વિશ્રામ ૨૫

ત્યાર પછી કોઈક સમે રામપુરમાં મોટાં ડોશી ધનુબાએ યજ્ઞ કરવાનો વિચાર કર્યો. તેમાં પ્રથમ વૃષપુર આવી મુક્તરાજશ્રીને પૂછ્યું જે, ‘‘મને એમ થાય છે જે, સંતોને બોલાવી પારાયણ બેસારું.’’ ત્યારે મુક્તરાજશ્રીએ કહ્યું જે, ‘‘ભલે. હું બહુ રાજી છું; કેમ જે, સ્વામી નિર્ગુણદાસજી અંતર્ધાન થયા, તેથી ઘણા સંત-હરિભક્ત ઉદાસી થયા હતા. તેમને દર્શન-સમાગમથી મૂર્તિમાં જોડી શાંતિ કરવા સારુ જ સંવત ૧૯૫૯ની સાલમાં અમે યજ્ઞ કર્યો હતો તેથી ઘણા સંત-હરિભક્ત સુખી થયા છે. વળી તમે યજ્ઞ કરશો તેમાં ઘણા સુખી થશે ને મહારાજ ને મુક્તનું પ્રગટપણું સમજાશે -એમ સર્વેને ઘણો સમાસ થશે.’’ ત્યારે મુક્ત ધનુબાએ અબજીબાપાશ્રીને કહ્યું જે, ‘‘આ યજ્ઞમાં તમારે સૌથી પહેલાં આવવું જોઈશે; આ યજ્ઞ તમારો છે-એમ જાણશો.’’ ત્યારે મુક્તશ્રીએ કહ્યું જે, ‘‘હું આવીશ ને અમદાવાદ-મૂળીથી સંતનાં મંડળ ને હરિભક્તને તેડાવીશ ને જે દર્શન-સેવાનો લાભ લેશે ને પ્રસાદી જમશે તેનો મહારાજ ને મોટા મોક્ષ કરશે એવો સંકલ્પ પણ કર્યો છે; માટે તમે ભૂજ જઈને સંતની પાસે તિથિનું નક્કી કરાવો.’’ ત્યારે ધનુબા રાજી થઈને ભૂજ ગયાં ને કોઠારીને ને બે હરિભક્તને બોલાવીને સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતમંડળને યજ્ઞ કરવાની વાત કહેવરાવી, ત્યારે તે પણ રાજી થયા ને યજ્ઞ કરવાની હા પાડી ને ચૈત્ર વદ બીજથી વૈશાખ સુદ એકમ સુધી કથા બેસારવાનું નક્કી કર્યું. પછી ધનુબાએ વૃષપુર આવીને મુક્તરાજશ્રીને તે વાત કહી ત્યારે મુક્તરાજશ્રી પણ રાજી થયા. પછી ધનુબા મુક્તરાજશ્રીના ઘરનાં સર્વેને ને સાંખ્યયોગી બાઈઓને યજ્ઞમાં આવવાનું કહીને પોતે રામપુર ગયાં.

પછી મુક્તશ્રીએ સદગુરુ આદિ સંતને પત્ર લખાવ્યો જે, ‘તમે સૌ સંતમંડળ સમૈયા પછી તુરત વૃષપુર આવજો ને મૂળીમાં સ્વામી બાળકૃષ્ણદાસજી, સ્વામી ધર્મકિશોરદાસજી, સાધુ હરિવલ્લભદાસજી આદિને પણ આવવાનું જણાવશો.’ -આવો પત્ર સ્વામી ઈશ્વરચરણદાસજીને મળ્યો, ત્યારે સદગુરુઓએ તુરત જવાની તૈયારી કરવા માંડી ને સર્વ ઠેકાણે પત્ર લખી નાખ્યા ને પોતે અમદાવાદ સમૈયો કરી વૃષપુર પહોંચ્યા, ત્યાં તો જેને પત્ર લખ્યા હતા તે પણ આવવા લાગ્યા. અને ભૂજના સદ્‌. સ્વામી અક્ષરજીવનદાસજીએ પણ પાંચ સંતનું મંડળ આગળથી મોકલ્યું હતું. તેમણે રામપુરમાં હરિભક્તની પાસે યજ્ઞની સર્વે સામગ્રી તથા કોઠાર, ભંડાર, સભામંડપ ને તેમાં કથાની પાટ, ઠાકોરજીનું સિંહાસન વગેરે તૈયાર કરાવ્યાં. પછી ભૂજના સંતો ને કથા વાંચનાર બ્ર. મુનીશ્વરાનંદજી ને પુ. ધર્મજીવનદાસજી આદિ સર્વે રામપુર આવ્યા ને વૃષપુરથી મુક્તશ્રી ને સદગુરુ સ્વામી ને ગુજરાતના હરિભક્ત તે પણ સર્વે રામપુર આવ્યા, પણ સ્વામી અક્ષરજીવનદાસજી રામપુર આવ્યા નહોતા; કેમ જે ત્યાગી સાધુને પોતાની જન્મભૂમિના ગામમાં જાવું નહિ તેમ ધર્મામૃતમાં શ્રીજીમહારાજનું વચન છે ને રામપુર સ્વામીની જન્મભૂમિ છે, તેથી આવ્યા નહિ. પછી ચૈત્ર વદ બીજની સવારમાં યજ્ઞનો પ્રારંભ થયો, તે સમે અનાદિમુક્તના હસ્તે પૂજાવિધિ કરવાનો છે તેથી મુક્તશ્રી અને દેવરાજભાઈ, શામજીભાઈ આદિ સર્વે સભામંડપમાં આવીને બેઠા. ત્યારે સંતોએ તેમની પાસે હરિચરિત્રામૃતમાં કહેલ વિધિ પ્રમાણે ષોડશોપચારથી મુક્તમંડળે સહિત શ્રીહરિકૃષ્ણ મહારાજની પૂજા કરાવીને તેમનું સ્થાપન કર્યું. પછી સંતોએ મુક્તશ્રી આદિ સર્વેની પૂજા કરીને તેમના કાંડે મંગળસૂત્ર બાંધ્યાં ને બ્ર. મુનીશ્વરાનંદજી કથા વાંચવા બેઠા, ત્યારે બાપાશ્રી આદિ સર્વેએ બંને પુરાણીની પૂજા કરીને હાર પહેરાવ્યા ને વસ્ત્ર ઓઢાડ્યાં, પછી આરતી કરી ને સર્વે સંત-હરિભક્ત પોતપોતાની સભામાં બેઠા ને બાપાશ્રીનું આસન હરિભક્તની સભામાં કથાની પાટ પર લાગતું રાખ્યું હતું. ત્યાં આસન ઉપર બેસતા ને હરિભક્ત બાપાશ્રીને ચંદન ચર્ચે, હાર પહેરાવે ને આનંદ પામે. પછી સમય થાય ત્યારે સમાપ્તિ થાતી ને હરિભક્ત સર્વે જમવા જતા ને જ્યારે મંદિરમાં સંતોની પંક્તિ થતી, ત્યારે બાપાશ્રી હરિભક્તને સાથે લઈને પંક્તિમાં દર્શન દેવા પધારતા -એમ બ્રહ્મયજ્ઞ ચાલુ રહેતો અને સંત-હરિભક્ત સમાગમનું સુખ લેતા. એમ કરતાં જ્યારે સમાપ્તિને ત્રણ દિવસ રહ્યા, ત્યારે કચ્છના રિવાજ પ્રમાણે ગામેગામ ફરી વાર કંકોત્રીઓ મોકલાવી એટલે ફરતા ચોવીસ ગામના હરિભક્તો સર્વે આવી પહોંચ્યા. તેથી સભામાં બહુ જ ભીડ થઈ ને સૌને જમવા સારુ શીરાના હોજ ને સુખડીના ઢગ પ્રથમથી જ તૈયાર કરેલા હતા ત્યાં સંતોની સાથે બાપાશ્રી ઠાકોરજીને જમાડીને આવ્યા. પછી બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ યજ્ઞમાં સઘળો દેશ આવીને જમશે તોપણ મહારાજ ખૂટવા દેશે નહિ.’’ પછી હરિભક્તો ઉત્સવ કરતા કરતા મંદિરમાં છાબો લાવ્યા ને કથાની સમાપ્તિ થઈ. ત્યાર પછી બાપાશ્રી ને દેવરાજભાઈ તેમણે આરતી ઉતારી ને સંતોને વસ્ત્ર ઓઢાડ્યાં ને સંત કીર્તન બોલ્યા. પછી સર્વે હરિભક્તની પંક્તિઓ થઈ અને સોએ સો હરિભક્તો પિરસવા મંડ્યા. જ્યારે બધી પંક્તિઓમાં પિરસાઈ રહ્યું ત્યારે જય બોલાણી ને ભડાકા થયા એટલે સૌ જમવા લાગ્યા. તે વખતે બાપાશ્રી હરિભક્તોએ સહિત પંક્તિમાં ફરીને દર્શન દેતા થકા બોલ્યા જે, ‘‘મુક્તો ! મહારાજને સારી પેઠે જમાડજો. આ તો દિવ્ય ભોજન છે ને આ જમનારા અક્ષરધામમાં મહારાજ પાસે પહોંચશે.’’ -આવી રીતે અદભુત પ્રતાપ જણાવતા હતા. પછી પંક્તિમાં બધાય જમી રહ્યા ત્યારે સૌએ મંદિરમાં આવી ઠાકોરજી તથા સંતનાં દર્શન કર્યાં ને કચ્છીસંઘ વિદાય થવા લાગ્યો અને બાપાશ્રી ને સદગુરુ સ્વામી તે પણ વૃષપુર જવા તૈયાર થયા; કેમ જે, આવતી છઠને દિવસ ભૂજના મંદિર ઉપર કળશ ચઢાવવાનું મુહૂર્ત હતું તેથી ચાલવાની તૈયારી કરી. પછી ગાડે બેઠા ને ગાડાં ચાલતાં થયાં ને માર્ગમાં સરલીનો વીરડો આવ્યાં ત્યાં પાણી સારું ન હોવાથી બીજો ધરો આથમણી દિશા તરફ હતો, તેમાં બાપાશ્રી તથા સર્વે સંતો નાહ્યા ને જળમાં પરસ્પર મળ્યા. પછી વસ્ત્ર બદલાવી થોડી વાર બેઠા પછી ત્યાંથી ચાલ્યા તે સાંજે વૃષપુર પહોંચ્યા, ત્યાં ચાર દિવસ રહી બાપાશ્રી ને સદગુરુ-મંડળ સર્વે ભૂજ ગયા. હવે ભૂજમંદિર પર કળશ ચઢાવવા નિમિત્તે હરિભક્તો ગામેગામથી આવ્યા હતા, તેથી પાંચમનો દિવસ સમૈયા જેવો લાગતો હતો ને છઠની સવારમાં તો વહેલી મંગળા-આરતી થઈ એટલે સંત-હરિભક્ત ઠાકોરજીનાં દર્શન કરવા આવ્યા. પછી શૃંગાર થયા ને કળશની પૂજાવિધિ થવા માંડી. તે સમે વાજિંત્રના નાદથી મંદિર ગાજી રહ્યું હતું ને હરિભક્ત ઉત્સવ કરવા લાગ્યા. આવી રીતે ધામધૂમથી મંદિર ઉપર કળશ ચઢાવ્યા. પછી ઠાકોરજીના થાળ થયા ને સંત-હરિભક્ત જમ્યા, એમ આનંદ-ઉત્સવ થઈ રહ્યો હતો. એવી રીતે બાપાશ્રી ને સદગુરુઓ ભૂજમાં પૂનમ સુધી રહ્યા. પછી બાપાશ્રી ને સંતો ગાડામાં બેસી વૃષપુર પધાર્યા અને વૃષપુરના હરિભક્ત બાપાશ્રી ને સંત આવવાના છે તેથી વાટ જોતા હતા, ત્યાં તો આ મુક્તમંડળનાં દર્શન થયાં, તેથી સર્વેને ઘણો આનંદ થયો ને વૃષપુરમાં બ્રહ્મયજ્ઞ ચાલતો થયો.

એક દિવસ સ્વામી ઈશ્વરચરણદાસજી રાત્રીએ કથાવાર્તા થઈ રહ્યા પછી બાપાશ્રી પાસે આવીને બેઠા. તે વખતે બાપાશ્રીએ સ્વામીને કહ્યું જે, ‘‘તમે વર્ષેવર્ષ અહીં આવો છો, જોગ-સમાગમ કરો છો, વાતો સાંભળો છો, રાજી થાઓ છો. વળી સંતો પ્રશ્ન પૂછે છે ત્યારે ભારે ભારે ઉત્તર થાય છે. આ બધુંય સહેજે દિવ્યભાવ પમાડી દે તેવું છે ને સ્વામી નિર્ગુણદાસજી અંતર્ધાન થયે આજ પંદર વર્ષ થયાં, ત્યારે તમે અમારો જોગ કરો છો પણ આવી વાતોની યાદી લખી રાખતા નથી; જો લખી રાખતા હો તો પાછળથી ઘણા જીવોને સમાસ થાય.’’ ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, ‘‘મને લખવાનો વિચાર તો ઘણાં વર્ષથી રહ્યા કરતો પણ આપની મરજી જાણ્યા વિના કેમ લખાય ?’’ એ વચન સાંભળીને પોતે બહુ પ્રસન્નતા જણાવી ને બોલ્યા જે, ‘‘સ્વામી ! હવેથી લખતા રહેજો, વાતો બહુ સારી થાય છે, માંહી નકરો પરભાવ ચાલ્યો આવે છે ને મહારાજનો મહિમા ને આજ્ઞા-ઉપાસનાની ખરેખરી નવીન વાતો થયે જાય છે, માટે જરૂર લખજો. આગળથી એ વાતોથી ઘણો સમાસ થશે.’’ -એમ રાજી થઈને બોલ્યા. એટલે સંવત ૧૯૬૨ના વૈશાખ વદ એકમની સવારથી સ્વામી ઈશ્વરચરણદાસજીએ વાતો લખવા માંડી. તે બાપાશ્રીપાસે જ્યારે સ્વામી આવતા ને બાપાશ્રી વાતો કરતા ત્યારે લખતા. તે વાતોનો સંગ્રહ કરેલ તે બે ભાગમાં પોતે છપાવી પ્રસિદ્ધ કરીને સંત-હરિભક્તોના આત્યંતિક મોક્ષને અર્થે અર્પણ કરેલ છે. આવી રીતે સંતો વૃષપુરમાં હતા ને સાંજ-સવાર કથાવાર્તા કરતા. ત્યાં વળી ત્રીજે દિવસ બાપાશ્રી ગામ કેરે પધાર્યા, ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી નદીએ નહાવા જવાનો સંકલ્પ કર્યો. પછી મૂળીવાળા પુ. ધર્મકિશોરદાસજી ને બીજા એકસંત તેમને વૃષપુર મોકલીને સદગુરુ અને પ્રાણશંકરભાઈ આદિ હરિભક્તોને તેડાવીને સૌ નદીએ નાહવા ગયા. ત્યાં બાપાશ્રી આદિ સર્વે વસ્ત્ર ઉતારી નદીમાં નાહવા ઊતર્યા, ત્યારે પોતે સંતોને ધરામાં બેસારી પાણી રેડવા માંડ્યું અને માથે ને બરડે હાથ ફેરવીને બોલ્યા જે, ‘‘તમો તાપમાં આવ્યા તે તડકો બહુ લાગ્યો હશે, તેથી અમે તમને ટાઢા કર્યા.’’ -એમ કહીને સંતની તુંબડીમાં પાણી ગાળીને સૌને પાયું. પછી હાથમાં પાણી આપીને આશીર્વાદ આપ્યા જે, ‘‘આજથી તમારા સર્વેના ઘાટ-સંકલ્પ ટળી જશે.’’ વળી બીજી વાર કહ્યું જે, ‘‘તમારું સર્વેનું આત્યંતિક કલ્યાણ કરશું.’’ -એમ કહી ખોભા ભરી ભરી સૌને નવરાવ્યા. પછી સંતોએ પણ જે કોઈ હેત-રુચિવાળા આવી શક્યા નહોતા, તેમની વતીના લોટા ભરી ભરીને બાપાશ્રી ઉપર રેડ્યા. ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘‘તમારું તથા તમે જેનાં નામ લઈને અમને નવરાવ્યા તે સર્વેનું આત્યંતિકકલ્યાણ આ જન્મે જ થશે.’’ -એમ વર આપીને તે સર્વે નહિ આવેલા એમના વતીના પાણીના ખોબા ભરીને સંતોને નવરાવ્યા. પછી ગળા બરાબર પાણીમાં સર્વે સંતને બેસાર્યા, ત્યારે સદ્‌. સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ‘‘-મુક્ત મૂર્તિમાંથી કેવી રીતે સુખ લેતા હશે ?’’ ત્યારે પોતે પાણીમાં આંગળાં ઊભાં રાખીને હલાવ્યાં ને બોલ્યા જે, ‘‘આવી રીતે મુક્ત મૂર્તિમાં રમે છે ને કિલ્લોલ કરે છે ને સુખમાં દોટો દીધા જ કરે છે ને જેમ જળમાં માછલાં રમે, તેમ મુક્ત મૂર્તિના સુખમાં રમ્યા જ કરે છે.’’ -એમ કહી સૌના ચૈતન્યને મૂર્તિમાં રાખી ધ્યાન કરાવ્યું ને ધ્યાન કરી રહ્યા એટલે બહાર આવ્યા ને વસ્ત્ર બદલાવી માનસીપૂજા કરવા બેઠા. થોડી વારે જાગ્રત થઈને ફરી પાછા સૌને મળ્યા. પછી કેરે પધાર્યા ત્યાં ઠાકોરજીને દંડવત્‌ કરીને સર્વેને મળ્યા. પછી પાકશાળામાં ઠાકોરજી જમાડવા પધાર્યા ને જમાડી મંદિરમાં આવ્યા ને સર્વેને મળીને ચાલ્યા તે વૃષપુર આવતાં માર્ગમાં વાત કરી જે, ‘‘આ ધરામાં લીલા કરી તેને જે સંભારે તેના ઘાટ-સંકલ્પ ટળી જાય.’’ -એમ વાતો કરતા સંત-હરિભક્તોએ સહિત સાંજ વખતે વૃષપુર પધાર્યા.

ઇતિ વિશ્રામ ૨૫