વિશ્રામ ૧૫
સંવત ૧૯૪૨ના ફાગણ માસમાં સર્વ કારણના કારણ ને કૈવલ્યમુક્ત ને મહામુક્તના સ્વામી, એવા સહજાનંદસ્વામી તેમના સંકલ્પથી પ્રગટ થયેલા એવા અનાદિ મુક્તરાજશ્રી, તે અનંત સંત-હરિભક્તને પોતાનાં દર્શન દેવા ને સર્વ તીર્થસ્થાનને દિવ્ય કરવા તીર્થમાં જવાનો સંકલ્પ કરવા લાગ્યા. તે સમયે કેસરાભાઈ, જાદવજીભાઈ, દેવરાજભાઈ આદિ હરિભક્ત દર્શન કરવા પોતાની પાસે આવ્યા. તેમને બાપાશ્રીએ પોતાને તીર્થે જવાનો સંકલ્પ હતો તે જણાવ્યો. ત્યારે કેસરાભાઈ આદિ સર્વે બોલ્યા જે, ‘‘તમે જે ભક્તજનને દર્શન-સમાગમનું સુખ આપવા મહારાજની ઇચ્છાથી પૃથ્વી ઉપર આવ્યા છો, તો સત્સંગમાં પણ મોટા મોટા સ્થાનમાં જઈને સર્વે સંત-હરિભક્તને દર્શન-સમાગામનો લાભ આપવોજોઈએ અને જે તમારો મહિમા જાણતા હોય, તે તો અહીં દર્શન-સમાગમ કરવા આવે પણ ત્યાં જઈએ એટલે સર્વેને દર્શનનો લાભ મળે ને અમને પણ નિત્યે તમારાં દર્શન, સમાગમ ને સેવાનો લાભ મળે ને સર્વે ધામમાં શ્રીજીમહારાજ પ્રતિમારૂપે પ્રગટ બિરાજે છે, તેમનાં ને સંત-હરિભક્તનાં દર્શનનો પણ અમને લાભ થાય. અને એ ધામ શ્રીજીમહારાજ ને મોટા મુક્તના બાંધેલા છે ને શ્રીજીમહારાજે ને મોટાએ મૂર્તિઓ પધરાવી છે, પણ પછીથી જે ધામ થયાં હોય તથા મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ હોય તે પણ તમારા પધારવાથી શ્રીજીમહારાજ ને મોટા મુક્ત પધાર્યા જેવાં જ દિવ્ય થાય, માટે તમે સંકલ્પ કર્યો તે બરાબર છે.’’
ત્યારે અનાદિ મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘આપણે તીર્થસ્થાનમાં જાવું છે તે વાત તમે ગામેગામના સર્વે ભક્તને જણાવજો; જેને આવવું હોય તે તૈયાર થાય ને ભૂજમાં પણ સંતને જણાવશો, પછી આપણે દિવસ નક્કી કરીને સર્વેને સમાચાર દેશું ને ભૂજમંદિરમાં ભેગા થઈશું.’’ પછી કેસરાભાઈ ને જાદવજીભાઈ તેમણે તે પ્રમાણે સર્વેને વાત કરી. તે વાત સાંભળીને ગામેગામના સર્વે હરિભક્ત ઘણા રાજી થયા અને કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ સર્વે હરિભક્ત વૃષપુર આપ્યા ને મુક્તરાજશ્રીને કહ્યું જે, ‘‘આપણે આપની મરજી હોય તે દિવસ સંઘ કાઢીને પણ જો વહેલા જઈએ તો અમદાવાદ શ્રીહરિનવમીનો સમૈયો થાય.’’ ત્યારે તે વાત સર્વેને ઠીક લાગી. પછી ફાગણ વદ બીજ ને સોમવારનું જવાનું નક્કી કર્યું. ત્યારે મુક્તરાજશ્રીએ વાત કરી જે, ‘‘આપણે તીરથમાં જઈએ તે ભલે, પણ મહારાજનાં વચન પ્રમાણે વર્તવું ને શ્રીજીમહારાજ ને સંતનાં દર્શન કરવાં ને શ્રીજીમહારાજની પ્રસાદીનાં સ્થાન હોય ત્યાં દર્શન કરવા જાવું. પણ બીજે ક્યાંય જાવું નહિ અને કથાવાર્તા-ધ્યાનભજન કરવું ને એક વખત ભોજન કરવું ને અખંડ મહારાજની મૂર્તિમાં વૃત્તિ રાખવી, તો જ તીર્થયાત્રાનું ફળ મળે ને શ્રીજીમહારાજ રાજી થાય.’’ પછી કેસરાભાઈ આદિને કહ્યું જે, ‘‘તમે સર્વે મોટેરા હરિભક્તો સંઘને સાચવજો.’’ ત્યારે કેસરાભાઈએ કહ્યું જે, ‘‘તમે મોટાને ભલામણ કરો.’’ ત્યારે ભાઈશ્રી બોલ્યા જે, ‘‘તમે તથા જાદવજીભાઈ આદિ મોટેરા છો તે સર્વે સંઘને નિયમમાં વર્તાવશો અને બાઈઓમાં ધનુબા મોટાં છે, તે બાઈઓને સાચવશે.’’ આવી રીતે સર્વેને ભલામણ કરી અને ભૂજ ભેગા થવાનું નક્કી કર્યું. પછી મુક્તશ્રી ને સર્વે હરિભક્ત ભેગા થઈને કીર્તન બોલતા બોલતા ભૂજ આવ્યા ને ભૂજમાં ઠાકોરજી ને સંતનાં દર્શન કરી ઠાકોરજીને જમાડીને ચાલ્યા, તે અંજાર મુકામ કર્યો ને અંજારથી બીજે દિવસે સંઘ ઊપડ્યો તે સરકારપુર રાત રહ્યા, ત્યાંથી વહેલા ઊઠી ચાલવા માંડ્યું તે નિત્યવિધિ કરવા ગામ કાજરડાની સીમમાં રણને કાંઠે પાણીનો વીરડો છે ત્યાં આવ્યા. ત્યાં એક જ પાણીનો વીરડો હતો ને સંઘનાં હરિભક્ત બાઈ-ભાઈ ઘણાં હતાં. તેથી એક વીરડે સ્નાન કરવાની સગવડ થઈ શકે તેવું હતું નહિ, તેથી શ્રીજીમહારાજને સંભારવા લાગ્યાં. ત્યાં તો શ્રીજીની ઇચ્છાથી મીઠા પાણીના ભરેલા સાત વીરડા થઈ ગયા અને સર્વે બાઈઓ તથા ભાઈઓ નોખા નોખા વીરડે સ્નાન કરી પૂજા કરવા બેઠાં અને મુક્તશ્રી પણ સ્નાન કરીને પૂજા કરતા હતા. તે સમે ઘણાક મોટા મોટા દેવ-તે શ્રીજીમહારાજ ને મુક્તશ્રીનાં દર્શન કરવા આવ્યા ને તેમના વિમાનથી આકાશમાં સૂર્ય ઢંકાઈ ગયો ને સંઘના સર્વે ભક્તજનો પણ મુક્તશ્રીનાં દર્શન કરવા આવ્યા, ત્યારે શ્રીજીમહારાજરૂપ મુક્તશ્રીના સ્વરૂપમાંથી શ્વેત તેજ છૂટવા લાગ્યું અને તે તેજમાં શ્રીજીમહારાજનાં ને મુક્તનાં દર્શન થયાં અને સંઘના સર્વે ભક્તજનોને છતે દેહે જ અક્ષરધામના જેવું મૂર્તિનું સુખ આવ્યું ને અતિશય આનંદ થયો. પછી તેજ ને દેવ અદૃશ્ય થયાં, ત્યારે મુક્તશ્રી સ્વતંત્રપણે સમાધિ કરીને મૂર્તિમાં જોડાઈ ગયા ને સર્વે હરિભક્ત ટીમણ કરીને તૈયાર થયા તોપણ મુક્તરાજ તો સમાધિમાંથી જાગ્રત થયા નહિ, ત્યારે કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ સૌએ મળીને મુક્તરાજશ્રીને જગાડવાનું કર્યું, તોપણ જાગ્રત થયા નહિ. પછી જાદવજીભાઈએ કહ્યું જે, ‘‘મુક્તરાજશ્રીનું નક્કી ન થાય જે ઘડી બે ઘડીમાં જાગે, કે બે દિવસ કે પાંચ દિવસ થાય. તેથી સંઘને અધવચ રહેવું ન પાલવે, માટે ગાડું ભાડે કરીને તેમાં સુવરાવી સાથે લઈને ચાલીએ; જ્યાં જાગે ત્યાં વાત.’’ પછી ગાડું ભાડે કરી ગાદલું પાથરી માંહી સુવરાવ્યા ને એક સેવક પાસે બેસાર્યો. આવી રીતે સંઘની વચમાં ગાડું ચાલ્યું આવે ને સંઘ સર્વે ચાલ્યો. એમ કરતાં સંઘ વાંટાવદર આવ્યો ત્યાં નદીની રેતીમાં ઉતારા કર્યા ને મંદિરમાં દર્શન કરી ટીમણ કર્યાં. પછી સૌ ચાલ્યા તે ગામ હળવદ પહોંચ્યા ત્યાં અનાદિ મુક્તરાજશ્રી સમાધિમાંથી જાગ્યા ને હરિભક્ત સૌ દર્શન કરવા આવ્યા, તેથી ઘણો સમૂહ એકત્ર થયો અને અનાદિ મુક્તરાજશ્રીએ નિત્યવિધિ કર્યો. પછી સંઘના ને ગામના સર્વે હરિભક્તો મુક્તરાજશ્રીને મળ્યા ને આનંદ આનંદ થઈ ગયો ને મોટાં મુક્ત ધનુબા આદિ બાઈઓએ, ‘જય સ્વામિનારાયણ’ કરી દર્શન કર્યાં અને સંઘના હરિભક્તોએ ટીમણ કર્યાં ને મુક્તશ્રીને પણ જમાડ્યા. તે વખતે અનાદિમુક્તશ્રી બોલ્યા જે, ‘‘અહો ! આ સંઘનાં બહુ મોટાં ભાગ્ય છે; કેમ જે, સાક્ષાત્ શ્રીજીમહારાજ ભેળા ને ભેળા જ ચાલ્યા આવે છે તેમનાં અમને દર્શન થાય છે.’’ પછી થોડી વારે સૌ સંઘે ત્યાંથી પ્રયાણ કર્યું. તે ગામેગામ દર્શન દેતા ને કથાવાર્તા કરતા બીજે દિવસે મૂળીગામ પહોંચ્યા. ત્યાં ઠાકોરજી તથા સંત-હરિભક્તનાં દર્શન કરી ઉતારા કર્યા ને આ કચ્છી સંઘમાં છસો જેટલા હરિભક્ત હતા, તેથી મોટો સમૈયો હોય તેમ મંદિર ઊભરાવા લાગ્યું. અને સંઘના સૌ હરિભક્તો નિત્યે વહેલા પરવારી ઠાકોરજીનાં દર્શન કરી સભામાં બેસી જતા ને સામે સંતની સભામાં મોટેરા સંતો સદ્. સ્વામી રાધામનોહરદાસજી, સ્વામી હરિનારાયણદાસજી, સ્વામી બાળકૃષ્ણદાસજી આદિ આગળ બેઠા હોય અને હરિભક્તની સભામાં મુક્તરાજશ્રી ને કેસરાભાઈ આદિ બેઠા હોય તેથી આ દિવ્યસભા અતિશય શોભતી હતી.
એક વખત સંતોએ મુક્તશ્રીને કહ્યું જે, ‘‘સર્વે સંત-હરિભક્તને આપની વાતો સાંભળવાની ઇચ્છા રહે છે, માટે સૌને રાજી કરો.’’ ત્યારે પોતે વાતો કરવા લાગ્યા જે, ‘‘આપણે શ્રીજીમહારાજ ને તેમના મુક્તને પળ માત્ર મૂકવા નહિ ને આવી દિવ્યસભા અહીં બેઠી છે ને કેટલાક વાટ જુએ જે, મહારાજ તથા મુક્તનાં દર્શન ક્યારે થશે, તે અજ્ઞાન કહેવાય. આજ શ્રીજીમહારાજ ને મુક્ત સભામાં પ્રત્ય બિરાજે છે ને મૂર્તિમાંથી તેજ ઝળઝળાટ થઈ રહ્યું છે ને મૂર્તિનું તેજ, તે જ અક્ષરધામ છે. ને અનંત મુક્ત તે મૂર્તિના સુખમાં કિલ્લોલ કરે છે. તે પ્રથમના ૭૧માં શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘‘અમારું અક્ષરધામ, અનંત મુક્ત ને અનંત ઐશ્વર્ય તે સહિત જ પધાર્યા છીએ, માટે સર્વે અમારા ભેળું છે ને જેને દિવ્ય દૃષ્ટિ થાય છે તેને ધામ, મુક્ત ને ઐશ્વર્ય તે સર્વે મૂર્તિ ભેળું જ ભાસે છે.’’ -આવી આ સભા છે. આવો શ્રીજીમહારાજનો પ્રત્યક્ષભાવે મહિમા સમજાય, તો માયિક સુખ ખારાં ઝેર થઈ જાય ને મૂર્તિ ક્ષણવાર ભુલાય નહિ; મૂર્તિમાં રસબસ થઈ રહેવાય ને મહારાજની આજ્ઞા અણુમાત્ર લોપાય નહિ. માટે જેટલી આજ્ઞા લોપાય છે ને મૂર્તિમાં વૃત્તિ રહેતી નથી તેટલો મહિમા ને નિશ્ચય કાચો છે, પણ પરિપૂર્ણ કહેવાય નહિ. તે પ્રથમના ૫૧માં કહ્યું છે જે, ‘‘આવો મહિમા સમજે છે ત્યારે તે પુરુષોત્તમરૂપ દિવ્ય સાકાર થાય છે.’’ પછી તેને અનુભવજ્ઞાન આપે છે ત્યારે અનુભવજ્ઞાને કરીને જેવા શ્રીજીમહારાજ છે ને જેવા અનાદિમુક્ત છે તે સર્વને દેખે છે ને શ્રીજીમહારાજ એને અનાદિમુક્ત કરીને પોતાના ભેગો રાખે છે.’’ -એમ ઘણી વાતો કરી પણ આ તો દિશમાત્ર લખી છે. આવી વાતો સાંભળી સંત-હરિભક્તો આનંદમાં ગરકાવ બની ગયા ને કહેવા લાગ્યા જે, ‘‘મુક્તરાજશ્રી આવી અલૌકિક વાતો કરે છે !’’ પછી તો સવારે, સાંજે ને રાત્રીએ સભામાં તેમની વાતો સાંભળવા કેટલાક બેસી રહેતા. આવી રીતે મૂળીમાં કથાવાર્તારૂપી બ્રહ્મયજ્ઞથી આનંદ આનંદ વર્તી રહ્યો હતો. પછી સંઘના હરિભક્તે મળીને બે દિવસ ઠાકોરજી તથા સંતોને રસોઈ આપીને જમાડ્યા ને ત્રીજો દિવસ થયો, ત્યાં તો મુક્તરાજશ્રી ધ્યાનમાં બેઠા થકા સમાધિમાં ચાલ્યા ગયા તેથી સૌ દર્શન કરવા આવ્યા ને મુક્તરાજશ્રીને સ્થિર બેઠેલા જોઈ પાસે બેસી રહ્યા; પણ એ તો મૂર્તિ સાથે આનંદ કરતા હોય, તે ક્યાંથી જાગે ? પછી તો કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ સર્વે આવ્યા ને મુક્તરાજશ્રીની નાડી જોઈ ત્યારે જાણ્યું કે આ તો સમાધિમાં ગયા છે. પછી તો સર્વેને સમાધિમાં ગયાની ખબર પડી તેથી સર્વે આવીને દર્શન કરવા લાગ્યા. વળી કેટલાક હરિભક્ત કહે જે, ‘‘આપણાં બહુ મોટાં ભાગ્ય, જે આવાં દર્શન થયાં. અને સદ્. સ્વામી નિર્ગુણદાસજી અનાદિમુક્ત ભાઈશ્રીનીવાતો હેતરુચિવાળાને કરે છે જે, ‘બહુ મોટા મુક્ત છે.’ તે આપણી નજરે દેખ્યા.’’ -આમ વાતો કરતા તેથી સંત-હરિભક્તમાં આ અનાદિમુક્તની એકદમ પ્રસિદ્ધિ થઈ ગઈ. પછી બીજે દિવસે મુક્તરાજશ્રી જાગ્યા ને તરત ઊઠી ઠાકોરજી ને સંતોનાં દર્શન કરવાગયા. તેથી સૌ રાજી થયા પણ બીજે દિવસે મુક્તશ્રીને તાવ આવી ગયો. તેથી સંઘના મોટેરા હરિભક્તોએ વિચાર કર્યો જે, ‘‘આપણો સંઘ મોટો છે ને ભાઈશ્રીને પાછું આજે ઠીક જણાતું નથી, માટે તેમને અહીં રાખીને હરિભક્ત ગઢપુર આદિ ધામોમાં દર્શન કરવા જાય.’’ -એમ નક્કીકરીને તેમની સેવામાં રત્ના ભક્તના પૌત્ર કાનજીભાઈને રાખીને બીજે દિવસે સૌએ પ્રયાણ કર્યું. ત્યારે સંતોએ કહ્યું કે, ‘‘તમે કોઈ ભાઈશ્રી માટે ચિંતા ન કરશો; અમે તેમની સેવા બરાબર કરશું અને ઠીક થશે તો કાનજીભાઈ ને એ બેય પાછળથી આવશે, જોઈશે તો ભેળાં મનુષ્ય મોકલશું.’’ -આવી વાતથી સૌને એ ઠીક લાગ્યું પણ કેસરાભાઈ, જાદવજીભાઈ તથા ધનુબા જેવા મોટા મોટાને મુક્તરાજશ્રીને મૂકીને જવું ઠીક લાગતું નહોતું પણ શું કરે ? સંઘ મોટો ને એ મોટેરા તેથી સૌની અનુકૂળતા પ્રમાણે રહેવું જોઈએ-એમ જાણીને ઠાકોરજી ને સંતનાં દર્શન કરી સૌ વિદાય થયા. બીજે દિવસે મૂળીમાં મુક્તરાજશ્રીને ઠીક થયું એટલે સંતની રજા લઈને સેવક કાનજીને સાથે લઈ ગઢપુર આવવા નીકળ્યા. જ્યારે ગઢપુર અર્ધો ગાઉ રહ્યું, ત્યારે કેસરાભાઈને એવાં દર્શન થયાં જે, ‘‘મુક્તશ્રી સેવક કાનજીને સાથે લઈને આવે છે.’’ પછી સંઘને ખબર કરી ને સૌ સામા ચાલ્યા તે ગામ બહાર નીકળતાં જ મુક્તરાજશ્રીનાં દર્શન થયાં, તેથી પરસ્પર સૌ હેતથી મળ્યા ને રાજી થયા ને ધનુબાફુઈ પણ મુક્તરાજશ્રીને જોઈને બહુ જ આનંદ પામ્યાં. પછી ગઢપુર આવી ઠાકોરજી ને સંતનાં દર્શન કર્યાં ને રસોઈઓ આપી અને ગઢપુર તો શ્રીજીમહારાજની રમણભૂમિ તેથી સૌને આનંદ વર્તે, ત્યાં આ દિવ્યમૂર્તિ મુક્તરાજશ્રી મોટો સંઘ લઈને પધાર્યા પછી શું ખામી રહે ! પ્રગટ સહજાનંદસ્વામી દાદાખાચરના દરબારમાં લીંબડા નીચે બિરાજમાન થતા ને મુક્તાનંદસ્વામી, બ્રહ્માનંદસ્વામી, દાદાખાચર, સોમલાખાચર આદિ મોટા મોટા સંત-હરિભક્તની સભા બેસતી ને સર્વેને અક્ષરધામના જેવું શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આવતું, તેમ આ સમે પણ સર્વે હેતવાળાને મુક્તશ્રીના જોગથી શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ આવતું.
વળી એક સમયે સભામંડપમાં સંત-હરિભક્તની મોટી સભા ભરાઈને બેઠી હતી અને મુક્તરાજશ્રી તથા કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ સર્વે હરિભક્ત સભામાં આગળ બેઠા હતા. ત્યારે સ્વામી ભક્તિવલ્લભદાસજી તથા ભગવત્સ્વરૂપદાસજી આદિ મોટા મોટા સંતોએ અબજીભાઈશ્રીને કહ્યું જે, ‘‘સર્વે સંતને આપના મુખનાં બે વચન સાંભળવાની ઇચ્છા રહે છે, માટે વાત કરો.’’ ત્યારે મુક્તશ્રી બોલ્યા જે, ‘‘સંતો ! તમારી સેવા શ્રીજીમહારાજ બહુ માને છે. આ ગઢપુર અક્ષરધામ જેવું છે ને શ્રીજીમહારાજ અહીં ઘણું રહ્યા છે ને ઘણી લીલાઓ કરી છે ને વચનામૃતની વાતો કરી છે, તે અત્યારે પણ તમારા સામું જોઈ રહ્યા છે. તમે પણ એક શ્રીજીમહારાજને રાજી કરવાનું તાન રાખજો અને શ્રીજીમહારાજે કહ્યું છે જે, ‘‘આ ગઢડું શહેર, કે આ ઓસરી કાંઈ દેખાતું નથી.’’ બધુંય તેજોમય છે. એકરસ તેજમાં શ્રીજીમહારાજ ઝળસ ઝળસ ઝળકે છે. અનંત મુક્ત એ મૂર્તિના સુખમાં તદાકારપણે રહ્યા છે. સન્મુખ પણ તેજોમય સભા બેઠી છે ને શ્રીજીમહારાજ સૌને સન્મુખ જણાય છે. એ સભા અખંડ છે, અનાદિ છે, તે આપણને મળી છે. શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો છે ને પોતાના કર્યા છે, નહીંતર આવું સુખ ન મળે. એ મૂર્તિથી ક્યારેય નોખા ન પડવું; એ વિના બીજું કોઈ સુખદાયી નથી. મૂર્તિમાંથી નવીન નવીન ખુશબો આવે છે, એ ખુશબોથી તૃપ્ત રહેવું, બહાર વૃત્તિ ન કરવી, પંચવર્તમાન દૃઢ કરીને પાળવાં ને સ્ત્રીધનનો પ્રસંગ કોઈ પ્રકારે થવા દેવો નહિ, તો જ શ્રીજીમહારાજ પોતાનું સુખ આપે.’’ એમ ઘણી વાતો કરીને સર્વેને રાજી કર્યા. આવી રીતે સૌને સુખ આપતા, ઉન્મત્ત ગંગામાં નહાતા ને સાંજ-સવાર લક્ષ્મીબાગમાં દર્શન કરવા જતા. કોઈ વાર ભક્તિબાગ ને રાધાવાવે સભા કરીને બેસતા. અક્ષરઓરડી ને દરબારમાં નીંબવૃક્ષ નીચે દર્શન કરતા હોય, ત્યારે તો વાસુદેવનારાયણના ઓરડા, ઓસરી ને લીંબવૃક્ષ નીચેનો ચોક મુક્તશ્રીએસહિત આ કચ્છી હરિભક્તથી ઊભરાતો હતો. ક્યારેક એ ઠેકાણે મુક્તશ્રીને સર્વે દંડવત્ કરીને મળતા. એક વખત મુક્તશ્રીને અક્ષરઓરડીમાં માનસીપૂજા કરતાં સભાએ સહિત શ્રીજીમહારાજનાં દર્શન થયાં. તેથી ઘણી વાર બેસી રહ્યા હતા. આવી રીતે ગઢપુરમાં શ્રીજીમહારાજ ને શ્રીગોપીનાથ એ આદિ દેવનાં પ્રસાદી સ્થળનાં ને સંત-હરિભક્તનાં દર્શન કરીને સર્વે રાજી થયા. પછી ત્યાંથી ચાલ્યા, તે ધોલેરામાં દર્શન કરીને ધોળકે આવ્યા ને ઠાકોરજી તથા સંતનાં દર્શન કર્યાં. ત્યાં રાત્રીએ મુક્તરાજશ્રીને એવાં દર્શન થયાં, તે જાણે જયતલપુરમાં ધ્રુવાનંદસ્વામીને શ્રીજીમહારાજ અનંત મુક્તે સહિત તેડવા પધાર્યા છે ને પોતે પણ ભેળા છે. આ વખતે ભાઈશ્રીને એમ થયું જે, ‘‘કચ્છનો સંઘ મારી સાથે તીર્થ કરવા નીસર્યો છે, માટે આ મોટા સંતનાં દર્શન સંઘને કરાવું.’’ -એમ જાણી શ્રીજીમહારાજને કહ્યું જે, ‘‘આ સ્વામીને હમણાં રાખો ને કચ્છી સંઘ જયતલપુર પહોંચે ને સ્વામીનાં દર્શન કરે, પછી ચમત્કાર જણાવીને સ્વામીશ્રીને તેડી જાઓ, તોસર્વે હરિભક્ત એ લીલા સંભારે.’’ -આવાં મુક્તરાજશ્રીનાં વચનથી શ્રીજીમહારાજે સ્વામીને રાખ્યા ને આ વાત મુક્તરાજશ્રીએ સંઘને જણાવી. તેથી સંઘ તુરત રવાનાથયો ને જયતલપુરમાં જસાભક્તને શ્રીજીમહારાજે દર્શન આપ્યાં જે, ‘‘મહારાજ માણકીઘોડી ઉપર બેઠેલા ને ધોળાં વસ્ત્ર પહેરેલાં ને વતું વધેલું.’’ -આવાં દર્શન કરીને જસાભક્તે કહ્યું જે, ‘‘હે મહારાજ ! આમ કેમ ?’’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘‘હે ભક્ત ! કચ્છમાંથી સંઘ આવે છે, તે હમણાં અહીં આવશે. જ્યારથી એ સંઘ ચાલ્યો છે, ત્યારથી અમે એમના ભેળા ચાલીએ છીએ. તેમને માર્ગમાં કોઈ લૂંટી ન જાય ને માર્ગ ન ભૂલે, તે માટે આખા સંઘની ચિંતા રાખી અમે સાથે રહીએ છીએ, તેથી તમને આવા દેખાઈએ છીએ.’’ -એમ વાત કરીને અદૃશ્ય થયા. ત્યાં તો સંઘ જયતલપુર આવી પહોંચ્યો ને સૌએ ઠાકોરજી ને સદ્. ધ્રુવાનંદસ્વામીનાં દર્શન કરી ઉતારા કર્યા. પછી સંતોમાંથી એમ વાત સાંભળી જે, આગલી રાત્રે શ્રીજીમહારાજ અનંત મુક્તોએ સહિત સ્વામીને તેડવા પધાર્યા હતા, પણ મુક્તશ્રીના કહેવાથી રાખીગયા છે.’’ થોડી વાર થઈ ત્યાં વાડીમાંથી જસાભક્તે આવીને પોતાને દર્શન થયાં હતાં તે વાત કરી. તેથી સંઘના હરિભક્ત સહુ આશ્ચર્ય પામી ગયા. પછી ત્યાં બે દિવસ રહ્યા. તેમાં સાંજ-સવાર દેવસરોવરમાં નાહવા જતા ને પ્રસાદીના સ્થાનમાં દર્શન કરતા.
એક સમયે ભાઈશ્રીએ મહોલ ઉપર બેસીને વાતો કરી ને સર્વે હરિભક્તોને મળ્યા. પછી ત્યાંથી સંત-હરિભક્તો સહિત ધ્રુવાનંદસ્વામી પાસે આવ્યા ને દંડવત્ કર્યા. તે જોઈ સ્વામીશ્રી સૂતા હતા તોય હાથની સાને કરીને ‘રાખો રાખો’ એમ કહ્યું ને મુક્તરાજશ્રીને હાથ જોડ્યા ને રાજી થયા. તે વખતે મુક્તરાજશ્રી બોલ્યા જે, ‘‘સ્વામી ! સંઘ ઉપર બહુ દયા કરી.’’ ત્યારે સ્વામી કહે, ‘‘આ બધી તમારી દયા છે.’’ આ વાતનો મર્મ સંત-હરિભક્ત મનમાં સમજી ગયા. પછી શ્રીજીમહારાજ અનંત મુક્તો સહિત સ્વામીશ્રીને તેડવા પધાર્યા ને મંદિર, મહોલ, ગામ એ સર્વે ઠેકાણે ચંદનની વૃષ્ટિ થઈ ને સર્વત્ર સુગંધ સુગંધ ફેલાઈ રહી, એ જ વખતે સંત-હરિભક્તોએ સ્વામીશ્રીને દંડવત્ કરી દર્શન કર્યાં ને સ્વામીશ્રી તરત જ દેહત્યાગ કરીને અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં પહોંચ્યા પછી સંઘ અમદાવાદ જવા ચાલ્યો ને સ્વામીએ દેહ મેલ્યો એ ટાણે ચંદનની વૃષ્ટિ થઈ હતી, તે પ્રસાદી-ચંદન સંઘના સઘળા હરિભક્તોએ લઈ લીધું હતું.
ઇતિ વિશ્રામ ૧૫