિકથી પરમએકાંતિકનું ઉત્કૃષ્ટપણું ને તેમનાં લક્ષણ
હવે એકાંતિક ભક્તથી પરમએકાંતિક મુક્ત અધિક છે એમ વડતાલના ૩માં કહ્યું છે તે જુઓ : ‘મોટા પુરુષ પણ ચાર પ્રકારના છે. એક તો દીવા જેવા, ને બીજા મશાલ જેવા, ને ત્રીજા વીજળી જેવા, ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય, ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો ઓલાઈ જાય. ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય, અને વડવાનળ અગ્નિ જેવા હોય તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો જ નથી, અને સમુદ્રના જળને પીને મૂળદ્વારે કાઢી નાખે છે - તે પાણી મીઠું થાય છે. તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે, તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે.’ એવી રીતે એ ચાર પ્રકારના મોટા પુરુષ કહ્યા, તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન - કર્મ - વચને તો તે જીવના હૃદયમાં માહાત્મ્યે સહિત ભક્તિ આવે છે. ‘તે વીજળીના અગ્નિ જેવા તો સાધનદશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમએકાંતિક સાધુ છે.’ - આ પરમએકાંતિકને પ્રથમના ૩૯માં વિદેહમુક્ત તથા મહામુક્ત કહ્યા છે, અને એકાંતિકને જીવનમુક્ત તથા જ્ઞાનીમુક્ત કહ્યા છે.
અને પરમએકાંતિક મુક્તનાં લક્ષણ પ્રથમના ૨૩માં તથા સારંગપુરના ૧૦માં તથા ૧૪માં વગેરેમાં કહ્યા છે. તેમાં કારિયાણીના ૭માં કહ્યું છે જે, ‘એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધદશાને પામ્યો હોય તેની આવી દશા હોય : જે પિંડ-બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિષે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર-જંગમ સર્વે આકારને વિષે જ્યાં જ્યાં દૃષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે ને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહિ એ સિદ્ધદશાનું લક્ષણ છે.’ - આ પરમએકાંતિક મુક્તની સ્થિતિ કહી છે.
વળી લોયાના ૧૪માં કહ્યું છે જે, ‘તેજના સમૂહના મધ્યભાગને વિષે એક મોટું સિંહાસન છે તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરુષોત્તમ ભગવાન - તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંતકોટિ મુક્ત બેઠા થકા તે નારાયણનાં દર્શન કરે છે.’
તથા મધ્ય ૧૩માં ‘તેજને વિષે એક ભગવાનની મૂર્તિ દેખાય છે તે અતિ પ્રકાશમય છે ને તે મૂર્તિ ઘનશ્યામ છે તોપણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી; અતિશય શ્વેત જણાય છે, ને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે પણ ચારભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે એ મૂર્તિને નથી; એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી દેખાય છે ને ક્યારેક હરતીફરતી દેખાય છે ને એ મૂર્તિને ચારે કોરે મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે તે સર્વે મુક્ત છે તે એક નજરે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે.’ - આ મુક્ત કહ્યા તે ‘પરમએકાંતિક-સંજ્ઞિક’ જાણવા ને તેઓ સર્વે શ્રીહરિના સાધર્મ્યપણાને પામેલા છે ને અક્ષરધામમાં શ્રીજીમહારાજ આ સકળ મુક્તને સન્મુખ ને સમીપે જ દર્શન આપે છે. આ મુક્તની સભા પણ આદિ-અંતે રહિત છે ને અપાર છે.
૪ : અનાદિ-સંજ્ઞિક મુક્તનાં પ્રમાણો
આ પરમએકાંતિક મુક્ત કહ્યા, તેથી બીજા શ્રીજીમહારાજનું પરમ સાધર્મ્યપણું પામેલા અનાદિ-સંજ્ઞિક મુક્ત ઘણાં વચનામૃતમાં કહ્યા છે. તે જુઓ : પ્રથમના ૧૮માં ‘અને જે કોઈ અમારો વાદ લેશે તો તેનું તો જરૂર ભૂંડું થાશે; કાં જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે. અને હું તો અનાદિમુક્ત જ છું પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો.’ આમાં શ્રીજીમહારાજે પોતાના ઉદ્દેશે કરીને પોતાના અનાદિમુક્તને જ કહ્યા છે. તેમ જ પ્રથમના ૩૨માં, ‘અને નારદ-સનકાદિક જેવા અનાદિમુક્ત છે તેણે પણ એવા પંચવિષય વિના રહેવાતું નથી; તે સમાધિમાં ઘણા કાળ રહે છે પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથાકીર્તન-શ્રવણાદિક વિષયને ભોગવે છે.’ આમાં પણ અનાદિ-સંજ્ઞિક મુક્ત છે, એમ કહ્યું છે. અને ‘માળો તથા ખીલો’ એમ શ્રીજીમહારાજની મૂર્તિમાં ને સન્મુખ રહેવાનાં બે દૃષ્ટાંત પણ દીધાં છે.
૫ : પરમએકાંતિકથી અનાદિમુક્તનું ઉત્કૃષ્ટપણું ને તેમનાં લક્ષણ
હવે પરમએકાંતિક મુક્તથકી અનાદિમુક્તની સ્થિતિ અધિક છે એમ છેલ્લાના ૨૧માં કહ્યું છે તે જુઓ : ‘શા માટે જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે ને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક-તેને વિષે ભગવાનના પાર્ષદ છે, તે જેવા જ આ સર્વે સત્સંગી છે ને અમે તો જેવા સર્વથી પર દિવ્યધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે, તે થકી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.’
ભાવાર્થ : ‘દિવ્યધામ તેને વિષે પાર્ષદ છે’ એમ કહ્યું તે પરમએકાંતિક મુક્તને કહ્યા છે. ‘તે થકી અધિક જો આ સત્સંગીને’ એમ કહ્યું તે અધિક ગોપાળાનંદસ્વામી આદિ અનાદિમુક્તને કહ્યા છે. આ વચનામૃતનો ભાવાર્થ ગોપાળાનંદ સ્વામી ને શુકસ્વામી તેમની પાસેથી સ્વામી નિર્ગુણદાસજીએ જાણ્યો છે જે, ‘આમાં ગોપાળાનંદસ્વામીને અધિક કહ્યા છે ને તે અનાદિમુક્ત છે. અને ગોપાળાનંદસ્વામીને મૂળઅક્ષર કહ્યા છે તે તો મૂળઅક્ષરની ઉપમા આપી છે, પણ ગોપાળાનંદસ્વામીને જ કૈવલ્યમુક્ત નામે તથા નિત્યમુક્ત નામે કરીને કહેવાય છે. અને તે મુક્તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરમ સાધર્મ્યપણાને પામેલા છે ને શ્રીજીમહારાજના સ્વરૂપમાં ઐકાત્મ્યપણે રસબસ થઈને રહે છે, ને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તે અનાદિમુક્તને પોતાની મૂર્તિમાં રાખે છે ને પોતાના સળંગ સ્વરૂપનો આનંદ અખંડ અનુભવજ્ઞાને કરીને અનુભવ કરાવે છે; અને અનાદિમુક્ત છે - તે શ્રીજીમહારાજની સાથે ઐકાત્મ્યપણું પામીને શ્રીજીમહારાજનું સુખ ભોગવે છે. અને શ્રીજીમહારાજના પ્રકાશરૂપ ધામમાં રહેલા પરમએકાંતિક મુક્તોથી મૂર્તિમાં રસબસભાવે જોડાઈ રહેલા એવા અનાદિમુક્તને શ્રીજીમહારાજનો આનંદ અધિક આવે છે, તેમ અનાદિમુક્તને શ્રીહરિને વિષે દાસભાવ પણ અધિક છે. આવા અનાદિમુક્તને પણ શ્રીજીમહારાજ પોતાની ઇચ્છાથી બીજા મુક્તોને અનાદિમુક્ત જેવા કરવા પોતાની સાથે પૃથ્વી ઉપર લાવે છે, તેમ જ પરમએકાંતિક મુક્તને પણ લાવે છે અને ગોલોક આદિ ધામના મુક્તને પૃથ્વી ઉપર આવવાની પ્રેરણા કરે છે તથી તે પણ આવે છે.
૬ : શ્રીજીમહારાજ અક્ષરધામમાંથી જ આ લોકમાં પધાર્યા છે તેનું પ્રમાણ
હવે સર્વ અવતારના અવતારી પોતાના પ્રકાશરૂપ અક્ષરધામના નિવાસી, ને પરમએકાંતિક ને અનાદિમુક્તના સ્વામી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન - તેમણે એકાંતિક ધર્મ જુક્ત એવા પોતાના અતિશય પ્રેમી ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે એકાંતિક ભક્તને સુખ દેવા અને એકાંતિક ધર્મ તથા પોતાની ઉપાસના પ્રવર્તાવવા મનુષ્ય-સ્વરૂપે પ્રગટ થવાની ઇચ્છા કરી. ત્યારે એમ પણ વિચાર કર્યો જે, ‘હું અક્ષરાતીત ને મન-વાણી થકી પર ને અગોચર છું. અને અજર-અમર, અજન્મા ને અખંડ છું ને અકળિત સ્વરૂપ ને સદા દિવ્ય સાકારમૂર્તિ છું ને અતિ તેજસ્વી, અતિ રૂપવાન ને અતિ સુખસ્વરૂપ છું. એવો હું - તે મારો અનંત અપાર પ્રકાશ, ને ઐશ્વર્ય, ને અનંત મુક્ત-તે સર્વેને મારામાં લીન કરીને મનુષ્ય જેવો થાઉં, એટલે સર્વેને મારાં દર્શન-સેવાસમાગમનો લાભ મળે. અને મારા મુક્તને પણ મનુષ્ય જેવા કરીને મારી સાથે પૃથ્વી ઉપર લાવું.’ - આવો સંકલ્પ કરીને શ્રીજીમહારાજ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, એમ વચનામૃત આદિ શાસ્ત્રમાં કહ્યું છે. તેમ જ હરિદિગ્વિજય-ઉલ્લાસ-૨માં પણ કહ્યું છે જે :-
‘બ્રહ્મધામના નિવાસી શ્રીજીમહારાજ-તેમણે પૃથ્વી ઉપર પ્રગટ થવાનો સંકલ્પ કર્યો, ત્યારે બદરિકાશ્રમમાં નરનારાયણને પોતાનાં દર્શન દીધાં. ત્યારે નરનારાયણે શ્રીહરિ ભગવાનને પૂછ્યું જે, ‘તમારી શી ઇચ્છા છે ?’ ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘પૃથ્વીને વિષે અધર્મનું ઉત્થાપન કરીને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા ધર્મથકી ભક્તિને વિષે પ્રગટ થઈશ, ને પ્રગટ થવાના હેતુભૂત દુર્વાસાનો શાપ તમારા દ્વારે અંગીકાર કરીશ, માટે તમે શાપની ચિંતા કરશો નહિ, ને ધર્મપિતા અને ભક્તિમાતાને તથા ઋષિઓને તે વાત જણાવશો ને પૃથ્વી ઉપર પ્રગટ થશો.’
૭ : મુક્તદ્વારે પણ મોક્ષ કરવાનો શ્રીજીનો અભિપ્રાય
હવે શ્રી સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થયા ત્યારે પોતાના મુક્તને તથા સર્વે અવતાર ને અવતારના મુક્ત, અને મુમુક્ષુ તથા પોતાના પ્રેમી ભક્ત-તે પણ પૃથ્વી ઉપર મનુષ્યજન્મ લઈને સેવા કરવા આવ્યા હતા. અને શ્રીહરિ ભગવાને તેઓ સર્વને ૪૯ વર્ષ, ૨ માસ ને ૧ દિવસ પર્યંત અતિશય સુખ આપ્યું ને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું અને અનેક એકાંતિક, પરમએકાંતિક ને અનાદિમુક્ત કર્યા. પછી જીવોનો મોક્ષ કરવાનું કામ પોતાની સાથે આવેલા મુક્તને સોંપીને પોતે અંતર્ધાન લીલા કરી. અને તે મુક્ત પણ જ્યારે અદૃશ્ય થાશે ત્યારે બીજા મુક્તને મોકલવા. ને તે મુક્તદ્વારે પોતે સ્થાપન કરેલો મોક્ષ-માર્ગ સદા ચાલુ રાખવો, આવો શ્રીજીમહારાજનો અભિપ્રાય તેમના વચનથી જણાય છે. તે જુઓ વડતાલના ૧૯માં :-
‘આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય-દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર (મુક્ત) કાં ભગવાનના સાધુ (સ્ત્રીધનના ત્યાગી ને શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા-ઉપાસનાએ જુક્ત એવા સંત) એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ઘટે નહિ, શા માટે જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે.’
તેમ જ અમદાવાદના બીજા વચનામૃતમાં કહ્યું છે જે : ‘આત્યંતિક પ્રલય જે જ્ઞાનપ્રલય તેણે કરીને જેણે માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી અને એ જો કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે. પણ કાળ, કર્મ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો.’
હવે આવી રીતે સત્સંગિજીવનના બીજા તથા ચોથા પ્રકરણમાં પણ (મોક્ષ કરવા માટે) મુક્ત પ્રગટ થાય છે એમ લખ્યું છે.
અને મધ્યના ૪૮માં. ‘‘અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન ન થઈ શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ-તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે જે, આ દેહને મૂકીશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી તોપણ અંતરમાં એમ વિચારીએ છીએ જે, ‘‘જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો.’ એમ જ ઇચ્છીએ છીએ.’’ આમાં પણ શ્રીજીમહારાજે પોતાના સત્પુરુષના સમાગમનું માહાત્મ્ય જણાવ્યું છે અને જીવના મોક્ષ કરવા સારુ મુક્તને મોકલીએ છીએ ને મુક્તદ્વારે પણ જીવોના મોક્ષ કરીએ છીએ એમ કહ્યું છે.
૮ : અનુભવી સત્પુરુષના સમાગમની જરૂરિયાત
હવે મુમુક્ષુને મોક્ષ સિદ્ધ કરવો તેમાં મુક્તપુરુષના સમાગમનું જરૂરકામ પડે છે; કેમ જે અનુભવી સત્પુરુષના જોગ વિના જેમ છે તેમ જ્ઞાન સમજાતું નથી, તેમ જ એકાંતિક ધર્મને વિષે સ્થિતિ પણ થતી નથી - એમ પ્રથમના ૬૦માં કહ્યું છે જે, ‘આવી રીતનો જે એકાંતિક ધર્મ તે તો જે એવા નિર્વાસનિક પુરુષ હોય અને જેને ભગવાનને વિષે સ્થિતિ થઈ હોય તેને વચને કરીને જ પમાય, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને નથી પમાતો. અને કોઈક સાંભળીને તેવી વાત કહેવા જાય તો કહેતાં પણ આવડે નહિ, માટે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે.’ તથા પ્રથમના ૬૪માં : ‘આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ પમાય છે પણ બીજા થકી તો પમાતી જ નથી, માટે આ વાર્તાને અતિ દૃઢ કરીને રાખજો.’ તેમ જ મધ્યના ૧૩માં ‘આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહિ, અને સદ્ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજવામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથમાંથી પણ સમજાતી નથી.
૯ : ઉત્તમ ભક્ત થવાનો ઉપાય
હવે સત્પુરુષના જોગે કસર ટળે છે ને ઉત્તમ સ્થિતિ થાય છે તે જુઓ વડતાલ ૫ માં :- ‘એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ટ ભક્ત હોય ને તે બે જન્મે તથા ચાર જન્મે, તથા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આ ને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.’ તે કેવા હોય તે ઉત્તમ લક્ષણવાળા જાણવા ? તો વડતાલના ત્રીજામાં વીજળી જેવા તથા વડવાનળ જેવા મોટા પુરુષ કહ્યા છે તેવા હોય તેમને મોટા પુરુષ જાણવા તથા છેલ્લાના ૩૫માં સંતનાં છ લક્ષણ કહ્યાં છે તથા પ્રથમના ૭૭ના ત્રીજા પ્રશ્નોત્તરમાં સાધુનાં બત્રીસ લક્ષણ કહ્યા છે તેણે યુક્ત હોય તે મોટા પુરુષ જાણવાં.
૧૦ : બ્રહ્મરૂપ થવાનો તથા આત્મદર્શન ને શ્રીજીનાં દર્શનનો ઉપાય
અને બ્રહ્મસ્વરૂપ મુક્તને જોગે બ્રહ્મસ્વરૂપ થવાય છે, તે જુઓ વડતાલના ૧૧માં :- ‘બ્રહ્મસ્વરૂપ એવા સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇંદ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકે માનતા ન હોય તેને અજ્ઞાની જીવ ઓળખી શકે નહિ. અને જ્યાં સુધી એવા સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય, પણ જો સત્પુરુષની સાથે અતિશય પ્રીતિ થાય ને સત્પુરુષનાં વચન સત્ય મનાય ને તે પ્રમાણે વર્તે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે ને સત્પુરુષના જેવા બ્રહ્મરૂપ થાય, માટે સત્પુરુષને વિષે પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે ને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.’ આમાં મુમુક્ષુને આત્યંતિક મોક્ષ પામવા સારુ મોટા મુક્તમાં આત્મબુદ્ધિ કરવી- એમ કહ્યું ને એવી આત્મબુદ્ધિ કરે ત્યારે તે મુક્ત થાય છે ને શ્રીજીમહારાજ તે હેતુ માટે મુક્તને મોક્ષ કરવા મોકલે છે, તેમાં અનાદિમુક્ત છે તે તો શ્રીજીમહારાજમાં રહે છે ને શ્રીજીમહારાજના સંકલ્પથી શ્રીજીમહારાજમાં રહ્યા થકા આ લોકમાં મનુષ્યરૂપે પ્રગટ થાય છે. તે જુઓ મધ્યના ૧૩માં :- ‘સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે ને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે.’ - અહીં અનાદિમુક્તને અવતાર જાણવા.
૧૧ : અનાદિમુક્તનું મહત્પણું
અને અનાદિમુક્ત છે - તે મુમુક્ષુ જીવોને અનાદિમુક્ત કરવા સમર્થ છે એમ શ્રીજીમહારાજે પ્રથમના ૬૨માં કહ્યું છે તે જુઓ : ‘જેને ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચયે કરીને સંબંધ થાય છે તેને વિષે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે ને જે ચહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે ને નિર્બંધ થાય છે.’
અને અનાદિમુક્ત પુરુષોત્તમરૂપ છે ને પુરુષોત્તમમાં રહીને પુરુષોત્તમની દૃષ્ટિએ જુએ છે તેથી તે મુક્તને પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાસતું નથી, એમ પ્રથમના ૫૧માં કહ્યું છે તે જુઓ :- ‘એ સર્વેના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહિ. એવા જે એ ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે, ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને આ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એનાં ઇંદ્રિયો-અંતઃકરણ સર્વે પુરુષોત્તમરૂપ થઈ જાય છે, ત્યારે તેમણે કરીને આ ભગવાનનો નિશ્ચય થાય છે.’ આમાં ઇંદ્રિયો-અંતઃકરણ પુરુષોત્તમરૂપ થાય છે એમ કહ્યું તે બે પ્રકારે દિવ્ય થાય છે : એક પરભાવમાં ને બીજું અવરભાવમાં, તે પરભાવમાં જીવાત્મા જ દિવ્ય સાવયવ પુરુષોત્તમ જેવો સાકાર થાય છે, ને અવરભાવમાં દેહમાં રહ્યો થકો જ્ઞાન-ધ્યાને કરીને મહા તેજ જેવો થાય છે ને આત્મામાં શ્રીજીમહારાજની મૂર્તિ દેખાય છે, ત્યારે તે ભક્તનાં દેહ-ઇંદ્રિયો-અંતઃકરણ દિવ્ય થયાં કહેવાય છે; કેમ જે માયિક પંચવિષયમાં જોડાય જ નહિ ને મૂર્તિમાં જ રહે છે, ને ક્રિયા પણ આજ્ઞા પ્રમાણે જ કરે છે એટલો દિવ્ય કહેવાય છે.
વળી મધ્યના ૬૬માં :- શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને જીવતે તો ભગવાનનાં કથા-કીર્તન કરતાં થકાં જ દિવસ ને રાત્રી વીતે છે. અને ત્રણ અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત્ દર્શન થાય છે, અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિષે વૈરાગ્ય થાય છે, અને અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિષે રહેવાય છે, અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. - આમાં પોતા જેવો છે એમ કહ્યું, એટલે અનાદિમુક્ત કરે છે ને મૂર્તિમાં રાખે છે - એમ સમજવું.
૧૨ : અનાદિમુક્તને મહારાજને વિષે દાસભાવ રહેવાપણું
હવે અનાદિમુક્તને શ્રીજીમહારાજને વિષે દાસભાવ અતિશય રહે છે, એમ મધ્યના ૬૭માં કહ્યું છે તે જુઓ :- ‘જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થીએ યુક્ત છે, અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે, અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે રૂપ તથા સામર્થી તો એ ભક્તની પણ તેવી જ થાય છે; તોપણ ભગવાનની સામર્થી ને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિક જે પ્રતાપ તે એ ભક્તને ભગવાનને વિષે અતિશય જણાય છે, ત્યારે એ ભક્ત પણ એમ જાણે છે જે, મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે, તોપણ ભગવાનનું ઐશ્વર્ય ને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તોપણ ભગવાન જેવો કોઈ થાવાને સમર્થ થાતો નથી, અને એ ભગવાનને ભજીને અનંતકોટિ વૈષ્ણવ ભગવાન સરખા થયા છે; તોપણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે તોપણ સ્વામીસેવકપણું રહે છે.’ - આમાં શ્રીજીમહારાજ અનાદિમુક્તને પોતા જેવા કરીને પોતાના સ્વરૂપમાં ભેગા રાખે છે, તોપણ મુક્તને મહારાજને વિષે દાસભાવ રહે છે એમ કહ્યું છે.
તેમ જ સારંગપુરના ૧૭માં, ‘માયારૂપી અંતરાય ટાળીને જેમ જેમ ભગવાનને ઢૂંકડું જવાય છે (એટલે મૂર્તિમાં રહેવાય છે), તેમ તેમ ભગવાનની અતિ અપાર મોટપ જણાતી જાય છે ને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દૃઢ થતું જાય છે.’
અને વળી સ્વામી-સેવકભાવે ઉપાસના-ભક્તિ કરવી તે શ્રીજીમહારાજનો સિદ્ધાંત છે; અને સ્વામી-સેવકભાવ ટળી જાય તે વાત કોઈની પણ ગ્રહણ ન કરવી ને દૂરથી જ ત્યાગ કરી દેવી, એમ કારિયાણીના ૧૦ના તથા લોયાના ૧૩ના વચનામૃતમાં કહ્યું છે.
૧૩ : મૂર્તિમાં રહેવાનાં પ્રમાણભૂત વચનો
હવે અનાદિમુક્તને શ્રી સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને પોતાના સ્વરૂપમાં રાખે છે ને અનાદિમુક્ત માહાત્મ્યજ્ઞાને સહિત અતિ સ્નેહે કરીને દાસભાવે પોતાના સ્વામી એવા જે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તેમાં એકાત્મ્યપણાને પામીને કહે છે, ને અનુભવ જ્ઞાને કરીને શ્રીજીમહારાજના સળંગ સ્વરૂપનો આનંદ અખંડ અનુભવે છે, તે વાત શ્રીજીમહારાજે ને તેમના સંતોએ ઘણે ઠેકાણે જણાવી છે તેનું દિશમાત્ર પ્રદર્શન કરીએ છીએ :-
સારંગપુરના ૧૧માં, ‘‘પુરુષ પ્રયત્ને કરીને પાંચ સાધન સિદ્ધ કરે ત્યારે ભગવાનની કૃપાનો પાત્ર થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવો લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે ને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે ‘निरंजनः परमं साम्यमुपैति ।’ એ શ્રુતિનો એ અર્થ છે જે ‘અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે.’ કહેતાં જેમ ભગવાન શુભ-અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ-અશુભ કર્મે કરીને બંધાય નહિ, અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખાં રહ્યાં થકાં ભગવાનની સેવામાં રહે છે, તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે ક્યારેક તો લીન થઈ જાય છે ને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્વતંત્ર છે, તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે, આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.’’ - આમાં શ્રીજીમહારાજે કહ્યું જે, ‘અમે કૃપા કરીએ ત્યારે અમારા તુલ્યપણાને પામે છે’ એટલે અનાદિમુક્ત થાય છે ને ‘અતિશય હેતે કરીને ભગવાનમાં લીન થાય છે.’ - એટલે એ મુક્તને મૂર્તિમાં રાખીએ છીએ.
તથા મધ્યના ૨૫માં :- ‘ગૃહસ્થ હરિભક્ત છે તે તો દેહ મૂકશે ત્યારે નિર્વાસનિક છે માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનનાં ચરણાવિંદમાં નિવાસ કરીને રહેશે.’ એટલે શ્રીહરિની મૂર્તિમાં રહેશે તેમ જ ‘હરિવાક્યસુધાસિંધુ’ - તરંગ ૮૯માં :-
साम्यं साधर्म्यमियुत्कं प्राप्नोति परमं स तत् ।
न बध्येतातो हरिवत् कर्ममिश्च शुभाशुभैः ।।
अतिस्नेहेन लक्ष्मीवत् प्राप्नोत्यैक्यं क्कचिद्वरौ ।
क्कचित् पृथक्स्थितो भक्त्या सेवते तद्वदेव तं ।।
क्रियासु च स्वतंत्रत्वं प्राप्नोति भगवानिव ।
इद्दक् सामर्थ्य–संप्राप्तिः कृपया भवति प्रभोः ।।
અર્થ :- (૧) શ્રીજીમહારાજ જે ભક્તના ઉપર કૃપા કરે છે, તે ભક્ત શ્રીજીમહારાજના પરમ સાધર્મ્યપણાને પામે છે. તે સાધર્મ્યપણું તે શું ? તો પરમએકાંતિક અને અનાદિમુક્તનું સ્વામીપણું, સુખદાતાપણું ને નિયંતાપણું - તે વિના બીજાં રૂપ, ગુણ, લાવણ્યતા, સુંદરતા સ્વતંત્રતા, ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય ઇત્યાદિક ગુણે કરીને સરખાપણું જે તુલ્યભાવ - તેને સાધર્મ્યપણું કહ્યું છે. અને તે મુક્ત શુભ-અશુભ કર્મે કરીને શ્રીહરિની પેઠે બંધાતો નથી. (૨) અને તે મુક્ત ક્યારેક લક્ષ્મીજીની પેઠે ભગવાનમાં ઐક્યપણું પામે છે ને ક્યારેક પૃથક્ રહીને ભક્તિએ કરીને લક્ષ્મીજીની પેઠે તે ભગવાનને સેવે છે. (૩) અને ક્રિયાને વિષે ભગવાનની પેઠે સ્વતંત્રપણું પામે છે, આવું સામર્થ્ય ભગવાનની કૃપાથી પામે છે. ભાવાર્થ : આમાં મુક્ત ભગવદ્ભાવને પામે છે ને ભગવાનમાં રહે છે એવો ભાવ છે. અને મુક્ત મહારાજમાં રહે છે એમ શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે :-
एते राधादयो भक्तास्तस्य स्युः पार्श्वतः क्कचित् ।
क्कचित् तदङ्गेऽतिस्नेहात स तु ज्ञेयस्तदैकलः ।।
અને એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો શ્રીકૃષ્ણભગવાનને પડખે હોય છે, ને ક્યારેક તો અતિ સ્નેહે કરીને શ્રીકૃષ્ણભગવાનના અંગને વિષે રહે છે, ત્યારે તો તે શ્રીકૃષ્ણભગવાન એકલા જ હોય એમ જાણવા. અને સત્સંગિજીવન - પ્ર. ૨, અ. ૫૮માં પણ મુક્ત મૂર્તિમાં લીન થઈને રહે છે, તેમ કહ્યું છે :-
हृदि तं त्ववलोक्य कर्हिचिच्च प्रसरत् प्रेमभराश्रुरुद्धकंठः ।
अननुस्मृतदेह एव तस्मिन् स विलीनो बहिरेत्यथेच्छायाऽस्य ।।
અર્થ :- જ્ઞાની એવો પ્રેમી ભક્ત તે કોઈ સમયે પોતાના હૃદયાકાશમાં પ્રગટ એવા શ્રીહરિને જોઈને અતિશય વૃદ્ધિ પામેલ સ્નેહ, તેણે કરીને પરવશ થઈને બોલવાને પણ સમર્થ થાતો નથી ને દેહની ભાવના ભૂલી જાય છે ને મારા રૂપ થઈને મારી ઇચ્છાથી મૂર્તિમાં લીન થઈ જાય છે, તે લીનપણું જળમાં જળની પેઠે ન સમજવું ને દાતા-ભોક્તા ને સ્વામી-સેવકભાવે મૂર્તિમાં રહીને સળંગ મૂર્તિનું સુખ ભોગવે છે, ત્યાર પછી મારી ઇચ્છાથી બહાર આવે છે એટલે પોતાની સ્મૃતિને પામે છે. તેમ જ સત્સંગિભૂષણ - અંશ ૩ અ૦ ૨૪માં પણ મૂર્તિમાં રહેવાનું કહ્યુંમ છે જે :-
तत्स्थितोऽसावपि मूर्तिस्थत्वन्निर्विग्रहस्मृतिः ।
तदा पुरे धर्मपुरे प्रवृत्ते सुरभिक्षणे ।।
तत्कृताश्च तथाप्यन्या लीलास्तत्पुर–संभवाः ।
स्वयं दृष्ट्वा द्दशा चान्यान् यथार्थ्येनाह तन्नृपम् ।।
(टीकाः धर्मपुर-स्थित-श्रीहरिमूर्तिगत-स्वात्मत्वात् इत्यर्थः ।) આ સચ્ચિદાનંદમુનિ દુર્ગપુરમાં રહ્યા છે તોપણ તે સચ્ચિદાનંદમુનિનો આત્મા ધર્મપુરમાં રહેલા શ્રીહરિની મૂર્તિમાં રહ્યો છે તેથી તે મુનિને પોતાના દેહની સ્મૃતિ નથી અને તે ધર્મપુરમાં શ્રીજીમહારાજે વસંતપંચમીનો ઉત્સવ કર્યો તેને તથા તે પુરમાં બીજી પણ જે લીલા કરી તેને સચ્ચિદાનંદસ્વામી પોતાની દૃષ્ટિએ દેખીને દુર્ગપુરમાં રહેલા જે સાધુ ને દાદાખાચર તેને કહી બતાવતા હતા. અને વળી સચ્ચિદાનંદમુનિ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા છે, માટે શ્રીજીમહારાજ જમતા ત્યારે તેમના ભેળા તે મુનિ જમતા, એમ પણ તે અધ્યાયમાં કહ્યું છે.
તેમ જ અનાદિમુક્ત ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે. તે જુઓ સત્સંગિભૂષણ - અંશ ૩, અ૦ ૨૭માં :-
अविरत-मववादेऽस्मासु तस्यापि दोषं ।
कमपि वय-मवेक्ष्य स्मः स्थितास्तदपीशः ।।
अन्वयः – वयं तस्य हरेः अववादे निर्विवादे तत्स्वरूपे अविरतं नित्यं स्थिताः सदा वर्तमानाः स्मः भवामः तदपि इशः श्रीहरि अस्मासु कं अपि दोषं अवेक्ष्य । તથા અંશ ૧માં :-
स्वेच्छया मगवन्मूर्त्तावेषः चान्यानपि स्वयम् ।
आरमयिष्यतेऽतोसाविच्छारामोऽस्त्विहाऽऽख्यया ।।
ધર્મદેવ કહે છે જે, ‘આ પુત્ર પોતે પોતાની ઇચ્છાથી જ ભગવાનની મૂર્તિમાં રમશે અને બીજાને મૂર્તિમાં રમાડશે, માટે આ પુત્રનું નામ ઇચ્છારામ થશે. તેમ જ ગીતામાં પણ મન-બુદ્ધિ ભગવાનમાં રાખ્યા પછી જીવાત્માને જ પરમાત્મા પોતાના સ્વરૂપમાં રાખે છે. તે જુઓ :-
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय ।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः ।। ५४ ।।
(માટે) તું મારામાં જ મન ધારણ કર અને મારામાં બુદ્ધિ પરોવ; એ પછી તું મારામાં જ રહીશ (એમાં) સંશય નથી. તથા -
भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ।
ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ।। ५५ ।।
મારી પરમ ભક્તિ દ્વારા જે મનુષ્ય હું કેવો છું ને કોણ છું તે યથાર્થરૂપે જાણે છે. અને પછી મને એ પ્રમાણે ખરેખરા સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે.
અને વળી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત એવા મુક્તાનંદસ્વામી આદિ મોટા સંતો-તેમણે પણ અમે શ્રીહરિજીની મૂર્તિમાં રહ્યા છીએ એમ કહ્યું છે તે જુઓ :-
(મુક્તાનંદ સ્વામી)
સુનત બંસી મેરી શુદ્ધ વિસરી,
કહા જાનું કહાકીન, મોરલી.૧
સુને કોન અબ શીખ જક્તકી,
હું ભઈ હરિમેં લીન. મોરલી....
તથા
પ્રીત કરત મેરો પલટ્યો હે અંગ.
તનમન અર્પી મીલે મનમોહનકું,
હો ગઈ એકહી અંગ. પ્રીત.
મુક્તાનંદ મહદ્ યહ આશ્ચર્ય,
બીનહિ અંગ ન ઉમંગ. પ્રીત....
તથા
સોઈ સાચે મમ દાસ હે,
ઉધો સોઈ સાચે મમ દાસ હે.
પીંડ બ્રહ્માંડમેં પ્રીત ન જાકુ,
મમ પદ કંજ નિવાસ હે.
તથા બ્રહ્માનંદ
રસબસ હોઈ રહી રસિયા સંગ,
જ્યું મીસરી પય માંહિ ભળી....
તથા
મેં પ્રીતમકે માંહ્ય,
પિયા મોય ભીતરે;
અરસપરસ એકતાર,
રહ્યા હે સ્વતંતરે,
તથા
જોગી વાકુ જાનીએ,
જાકા હરિસે જોગ.
રહે નિરંતર રામમેં,
અંતર સદા અરોગ…
તથા નિષ્કુળાનંદ
કોટિ મુક્ત સેવા કરે,
રોમ રોમ રસરૂપ;
અંગ પ્રકાશ અગમ અતિ,
અક્ષરાતીત સ્વરૂપ....
તથા ભક્તચિંતામણિ
પ્ર. ૧૮-સ્વતંત્રપણું લક્ષ્મીના જેવું રે,
જે શ્રીકૃષ્ણસ્વરૂપમાં રહેવું રે...
તથા
પ્ર. ૧૧-તજી તન ને મનનું માન,
રહ્યા હરિમાંહિ ગુલતાન... તથા
પ્ર. ૧૩૪-થયો જે દિનનો સતસંગ,
થયું તે દિનું અલૌકી અંગ.
હરે ફરે કરે કાંઈ કામ,
રહી હરિમાંહી આઠુ જામ....
તથા હરિસ્મૃતિ
એક વ્યાપકાનંદ મુનિ,
આ. તે પર મે’ર મોટી પ્રભુની આ.
હરે ફરે હરિ ઇચ્છાઈ, આ. રહે હરિ મૂર્તિમાં સદાઈ. આ....
તથાસારસિદ્ધિ-શ્રીખંડ૨માં
જેમ સુગંધી રહી, રહ્યો ઇક્ષુ માંહિ રસ.
તેમ હરિજનમાં હરિ, હળીમળી રહ્યા એકરસ.
તથા સૂત્રભાષ્ય :-
‘अविभागेन दृष्टत्वात्’
तत्समानगुणरूपो मुक्त आत्मा पार्षदतया निरतिशयानंदं परब्रह्मस्वरूपं सेवमानस्तत्सुख-मनुभवति क्कचिदतिप्रेम्णा तस्मिन् विलीयते चेत्तर्हि तु परब्रह्मस्वरूप-मविभागेनानुभवति निर्णयः ।।
અનાદિમુક્ત મૂર્તિમાં લીન થઈને રહે છે તોપણ ‘अविभागेन’ કહેતાં પરબ્રહ્મ સાથે ઐક્યપણું પામીને પરબ્રહ્મના સ્વરૂપને અનુભવે છે, માટે સ્વામી-સેવકભાવરહે છે. એમ મૂર્તિમાં રહેવાનાં ઘણાં વાક્યો છે.
હવે ભગવાનના સ્વરૂપમાં જ રહે તે મુક્ત અત્યુત્તમ સ્થિતિવાળા છે એમ ભાગવતના એકાદશ સ્કંધમાં પણ કહ્યું છે :-
नकामकर्मबीजानां यस्य चेतसि संभवः ।
वासुदेवैक–निलयः स वै भागवतोत्तमः ।।
જેના ચિત્તમાં વિષયભોગની કામનાનો અવ્યક્ત રાગ પણ ઉત્પન્ન થથો નથી, અને જેને ‘वासुदेवैक’ કહેતાં વાસુદેવ ભગવાન જ એક છે. ‘निलयः’ નિવાસસ્થાન જેને તે ઉત્તમમાં ઉત્તમ ભક્ત છે.
तस्माद् युक्तेंद्रिग्रामो युक्तचितः इदं जगत् ।
आत्मनीक्षस्व वितव–मात्मानं मय्यधीश्वरे ।।
હે ઉદ્ધવ ! ઇંદ્રિયોને નિયમમાં કર ને ચિત્તને નિયમમાં કર, અને દેહ ને જગત તેને આત્મામાં લીન જો, અને અક્ષરધામરૂપ એવો આત્મા તેને સર્વાધાર એવો હું છું તે મારે વિષે જો.
૧૪ : બાપાશ્રીના વૃત્તાંતનો કિંચિત્ નિર્દેશ
પરમએકાંતિક અને અનાદિમુક્તના સ્વામી - એવા શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના સંકલ્પથી સં. ૧૯૦૧ના કાર્તિક સુદ ૧૧ને સોમવારના રોજ અનાદિમુક્ત અબજીબાપાશ્રી જીવોના આત્યંતિક મોક્ષ કરવા આ લોકમાં આવ્યા હતા. તેમણે મુમુક્ષુ જીવોના મોક્ષને અર્થે શું કાર્ય કર્યું તે જણાવીએ છીએ :-
અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી પ્રથમ તો પોતે સ્વતંત્રપણે નિર્વિકલ્પ સમાધિ કરીને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના સ્વરૂપમાં નિમગ્ન થઈ રહેતા ત્યારે તેમના શરીરમાં નાડી-પ્રાણની ગતિ જણાતી નહિ; શરીર કાષ્ઠ જેવું સજ્જડ જણાતું ને પોતે તો શ્રીહરિજીના સ્વરૂપમાં જ અખંડ આનંદ અનુભવતા. એવી સમાધિમાં કોઈક સમયે ચાર પાંચ દિવસ ને કોઈક સમયે દશ બાર દિવસ રહેતા, કોઈક સમયે ત્રણ ચાર દિવસ સમાધિમાં રહીને જાગતા. અને અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીની સમાધિ-સ્થિતિ જોવા સારુ ને અનાદિમુક્તશ્રીનાં દર્શન કરવા સારુ મોટા સંત તથા હરિભક્ત ઘણા આવતા. અને એ સંત-હરિભક્ત અનાદિમુક્તશ્રીનો મહિમા સમજતા : જે આ શ્રીજીમહારાજના સંકલ્પરૂપ અનાદિમુક્ત છે ને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સ્વતંત્રપણે સમાધિ કરીને અક્ષરધામમાં શ્રીજીમહારાજના સ્વરૂપમાં જોડાઈ રહીને સુખ ભોગવે છે ને અનંત મુક્તે સહિત શ્રીહરિની સાથે વાતો કરે છે, દર્શન કરે છે ને શ્રીહરિજીની મરજીને પણ જાણે છે ને શ્રીહરિની ઇચ્છાથી પાછા અવરભાવમાં આવીને આપણને દર્શન દે છે. અને તે મુક્તશ્રીની સમાધિ-સ્થિતિ જોઈને ઘણાક ભક્તજન આશ્ચર્યપૂર્વક આનંદ પામતા : જે આવા સિદ્ધમુક્તનાં દર્શન-સમાગમ-સેવાનો આપણને લાભ મળ્યો છે, તો આપણે પણ તેમના સમાગમથી ધન્યભાગ્યશાળી ને કૃતાર્થ થયા છીએ ને તેમની કૃપાથી ધ્યાન-ધારણાં-ભજનમાં શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આવે છે, ને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞા ને સર્વોપરી ઉપાસના તેની દૃઢતા પણ તેમની કૃપાથી જ થઈ છે.
અને અનાદિમુક્ત સદ્. શ્રી ગોપાળાનંદસ્વામીના શિષ્ય સદ્. સ્વામી નિર્ગુણદાસજી પણ આ મુક્તનો મહિમા ઘણો જ કહે છે. અને સ્વામી નિર્ગુણદાસજી ને આ અબજીભાઈ - તે બંને જ્યારે ભેગા બેસીને શ્રીજીમહારાજના મહિમાની વાતો કરે છે તથા ભેગા થાય છે, અને એકબીજા મળે છે ને અરસપરસ પૂજાઓ કરે છે ત્યારે તો બેયને ઐકાત્મપણું હોય ને શું ! એવું હેત જણાય છે. એમ સ્વામી નિર્ગુણદાસજીના જોગ-સમાગમમાં આવેલા જે માંડવીના મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, દહીંસરાના કેસરાભાઈ, નારાયણપુરના જાદવજીભાઈ, વૃષપુરના કુંવરજી પટેલ, રામપુરાના દેવરાજભાઈ, ભૂજના મહેતા પુરુષોત્તમભાઈ આદિ કચ્છના હરિભક્તને સ્વામી નિર્ગુણદાસજીના સમાગમથી આ અનાદિમુક્તનો મહિમા, હેત, પ્રેમભાવ - તે સૌ કોઈને દેખવામાં આવતા હતા.
તેમ જ શ્રીનગરના સદ્. સ્વામી દેવચરણદાસજી, સદ્. સ્વામી મુકુંદજીવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, નારાયણસેવકદાસજી, કૃષ્ણજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ, તથા મૂળીના સ્વામી હરિનારાયણદાસજી, સ્વામી રાધામનોહરદાસજી ને તેમના શિષ્ય સ્વામી ભક્તિપ્રિયદાસજી, સ્વામી બાળકૃષ્ણદાસજી, પૂ. ધર્મકિશોરદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી, સ્વામી ગુણાતીતદાસજી, ભગવત્સ્વરૂપદાસજી, ગોપીવલ્લભદાસજી તથા ભૂજના સદ્. સ્વામી અક્ષરજીવનદાસજી, ગોવિંદપ્રિયદાસજી, ભક્તિપ્રિયદાસજી આદિ ઘણા સંતો સ્વામી નિર્ગુણદાસજીનો સમાગમ કરતા ને તેમને ગુરુ માનતા, ને તેમના સમાગમથી અબજીબાપાશ્રીની અનાદિમુક્તની સ્થિતિ છે ને ત્રણે અવસ્થામાં મૂર્તિ દેખે છે ને મૂર્તિમાં રહ્યા થકા જ સર્વ ક્રિયા કરે છે આવો મહિમા જાણતા.
સં. ૧૯૪૮માં સદ્. સ્વામી નિર્ગુણદાસજીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો તેથી કચ્છમાંથી અનાદિમુક્ત અબજીભાઈશ્રી મોટા મોટા હરિભક્તને સાથે લઈને સ્વામીશ્રીનાં દર્શન કરવા શ્રીનગર આવ્યા હતા, ત્યારે પણ સ્વામીએ પોતાના મંડળના સંતોને તથા બીજા સંતોને તથા કચ્છના ને આ દેશના હરિભક્તને પોતાની પાસે બેસારીને વાત કરી હતી જે, ‘હવે હું આ લોકમાંથી અદૃશ્ય થઈને મૂર્તિમાં રહીશ. માટે તમે સર્વે અ. મુ. અબજીભાઈનો સમાગમ કરજો. આ મુક્તને શ્રીજીમહારાજે સર્વના સુખને અર્થે અક્ષરધામમાંથી મોકલ્યા છે ને શ્રીજીમહારાજે આ મુક્તદ્વારે પોતાનું સુખ આપવાનો સંકલ્પ કર્યો છે, માટે આમના સમાગમથી શ્રીજીની મૂર્તિ મળે છે.’ - એમ સ્વામીશ્રી સર્વેને ઘણી જ ભલામણ કરીને ધામમાં ગયા.
પછી તેઓ ઘણા સંત-હરિભક્ત અ. મુ. અબજીભાઈનો સમાગમ કરવા આવ-જા કરતા ને બાપાશ્રી પણ સર્વેને વચનામૃતમાંથી શ્રીજીમહારાજનો રહસ્ય સિદ્ધાંત સમજાવતા ને વાતો કરતા, તેમાં સર્વેને પોતપોતાના ધર્મની દૃઢતા કરાવતા ને શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના સમજાવતા. તેમ જ વચનામૃતમાં રહસ્યજ્ઞાન છે તેની વાતો વધારેકરતા. તેમ જ એકાંતિક, પરમએકાંતિક ને અનાદિમુક્તની સ્થિતિ સમજાવીને તેવી સ્થિતિમાં વર્તી શકે તેવા બળિયા પણ કરતા, તેથી તેવી સ્થિતિવાળા પણ ઘણા સંત-હરિભક્ત થયા. વળી ધ્યાન કરવાની તથા મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાની વાતો સમજાવીને તેવી સ્થિતિ કેટલાકને કરાવી, ને કેટલાકને આત્મા - પરમાત્માનો સાક્ષાત્કાર પણ કરાવ્યો હતો. એમઅનાદિમુક્ત બાપાશ્રીના સમાગમે કરીને ને તેમની કૃપાથી ઘણા જ મુમુક્ષુ તેવી સ્થિતિને પામીને મૂર્તિને સુખે સુખી થયા હતા.
હવે એવા અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ મોટા છ યજ્ઞ કર્યા તેનું કિંચિત્ વિવેચન :
(૧) સં. ૧૯૫૯ના ચૈત્ર માસમાં બાપાશ્રીએ મંગળકારી યજ્ઞ કર્યો હતો ને તે યજ્ઞમાં ‘સત્સંગિજીવન’ તથા ‘શિક્ષાપત્રી ભાષ્ય’નું પારાયણ બેસાર્યું હતું, તેમાં ભૂજના સદ્. સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સર્વે સંતો તથા અમદાવાદથી સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ તથા મૂળીથી સ્વામી બાલકૃષ્ણદાસજી, પૂ. ધર્મકિશોરદાસજી આદિ ઘણા સંતો આવ્યા હતા ને કચ્છદેશના નાના મોટા સર્વે હરિભક્ત આવ્યા હતા. તેમ જ ગુજરાત, ઝાલાવાડ આદિ દેશના પણ ઘણા જ હરિભક્ત આવ્યા હતા, અને તે મહામોટો યજ્ઞ શોભી રહ્યો હતો ને તેમાં આવેલા સર્વે ભક્તજનો અનાદિમુક્ત બાપાશ્રીનાં દર્શન-સમાગમનો તથા અરસપરસ સંત-હરિભક્તનાં દર્શન-સમાગમનો લાભ લઈને મૂર્તિનું સુખ ભોગવતા હતા. તે યજ્ઞની સભામાં સ્વામી અક્ષરજીવનદાસજી અને કોઈક દિવસ સ્વામી વૃંદાવનદાસજી શ્રીજીમહારાજના પ્રગટપણાનીતથા તેમની મર્યાદા રાખવાની ને ત્યાગી સાધુને ધર્મામૃત પ્રમાણે વર્તવું - આવી વાતો કરતા. અને મોટા મુક્તના જોગે કરીને જેવું પ્રગટ શ્રીહરિના જોગમાં સુખ આવે, તેવું સુખ તે યજ્ઞમાં સર્વેને આવતું ને બાપાશ્રી તે યજ્ઞમાં સારાં ભોજન કરાવીને સર્વેને જમાડતા ને દર્શન-સમાગમનો લાભ આપતા. અને તે યજ્ઞમાં કથાના વક્તા મૂળીના સદ્. બ્રહ્મચારી બાળમુકુંદાનંદજી શાસ્ત્રી હતા.
(૨) સં. ૧૯૭૧ના ફાગણ માસમાં બાપાશ્રીએ મોટો યજ્ઞ આરંભ્યો હતો ને શ્રીજીમહારાજની બેઠક જે કાળીતલાવડી - ત્યાં છત્રી કરાવીને ચરણારવિંદ પધરાવ્યાં હતાં ને આત્યંતિક મોક્ષના આશીર્વાદ આપ્યા હતા. અને તે યજ્ઞમાં ‘સત્સંગિજીવન’નું પરાયણ કરાવ્યું હતું ને ભૂજના સંતો તથા કચ્છના હરિભક્ત બાઈઓ - ભાઈઓ સર્વે આવ્યાં હતાં. અને અમદાવાદ, મૂળી, વડતાલ, ગઢપુર ને જૂનાગઢના સંતો તથા તે તે દેશના હરિભક્તો પણ ઘણા આવ્યા હતા ને તે યજ્ઞમાં શ્રીજીમહારાજે મુક્તશ્રીની પ્રીતિને વશ થઈને ઘણાં ઐશ્વર્ય-પ્રતાપ બતાવ્યાં હતાં. વળી તે યજ્ઞમાં શ્રીજીમહારાજ ને બાપાશ્રીનાં દર્શન ઘણે ઠેકાણે એકીસાથે દિવ્યરૂપે થયાં હતાં, ને ઘીના ડબા ખાલી કરીને રાખ્યા હતા - તે બાપાશ્રીએ ઘીના ભરેલા દેખાડ્યા ને તે ઘી યજ્ઞમાં વાપર્યું હતું. અને તે યજ્ઞમાં કથાના વક્તા શ્રીનગરના બ્ર. મુનીશ્વરાનંદજી અને મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી હતા.
(૩) સં. ૧૯૭૪ના અષાડ-શ્રાવણ માસમાં અ. મુ. બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો. પછી સાજા થઈને છત્રીએ મોટો યજ્ઞ કર્યો હતો ને તેમાં ‘પુરુષોત્તમલીલામૃત-સુખસાગર’નું પારાયણ કરાવ્યું હતું ને મૂળી-અમદાવાદના સંત-હરિભક્ત મંદવાડમાં બાપાશ્રીનાં દર્શન કરવા પ્રથમથી જ આવ્યા હતા ને કચ્છ-ભૂજના ને ફરતા ગામડાના સર્વે હરિભક્તને તેડાવ્યા હતા, ને તે યજ્ઞમાં સર્વેને આત્યંતિક મોક્ષનાં વરદાન આપ્યાં હતાં. અને સભામંડપ છત્રીના ચોકમાં રાખ્યો હતો ને છત્રીના પડખે ખેતરમાં પાકશાળા કરી હતી. અને કથાના વક્તા અમદાવાદના સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી તથા ભૂજના બ્ર. નિર્ગુણાનંદજી હતા.
(૪) સં. ૧૯૭૮ના ચૈત્ર માસમાં અ. મુ. બાપાશ્રીએ કલ્યાણકારી મોટો યજ્ઞ આદર્યો હતો, તેમાં પ્રથમ કચ્છદેશના મોટા મોટા હરિભક્તને તેડાવીને મંદિરમાં સભા કરી હતી ને બાપાશ્રી તે સભામાં બેઠા હતા. પછી સર્વેને વાત કરી જે, ‘‘શ્રી સ્વામિનારાયણ ભગવાને અમને જીવોનો મોક્ષ કરવા મોકલ્યા છે ને અમને એમ કહ્યું છે જે, ‘જેમ ઘણા જીવનો મોક્ષ થાય છે તેમ કરશો.’ તેથી આ યજ્ઞ કરવો છે, તેમાં સર્વે આવજો ને હજારો સંત-હરિભક્ત આવશે, તેમની સેવા-સમાગમનો લાભ લેજો ને આ યજ્ઞની જે પ્રસાદી જમશે, સેવા કરશે તેનો શ્રીજીમહારાજ મોક્ષ કરશે’ - એમ અમે શ્રીજીમહારાજની સમક્ષ સંકલ્પ કર્યો છે. અને અમે તમારી નાતના કણબી નથી; કોઈના બાપ-દીકરા નથી; અમે તો શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં લીન રહીએ છીએ ને તેમના સંકલ્પથી આવ્યા છીએ. અને જે વાતો તથા યજ્ઞ કરીએ છીએ તે કાંઈ મોટા થવા નથી કરતા પણ શ્રીજીમહારાજનો સંકલ્પ છે, તેથી શ્રીજીમહારાજ આ મુક્તદ્વારે કરે છે; અમે તો સદાય મૂર્તિમાં સુખ ભોગવીએ છીએ.’’
પછી તે સર્વે હરિભક્ત બાપાશ્રીને હાથ જોડીને કહેવા લાગ્યા જે, ‘હે અનાદિ મુક્તરાજશ્રી ! આપ અમારા ઉપર કેવળ કૃપા કરીને આવી સેવાનો લાભ આપો છો તેથી અમારાં પણ મોટાં ભાગ્ય છે; અમે આપ જેમ આજ્ઞા કરશો તેવી રીતે યજ્ઞની સેવા કરશું.’ પછી બાપાશ્રીએ રાજી થઈને મહા જ્ઞાનમય યજ્ઞ ચાલુ કર્યો, તેમાં યજ્ઞની સર્વે સામગ્રી પ્રથમથી જ ભેગી કરી રાખી હતી. તેમ જ સભામંડપ ને સંત-હરિભક્તનાં રસોડાં વગેરેની સગવડ કરી હતી અને દેશદેશાંતરથી સંત-હરિભક્તને કંકોત્રી લખીને તેડાવ્યા હતા, ને ભૂજના સંતો તથા કચ્છદેશના હરિભક્તો નાનાં-મોટાં બાઈઓ-ભાઈઓ સર્વે આવ્યાં હતાં ને મૂળી, અમદાવાદ, ગઢપુર ને વડતાલના સંતો તથા તે તે દેશના હરિભક્તો પણ ઘણા આવ્યા હતા, ને સભામંડપમાં મહા મોટી સભા બેસતી. અને બાપાશ્રી પણ તે સભામાં બેસતા ને સત્સંગિજીવનનું પારાયણ વંચાતું, ને બાપાશ્રી તથા સંતો અહોનિશ કથાવાર્તારૂપી જ્ઞાનયજ્ઞ કરતા. અને સર્વે સંત-હરિભક્તને જમાડવાની સરભરા પણ બાપાશ્રી કરાવતા ને તે યજ્ઞમાં છત્રીએ હનુમાનજીની પ્રતિષ્ઠા ને છત્રીની જાગીર ને કૂવાનું ભર્યું કર્યું હતું, અને આ હનુમાનજી સારંગપુરના હનુમાનજીની પેઠે કામ કરશે - એમ આશીર્વાદ આપ્યો હતો. આવા તે યજ્ઞમાં જે જે આવ્યા તે સર્વે મોક્ષભાગી થયાં; કેમ જે મુક્તદ્વારે મોક્ષ કરવાનો શ્રીજીનો સંકલ્પ છે. અને તે યજ્ઞમાં કથાના વક્તા શ્રીનગરના મુનિ કેશવપ્રિયદાસજી ને ભૂજના પૂ. ઉત્તમપ્રિયદાસજી હતા.
(૫) સં. ૧૯૮૨માં પણ અઠ્ઠોતેરના જેવો જ મોટો બ્રહ્મયજ્ઞ કર્યો હતો ને સંત-હરિભક્તને ઘણાં જ સુખ આપ્યાં હતાં, ને ઘણા સંત-હરિભક્તને શ્રીજીમહારાજ ને બાપાશ્રીનાં દિવ્યરૂપે દર્શન થયાં હતાં. ને તે યજ્ઞમાં પણ સત્સંગિજીવનનું જ પારાયણ બેસાર્યું હતું, અને કથાના વક્તા પણ મુનિસ્વામી તથા પુ. ઉત્તમપ્રિયદાસજી જ હતા.
(૬) સં. ૧૯૮૪ની સાલમાં બાપાશ્રીએ આસો-કાર્તિક માસમાં સદગુરુ વગેરે સંતોને વૃષપુરમાં રાખીને ઘણાં સુખ આપ્યાં હતાં. પછી સદગુરુ આદિ સંતોને દેશમાં મોકલ્યા પછી બાપાશ્રીએ એમ સંકલ્પ કર્યો જે, ‘છેલ્લો યજ્ઞ કરીને તેમાં સર્વે સંત-હરિભક્તને તેડાવવા ને સર્વેને દર્શન-સમાગમનું સુખ આપી સર્વના મનોરથ પૂરા કરવા ને પછી આ લોકમાંથી મનુષ્ય-સ્વરૂપે અદૃશ્ય થઈને દિવ્યદેહે શ્રીજીમહારાજ ભેળા રહેવું’ - એમ સંકલ્પ કરીને તે વાત સર્વેને જણાવી. પછી મોટો કથાયજ્ઞ આરંભ્યો. અને સર્વેને કહ્યું કે, ‘‘આ અમારો છેલ્લો યજ્ઞ છે, તેમાં સર્વેને સમાગમનું અઢળક સુખ આપવું છે; પછી અમે અક્ષરધામમાં જઈને બેસશું.’ - એમ સર્વેને કહીને પછી ‘સત્સંગિજીવન’નું પારાયણ બેસાડ્યું હતું. તે યજ્ઞમાં પણ કથાના વક્તા પુરાણી કેશવપ્રિયદાસજી તથા ઉત્તમપ્રિયદાસજી જ હતા અને તેઓ સર્વેને કથામૃતનું પાન કરાવતા. ને તે યજ્ઞમાં દેશદેશાંતરથી સર્વે સંત-હરિભક્તને તેડાવ્યા હતા ને દર્શન-સેવાસમાગમનો લાભ આપીને સર્વના મનોરથ પૂરા કર્યા. પછી યજ્ઞની સમાપ્તિ કરીને સર્વને પોતપોતાને સ્થાને મોકલ્યા અને સદગુરુ આદિ સંતમંડળને સમાગમનું સુખ દેવા સારુ રાખ્યા હતા ને પછી કેટલાક દિવસ સમાગમનું સુખ આપીને તેમને પણ દેશમાં મોકલ્યા.
ત્યાર પછી ભૂજ તથા માધાપુર જઈને ત્યાંના હરિભક્તના મનોરથ પૂરા કર્યા. પછી વૃષપુર આવીને સર્વે મોટા મોટા હરિભક્તને તથા પોતાના પુત્ર કાનજીભાઈ ને મનજીભાઈ આદિ સર્વે કુટુંબને ભગવાન ભજવાની ને સુખ-દુઃખમાં ન લેવાવાની ભલામણ કરી ને પોતાને અંતર્ધાન થવાની વાત જણાવી, એટલે સર્વે અતિ દિલગીર થયા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હું શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યો છું ને શ્રીજીમહારાજની સાથે હું તમારા ભેળો રહીશ ને રક્ષા કરીશ, ને તમને પણ સર્વેને મૂર્તિમાં રાખ્યા છે ને અંતે મૂર્તિનું સુખ ભોગવાવીશ.’’ - એમ કહીને સર્વેને કેવળ કૃપાથી પોતાનું સામર્થ્ય આપી મૂર્તિમાં જોડીને શાંતિ પમાડ્યા. પછી થોડા દિવસમાં અંતર્ધાન-લીલા કરી. એવી રીતે બાપાશ્રીએ શ્રીજીમહારાજના આશ્રિતને ૮૩ વર્ષ, ૭ માસ ને ૨૪ દિવસ સુખ આપી સં. ૧૯૮૪ના અષાડ સુદ પાંચમના દિવસે પોતે દેહોત્સર્ગ-લીલા કરી. ત્યાર પછી સર્વે ભક્તજન બાપાશ્રીના પ્રભાવથી સુખ-શાંતિમાં કથાવાર્તા, કીર્તન, ધ્યાન-ભજન કરીને મૂર્તિના સુખે સુખી રહેતા.
૧૫ : ગ્રંથ સહાયકો
આ પુસ્તક લખવામાં તથા શોધવામાં મારા સાધુ નિત્યમુક્તદાસે ઘણો પ્રયાસ કર્યો છે. તેમ જ આ પુસ્તકનું સંશોધન કરવામાં શેઠશ્રી હીરજીભાઈ ભીમજીભાઈ ચાવડા તથા ગજ્જર બહેચરભાઈ શંકરભાઈ તથા માસ્તર કેશવલાલભાઈએ પણ અમૂલ્ય સેવા બજાવી છે, માટે શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા સર્વે સંત-હરિભક્ત તેમના ઉપર પ્રસન્ન થાઓ ને તેમનો આત્યંતિક મોક્ષ થાઓ.
લિ. પુરાણી સાધુ કેશવપ્રિયદાસ