વિશ્રામ ૩૮
શ્રીજીમહારાજ લીંબડીથી ભલગામડે આવ્યા. તે રાણા બાપુભાઈ તથા ભોજાભાઈ, તેમના દીકરા જેસીભાઈ, બીજા સરદારસિંહજી તથા જાલમસિંહજી એ સર્વે શ્રીજીમહારાજને આવતા સાંભળી સામા ગયા. મહારાજને પોતાને ઘેર પધરાવ્યા ને થાળ કરી જમાડ્યા. સાધુને રસોઈ કરાવી જમાડ્યા.
સાંજને સમે તળાવની પાળે હાલમાં જે ઠેકાણે ઓટો છે તે જગ્યાએ મોટો પીપળો છે તેની નીચે સભા ભરાઈને બેઠી હતી. લીંબડીના હરિભક્ત પણ આવ્યા હતા. તેમણે મહારાજને પ્રાર્થના કરી કહ્યું: "અમારી રસોઈ લઈને ચાલો, પણ રસોઈ લીધા વગર નહિ જવાય." એમ કહી લીંબડીના હરિભક્ત નારણ સોની, કલ્યાણજી સોની, હીરા સોની, રણછોડ સોની, દલાભાઈ આદિ તથા શિવાભાઈ શુકલ, જગજીવન પાઠક, જગજીવન શ્રીમાળી, બેચર શ્રીમાળી, મુલજી શ્રીમાળી, લાધા શ્રીમાળી, નરભેરામ આચાર્ય, ગાંધી ડાહ્યાભાઈ અને બાઈઓમાં હરિબા, ગંગાબા, જમનાબા, પાર્વતીબા, રાધાબા આદિ સરસામાન લઈ ભલગામડે આવ્યાં. મહારાજને પ્રાર્થના કરી રાખ્યા ને મોતૈયા લાડુની રસોઈ કરાવી સૌ સાધુ, પાર્ષદ તથા હરિભક્તને જમાડ્યા.
સાંજને વખતે તળાવ પર સભા થઈ, તે સમે તળાવ પર લીંબડીના હરિભક્ત આવ્યા અને પૂજાનો સામાન લાવ્યા. શિવરામ ભટ્ટે આવી મહારાજની પૂજા કરી. અત્તર, ચંદન, પુષ્પના તોરા, ગજરા, શેલું, પાઘડી, રેંટો તથા નગરની પછેડી લાવી શ્રીહરિને અર્પણ કર્યાં અને રોકડા રૂપિયા ભેટ ધર્યા.
પછી સભામાં નારાયણ સોનીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે, "ભગવાનનું ધ્યાન કેમ કરવું?"
ત્યારે મુક્તાનંદ સ્વામીએ વાત તો ઘણી કરી તો પણ મહારાજને પૂછ્યું જે, "ધ્યાન કેમ કરવું?"
ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, "રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેમનું ધ્યાન કરવું. મૂર્તિ ધ્યાનમાં દેખવામાં ન આવે તો પણ ધ્યાન કરવું અને શ્રીકૃષ્ણ ભગવાનના કારણ એવા જે આ પુરુષોત્તમ ભગવાન તેમનું ધ્યાન મુક્તે યુક્ત કરવું. એવી રીતે ધ્યાનના આગ્રહવાળા છે તેના ઉપર ભગવાન રાજી થાય છે. ને એની ભક્તિએ કરી ભગવાન વશ થાય છે."
એમ ઘણીક વાર્તા કરી. સંધ્યા આરતી કરી મહારાજ દરબારમાં પોઢવા જતા હવા. સંતો માટે તળાવની પાળે સૌ હરિભક્ત બિછાનાં લાવતા હતા. તેઓ સર્વ ત્યાં પોઢ્યા.
સવાર થતાં મહારાજ તથા પાર્ષદ ઘાઘરેટિયે ગયા. મહારાજ કૂવા પરથી બહિર્ભૂમિ ગયા હતા. તે સમે હળવદના શુકલ મકનજી આદિ આવતા હવા. તેમણે દર્શન કર્યાં અને બહુ રાજી થયા. તેમને કહ્યું જે તમે કાઠિયાવાડમાં જાઓ. પછી શ્રીજીમહારાજ સિયાણી જતા હતા.
ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે આડત્રીસમો વિશ્રામ.