વિશ્રામ ૯૬
સંવત ૧૯૮૪ જેઠ વદ બીજ ને મંગળવારના દિવસે માધાપુરમાં કથા બેઠી ત્યારે અનાદિ મુક્તરાજશ્રીને ત્યાંના હરિભક્તના મનોરથ પૂરા કરવા, એવો પોતાને સંકલ્પ છે. તેથી દયાળુ મૂર્તિ દયા કરીને પોતાનાં દર્શન-સમાગમનું સુખ દેવા સારુ સવારમાં દસ વાગે માધાપુર પધાર્યા ને મંદિરના ચોકમાં મંડપ મધ્યે ગાદીતકિયે વિરાજમાન થયા અને સર્વે સાધુ-હરિભક્ત બાપાશ્રી પાસે આવીને દર્શન કરવા લાગ્યા ને બાપાશ્રી સર્વે સાધુને મળ્યા. પછી બાપાશ્રી બાઈઓને રસોડે જમીને નારાયણભાઈની મેડી ઉપર પોઢ્યા ને સાંજના મંદિરમાં પધારી ઠાકોરજી અને સંતનાં દર્શન કરીને સભામાં બેઠા, ને પુ. ધર્મજીવનદાસજી કથા વાંચતા હતા. પછી કથા ઊઠી ત્યારે કેટલાક સાધુ-હરિભક્ત બાપાશ્રી પાસે આવીને દર્શન કરવા બેઠા ને પુ. ધર્મજીવનદાસજી બાપાના ખોળામાં માથું મેલીને પગે લાગ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, ‘‘શું વાંચો છો ? મૂર્તિ ધારીને કથા કરજો પણ અમથા પુરાણી ન થાજો, ને અત્યારે જેવું હેત છે તેવું સદાય હેત રાખશો તો અમે ભેગા રહેશું.’’
પછી બીજે દિવસ સવારની કથામાં બાપાશ્રી વિરાજમાન હતા ને પુ. હરિનારાયણદાસજી ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથા વાંચતા હતા. પછી કથા થઈ રહી ત્યારે હરિનારાયણદાસજીએ બાપાશ્રીને ચંદન ચર્ચીને હાર પહેરાવ્યો ને પગે લાગ્યા, ને બાપાશ્રી તેમને મળ્યા. પછી જમવા પધાર્યા ને બાઈઓને રસોડે થાળ કર્યા હતા તે જમ્યા ને ઉતારે જઈને પોઢી ગયા. પછી જાગ્યા, ત્યારે તે ગામના હરિભક્ત નારાયણભાઈ, જાદવજી, રામજી, માવજી, વેલજી, કલ્યાણ, મનજી, ધનજી આદિ સર્વેએ બાપાશ્રી પાસે આવીને કહ્યું જે, ‘‘હે દયાળુ મૂર્તિ ! આપ દયા કરીને જેમ અમારા ગામમાં પધાર્યા છો તેમ દયા કરીને અમારે ઘેર પધારો; આપના ચરણકમળથી અમારાં ઘર તીર્થરૂપ થશે માટે ઘેર આવીને અમને કૃતાર્થ કરો.’’ ત્યારે બાપાશ્રીએ હા કહી. પછી તે હરિભક્તોએ બાપાશ્રીને પાલખીમાં બેસારી ઘેર ઘેર પધરાવ્યા અને અતિ પ્રેમથી ચંદન-પુષ્પાદિક વડે પૂજા કરીને પોતાના મનોરથ પૂરા કર્યા. -એમ ત્રણ દિવસ સુધી ગામમાં નિત્યે ફરીને સર્વનાં ઘર પાવન કર્યાં.
એક દિવસ બાપાશ્રી જાદવજી ભક્તને ઘેર પધાર્યા ને જાદવજી ભક્તે તથા તેમના પુત્ર માવજીએ બાપાશ્રીની ચંદનપુષ્પથી પૂજા કરી. પછી બાપાશ્રીએ પ્રસન્ન થઈને માવજીને કહ્યું જે, ‘‘તમારા ઘરમાં દહીંનું ગોરસું છે તેમાંથી દહીં લાવો.’’ પછી તે ભક્તે તાંસળીમાં લાવીને આપ્યું, તે દહીંનું બાપાશ્રીએ પાન કર્યું ને બાકી રહ્યું હતું તે પાછું આપીને કહ્યું જે, ‘‘આ પ્રસાદી ગોરસમાં નાખો; જે જમશે તેનો મોક્ષ થશે.’’ -એમ વર આપ્યો.
વળી એક દિવસ બાપાશ્રી કલ્યાણ ભક્તને ઘેર પધાર્યા ત્યારે તેમણે બાપાશ્રીની પૂજા કરી. પછી તેમના ઘેર બાપાશ્રીની મૂર્તિ હતી તેને બાપાશ્રીએ હાથમાં લીધી ને બોલ્યા જે, ‘‘હવે આ છબીનાં દર્શન કરજો; -અમે મૂર્તિમાં રહીનું દર્શન દેશું, પણ આ અમારાં મનુષ્યસ્વરૂપનાં દર્શન હવેથી નહિ થાય.’’ -એમ ત્રણ વખત કહ્યું ને ચૌદ દિવસમાં પોતાને અંતર્ધાન થાવું છે તે જણાવ્યું, પણ કોઈને જણાવવાદેવું નહોતું તેથી તે વખતે કોઈ જાણી શક્યું નહિ. અને જ્યારે બાપાશ્રી ધામમાં ગયા ત્યારે સર્વેને ખબર પડી જે, ‘બાપાશ્રીએ પોતાને અંતર્ધાન થવાની વાત આપણને અગાઉથી કરીહતી પણ આપણે જાણી શક્યા નહિ.’ પછી બાપાશ્રી બાઈઓને રસોડે જમવા પધાર્યા ને કાનબાઈ તથા વાલબાઈ આદિ બાઈઓએ થાળ કર્યા હતા -તે બાપાશ્રીને જમાડ્યા ને બાપાશ્રી ઉતારે આવીને ઢોલિયામાં બેઠા.
તે સમે ધનજીભાઈના લાલજી તથા હરજી, ભારાસરના રામજી વાલજી ને માધાપુરના નારાયણભાઈ આદિ સર્વે દર્શન કરીને પાસે બેઠા હતા તેમને બાપાશ્રીએ વાત કરી જે, ‘‘શ્રીજીમહારાજની ઉપાસના સર્વોપરી સમજવી; તે શ્રીજીમહારાજ કેવા છે : તો જેમનાં દર્શન પુરુષ, બ્રહ્મ ને અક્ષર આદિ અવતારને પણ દુર્લભ છે, જેમનાં દર્શન-સ્પર્શથી જીવ માયાના આવરણથી મુક્ત થઈને પુરુષ, બ્રહ્મ ને અક્ષર જેવા થાય છે ને જેમનાં જ્ઞાન-ધ્યાનથી જીવ માયાના આવરણથી તથા અક્ષરાદિકના ઐશ્વર્યના આવરણથી મુક્ત થઈને પરમએકાંતિક ને અનાદિમુક્ત થાય છે. અને અનંત કોટિ પરમએકાંતિક મુક્ત છે તે જેમના તેજમાં રહ્યા છે ને એ શ્રીજીમહારાજના સ્વરૂપને જોઈને આનંદ પામે છે. અને જે શ્રીજીમહારાજના અનંત કોટિ અનાદિમુક્ત છે તે શ્રીજીમહારાજના સ્વરૂપમાં લીન રહીને શ્રીજીમહારાજના સ્વરૂપનો આનંદ અનુભવે છે. તે સર્વે મુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા એવા એક શ્રી સ્વામિનારાયણ ભગવાન છે તે મને પ્રગટ મળ્યા છે એવો દૃઢ નિશ્ચય રાખવો. અને અમે પણ સ્વામિનારાયણ ભગવાનની ઇચ્છાથી આવ્યા છીએ ને શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહીએ છીએ ને તમને પણ અમારા ભેગા મૂર્તિમાં રાખશું હવે અમારો જોગ તમને ઝાઝા દિવસ રહેશે નહિ માટે વ્યવહારમાંથી પાછી વૃત્તિ વાળીને ભગવાનનું ભજન કરજો; અમે તમારો હાથ ઝાલ્યો છે તે મેલશું નહિ.’’ -એમ વાત કરીને પોઢી ગયા.
ત્યાર પછી બીજે દિવસ એટલે જ્યેષ્ઠ વદ આઠમની કથાની પૂર્ણાહુતિ છે તેથી બાપાશ્રી સવારે સ્નાન-પૂજા કરીને સભામાં આવ્યા ને ઠાકોરજી તથા સંત-સભાનાં દર્શન કરીને સભામાં વિરાજમાન થયા. પછી સમય થયો ત્યારે કથાની પૂર્ણાહુતિ કરી અને ગામના સર્વે હરિભક્તોએ કથાની ને સર્વે સંતની તથા બાપાશ્રીની પૂજા કરી. પછી બાપાશ્રી બાઈઓના ઉતારે જમવા પધાર્યા ને જમીને ઉતારે આવી પોઢી ગયા અને ચાર વાગે માંચીમાં બેસીને મંદિરમાં પધાર્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને ચોકમાં આવ્યા, ત્યાં માંચી રખાવી ઊભા થઈને કહ્યું જે, ‘‘સંતો ! આવો છેલ્લી વારના મળીએ.’’ ત્યારે સર્વે સાધુ બાપાશ્રીની પાસે આવીને મળ્યા. પછી ગામના નારાયણભાઈઆદિ હરિભક્તે કહ્યું જે, ‘હે બાપા ! અમારા ઉપર રાજી રહેજો ને પાછા ફરી પધારી દર્શન દેજો.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમે તમારા સર્વે ઉપર રાજી છીએ ને અક્ષરધામમાં તેડી જઈશું અને હવે અમે તમારા ગામમાં આ સ્વરૂપે આવશું નહિ પણ દિવ્યસ્વરૂપે તો આવશું; કેમ જે હવે અમે અક્ષરધામમાં જઈને બેસશું.’’ -એમ કહીને પછી મુનિ કેશવપ્રિયદાસને કહ્યું જે, ‘‘પુરાણી ! અમારી સેવા કરવા વૃષપુર ચાલો.’’ ત્યારે કેશવપ્રિયદાસે કહ્યું જે, ‘‘બાપા ! ભૂજ જઈને જરૂર આવીશ.’’ ત્યારે વળી બાપાશ્રીએ કહ્યું જે, ‘‘પુરાણી બચ્ચા ! એક વાર મને પાણી તો પાઓ.’’ ત્યારે કેશવપ્રિયદાસે દોડીને ટાઢા જળનો લોટો ભરી લાવીને અબખોરાથી બાપાશ્રીને પાણી પાયું. પછી પ્રસાદીનું પાણી દેવરાજભાઈ અને લાભશંકરભાઈને પાયું. ત્યાર પછી બાપાશ્રી હરિભક્ત પાસે પાલખી ઉપડાવીને મંદિર બહાર પોતાની ગાડી રાખી હતી તેમાં બેસીને ચાલ્યા, ત્યારે ઘણાક હરિભક્ત કેડે વળાવવા ચાલ્યા, તેમને પાછા વાળીને જ્યેષ્ઠ વદ આઠમના રોજ સાંજ વખતે વૃષપુર પધાર્યા ને સર્વે સંતમંડળ પરવારીને ભૂજ ગયા.
ઇતિ વિશ્રામ ૯૬