વિશ્રામ ૬૫
સંવત ૧૯૭૯ની સાલમાં સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ ને જીવા પટેલ આદિ હરિભક્ત તેમણે મૂળીનો પાટોત્સવ કરવાનું નક્કી કર્યું પછી સંતોએ પાટોત્સવનો ખરડો કરવા ગામેગામ જઈને હરિભક્તોને વાત જણાવી. ત્યારે હરિભક્તોએ પાટોત્સવ થાય તેટલા રૂપિયા કરી આપ્યા ને મૂળીમાં પાટોત્સવનું કામ ચાલુ કરવા માંડ્યું ને હજારો મણ ઘી, ખાંડ, લોટ વગેરે સામાન આવી ગયો ને વાડીમાં ઉતારા વગેરેની સગવડ પણ કરી દીધી, ત્યારે કોઈકે રાજકોટ-સાહેબને અરજી કરીને પાટોત્સવ બંધ રખાવ્યો. તેથી સ્વામી ઈશ્વરચરણદાસજી બાપાશ્રી પાસે આવ્યા ને બાપાશ્રીને વાત જણાવી. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘મૂળીએ જાઓ ને સાહેબને અરજી કરાવો.’’ પછી સ્વામીએ મૂળીએ આવીને શેઠ બળદેવભાઈ તથા મૂળી-દરબારને મળીને સાહેબને અરજી કરી. ત્યારે સાહેબે પાટોત્સવ કરવાની રજા આપી અને કોઈ વિઘ્ન ન કરી શકે તે સારુ પોલીસપાર્ટી પણ આપી. પછી યજ્ઞનું કામ ચાલુ કરવા માંડ્યું ને યજ્ઞમંડપ બહુ શોભાયમાન કર્યો. તેમાં હોમ કરવાનો કુંડ કર્યો ને પાકશાળા, શીરાના હોજ ને વાસણ આદિ સર્વે સામગ્રી તૈયાર થઈ. પછી સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજીને અને આશાભાઈને સાથે લઈને બાપાશ્રીને તેડવા ગયા ને બાપાશ્રીને મળ્યા. ત્યારે બાપાશ્રીએ પૂછ્યું જે, ‘‘યજ્ઞ થાશે કે નહિ ?’’ ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘‘એ તો આપ જાણો; જો યજ્ઞ થાય તેમ હોય તો પધારો, નહિતર હું પણ આપની સેવામાં અહીં જ રહીશ.’’
તેવાં વચન સાંભળીને બાપાશ્રી બોલ્યા જે, ‘‘આ યજ્ઞ શ્રીજીમહારાજનો છે ને અમારે કરવો છે તેને કોણ બંધ કરનાર છે ?’’ પછી સ્વામીએ કહ્યું જે, ‘‘આપ વા જણાવો છો તેનું શું કરશો ?’’ ત્યારે કહ્યું જે, ‘‘તેને તો રજા આપશું.’’ પછી સ્વામી કંકોતરીઓ સાથે લાવ્યા હતા -તે બાપાશ્રીને આપી ને કચ્છનાં ગામડાંઓમાં તથા બીજા દેશમાં પણ મોકલાવી દીધી. ને કચ્છની કંકોતરીઓમાં બાપાશ્રીએ સાથે સાથે એમ પણ લખાવ્યું જે, ‘‘અમારે અહીંથી કાલે ત્રીજને દિવસ નીકળવાનું છે ને તમે સર્વે ધનજીભાઈની સાથે ચોથના મૂળીએ આવશો.’’ પછી બાપાશ્રી ને સ્વામી ઈશ્વરચરણદાસજી ઠાકોરજી જમાડીને ભૂજ આવ્યા ને સ્વામીશ્રી તાર-ઑફિસમાં ગયા ને બાપાશ્રી મૂળીએ યજ્ઞમાં પધારે છે, એવા સમાચાર જે જે ઠેકાણે આપવાના હતા ત્યાં ત્યાં તાર કરાવીને મંદિરમાં આવ્યા, ને બાપાશ્રી તો મોતીભાઈને ઘેર મગનલાલને દર્શન દેવા ગયા હતા તે તેમને દર્શન દઈત્યાંથી મંદિરમાં આવ્યા. પછી સ્વામીએ સર્વે સંત-હરિભક્તને કહ્યું જે, ‘‘પાટોત્સવનું નક્કી થયું છે, ને તમે સર્વે ચાલો; અમે જઈએ છીએ.’’ -એમ વાત કરી. પછી બ્ર. નિર્ગુણાનંદજીએ ખીચડી કરી હતી-તે બાપાશ્રી તથા સ્વામીને જમાડી, ને બીજે દિવસ બાપાશ્રી તથા સ્વામી નિત્યવિધિ કરી ઠાકોરજી જમાડી સ્ટેશને આવીને રેલગાડીમાં બેઠા. તે સમે ઘણા સંત તથા હરિભક્ત બાપાશ્રીનાં દર્શન કરવા સ્ટેશને આવ્યા હતા તેમને દર્શન દઈને બાપાશ્રી તૂણે થઈ ને જામનગર આવ્યા ને ત્યાંથી રેલે બેસી રાજકોટ થઈ મૂળી-સ્ટેશને ઊતર્યા. ત્યાં મૂળીના સંતો તથા હજારો હરિભક્તો બાપાશ્રી સામા આગળથી આવ્યા હતા. તેમણે બાપાશ્રીનાં દર્શન કર્યાં ને ઘણા રાજી થયા ને બાપાશ્રીને સગરામમાં બેસાર્યા અને સ્વામી તથા શેઠ બળદેવભાઈ અને નાગરદાસભાઈ બાપાશ્રીની સાથે બેઠા ને મંદિરને દરવાજે આવ્યા. તે સમે ત્યાં ઘણા માણસની ભીડ હતી ને ચાલવાનો માર્ગ પણ નહોતો, તેથી પોલીસો આવીને આગળ માર્ગ કરવા લાગ્યા ને ચોકમાં સગરામ આવ્યો. પછી બાપાશ્રી હેઠા ઊતરીને મંદિરમાં દર્શન કરવા પધાર્યા. તે સમે સ્વામી ઈશ્વરચરણદાસજી તથા શેઠ બળદેવભાઈ આદિ હરિભક્ત સાથે હતા. તેઓ મંદિરમાં સુખ-સજ્યાનાં દર્શન કરી રાધાકૃષ્ણ-હરિકૃષ્ણ મહારાજ આગળ આવી ઊભા રહીને દર્શન કરતા હતા. તે સમયે શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિનાં અતિ તેજોમય એવાં દર્શન બાપાશ્રી પાસે ઊભા રહેલા હરિભક્તને થયાં તેથી તેમણે બીજા હરિભક્તને વાત કરી, તે વાત સાંભળીને સર્વેને અતિશય આનંદ આવી ગયો ને વિઘ્નની શંકા ટળી ગઈ. વળી બાપાશ્રી યજ્ઞમંડપમાં પધાર્યા ત્યારે સર્વે બ્રાહ્મણો ઊભા થયા ને બાપાશ્રીના હાથે નાળિયેર તથા ઘી યજ્ઞ-કુંડમાં હોમાવ્યું. તે સમે સર્વે બ્રાહ્મણોએ મળીને આરતી કરી ત્યારે તે યજ્ઞમંડપમાં દિવ્યસ્વરૂપે શ્રીજીમહારાજનાં ને બાપાશ્રીનાં જોડાજોડ દર્શન થયાં. તે જોઈ સર્વે બ્રાહ્મણ ને સર્વે સત્સંગી અતિ આશ્ચર્ય પામ્યા ને જેમ અસાડ માસમાં વરસાદ વરસે ને લૂક મટીને ઠંડી હવા થઈ જાય, તેમ સર્વનાં હૃદયમાં ઉદ્વેગ મટીને શાંતિ પ્રસરી ગઈ. પછી બાપાશ્રી સભામંડપમાં પધાર્યા ને ઘણી વાર બેઠા. તે સમે સર્વે સાધુ-સત્સંગી દર્શન કરવા આવ્યા ને દર્શન કરીને સભામાં બેઠા ને બાપાશ્રીએ પણ ઘણી વાર સભામાં વિરાજીને દર્શન દીધાં. પછી બાપાશ્રી તથા સ્વામી મેડા ઉપર ઉતારે પધાર્યા ને બાપાશ્રીએ નાહી ધોઈ તથા ઠાકોરજી જમાડીને રાત્રીએ ઘડી વાર વિશ્રાંતિ કરી.
પછી બીજે દિવસ સવારમાં બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજી, પુ. ધર્મકિશોરદાસજી ને ગુણાતીતદાસજી તેમને બોલાવીને કહ્યું જે, ‘‘આ પાટોત્સવમાં શીરો ખૂટવા દેવો નથી માટે હવે શીરો કરાવવો બંધ રાખવો; આ કર્યો છે તેમાંથી અર્ધો પણ નહિ વરે ને યજ્ઞ થઈ રહ્યા પછી ગાડામાં લઈ જઈને ગામેગામ વહેંચાશે તોય ખુટવાની વાત જ નથી.’’ -એમ કહીને શીરો કરવો બંધ રખાવ્યો. પછી બાપાશ્રી સંતોએ સહિત પાકશાળામાં જોવા પધાર્યા ને ત્યાં શીરાના મોટા મોટા ત્રણ હોજ ભર્યા હતા, તેની પાસે શ્રીજીમહારાજની મૂર્તિ પધરાવી ને મહારાજને ઝાળ જમાડ્યો. પછી બાપાશ્રીએ હોજમાં સાકરની પ્રસાદી નાખી, ને સ્વામી ગુણાતીતદાસજી ને પુ. ધર્મકિશોરદાસજી વગેરે સંતને કહ્યું જે, ‘‘હરિભક્તને ગમે તેમ જમાડશો ને ગાડાં ભરી ભરીને આપશો તોપણ શીરો ખૂટવાનો નથી. અને ધનજીભાઈ કચ્છનો મોટો સંઘ લઈને આવ્યા હતા તેમને તો શીરાનો એક હોજ સોંપ્યો ને કહ્યું જે, ‘‘આમાંથી તમારે સૌને જમાડવા;’’ -એમ કહીને બાપાશ્રી મંદિરમાં પધાર્યા. પછી લાખો મનુષ્ય બે દિવસ સુધી જમ્યાં ને બળદ, ગાયો, ભેંસો વગેરે પશુઓને પણ શીરો ખવરાવ્યો ને વાસણો ભરી ભરીને લઈ જવાની છૂટ આપી તોપણ શીરાના હોજમાં શીરો એમ ને એમ જણાતો હતો. આવો અલૌકિક પ્રતાપ જોઈને સર્વેને એમ થયું જે, ‘આ યજ્ઞમાં શ્રીજીમહારાજ ને મોટા મુક્ત આવ્યા છે, તેમના પ્રતાપથી આ યજ્ઞ થયો.’’
અને પાટોત્સવને દિવસે કેટલાક મોટા મોટા દરબારો મોટરોમાં બેસીને દર્શન કરવા આવ્યા હતા ને ઘણી જ ધામધૂમ થઈ હતી. આવી રીતે આનંદમય એવો શતવાર્ષિક-પાટોત્સવ સંપૂર્ણ થયો પણ તેમાં વિઘ્ન આવતાં છતાં કોઈ વિઘ્ન નડ્યું નહિ, તે પ્રતાપ શ્રીજીમહારાજ તથા અનાદિમુક્ત બાપાશ્રીનો છે -એમ સર્વેને જણાયું. બીજે દિવસે બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને વાડીમાં પ્રસાદીના સ્થાને દર્શન કરવા ગયા. ત્યાં સૌ નાના-મોટા-બાઈ-ભાઈ સર્વેને દર્શન દીધાં ને કચ્છના ધનજીભાઈ આદિ હરિભક્ત પાસે આવીને વાત કરી જે, ‘‘આ યજ્ઞનું કામ પૂરું થઈ ગયું; હવે અહીંથી જેને પાછું વળવું હોય તે ભલે વળે ને કોઈને અમદાવાદ કે વડતાલ દર્શન કરવા જવું હોય તો તે સુખેથી જાઓ, પણ મારે તો અમદાવાદ રોકાવું પડશે; કેમ કે જે જાદવજીની આંખો ડૉ. નાગરદાસ પાસે બતાવવાની છે ને તે અમદાવાદ લઈ જવાનો આગ્રહ કરે છે.’’ -એમ વાતો કરીને મંદિરમાં પધાર્યા.
હવે તે વખતે સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજી ને સદ્. સ્વામી વૃંદાવનદાસજીને આસને હરિભક્તોની સભામાં એમ વાત થઈ હતી જે, ‘તમે બાપાશ્રીને સાથે લઈને આ દેશમાં ગામેગામ પધારો તો સારું.’ ત્યાં તો બાપાશ્રી ત્યાં આવ્યા ને ‘જય સ્વામિનારાયણ’ કરીને બેઠા એટલે સ્વામીએ હરિભક્તોની વતી બાપાશ્રીને કહ્યું જે, ‘‘આ હરિભક્તો આપને ગામેગામ પધારી દર્શન દેવા વિનંતી કરે છે.’’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘‘અમે તો અમારો એકેય ઠરાવ રાખ્યો નથી. જેમ સંત-હરિભક્ત રાજી થાય તેમ કરીએ છીએ.’’ -એમ વાત સાંભળીને સ્વામી ઈશ્વરચરણદાસજીએ શેઠ બળદેવભાઈ આદિ હરિભક્તને કહ્યું જે, ‘‘પ્રથમ તો બાપાશ્રીને અમદાવાદ આવવાનું નક્કી કર્યું છે; કેમ જે જાદવજીની આંખોની દવા કરાવવી છે તેથી ત્યાં જવું, ને ત્યાં ગયા પછી જેમ સહુ રાજી થશે તેમ કરશું.’’ આવી રીતે વાત થતી હતી ત્યાં ઠાકોરજીના થાળ થયા. પછી ઠાકોરજી જમાડી તૈયાર થઈ સંતોએ સહિત બાપાશ્રી સ્ટેશન પધાર્યા. તે વખતે બાપાશ્રી સાથે સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી ને પુ. ધર્મકિશોરદાસજી આદિ સંતો હતા તે બધા ગાડીમાં બેસીને વઢવાણ આવ્યા. ત્યાં બાપાશ્રી મણિલાલભાઈ ને નાગરદાસભાઈના હેતથી તેમને ઘેર જમી બીજે દિવસ રેલમાં બેસીને અમદાવાદ સ્ટેશને ઊતર્યા ત્યાં પણ શેઠ બળદેવભાઈ વગેરે ઘણા હરિભક્ત સામા આવ્યા હતા, તેમણે બાપાશ્રીને દંડવત્ પ્રણામ કરીને ફૂલના હાર પહેરાવ્યા અને બળદેવભાઈ મોટર લાવ્યા હતા, -તેમાં બેસીને તેમનીસાથે તેમની અસારવા મિલમાં પધાર્યા ને સર્વે સંત સરસપુર -મંદિરમાં ગયા.
પછી ગુજરાત આદિ દેશના ઘણા હરિભક્ત આવી ને બાપાશ્રીને પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘બાપા ! અમારે ગામ પધારવા દયા કરો.’ ત્યારે બાપાશ્રી મોટા મંદિરમાં દર્શન કરી ને આચાર્યશ્રી તથા સર્વે સંતને મળી સદગુરુ આદિ સંત સહિત રેલગાડીમાં બેઠા, તે છારોડી સ્ટેશને ઊતરી ગાડામાં બેસી ખંડેરપરા થઈને ગામ મેડે પધાર્યા. ત્યાં મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી થોડી વાર બેઠા ને સર્વે હરિભક્તોએ બાપાશ્રીની પૂજા કરી. પછી બાપાશ્રીએ ઠાકોરજીની આરતી ઉતારી. પછી મોહનભાઈને ઘેર જમ્યા ને સર્વેને દર્શન દઈ બીજે દિવસે મણિપુરા પધાર્યા ને બાઈઓના મંદિરમાં મૂર્તિઓ પધરાવી, ને ત્યાંના પટેલ જીવાભાઈ તથા ઝવેરભાઈ આદિ સર્વેને રાજી કરીને તથા જમીને બીજે દિવસે જોશીપરે પધાર્યા. ત્યાં હરિભક્તને દર્શન દઈ ત્યાંથી કલ્યાણપરે આવ્યા, ત્યાંથી દેવપરા આવ્યા, ત્યાં ઠાકોરજી જમાડીને ધર્મપુર પધાર્યા. ત્યાં એકાદશીનું ફળાહાર કરી ત્યાંથી ઘોઘામઠ ને પુંડરપુરમાં ઠાકોરજીનાં દર્શન કરી ગામ વિશોદપરે આવ્યા. ત્યાં ખીચડી જમાડી ગાડામાં બેસીને કડી પધાર્યા. ત્યાં ઠાકોરજી જમાડી હરિભક્તોના આગ્રહથી ઘેર ઘેર જઈને દર્શન આપ્યાં ને કડીથી કુંડાળના હરિભક્તને દર્શન દઈને મંદિરમાં દર્શન કરીપાછા કડી આવ્યા, ત્યાંથી ઉનાવાના હરિભક્તની પ્રાર્થના સાંભળી ઉનાવે ગયા. ત્યાં મંદિરમાં દર્શન કરી થોડી વાર કથાવાર્તા કરી. પછી ગામના સર્વે હરિભક્ત દર્શન કરવા આવ્યા, તે સર્વેને બાપાશ્રીએ દર્શન દીધાં. પછી ત્યાંથી વાસણે પધાર્યા. ત્યાં મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિનાં દર્શન કરીને આરતી ઉતારી ને હરિભક્તના ઘેર પગલાં કરી ઠાકોરજી જમાડી રાત રહ્યા, ત્યાંથી કલોલ થઈ આદરેજ તથા ધમાસણાના હરિભક્તને દર્શન દઈ પાછા અમદાવાદ શેઠ બળદેવભાઈની મિલમાં પધાર્યા. ત્યાં જાદવજીની આંખની દવા ચાલતી હતી ને કરાંચીના હરિભક્તોએ બાપાશ્રીને કરાંચી આવવા વિષે તાર-કાગળો લખ્યા હતા. પછી તેઓ બાપાશ્રીને તેડવા અમદાવાદ આવ્યા ને બાપાશ્રીને ઘણી પ્રાર્થના કરી. ત્યારે બાપાશ્રીએ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘‘તમે ભેગા ચાલો તો આપણે કરાંચી જઈ આવીએ ને ત્યાં સુધી અહીં જાદવજીની દવા પણ થાય.’’ ત્યારે સ્વામીએ હા પાડી ને કહ્યું જે, ‘‘બેત્રણ દિવસ પછી જઈએ તો ઠીક.’’ ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘‘ત્યાં સુધી હું જેતલપુર ઠાકોરજીનાં દર્શન કરી આવું.’’ -એમ કહી પોતે એક દિવસ જેતલપુર ને અસલાલીમાં દર્શન કરી આવ્યા ને ફરતા ગામડાના હરિભક્તો તાણ કરતા હતા, તેથી રાયપુર, સરસપુર વગેરે સ્થળે જઈને સહુને દર્શન દઈ રાજી કરતા, સાંજ-સવાર મંદિરમાં દર્શન કરવા જતા, ત્યાં સભામાં બેસતા અને ક્યારેક પોતે વાતો કરતા -એમ સર્વેને રાજી કર્યા. પછી અમદાવાદથી સંત-હરિભક્તને સાથે લઈને કરાંચી જવાનું નક્કી કર્યું.
ઇતિ વિશ્રામ ૬૫