વિશ્રામ ૫૫

ત્યાર પછી અનાદિ મુક્તરાજશ્રી દિવ્યમૂર્તિ છે, તોપણ મનુષ્યલીલા કરવા લાગ્યા; તે શું, તો સ્વામી ઈશ્વરચરણદાસજી, બ્ર. નિર્ગુણાનંદજી, સ્વામી વૃંદાવનદાસજી ને સાધુ કેશવપ્રિયદાસ આદિ સંતને પાસે બોલાવીને કહ્યું જે, ‘‘અમને ગરમી બહુ થાય છે અને ગરમીથી લઘુનો પણ ખુલાસો થતો નથી ને તેની પીડા પણ બહુ થાય છે માટે તેની શાંતિનો કાંઈક ઉપાય કરો.’’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘‘તેનો શું ઉપાય કરીએ ?’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘લીલી દ્રાક્ષ લાવો; તો તે જમીએ ને તેથી લઘુનો પણ ખુલાસો થાય.’’ પછી હરિભક્તને ભૂજ મોકલીને બજારમાં ને વાડીઓમાં લીલી દ્રાક્ષની તપાસ કરાવી પણ ક્યાંય મળી નહિ. ત્યારે સ્વામી ને બ્રહ્મચારી તેમણે કહ્યું જે, ‘‘બાપા ! લીલી દ્રાક્ષ તો મળતી નથી.’’ ત્યારે મુક્તરાજશ્રી કહેવા લાગ્યા જે, ‘‘આ બ્રહ્માંડમાં લીલી દ્રાક્ષ તો ગાડાં ભરીએ તેટલી પડી છે. અને એક સમયે અમે અમદાવાદ ગયા હતા, ત્યારે હરિભક્ત લીલી દ્રાક્ષ લાવીને ઢગલા કરતા અને અમે જમતા, અને તે જમવાથી અમને લઘુએ ગરમીનો રોગ હતો તે મટીને સારું થયું. અને તમને તો અમારા સારુ એક પાશેર દ્રાક્ષ પણ મળતી નથી અને અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ મહાપુરુષાદિક દેવ જેમ શ્રીજીમહારાજને સારુ અનંત પ્રકારની ભેટો લાવે છે, તેમ તેમના મુક્તને સારુ પણ લાવે છે, પરંતુ મહારાજ ને મુક્ત તેના સમું જોતા નથી પણ પ્રેમી ભક્તના મનોરથ પૂરા કરવા સારુ તેમની સેવા અંગીકાર કરે છે. તેમ અમને પણ એક મૂર્તિ વિના બીજું કાંઈ ગમતું નથી; એક મૂર્તિના સુખમાં જ અખંડ નિમગ્ન રહીએ છીએ અને જે કાંઈ ખાઈએ પીએ છીએ, તે તો જીવને સુખિયા કરવા સારુ છે.’’ ત્યારે સ્વામી અને બ્રહ્મચારીએ હાથ જોડીને કહ્યું જે, ‘‘હે બાપા ! આપ સત્ય કહો છો ને આ લીલા તો અમારા સુખને અર્થે છે ને અમારે આપની સેવા તો કરવી જ જોઈએ.’’ તે સમે ભૂજના રાજાના હજૂરી જેઠી ઘેલાભાઈ પાસે બેઠા હતા, તેમણે સ્વામીને તથા બાપાશ્રીને કહ્યું જે, ‘‘ હું હજૂર સાહેબ પાસે જઈને લીલી દ્રાક્ષ લઈ આવું.’’ -એમ કહી તુરત પોતાની ઘોડાગાડીમાં બેસીને ભૂજ ગયા ને તે જ સમયે લીલી દ્રાક્ષનો કંડિયો દેશાંતરથી હજૂર સાહેબ સારુ આવ્યો હતો, તેને જોઈને ઘેલાભાઈએ હજૂર સાહેબને કહ્યું જે, ‘‘હે રાજન્‌ ! અમારા ગુરુ મુક્તરાજ અબજીબાપાશ્રી ગરમી છે તેથી તેમને લીલી દ્રાક્ષ જોઈએ છીએ, પણ ક્યાંય મળતી નથી.’’ ત્યારે રાજાએ કહ્યું જે, ‘‘આ દ્રાક્ષ આપણા સારુ આવી છે તે લઈ જાઓ ને મુક્તરાજને જમાડો.’’ ત્યારે જેઠી ઘેલાભાઈ લીલી દ્રાક્ષનો કંડિયો લઈ ઘોડાગાડીમાં બેસીને તુરત વૃષપુર આવ્યા અને બાપાશ્રીને નમસ્કાર કરી લીલી દ્રાક્ષનો જે કંડિયો તે બાપાશ્રી પાસે મેલ્યો, ત્યારે બાપાશ્રીતથા સ્વામી ને બ્રહ્મચારી રાજી થયા. પછી સ્વામી શ્વેતવૈકુંઠદાસજીએ કંડિયામાંથી દ્રાક્ષ કાઢી, અને ધોઈને ઠાકોરજીને ધરાવી. પછી બાપાશ્રીને જમાડવા લાગ્યા અને બાપાશ્રી તે દ્રાક્ષ જમીને રાજી થયા ને ઘેલાભાઈને મળ્યા અને રાજી થઈને માધુબા સાહેબને મોક્ષ થવાનો આશીર્વાદ આપ્યો.

વળી બીજે દિવસે બાર વાગ્યા પછી બાપાશ્રી મંદિરની ઓસરીમાં પલંગ રખાવીને સૂતા હતા ને આગળ પગથિયાની ઝેરે ટટ્ટીઓ બાંધી હતી અને હરિભક્તો પાણી છાંટતા હતા. તે સમયે સાધુ કેશવપ્રિયદાસે તે વધેલી દ્રાક્ષ હતી તેને ધોઈને ઠાકોરજીને ધરાવી. પછી બાપાશ્રીના મુખમાં મેલીને જમાડવા માંડી. ત્યારે બાપાશ્રી સૂતા સૂતા જમવા લાગ્યા ને ફોતરાંને મુખમાંથી કાઢી નાખીને જમતા હતા. એવી રીતે બાપાશ્રી તે મંદવાડમાં લીલા કરતા અને સર્વેને સુખ આપતા.

ત્યાર પછી અસાડ માસની બીજી એકાદશી આવી અને બાપાશ્રીને છત્રીએ ચરણારવિંદ પધરાવ્યાં તે દિવસથી દર એકાદશીએ છત્રીએ દર્શન કરવા જવાનો નિયમ છે, એ હેતુ માટે મંદવાડમાંથી પોતાને કાંઈક સારું પણ થયું છે તેથી એકાદશીને દિવસે છત્રીએ દર્શન કરવા જવાની ઇચ્છા કરી અને પોતે ચાર વાગે સ્નાન કરવા ઊઠ્યા ને સેવકે સ્નાન કરાવીને પૂજા કરાવી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતને છત્રીએ જવાની વાત કરી. ત્યારે બાપાશ્રી તથા સ્વામીના કહેવાથી સાધુ ગોપીવલ્લભદાસજી ને સેવક જાદવજીભાઈ તેમણે બાપાશ્રીના પલંગની ઉપર કેતકીની વળીઓ બાંધી ને બે જણા આગળ ને બે જણા પાછળ-એમ પાલખીની માફક બાપાશ્રીના પલંગને ઉપાડીને ચાલ્યા ને સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ કેટલાક સંત બાપાશ્રીના પલંગ સાથે ચાલ્યા અને બીજા સદગુરુ આદિ સંતમંડળ પૂજાઓ કરીને કેડેથી છત્રીએ આવ્યા અને બાપાશ્રીનાં તથા છત્રીનાં દર્શન કર્યાં.

ત્યાર પછી મુક્તરાજશ્રીએ ઘડીક વાર છત્રીએ બેસીને વાતો કરી જે, ‘‘જેમ શરદઋતુમાં સ્વાંત નક્ષત્ર આવે છે તેમાં વરસાદ થાય, તેને સમુદ્રમાં છીપો રહી છે તે અધર ઊછળી ઝીલે છે તેનાં સાચાં મોતી થાય છે, પણ જે છીપો પડી પડી ઝીલે તો તેનાં ફટકિયાં મોતી થાય છે; તેમ આજ અમે તમને મળ્યા છીએ તે શરદઋતુ બેઠી છે, માટે અમારાં વચન અધરથી ઝીલવાં અને અમારો સમાગમ બાર મહિનામાં એક વાર ન થાય તો કાળ પડ્યા જેવું જાણવું. જેમ ચોમાસામાં વરસાદ ન થાય તો અન્ન પાકે નહિ ને દુઃખી થવાય તેમ સમાગમ વિના જ્ઞાન થાય નહિ ને મૂર્તિથી ઓરું રહેવાય માટે સમાગમ કરી લેવો.’’ પછી હરિભક્ત પાસે પલંગને ઉપડાવીને મંદિરમાં આવ્યા ને કથાવાર્તા કરીને પોતે ફળાહાર કર્યો અને મંદિરના ચોકમાં મોટી જામફળી નીચે પલંગમાં બેઠા હતા. તે સમે મુક્તરાજ બાપાશ્રીએ પટેલ ધનજી તથા પટેલ ઝીણા આદિ મોટેરા હરિભક્તને પાસે બોલાવ્યા અને તેમને કહ્યું જે, ‘‘આવતી અમાસને દિવસે કથાની સમાપ્તિ છે તેનો આપણે છત્રીએ યજ્ઞ કરવો છે તેને માટે ઘી, ગોળ, ઘઉં, ચોખા આદિ સામાન -તે ગાડાં જોડીને માંડવી બંદરથી લઈ આવો ને છત્રીએ પાકશાળા કરો. તેમાં વાસણ, ઇંધણાં આદિ જે જોઈએ તે તૈયાર કરો અને સર્વે ગામડાંમાં અને ભૂજમંદિરમાં સંતમંડળને અને હરિભક્તને કંકોત્રીઓ લખી મોકલો.’’ -એમ કહ્યું ત્યારે તે હરિભક્તોએ બાપાશ્રીના કહેવા પ્રમાણે તે સર્વે સામગ્રી તૈયાર કરી અને કંકોત્રીઓ પણ લખીને મોકલાવી.

હવે બાપાશ્રી બારશના દિવસે પાંચ વાગે સ્નાન કરીને માનસીપૂજા કરવા સારુ ઢોલિયામાં બેઠા હતા. તે સમે બ્ર. નિર્ગુણાનંદજીએ બાપાશ્રી સારુ જમવાની રસોઈ તૈયાર કરી બાપાશ્રી પાસે આવીને જમવા પધારવા માટે વિનંતી કરી, પણ બાપાશ્રી તો માનસીપૂજા કરતા હતા તેથી જાગ્યા નહિ. પછી માનસીપૂજા કરીને સ્વામી ઈશ્વરચરણદાસજીને તથા બ્રહ્મચારીને કહેવા લાગ્યા જે, ‘‘અમે માનસીપૂજા કરતા હતા તેથી બોલ્યા નહિ, માટે એકાગ્ર મન વડે કરીને માનસીપૂજા કરવી. અને જે ભગવાનના ભક્ત નિત્યે પોતાના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની માનસીપૂજા કરે છે તે ભક્ત આ લોક-પરલોકમાં સુખી થાય છે અને તેનાં પાપ સર્વે નાશ પામી જાય છે. અને માનસીપૂજા કરવાથી સ્ત્રી, પુત્ર અને ધનની તત્કાળ પ્રાપ્તિ થાય છે, એવી શ્રીજીમહારાજની માનસીપૂજા છે. તેને ભગવાનના ભક્ત એવાં જે સ્ત્રીઓ ને પુરુષો પાંચ વખત કરે છે તેમને શ્રીજીમહારાજની મૂર્તિમાં નિત્ય પ્રત્યે સ્નેહની વૃદ્ધિ થાય છે; અને જે શ્રીજીમહારાજના આશ્રિત પુરુષ હોય તથા સ્ત્રી હોય, પણ તે જો માનસીપૂજા કર્યા વિના અન્ન ખાય છે અને પાણી પીએ છે તેમને માંસભક્ષણ કર્યા જેટલો અને મદિરાપાન કર્યા જેટલો દોષ લાગે છે, માટે શ્રીહરિના આશ્રિત જે સ્ત્રીઓ ને પુરુષો હોય તેમણે પ્રથમ માનસીપૂજા કરીને પછી અન્નજળ ખાવું.’’ હવેમાનસીપૂજા કરવાની પાંચ વખતની નોખી નોખી વિક્તિ કહીએ છીએ :-

(૧.૨) પ્રથમ પોતાના આત્માને ત્રણ દેહથી પૃથક્‌ માની, ને શ્રીજીમહારાજના પ્રકાશ તાથે આત્માની એકાત કરી તેજમાં મૂર્તિ ધારીને ધ્યાન કરવું. પછી શ્રીજીમહારાજ સૂતા હતા તે જાગ્યા અને શૌચવિધિ ને દાતણ કર્યું. પછી સુગંધીમાન ને સારા જળની ધારાથી ભગવાનના અંગેઅંગનું મર્દન કરીને હું સ્નાન કરાવું છું-એમ શ્રીજીમહારાજને ધારવા. પછી ઋતુ પ્રમાણે વસ્ત્ર, આભૂષણ, અત્તર, ચંદન-પુષ્પાદિક ધારણ કરાવવાં ને ધૂપદીપ સાકર-એલાયચી નાખીને કઢેલું દૂધ તથા જલેબી, મૌતેયા વગેરે જમવાનું ભગવાનને ધરવું અને ભગવાન જમે છે, પછી જળપાન કર્યું -એમ શ્રીહરિને ધારવા. પછી પ્રસાદીથી ભક્તની પૂજા કરવી. આમાં મંગળા ને શણગાર-આરતી સમયની બે માનસીપૂજાઓ થઈ. (૩) પછી અગિયાર વાગ્યાના સમયે પોતાના હૃદયાકાશરૂપ ચિદાકાશમાં બિરાજમાન એવા શ્રીજીમહારાજ તેમનું ધ્યાન કરવું. પછી પોષાંગ ઉતારીને બે વસ્ત્ર ધાર્યા છે અને પાટલા ઉપર બિરાજમાન એવા શ્રીહરિને આગળ અનેક પ્રકારના દિવ્ય પાત્રમાં દિવ્યભોજન ધર્યાં છે, તેને શ્રીજીમહારાજ જમે છે અને અનંત મુક્ત દર્શન કરે છે. પછી જમીને જળપાન કર્યું અને મુખવાસ જમે છે એવા શ્રીજીમહારાજને ધારવા. પછી પ્રસાદીથી ભક્તને ભોજન કરાવવું અને શ્રીહરિને પોતાનો આત્મા તે રૂપ ધામમાં ધારવા. આ ત્રીજી માનસીપૂજા કહેવાણી. (૪) અને પાછલા પહોરમાં શ્રીજીમહારાજ પોઢ્યા હતા તે જાગ્યા-એમ ધારીને દિવ્યજળ ને દિવ્યમેવા અર્પણ કરવા. અને કોઈ વખત માણકીઘોડી ઉપર અસવાર થઈને સંત-હરિભક્ત સહિત ઘેલા નદીએ સ્નાન કરવા પધાર્યા છે ને જળમાં સંત-પાર્ષદની સાથે ઘણીવાર જળક્રીડા કરી. પછી વસ્ત્ર પહેરીને દરબારમાં આવી લીંબતરુ નીચે ઢોલિયામાં બિરાજમાન થયા ને સંત-હરિભક્તની સભા બેઠી છે-એમ ધારવા. આ ચોથી માનસીપૂજા જાણવી. (૫) પછી આરતી સમયે અનંત મુક્તે સહિત ભારે શોભાએ જુક્ત આરતી કરવી, ને મુક્તની સભામાં બિરાજમાન એવા શ્રીહરિનું ધ્યાન કરવું. પછી વસ્ત્ર-આભૂષણ ઉતારીને બે વસ્ત્ર ને ઉપવીતને કંઠી તેથી શોભતા એવા શ્રીજીમહારાજનું ધ્યાન કરવું. પછી દિવ્ય ખીચડી, કઢી, પૂરી, શાક આદિ ભોજન જમાડીને જળપાન કરાવવું. પછી ધ્યાન કરવું. ત્યાર પછી દૂધપાન કરાવીને શયન કરાવવું એમ પાંચ પ્રકારે માનસીપૂજા કરવી.’’ -એમ વાત કરીને બાપાશ્રી મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિનાં દર્શન કરવા ગયા. પછી આવીને જમવા બેઠા ને બ્રહ્મચારીએ બાપાશ્રીને શીરો, પૂરી, શાક આદિ ભોજન પીરસીને જમાડ્યા ને જમીને મંદિરમાં ઢોલિયામાં સૂતા.

ઇતિ વિશ્રામ ૫૫