વિશ્રામ ૮૦
ત્યાર પછી બીજે દિવસ બાપાશ્રીએ સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી આદિને કહ્યું જે, ‘‘આજ આપણી રસોઈ ચોખા, ખાંડ ને ઘીની કરાવો.’’ પછી તે પ્રમાણે કરાવી ને ઠાકોરજીને થાળ ધર્યો. પછી બાપાશ્રી ભંડારમાં આવીને પાટ ઉપર બેઠા ને સંતની પંક્તિમાં ચોખામાં ઉપરધારે ઘી-ખાંડ પિરસાવીને સંતને જમાડ્યા. વળી સાંજના ચોકમાં ઢોલિયા ઉપર બેઠા હતા, તે સમે સદગુરુ આદિ મોટા સંત ને પોતાના પુત્ર કાનજીભાઈ તથા મનજીભાઈ તેમને બોલાવીને કહ્યું જે, ‘‘આ કાનજી ને મનજીની મા ધામમાં ગયેલ છે તેની વરશી પણ વાળવાની છે. તેમાં ઠાકોરજીના થાળ ને સંતની રસોઈ કરાવવી છે ને મંડળ ભરવાનું છે ને અમારે શરીરે મંદવાડ હતો તે સાજા થયા, માટે આપણે પણ વચનામૃતની કથા કરાવવી છે, તે સર્વે ભેળું કરાવશું.’’ -એમ કહ્યું. ત્યારે સદગુરુએ ને કાનજીભાઈ તેમણે બાપાશ્રીને કહ્યું જે, ‘‘આપ જે સંકલ્પ કરો છો તેમાં અનંત જીવનો મોક્ષ રહેલો છે માટે બહુ સારું; આપ જે કરો તેમાં અમે રાજી છીએ.’’ પછી નારાયણપુરથી ધનજીભાઈ તેડાવ્યા ને તેમને તથા પોતાના પૌત્ર માવજીભાઈને સાધુ પાસે કથાનો ઠરાવ રજૂ કરવા ભૂજ મોકલ્યા. તે સમે સાધુ કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ તે બન્ને સંત પણ તેમની સાથે ભૂજ આવ્યા. ત્યાં સ્વામી ભક્તિપ્રિયદાસજી ને કોઠારી કરમસી ભક્તને મળીને કથાનો ઠરાવકર્યો જે, ‘આસુ સુદ દશમનો પ્રારંભ ને બારશની સમાપ્તિ કરવી; તેવી રીતે ત્રણ દિવસમાં વચનામૃતની કથા પૂરી કરવી.’ -એમ નક્કી કરીને ધનજીભાઈ આદિ બળદિયે આવ્યા ને બાપાશ્રીને વાત કરી, ત્યારે સૌ રાજી થયા. પછી સદગુરુ આદિ સંત તથા ગુજરાતના હરિભક્તને ભૂજ મોકલ્યા ને કચ્છનાં ગામડાંના હરિભક્તને ભૂજ-કથામાં આવવાની પત્રિકાઓ લખાવી મોકલી ને પોતે પણ મંદિરના શિગરામમાં સૂતા સૂતા દશમના સાંજે ભૂજ આવ્યા ને ચોકમાં ગાડી ઊભી રખાવી ને માંચીમાં બેસીને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી સર્વે સંતને મળીને આસને સૂતા ને સાધુ કેશવપ્રિયદાસ ને પુ. હરિપ્રસાદદાસ તેમણે કાંજી કરીને બાપાશ્રીને પિવડાવી. પછી જળપાન કરીને બાપાશ્રી પોઢી ગયા અને સવારે સ્નાન-પૂજા કરી માંચીમાં બેસી ઠાકોરજીનાં દર્શન કરીને સભામાં પધાર્યા ને પુસ્તકની તથા કથા વાંચનાર પુ. કેશવપ્રિયદાસ ને પુ. ધર્મજીવનદાસજીનીપૂજા કરી. પછી બધા સંત-હરિભક્તોએ બાપાશ્રીની પૂજા કરી ને બાપાશ્રી માંચીમાંથી નીચે ઊતરીને સભાને દંડવત્ કરવા લાગ્યા, તેથી સંતોએ તેડી લઈને માંચીમાં બેસાડ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘આ અમે કરીએ છીએ તે અમારા સારુ નથી કરતા; આ તો સર્વે ભક્તને શીખવવા સારુ કરીએ છીએ.’’ -એમકહીને આસને આવી ગાદીતકિયે યુક્ત આસન ઉપર વિરાજ્યા.
પછી એકાદશીને દિવસ કથા વંચાણી ને નવ વાગે સમાપ્તિ કરી, ને સાંજનો બાપાશ્રીને તાવ બહુ આવ્યો, પણ બીજે દિવસ સવારમાં સારું થયું ને સ્નાન-પૂજા કરી માંચીમાં બેસીને ઠાકોરજીનાં દર્શન કર્યાં ને કથામાં પધાર્યા. ત્યાં પુસ્તક તથા પુરાણીની પૂજા કરીને આસન ઉપર બેઠા. પછી આઠ વાગે કથાની સમાપ્તિ થઈ, ત્યારે બાપાશ્રીની આજ્ઞાથી તેમના સુત કાનજીભાઈ તથા પૌત્ર માવજી, જાદવજી, હરજી ને રામજી તેમણે પુસ્તક ને પુરાણીની પૂજા કરીને આરતી ઉતારી, ને સભામાં સર્વે સંતની પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યાં. તે દિવસે બાપાશ્રીએ સર્વે સંત-હરિભક્તને લાડુ-પૂરીની રસોઈ કરાવીને જમાડ્યા ને બાઈઓના મંદિરમાં પણ કથા કરાવી હતી તેથી સાંખ્યયોગી બાઈઓને પણ જમાડીને સાડલા આપ્યા, ને બ્રાહ્મણોને જમાડીને દક્ષીણા આપી ને મંદિરની ગાયોને નીલો ચારો નખાવ્યો. પછી ગુજરાત આદિ દેશના હરિભક્તને તથા મૂળીના સ્વામી ભગવત્સ્વરૂપદાસજી આદિ સંતને પોતાના દેશમાં જવાનું હતું, તેથી બાપાશ્રીની આજ્ઞા લઈ બાપાશ્રી પાસે આશીર્વાદ માગીને તૈયાર થઈને ગયા.
ત્યાર પછી સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, સ્વામી વૃંદાવનદાસજી ને પુ. ધર્મકિશોરદાસજી -તેમણે તથા બીજા કેટલાક હરિભક્તે બાપાશ્રીને કહ્યું જે, ‘‘આપની આજ્ઞા હોય તો અમે રહીએ;’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘સુખેથી રહો; બે માસ, ત્રણ માસ, જ્યાં સુધી તમારી મરજી હશે ત્યાં સુધી રાખશું. આપણા ઘરમાં બાજરાનો તોટો નથી; બાજરીના રોટલા જમો ને ભગવાન ભજો.’’ પછી ધનજીભાઈએ બાપાશ્રીને તથા સંત-હરિભક્તને પોતાના ગામ નારાયણપુર લઈ જવાનો આગ્રહ કર્યો, તેથી બાપાશ્રી સંત-હરિભક્તોએ સહિત નારાયણપુર પધાર્યા. ત્યાં સર્વે સંત પરબાર્યા મંદિરમાં આવ્યા ને બાપાશ્રી તથા હરિભક્તો ધનજીભાઈના ઘેર ગયા. ત્યાં ધનજીભાઈએ બાપાશ્રીને થાળ જમવાની વિનંતી કરી, તેથી બાપાશ્રી થાળ જમવા બેઠા, તેમાં શીરો, પૂરી, શાક, ખીચડી, કઢી, અથાણાં, ચટણી આદિ ભોજન જમ્યા. પછી માંચીમાં બેસીને હરિભક્તોએ સહિત મંદિરમાં પધાર્યા ને ઠાકોરજીનાં દર્શન કરીને ઢોલિયા ઉપર સૂતા અને ગુજરાત આદિ દેશના હરિભક્ત હતા તેમને ધનજીભાઈ પોતાને ઘેર વાળુ કરવા તેડી ગયા, તેમને જમાડીને પાછા મંદિરમાં આવ્યા ને સ્વામી આદિ સર્વે સંત તથા હરિભક્ત તેમણે મંદિરમાં કથાવાર્તા કરી. પછી નિયમ તથા ધ્યાન કરીને સર્વે પોઢી ગયા.
પછી બીજે દિવસ બાપાશ્રી તથા સંત-હરિભક્ત સ્નાન-પૂજા વગેરે નિયમ કરીને કથાવાર્તા કરવા બેઠા હતા, તે આઠ વાગ્યા સુધી કથાવાર્તા કરીને સમાપ્તિ કરી. પછી ધનજીભાઈના નવા ઘરનું વાસ્તુ લેવાનું હતું તેથી સર્વે સંત-હરિભક્ત તેમને ઘેર રસોઈ કરવા ગયા ને રસોઈ તૈયાર થઈ, ત્યારે ઠાકોરજીને જમાડીને સર્વે સંત-હરિભક્તો પંક્તિ કરીને જમ્યા, અને ધનજીભાઈએ બાપાશ્રીને જમાડ્યા. પછી બાપાશ્રી જમીને તેમને ઘેર બેઠા ને સંત-હરિભક્ત બાપાશ્રીની પાસે સભા કરીને બેઠા, ને સંત કીર્તન બોલ્યા. ત્યાર પછી ધનજીભાઈ ને તેમના દીકરા તેમણે પ્રથમ બાપાશ્રીની પૂજા કરીને પાઘ બંધાવી. પછી સર્વે સંતની પૂજા કરીને વસ્ત્ર ઓઢાડ્યાં, ત્યાર બાદ સર્વે સંત ને હરિભક્તોએ બાપાશ્રીની પૂજા કરી, અને બાપાશ્રીએ પણ સર્વે સંત-હરિભક્તની પૂજા કરી ને તે ઘરે મહા મોટો સમૈયો થયો. પછી સંત-હરિભક્ત બાપાશ્રીની આજ્ઞાએ કરીને મંદિરમાં ગયા ને બાપાશ્રી ત્યાં જ પોઢી રહ્યા, ને થોડી વાર પોઢીને જાગ્યા ને જળપાન કરી માંચીમાં બેસીને મંદિરમાં પધાર્યા ને સંતોએ સહિત વૃષપુર જવા તૈયાર થયા. ત્યારે હરિભક્ત સંતો સારુ ગાડાં લાવ્યા, એટલે સંતો બાપાશ્રીની આજ્ઞાએ કરીને ગાડામાં બેસીને વૃષપુર ગયા. ને હરિભક્તો પણ સાથે સાથે વૃષપુર ગયા. પછી બાપાશ્રી માંચીમાં બેસીને સર્વેને દર્શન દેતા થકા ગામને ઝાંપે આવ્યા ને હરિભક્ત ધનજીભાઈની ઘોડાગાડી લાવ્યા ને બાપાશ્રીને તેમાં બેસાર્યા, ને હરિભક્તો ઘોડાગાડીએ જુત્યા ને ઘોડાગાડી તાણીને વૃષપુર મૂકવા ગયા તે સાંજે છ વાગે વૃષપુર પહોંચ્યા. પછી હરિભક્તે બાપાશ્રીને ઘોડાગાડીમાંથી માંચીમાં બેસારીને મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરાવ્યાં અને બાપાશ્રી સદગુરુ સ્વામી આદિને મળી મંદિરના ઓરડામાં ઢોલિયામાં સૂતા. પછી બાપાશ્રી બે દિવસ વૃષપુરમાં રહી પાછા સર્વે સંતમંડળને સાથે લઈને રામપુર પધાર્યા ત્યાં પાંચ દિવસ રહીને પાછા વળ્યા, તે દહીંસરે એક રાત્રિ રહીને વૃષપુર આરતી વખતે આવ્યા. તે સમયે બાલુભાઈના પિતા જેઠાભાઈ ભૂજ આવ્યા હતા તેમની સાથે કેશવપ્રિયદાસ ને શ્રીરંગદાસ એ બે સંત બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર આવ્યા ને ત્યાં ચાર દિવસ રહ્યા. તે સમે બાપાશ્રીએ પોતાના જન્મસ્થાનકને ઘેર સંતો પાસે શીરા-પૂરીની રસોઈ કરાવીને સર્વે સંત-હરિભક્તને જમાડ્યા.
ત્યાર પછી અન્નકૂટનો સમૈયો આવ્યો, ત્યારે બાપાશ્રીએ સદગુરુ સ્વામી વગેરે સંતમંડળને ભૂજ મોકલ્યા ને પોતે પણ બીજે દિવસ સવારમાં ભૂજ આવ્યા ને અન્નકૂટ પુરાઈ રહ્યો ને આરતી થઈ ત્યારે બાપાશ્રી ઠાકોરજીનાં તથા અન્નકૂટનાં દર્શન કરવા ગયા ને દર્શન કરીને આવ્યા, ત્યારે મુનિસ્વામીએ બાપાશ્રીને હાથ જોડીને કહ્યું જે, ‘‘હે કૃપાળુ ! જમવા પધારો.’’ -એમ કહીને કાનજીભાઈ તથા મનજીભાઈને પણ જમવાનું કહ્યું. ત્યારે બાપાશ્રી પોતાના સેવક સહિત બ્રહ્મચારીના મેડા ઉપર જમવા પધાર્યા ને સાધુ કેશવપ્રિયદાસ તથા વિપ્ર કૃષ્ણારામ-તેમણે શીરો, પૂરી, લાડુ, શાક, ભજિયાં આદિ અનેક પ્રકારનાં ભોજન બાપાશ્રીને તથા સર્વે સેવકને પીરસ્યાં ને સર્વે સેવક તથા બાપાશ્રી સારી રીતે જમ્યા ને જમી તૃપ્ત થઈ ચળું કરીને પાનબીડીનો મુખવાસ લીધો ને મેડા ઉપર આસને વિરાજમાન થયા અને અન્નકૂટ ઊપડ્યા પછી બીજા સર્વે હરિભક્ત જમ્યા ને બાપાશ્રી બીજે દિવસ વૃષપુર પધાર્યા.
સંવત ૧૯૮૩ની સાલમાં બાપાશ્રીએ વૃષપુર ધામમાં રહ્યા થકા છત્રીએ ધર્મશાળા પડી ગઈ હતી તેને ફરીથી સારા પથ્થરથી ચૂનામાં ચણાવવાનું કામ ચાલુ કર્યું હતું અને ધર્મશાળાના ઉપર ધાબાનું કામ ચાલતું હતું. ત્યારે સાધુ કેશવપ્રિયદાસ આદિ પાંચ સંત વૃષપુર બાપાશ્રીના દર્શન કરવા આવ્યા હતા ને બાપાશ્રી છત્રીએ કામ કરાવવા પધારતા ને બાપાશ્રીને રાજી કરવા ઘણા ભક્તજન કામ કરતા. એવી રીતે કામ ફાગણ સુદમાં પૂરું થઈ રહ્યું હતું. તે સમે વડતાલના સદ્. સ્વામી રઘુવીરચરણદાસજી મંડળે સહિત અનાદિ મુક્તરાજનાં દર્શન કરવા સારુ વૃષપુર આવ્યા, ને બાપાશ્રીનાં દર્શન કર્યાં અને તે દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી ને શામળભાઈ પણ બાપાશ્રીને કરાંચી તેડી જવા આવ્યા હતા, તેથી બાપાશ્રી સ્વામી રઘુવીરચરણદાસજીને કરાંચીથી પાછા આવીએ ત્યાં સુધી રોકાવાનું કહીને પોતે સ્વામી ઈશ્વરચરણદાસજીની સાથે મોટરમાં બેસીને માંડવી ગયા. ત્યાંથી આગબોટમાં બેસીને કરાંચી પધાર્યા. ત્યાં ફૂલદોલનો સમૈયો કર્યો ને બાઈઓના મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી ને હરિભાઈ ને શામળભાઈએ સટીક ‘વચનામૃત’ની પારાયણ કરાવી ને બાપાશ્રીએ સર્વેને સુખ બહુ આપ્યું. તે વખતે બાપાશ્રી સાથે ધનજીભાઈ તથા ખીમજીભાઈ આદિ કેટલાક હરિભક્ત હતા ને સ્વામી વૃંદાવનદાસજી આદિ સંત પણ અમદાવાદથી રેલે બેસીને આવ્યા હતા. એવી રીતે બાપાશ્રી સંતમંડળ સહિત કરાંચીમાં વીસ દિવસ રહ્યા. પછી પાછા માંડવી થઈને વૃષપુર આવતા રસ્તામાં કંડેરાઈ ચોકીએ સાંજના ચાર વાગે પધાર્યા, ત્યાં નારાયણપુરના લાલજીભાઈએ બાપાશ્રી સારુ આગળથી થાળ કરી રાખ્યા હતા તેથી બાપાશ્રી ત્યાં ચોકીમાં થાળ જમ્યા ને રાત્રીના આઠ વાગે ગાડામાં બેસીને વૃષપુર તરફ રવાના થયા તે સવારે આઠ વાગે વૃષપુર આવ્યા.
હવે વૃષપુરના તથા બીજા ગામડાના હરિભક્ત બાપાશ્રીને આવ્યા સાંભળીને બાઈ-ભાઈ, બાળ-વૃદ્ધ ને યુવાન તે સર્વે દર્શન કરવા આવ્યા. તે સમે બાપાશ્રી મંદિરની ઓસરીમાં વિરાજમાન હતા, તેમને હાર પહેરાવ્યા ને કેસરચંદનની અર્ચા કરીને કંકુમના ચાંદલા કર્યા. પછી દંડવત્ કરીને ચારે કોર બેઠા, તે સમે મુક્તરાજશ્રીનું સ્વરૂપ તેજોમય ને શાંતિકારક દેખાતું હતું, તેવા મુક્તરાજશ્રીનાં અલૌકિક દર્શન કરીને સર્વે ભક્તજનો બાપાશ્રી સામું જોઈ રહ્યા હતા ને સ્વામી રઘુવીરચરણદાસજી પણ અનાદિમુક્ત બાપાશ્રીનાં દર્શન કરીને આશ્ચર્યપૂર્વક અતિ આનંદ પામ્યા. પછી બાપાશ્રીએ તેમને વાત કરવાની આજ્ઞા કરી, ત્યારે તે સ્વામી વાતો કરતા થકા બોલ્યા જે, ‘‘બાપાશ્રીનાં દર્શન કરીને મને પણ એમ જણાયું છે જે, ‘બાપાશ્રી સ્વામિનારાયણ ભગવાનના અનાદિમુક્ત છે અને શ્રીજીમહારાજના સંકલ્પથી આવ્યા છે માટે શ્રીજીમહારાજના અનાદિ મુક્તાવતાર છે ને શ્રીજીમહારાજ અનાદિમુક્તરાજ દ્વારે સર્વેને સુખ આપે છે, એમાં કાંઈ સંશય નથી.’’ -એમ કહીને બાપાશ્રીના ખોળામાં મસ્તક મૂકી બે હસ્ત જોડીને આત્યંતિક કલ્યાણનો વર માગ્યો ત્યારે બાપાશ્રી પ્રસન્ન થઈને બોલ્યા જે, ‘‘તમારો આત્યંતિક મોક્ષ થઈ ગયો; તમે આવું ને આવું હેત રાખશો.’’ પછી રઘુવીરચરણદાસજી આદિ સંત ઠાકોરજી જમાડી બાપાશ્રીની રજા લઈને મળ્યા ને ભૂજ આવી થોડા દિવસ રહીને વડતાલ ગયા.
ત્યાર પછી ભારાસરના રામજીભાઈ તથા વશરામભાઈએ પોતાના ગામમાં વૈશાખ માસમાં યજ્ઞ કરવો ને તેમાં અમદાવાદથી સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળને તેડાવવા -એમ બાપાશ્રીને પૂછીને નક્કી કર્યું. પછી યજ્ઞની સર્વે સામગ્રી તૈયાર કરી અને ભૂજથી સંતમંડળ આવ્યાં. તેમણે સભામંડપ, કોઠાર, ભંડાર વગેરે તૈયાર કરીને ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથાનો પ્રારંભ કર્યો ને પુ. કેશવપ્રિયદાસ ને ઉત્તમપ્રિયદાસ સાંજ-સવાર કથા વાંચતા ને મુક્તરાજશ્રી કથા બેઠી, -તે જ દિવસ દસ વાગ્યે ભારાસર આવ્યા ને દર્શન દઈને સર્વેને આનંદ આપ્યો. ત્યાં બાપાશ્રીનો ઉતારો બાઈઓના મંદિર સામેના ઘરમાં રાખ્યો હતો. પછી રામજીભાઈએ ભૂજના સાધુને અમદાવાદથી સદગુરુ આદિ સંતને તેડાવવાનું કહ્યું, ત્યારે તેમણે ના કહી તેથી સંતને તેડાવવાનું બંધ રહ્યું. ત્યારે ધનજીભાઈ તથા તેમના દીકરા તથા ગાંગજી પટેલ તથા કથા કરાવનાર રામજીભાઈ આદિ સર્વે હરિભક્ત ઉદાસ થઈ ગયા ને બાપાશ્રી પાસે આવીને કહ્યું જે, ‘સદગુરુ આદિ સંતને ન આવવા દેવાનું પ્રથમથી અમે જાણ્યું હોત, તો આ યજ્ઞનો પ્રારંભ કરત નહિ ને આ તો મોટરનું નિમિત્ત(હરિભક્તોએ સ્પેશિયલ મોટરમાં સદગુરુને બેસાર્યા હતા ને તે મોટરમાં સંતો સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ નહોતી, છતાં પણ મોટરમાં બેસવું જ નહિ એવું આક્રમણ) કરીને વચમાં વિઘ્ન નાખ્યું, પણ હવે સદગુરુ વિના યજ્ઞ અધૂરો રહેશે.’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘હું તમારા યજ્ઞમાં પ્રથમથી જ આવ્યો છું તેથી મોટા સદગુરુ ને અનંતકોટિ મુક્ત ને સર્વે દેવતા તેઓ સર્વે આ તમારા યજ્ઞમાં આવ્યા છે-એમ જાણશો અને તમારો યજ્ઞ સંપૂર્ણ પૂરો થયો ને સદગુરુ આદિ સંત તો હું સંકલ્પ કરીશ તો આવીને ઊભા રહેશે; તેમને તેડાવવામાં કાંઈ વાર નથી; પરંતુ અમે જે દિલગીર થયા, તે તો જીવ ઉપર દયાથી ને આપણે તો તેમનું પણ શ્રીજીમહારાજ સારું કરે -એમ ઇચ્છીએ છીએ ને તમને તો શ્રીજીમહારાજ ને અનાદિમુક્ત મળ્યા છે’’ -એમ કહ્યું. ત્યારે સર્વે હરિભક્ત રાજી થયા ને બાપાશ્રી તે યજ્ઞમાં નિત્યે બેય વખત કથામાં આવીને બિરાજતા અને રામજીભાઈ ને તેમના દીકરા મનજી તે બાપાશ્રીને ચંદન ચર્ચીને મોટા મોટા હજારી પુષ્પના હાર પહેરાવતા ને બાપાશ્રીના સ્વરૂપનાં દર્શન અલૌકિક થતાં હતાં. અને તે ગામના પટેલ ગાંગજી પટેલ, રામજી રૂડા, કથા કરાવનાર રામજી વાલજી ને વશરામ કેસરા આદિ સર્વે ભક્તજન તેમણે તે કથા-યજ્ઞમાં સર્વે સંતમંડળ સહિત અનાદિમુક્તશ્રીને પોતાને ઘેર પધરાવી પૂજા-સેવા કરીને લાભ લીધો. પછી યજ્ઞની સમાપ્તિ કરીને સર્વે સંત-હરિભક્તને જમાડ્યા ને બાપાશ્રી પણ જમ્યા. પછી બાપાશ્રી સર્વેને દર્શન દઈ-મળીને વૃષપુર પધાર્યા ને સર્વે હરિભક્ત પોતપોતાને ગામ ગયા ને સંત ભૂજ ગયા.
ઇતિ વિશ્રામ ૮૦