વિશ્રામ ૫
સર્વના સ્વામી એવા શ્રીજીમહારાજ તેમના સંકલ્પથી પ્રગટ થયેલા બાળસ્વરૂપ એવા મુક્તશ્રી પાંચમા માસને વિષે પોતાની મેળે પૃથ્વી ઉપર બેસવા લાગ્યા અને ઢીંચણભર ચાલવા લાગ્યા અને અર્ધાક્ષર અને કોઈમાં સંપૂર્ણ અક્ષર એવા શબ્દ બોલવા લાગ્યા અને બાળલીલાથી માતાપિતા અને રમાડનારા જન તેમનાં મનને પોતાને વિષે આકર્ષણ કરી આનંદ પમાડવા લાગ્યા. એવા મુક્તરાજશ્રીને ત્રીજું વર્ષ થયું, ત્યારે માતાપિતાએ ચૌલસંસ્કાર કર્યો. પછી મુક્તશ્રી બાળલીલાએ કરીને આનંદ પમાડતા થકા ક્યારેક એક માસ, અને ક્યારેક ચાર માસ પર્યંત અન્ન-જળ, દૂધ-દહીં વગેરે કાંઈ પણ જમ્યા વિના જ મૂર્તિના સુખમાં જોડાઈ રહેતા અને પોતે પોતાની સર્વે ક્રિયા પણ કરતા અને શરીરમાં પુષ્ટ અને તેજસ્વી ને બાળચંદ્રની પેઠે વૃદ્ધિને પામતા એવા મુક્તશ્રીને જોઈને માતાપિતા તથા સર્વે ભક્તજન આશ્ચર્ય પામવા લાગ્યાં. પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુક્ત અને આત્મારામ ને પૂર્ણકામ એવા મુક્તરાજશ્રી તે બાળચરિત્ર કરી પોતાનાં માતાપિતાને અને સર્વ ભક્તજનને આનંદ પમાડતા હતા.
અને એક વખત દેવબાએ તેડ્યા હતા ત્યારે બહુ જ ભાર જણાયો તેથી આશ્રર્ય પામી હેઠા બેસાર્યા, ત્યારે વળી તે મુક્તે લાંબા હાથ કર્યા એટલે ફરીથી તેડ્યા, ત્યારે અતિશય હળવા લાગ્યા. તેણે કરીને દેવબાને અતિ આશ્ચર્ય થયું અને ‘કાલું કાલું’ બોલીને માતાપિતા અને પોતાને રમાડનારા જન તેમની મનની વૃત્તિ પોતાને વિષે આકર્ષણ કરી લેતા. એવા બાળસ્વરૂપ મુક્તને ચોથું વર્ષ થયું, ત્યારે બાળકો સાથે રમવા લાગ્યા. ત્યાર પછી પાંચમા વર્ષમાં અનાદિ મુક્તરાજે ભણવાનું ચાલુ કર્યું. ત્યારે બાળકો સાથે નિશાળે ભણવા જતા અને આંક ને અક્ષરજ્ઞાન શીખ્યા અને ગુજરાતી પાંચ ચોપડી ભણ્યા. પછી તો પોતાની મેળે લખવું, તથા ગમે તે ચોપડી હોય તેને વાંચી તેનો ભાવાર્થ જાણવો, તેમાં પ્રવીણ થયા. તેમ જ વચનામૃત, ભક્તચિંતામણિ, બ્રહ્મવિલાસ અને નિષ્કુળાનંદસ્વામી ગ્રંથ તેને પણ પોતાની મેળે જ વાંચી ભાવાર્થ જાણી લેતા. તથા દેશભાષા અને વ્યાકરણભાષા તથા ધર્મશાસ્ત્ર એ આદિ સર્વે વિદ્યા પોતાની મેળે જ બાલ્યાવસ્થામાં જ ભણી લીધી અને પૌગંડ તથા કિશોર અવસ્થામાં મુક્તરાજશ્રી બ્રાહ્મમુહૂર્તમાં જાગવું, મૂર્તિનું ધ્યાન કરવું ને નામસ્મરણ કરવુંતેને કરતા. પછી શૌચવિધિ અને દાતણ કરી સ્નાન કરતા ને ધોયેલું એક વસ્ત્ર પહેરી તથા બીજું ઓઢી પવિત્ર આસન ઉપર બેસીને માનસીપૂજા કરતા. પછી લલાટ, હૃદય ને બે હસ્ત એ ચાર ઠેકાણે તિલક કરીને પછી શ્રીજીમહારાજની મૂર્તિઓને આવાહનપૂર્વક પધરાવી તે મૂર્તિઓની માનસિક ને પ્રત્યક્ષ એવા ષોડશોપચારે કરીને પૂજા કરતા અને માળા લઈને ‘સ્વામિનારાયણ’ નામના મંત્રનો જપ કરતા, તેમ જ શિક્ષાપત્રીનો પાઠ નિત્યે કરતા. અને બાપાશ્રી પોતે શ્રીજીમહારાજના અનાદિમુક્ત છે, તોપણ ભક્તજનની શિક્ષાને અર્થે નિત્યવિધિ નિયમે કરીને નિત્ય પ્રત્યે કરતા. અને મંદિરમાં ઠાકોરજીને દંડવત્ કરી દર્શન કરવાં, તથા સંત-હરિભક્તનાં દર્શન કરવાં, કીર્તન શીખવાં, ગાવાં તથા વચનામૃત, ભક્તચિંતામણિ આદિ સંપ્રદાયના ગ્રંથની કથા વાંચવી, તે નિયમે સહિત કરતા. તેમ જ ઠાકોરજીની તથા સંત-હરિભક્તની સેવા શ્રદ્ધા અને માહાત્મ્યે સહિત કરતા અને તે મુક્તરાજશ્રીએ બ્રહ્માનંદસ્વામી, મુક્તાનંદસ્વામી આદિ સદગુરુઓને કરેલાં કીર્તન તેમાંથી અગિયારસો ચોસર મુખપાઠે કર્યાં હતાં અને સાયંકાળે પોતાના મિત્રને સાથે લઈને મંદિરમાં આવી આરતી, ધૂન, સ્તુતિ-પ્રાર્થના, દંડવત્ આદિ સર્વે કરતા અને સખાઓ સહિત કીર્તન બોલતા અને કથા વાંચતા. જ્યારે મંદિરમાં મુક્તરાજ વચનામૃત તથા ભક્તચિંતામણિની કથા વાંચતા, ત્યારે પોતાનો સ્વર અતિશય મધુર છે, તેથી કરીને સર્વે સંત-હરિભક્તના મનને હરિ લેતા. અને તે મુક્તશ્રીના મુખકમળની કથા સાંભળનારા સંત-હરિભક્તના ચિત્તનો શ્રીજીમહારાજની મૂર્તિમાં નિરોધ થઈ જતો. ને કેટલાક ભક્તના હૃદયમાં સાક્ષાત્ મૂર્તિ દેખાતી. ને કેટલાક સંત-હરિભક્તને તો સિંહાસનમાં પધરાવેલી મૂર્તિમાંથી ઝળહળાટ છૂટતું ને અપરંપાર ને અતિ શ્વેત, શીતળ ને શાંત એવું તેજ દેખાતું ને તે તેજમાં શ્રીજીમહારાજની મૂર્તિ પણ તેજોમય દેખાયી ને અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી પણ તે મૂર્તિમાં દેખાતા અને ક્યારેક તેજે સહિત મૂર્તિ મુક્તરાજશ્રી પાસે આવીને અદૃશ્ય થઈ જતી એવું કેટલાકને દેખાતું. તેણે કરીને સર્વેને શ્રીહરિની મૂર્તિના સુખનો આનંદ અક્ષરધામમાં છે તેવો જ મુક્ત તથા શ્રીહરિની ઇચ્છાથી છતે દેહે આવતો અને તેથી સર્વ ભક્તજનો આનંદના સમુદ્રમાં ઝૂલતા. અને તે મુક્તશ્રીનાં દર્શન વડે કરીને ત્રિવિધિના તાપથી કોઈને પરાભવ પણ થતો નહિ. આવી રીતે મુક્તશ્રી સર્વેને આનંદ પમાડવા લાગ્યા.
પછી કિશોર અવસ્થાને પામ્યા એવા જે મુક્તરાજશ્રી તે પોતાના સખાને ભગવાન ભજવાનો ઉપદેશ કરતા જે, ‘‘હે મિત્રજનો ! આ દેહ ને દેહના સંબંધી તથા લોક, ભોગ, સમૃદ્ધિ, સુખ તે સર્વ જડ, દુઃખ ને મિથ્યારૂપ છે માટે મહારાજને ભૂલીને તેને અર્થે પ્રયત્ન કરવો નહિ ને તે સારુ મહારાજની આજ્ઞા લોપવી નહિ. અને શ્રીજીમહારાજની મૂર્તિ, મૂર્તિનું સુખ, મૂર્તિનું તેજરૂપ ધામ, ધામમાં રહેતા મુક્ત ને મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત તે સર્વે સચ્ચિદાનંદ-સ્વરૂપ છે, માટે તેને પામવાનું યત્ન કરવું અને આપણા ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. -તે રામ, કૃષ્ણ, નરનારાયણ વાસુદેવ ને સૃષ્ટિકર્તા અક્ષર તે સર્વે અવતારના કારણ ને અવતારી છે. અને અનંતકોટિમુક્ત ને નિત્યમુક્ત તે પણ જેમના ચરણકમળનીસેવા કરે છે એવા છે. અને સ્વતંત્ર, ને સર્વના સ્વામી, ને સર્વને સુખદાતા એવા એક શ્રીજીમહારાજ છે તેમનો દૃઢ આશરો રાખવો ને તેમને વિષે જ દૃઢ નિષ્ઠા રાખવી ને તેમને જ સર્વ કર્તા જાણી ધર્મમાં રહીને માહાત્મ્યજ્ઞાને સહિત તેમની ભક્તિ કરવી. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત એવા શ્રીજીમહારાજના સંત તેમનો સમાગમ ને સેવા કરવી ને તેથી જ જીવનો મોક્ષ થાય છે; અને જે જીવ હિંસા, ચોરી, પરસ્ત્રીનો સંગ, વટલવું, વટલાવવું -એ આદિ પાપ કરે છે તેને ગર્ભવાસ ને નરક ચોરાશીનાં દુઃખ ભોગવવાં પડે છે ને તે અજ્ઞાની છે. અને જે ભગવાનના ભક્ત હોય ને ધર્મવાળા પણ હોય, પણ શ્રીજીમહારાજ ને અનાદિમુક્તનું અસાધારણ માહાત્મ્ય સમજતા ન હોય ને અનાદિમુક્તની સ્થિતિ પણ સમજે નહિ ને પોતામાં કાંઈક વિદ્યા, વિવેક, વૈરાગ્ય આદિ ગુણનું માન હોય, તેથી ભગવાનના ભક્ત ઉપર ક્રોધ-ઈર્ષ્યા કરે ને મોટા અનાદિમુક્તનો અવગુણ લે, દ્રોહ કરે તો તેનાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિ શુભ કર્મ કરેલાં હોય ને સંતની સેવા-સમાગમ કર્યાં હોય, તે સર્વે નાશ પામી જાય છે ને તેને ભૂતના અને બ્રહ્મરાક્ષસના દેહ આવે છે ને દુઃખ ભોગવવાં પડે છે; માટે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે પંચ મહાપાપથી અધિક પાપ છે. તેમ જ ભગવાનની મૂર્તિનું ને શાસ્ત્રનું ખંડન કરવું તે તો અતિ અધિક પાપ છે, માટે આપણે તેવાં પાપકર્મ ન કરવાં અને અધર્મને માર્ગે ક્યારેય ચાલવું નહિ અને વિષયવાસના ને દેહાભિમાન તેનો ત્યાગ કરીને ને ધર્મમાં રહીને ભગવાન ભજવા ને પ્રગટ શ્રીજીમહારાજ અથવા અનાદિમુક્ત મળે તેમને ઓળખીને તેમને શરણે થાય તો સર્વે સાધન પૂરાં થાય છે; તેને કાંઈ કરવું બાકી રહેતું નથી અને તેનો આત્યંતિક મોક્ષ થાય છે.’’ -એમ તે મુક્તશ્રી બાળ અવસ્થામાં તથા કિશોર અવસ્થામાં પોતાના મિત્રને શિક્ષા-ઉપદેશ કરીને પ્રત્યક્ષ ભગવાનનું ધ્યાન-ભજન કરાવતા અને નિયમધર્મમાં રહેતા અને રખાવતા.
ઇતિ વિશ્રામ ૫