વિશ્રામ ૪૯

શ્રીજીમહારાજ સંવત ૧૮૮૨માં કંથારિયા પધાર્યા હતા. મહારાજશ્રીએ સુંદરિયાણાનો સમૈયો કર્યો તે વખતે મહારાજને તેડવા સારુ રાણા મૂળુભાઈ તથા જાલમસિંહજી ત્યાં ગયા હતા. રસ્તામાં મૂળુભાઈ કહે જે, "મને મહારાજનો પોતાનો જમેલો થાળ મળે તો ભગવાન જાણું." ત્યારે જાલમસિંહજીએ કહ્યું જે, "મને મહારાજ બોલાવે અને ગુલાબનું ફૂલ આપે તો ભગવાન જાણું." એમ સંકલ્પ કરી મોટી સભા ભરાઈને બેઠી હતી. તેના છેડા પર દૂર બંને ઊભા રહ્યા.

મહારાજે બંનેને તરત પાસે આવવાની આજ્ઞા આપી અને પાસે બેસાડ્યા. પોતાના હારમાંથી ગુલાબનું ફૂલ કાઢી જાલમસિંહજીને આપી પોતાના આશ્રિત કર્યા. કાઠીને ત્યાં બંનેને ઉતારો આપ્યો. મૂળુભાઈ જમ્યા વિના બેઠા હતા. તેમને કાઠી દરબારે કહ્યું: "આ વખતે ઘણા મનુષ્યમાં તમારો ભાવ પૂછશે નહિ; માટે અહીં જમી લ્યો."

મૂળુભાઈ કહે: "મેં સંકલ્પ કર્યો છે જે સ્વામિનારાયણ ભગવાન હશે તો પોતાનો થાળ મને મોકલશે."

આમ વાતચીત કરે છે તેવામાં બે પાર્ષદોને મહારાજે મોકલ્યા તે ઉતારો પૂછી ત્યાં આવ્યા અને થાળ આપ્યો. તે કાઠીના ઘરનાં સહિત મૂળુભાઈ તથા જાલમસિંહજી જમ્યા અને શ્રીજીના અનન્ય આશ્રિત થયા. પછી કંથારિયે મહારાજને પધારવાની વિનંતી કરી.

મહારાજે કહ્યું: "તમે જાઓ, અમો આવશું."

મહારાજ વાગડમાં રાત્રિ રહી કંથારિયે પધાર્યા. મુક્તાનંદ સ્વામી જે સગરામમાં બેઠા હતા તે મહારાજ હાંકતા હતા. સર્વે પરમહંસ તથા પાર્ષદ વગેરે મંડળ સહિત મહારાજ સવારમાં કંથારિયે પધાર્યા.

સર્વે દરબારો તથા વિપ્ર કાશીરામ આદિ સત્સંગીઓ સામૈયું લઈ ગામની ભાગોળે આવ્યા. મહારાજે કહ્યું: "અમે રોકાશું નહિ." વરસાજીના પુત્ર રઘાભાઈએ હાલ જ્યાં ગામમાં દહેરી છે ત્યાં બળદની નાથ પકડી રાખી અને જસાભાઈ આડા સૂઈ ગયા અને કહ્યું: "મહારાજ! મારા ઉપરથી હાંકી જાઓ." પછી મહારાજે રાજી થઈ આવવાની હા કહી. પરમહંસ વગેરેને રજા આપી અને પોતે એકલા ગામમાં પધાર્યા. વાજતે-ગાજતે મહારાજે ઉગમણે ઝાંપેથી પ્રવેશ કર્યો. પ્રથમ કહેલી જે રાજગઢની ડેલી તેમાં ઉતારો આપ્યો.

મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને જસાભાઈને ઢોલિયા ઉપર પોતાની પાસે બેસવાનું કહ્યું. પણ જસાભાઈ મહારાજ પાસે બેસી શક્યા નહિ અને કહ્યું: "મહારાજ! તમારા તેજને લીધે મારાથી ત્યાં બેસી શકાતું નથી." પછી જસાભાઈ મહારાજને કહે : "મહારાજ! પ્રેમાનંદ સ્વામી કીર્તન બહુ સારાં ગાય છે તે સાંભળવાની અમને સર્વને ઇચ્છા છે તો કૃપા કરી સંભળાવો." એવી ગરાસિયાઓની યુક્તિ સાધુઓને તેડાવવાની જોઈ મહારાજ બહુ રાજી થયા. વાસુદેવાનંદ બ્રહ્મચારીને પરમહંસોને તેડી લાવવાની આજ્ઞા આપી. બ્રહ્મચારીએ દેહરી પર ચઢી વાવટો ઊંચો કરી સર્વ પરમહંસને બોલાવ્યા.

પરમહંસે કીર્તન ગાઈ સર્વને રાજી કર્યા. મહારાજે જવાની તૈયારી કરી એટલે દરબારોએ વિનંતી કરી કહ્યું: "મહારાજ! જમવાની વેળા થઈ છે. માટે જમ્યા વિના જવા દઈશું નહિ. તો આપ કૃપા કરી જમીને પધારો તો સારું."

મહારાજ કહે: "બહુ સારું, દરબાર! રસોઈ કરાવો." કાનજી શાહે આગળથી જ બધી રસોઈની તૈયારી કરી રાખી હતી. એટલે મહારાજ હાલ સ્ત્રીઓનું મંદિર છે ત્યાં નાહ્યા અને ધોવાનું વસ્ત્ર કાનજી શાહને આપ્યું. પ્રથમ તે મંદિર પુરુષોનું હતું અને હાલ પુરુષો માટે નવું મંદિર છે તે મોટું કરેલ છે.

મહારાજ માટે થાળ કર્યો. મહારાજ કાનજી શાહના ઘેર પટારા ઉપર બેસી થાળ જમ્યા. તે પટારો હાલ અમદાવાદના મંદિરમાં છે. મહારાજ જમ્યા પછી પ્રસાદી કાનજી શાહ તથા દરબારોને આપી રાજી કર્યા. પરમહંસની પંક્તિ થઈ. સંતોએ હાથમાં લાડુનું વાસણ ઝાલી રાખ્યું અને મહારાજ લાડુ પીરસતા હતા. મહારાજે વારંવાર પંક્તિમાં લાડુ પીરસી, સર્વને જમાડી તૃપ્ત કરી કાનજી શાહને અને દરબારોને આનંદ પમાડ્યા.

મહારાજની ગામમાં ઘેર ઘેર પધરામણી કરાવી સર્વેએ ઘણો લ્હાવો લીધો. શ્રીજીમહારાજ સર્વને આનંદ ઉપજાવતા થકા તે દિવસે લીંબડી પધાર્યા. વચમાં વાંસળ નદીમાં સ્નાન કરી નદીનો મહિમા શ્રીજીમહારાજે કહ્યો. આમ બીજી વખત, પ્રથમ કરતાં અધિક લીલા કરી ગામ પ્રસાદીનું કર્યું. હરિભક્તોને મનગમતાં સુખ આપતા હતા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે ઓગણપચાસમો વિશ્રામ.