તીર્થધામ મુળી અને મુળીપ્રદેશ શ્રીહરિવિચરણ માહાત્મ્યઃ

શ્રી મુળીધામ પુરાતન પ્રસિદ્ધ તીર્થ છે. તે ગામ અને તેની આસપાસના વિસ્તારમાં શ્રીહરિ સહજાનંદજી મહારાજ લાંબા સમય પર્યંત વિચર્યા છે. તેથી આ તીર્થધામ એક આગવું મહત્ત્વ ધરાવે છે.

ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો સદીઓ પહેલાં અલર્ક નામે એક મહાન શૂરવીર રાજાએ આ મુળી ગામમાં આવેલા પોતાના ગુરુ ભગવાન દત્તાત્રેયના આશ્રમમાં એક સુંદર દર્શનીય વાવ બંધાવી હતી, જે હાલ અલર્ક વાવ તરીકે પ્રસિદ્ધ છે. તદ્ઉપરાંત વાસુદેવ-દેવકીપુત્ર શ્રીકૃષ્ણ ભગવાન આ આશ્રમમાં છ માસ પર્યંત નિવાસ કરીને રહેલા ને ત્યાં રહીને દ્વારિકા નગરીની રચના વિચારી હતી; ત્યાર બાદ તે અનુસાર દ્વારિકાનું નિર્માણ થયું હતું.

અલર્ક વાવના વિસ્તારમાં શ્રીહરિ ઘણી વાર રહ્યા છે. એકાંતવાસ જેમને અતિ પ્રિય હતો એવા શ્રીહરિ સંવત્ 1959થી શરૂ કરીને અવારનવાર અહીં નિવાસ કરી રહેતા અને તેમને શરણે આવેલા ભક્તોને દર્શન, ઉપદેશ આપી સુખ આપતા. હાલનું મુળી મંદિર આ ઐતિહાસિક અલર્ક વાવની બરાબર સામે જ આવેલું છે. અલર્ક વાવ ઉપર વચ્ચે ઊભા રહીએ તો મંદિરસ્થ શ્રી રાધાકૃષ્ણ-હરિકૃષ્ણ મહારાજનાં દર્શન થાય છે. એ પરથી સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીની અદભુત સ્થાપત્યદૃષ્ટિનો ખ્યાલ આવે છે. ત્યાં ગંગાજળિયો કૂવો છે. તે કૂવા પાસે શ્રીહરિએ મુળીના દરબાર રામાભાઈ આદિ ભક્તોને ઘણા ચમત્કારો બતાવ્યા હતા.

આ મુળી ધામમાં માર્તંડરાય (માંડવરાય)નું મંદિર આવેલું છે. એક પ્રસંગે શ્રીહરિએ આ ક્ષત્રિયોના કુળદેવ માર્તંડરાયરૂપે દિવ્ય દર્શન આપી રાજા રામાભાઈને સમાધિ સ્થિતિમાં એક અવનવું, ભવ્ય, રમણીય મંદિર બતાવ્યું. સમાધિમાં જાગૃત થયા બાદ આનંદવિભોર થઈ રાજાએ શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી પોતાના ગામમાં અખંડ નિવાસ કરી રહેવા પ્રાર્થના કરી. તેના પ્રત્યુત્તરરૂપે શ્રીહરિએ તેમને જણાવ્યું કે તેમને સમાધિમાં દેખાયું તેવું જ ભવ્ય મંદિર પોતે પોતાના પ્રિય શિષ્ય સ્વામી બ્રહ્માનંદ પાસે નિર્માણ કરાવશે અને તેમાં અન્ય મૂર્તિસ્વરૂપો સાથે પોતાના સ્વરૂપની પણ સ્થાપના કરાવી તેમનો શુભ સંકલ્પ પૂર્ણ કરશે. તદ્ઉપરાંત પોતાના કુળદેવ માર્તંડરાયના દિવ્ય દર્શનની ઇચ્છા ધરાવતા એવા રાજકુટુંબના અન્ય જનોને પણ શ્રીહરિએ તેમના કુળદેવનું દિવ્ય દર્શન સમાધિ દ્વારા કરાવેલું. શ્રીહરિના આ અલૌકિક પ્રતાપથી પ્રભાવિત થયેલા એવા એ સર્વેને શ્રીહરિને વિષે સર્વાવતારી ભગવાનની નિષ્ઠા થઈ ગઈ.

એક વાર સંવત 1879ના માગશર માસમાં ગામ લોયામાં શ્રીહરિએ એક અનોખો શાકોત્સવ કર્યો હતો. તે સમયે એક મૂર્તિકાર-શિલ્પી તૈયાર મૂર્તિઓ લઈને શ્રીહરિની ઇચ્છાથી ત્યાં આવ્યો. તે સ્વરૂપો શ્રીહરિએ રાખી લીધાં. આ સ્વરૂપો ક્યાં પધરાવવાં એવો વિચાર ચાલતો હતો તે દરમ્યાન શ્રીહરિએ તે મૂર્તિઓ પૈકી એક અતિ સુંદર એવી શ્રી રાધાકૃષ્ણની મૂર્તિઓનું સપ્રેમ પૂજન કરી તેમને ભેટ્યા, આરતી ઉતારી. એ વખતે આ મૂર્તિઓ પણ પ્રતિમાભાવ છોડી શ્રીજીમહારાજને આલિંગન આપી ભેટી પડી. આ અદભુત ચમત્કાર જોઈ સૌ દિગ્મૂઢ બની ગયા. મુળીના રાજા રામાભાઈએ જમીનનો લેખ મંદિર માટે યાવચ્ચંદ્રદિવાકરૌ કરી આપ્યો અને પ્રાર્થના કરી કે આ સ્વરૂપો મુળીમાં પધરાવવા કૃપા કરો.

આ પ્રસંગ બાદ એક મહિના જેટલા સમયમાં જ આ પ્રસાદીરૂપ મૂર્તિઓની પ્રતિષ્ઠા, કામચલાઉ બેઠક જે બ્રહ્માનંદ સ્વામીએ તૈયાર કરાવી રાખી હતી તેના પર શ્રીહરિએ સ્વહસ્તે કરી, આરતી ઉતારી. સંવત 1879ના મહા સુદી પંચમી (વસંત પંચમી)ના પવિત્ર દિવસે આ પ્રતિષ્ઠાવિધિ થયો. આ જ મૂર્તિઓ રાજા રામાભાઈએ સમાધિમાં નિહાળેલ મંદિર પ્રમાણે જ તૈયાર થયેલા નવનિર્મિત મંદિરમાં સંવત 1888માં અ. મુ. સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા અ. મુ. સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીએ પધરાવી પ્રતિષ્ઠાવિધિ કરાવ્યો. એ સમયે દિવ્ય પ્રકાશપૂંજ પ્રગટ થયો ને સૌના આશ્ચર્ય વચ્ચે એ પ્રકાશ શ્રીહરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં વિલીન થઈ ગયો. સર્વત્ર સૌના હૃદયે આનંદ આનંદ છવાઈ રહ્યો.

શ્રી મુળીધામનું હાલ જે મંદિર છે તેનું બાંધકામ ચાલતું હતું ત્યારે શ્રીહરિએ બ્રહ્મમુનિને અનેક વાર દર્શન આપી સહાય કરેલી. પથ્થરની ખાણ તથા પાણીની વાવ એકાએક મળી આવી એ શ્રીહરિએ દર્શન આપીને બતાવેલી. મંદિરના પાયાના નકશામાં જરૂરી મૂળભૂત ફેરફારો પણ શ્રીહરિએ જ બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપી સૂચવેલા. આમ શ્રીહરિએ આ મંદિર સ્વયં પોતે જ નિર્માણ કર્યું હોય એવા પડઘાઓ આજે પણ જોનારને પડ્યા વિના રહેતા નથી.

વળી મંદિરના મુખ્ય દરવાજે પધરાવેલ શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજીની વિશાળકાય મૂર્તિઓ દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચે છે. આ મૂર્તિઓ બનાવવા માટે એ સમયનાં ટાંચા સાધનો હોવા છતાં શ્રીહરિના પ્રતાપથી આ બંને દેવોની ચમત્કારી મૂર્તિઓ તૈયાર થઈ ગઈ; પણ હવે પ્રશ્ન એ થયો કે આવડી વિશાળ ભારેખમ મૂર્તિઓ રેંકડામાં ચડાવવી શી રીતે? મહામહેનત કરવા છતાં તેમ કરવામાં નિષ્ફળતા મળતાં અસહાય બનેલા બ્રહ્મમુનિએ શ્રીહરિને સંભારી પ્રાર્થના કરી કે તરત જ ભારે પથ્થરો હળવા બની ગયા. મૂર્તિઓ સરળતાથી રેંકડામાં ચડી ગઈ ને મંદિરમાં યોગ્ય સ્થાને પ્રસ્થાપિત પણ થઈ ગઈ. આ ઐતિહાસિક સત્ય ઘટના કાંઈ જેવી તેવી ન ગણાય.

શ્રી મુળીધામમાં અવારનવાર પધારતા શ્રીહરિએ ઝાલાવાડ પ્રદેશની ભૂમિને પોતાના મોક્ષદાયી દર્શન આપી પદાંકિત કરી છે. મૂળીને કેન્દ્રસ્થાન બનાવી ગામેગામ વસતા પોતાના પ્રેમી આશ્રિતજનોને તેમનાં આમંત્રણો હેતપૂર્વક સ્વીકારી દર્શન-દાન દીધાં હતાં. તેમાં નીચે જણાવેલાં સ્થાનો મુખ્ય છે.

(1) હળવદ

(2) ધ્રાંગધ્રા

(3) શિયાણી

(4) મેથાણ

(5) દેવળિયા

(6) તાવી

(7) વઢવાણ

(8) લીંબડી

(9) ભદ્રેશી

(10) વણા

(11) ભલગામડા

(12) કંથારિયા ઇત્યાદિ

આ ગામોમાં કોઈ જગ્યાએ શ્રીહરિએ રાજકુટુંબોમાં પોતાના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા થાય એવાં અલૌકિક ચરિત્રો બતાવેલાં તથા ધર્મ, જ્ઞાન, ભક્તિ તથા મહિમા સંબંધી વાર્તા કરી હતી; કોઈ જગ્યાએ પોતાના આશ્રિતોની પ્રેમભક્તિને વશ થઈ તેમની વિવિધ પ્રકારની સેવા અંગીકાર કરી રાજીપો જણાવ્યો હતો. કોઈ ગામમાં ત્યાગાશ્રમને ઇચ્છતા એવા ગૃહસ્થ પુરુષો અને સ્ત્રીઓને સાંખ્યધર્મની દીક્ષા આપી હતી. વળી કોઈ ગામમાં વિદ્વાન જનોને પોતાના સ્વરૂપમાં દિવ્ય દર્શન કરાવી પોતાના સર્વોપરી સ્વરૂપની પ્રતીતિ કરાવી હતી. કોઈક ગામોમાં અનાવૃષ્ટિનાં વર્ષોમાં પોતાના આશ્રિતોની તેમજ અન્ય નિઃસહાય જનોની વિવિધ રીતે રક્ષા કરી હતી.

આમ શ્રીહરિએ સૌને સંસારમાંથી ભગવત્સ્વરૂપ પ્રતિ દૃષ્ટિ વળાવી, મોક્ષમાર્ગ દર્શાવતો સત્સંગ કરાવ્યો હતો. મોટા ભાગે શ્રીહરિએ પદયાત્રા કરીને અને સામે ચાલીને પોતાના ભક્તજનોને દર્શન આપ્યાં હતાં. આમ સમગ્ર ઝાલાવાડની ભૂમિ શ્રીહરિનાં પાવનકારી ચરણોથી અંકિત થયેલી છે. તેમાંય મુળીધામની રજેરજ શ્રીહરિના પાદસ્પર્શથી પ્રસાદીરૂપ બની છે, તેની સૌરભ હજી પણ મહેંકી રહી છે. આ તીર્થસ્થાનનો પ્રત્યક્ષ પ્રભુ સાથેનો સંબંધ એવો ગાઢ છે કે એ દિવ્યતાનો અનુભવ અદ્યાપિપર્યંત હરકોઈ યાત્રાળુને થાય છે અને મોક્ષાર્થીની યાત્રા સાર્થક અને સુખરૂપ બની રહે છે.

શ્રી મુળી પ્રદેશમાં શ્રીહરિનું વિચરણ કેટલું રમ્ય અને આકર્ષક હતું તેની કથા જીવને શ્રીજીના દિવ્ય સ્વરૂપમાં ખેંચી જાય છે. તેનો તાદૃશ્ય અનુભવ મુમુક્ષુ વર્ગને હવે પછી શરૂ થતી અ. મુ. સ. ગુ. શ્રી તદ્રૂપાનંદ સ્વામીની વાતોના વાચન દ્વારા થયા વિના રહેશે નહિ. એ જ આ વાતોની વિશિષ્ટતા છે.

હવે તીર્થધામ મુળીમાં આવેલી દર્શનીય શ્રીજીની પ્રસાદી-સ્મૃતિઓ પ્રતિ દૃષ્ટ કરી લઈએ:

(1) મંદિરમાં પ્રતિષ્ઠા કરેલ શ્રી રાધાકૃષ્ણદેવ, હરિકૃષ્ણ મહારાજ આદિ દિવ્ય સ્વરૂપો.

(2) સભામંડપમાં પધરાવેલ પ્રસાદીના કાષ્ટમાંથી અંકિત કરેલ ચિત્તાકર્ષક શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ; તેની એક બાજુએ મૂકેલા બે બાજોઠ.

(3) બ્રહ્મચારી-નિવાસમાં આવેલ રંગમહોલ.

(4) મંદિરના વિશાળ ચોકમાં આવેલી આરસની છત્રી, જ્યાં શ્રીહરિએ રાજા રામાભાઈને સમાધિ કરાવી પોતાના સર્વોપરી સ્વરૂપનું દિવ્ય દર્શન કરાવ્યું હતું.

(5) શિયાણીનું ગાડું અને બ્રહ્માનંદ સ્વામીની ખાટ.

(6) શ્રીજીના હજૂરી પાર્ષદ શ્રી ભગુજીનાં પ્રસાદી હથિયારો જેવા કે તલવાર, ઢાલ, કવચ વગેરે.

(7) ગંગાજળિયો કૂવો ને પુરુષોત્તમ બાગનો લીમડો.

(8) ભોગવતી નદી, નદીમાં આવેલું ધોળું ખડકું, રેતિયો કૂવો, અલર્કવાવ, ગોરબાઈની વાવ, જ્ઞાનવાવ, જ્ઞાનવાવની ખાણય

(9) જૂનો દરબારગઢ, પોતાભાઈનો દરબારગઢ, ઘેલા જોષીનું ઘર, દાજીભાઈનું ઘર, ચારણાપાનો ચોરો.

(10) માલાકાનું તળાવ, ભેડાહરનું તળાવ, લાલાહરના હનુમાનજી.

(11) શ્રીહરિની માણકી ઘોડીની વછેરીની વંશપરંપરા.