વિશ્રામ ૯

એક વખત મહારાજ રાજકોટ, મઈકા, થાન થઈ ચોરવીરા ગામમાં સુતારને ઘરે રાત રહી ઉમરડે થઈ ભેડાસર તળાવમાં સ્નાન કરી ગંગવે પધાર્યા. ત્યાંથી ગઢાદ થઈ ઘાઘડિયાને ધરે નાહીને મુળીએ પધાર્યા. રામનાથની દેરીએ શ્રીહરિ બેઠા હતા. તે વખતે પરમાર માલજી તથા માયારામ, જેસીભાઈ, તેજાભાઈ, દેવાજી, કસળાજી, અલુભાઈ, નથુભાઈ, જસાભાઈ, ભારાજી, કલાભાઈ, કેશાભાઈ, અભેસિંહજી, જીઆજી, દેશળજી, આતાભાઈ, મેઘજીભાઈ, પાતાભાઈ, ભાવાભાઈ આદિ ગરાસિયા આવીને મહારાજ પાસે બેઠા હતા.

શ્રીહરિએ વાર્તા કરવા માંડી: જે આ લોકમાં જે માણસ, ચોરી, છીનાળી, દારૂ, માટીનો ત્યાગ કરે તેનો ભગવાનના ધામમાં નિવાસ થાય છે. એવી રીતે ઘણી વાતો કરી.

તે સાંભળી ગરાસિયાઓએ નિયમ ધાર્યા. પછી ગરાસિયા બોલ્યા: "આ માલજી હિંસા કરે છે, તેને નિયમ લેવડાવો તો ઠીક."

પછી મહારાજે ઘણી વાત કરી કહ્યું જે, "યમપુરીમાં જમના માર ખાવા પડે અને ચૌદ લાખ ચોરાસી હજાર નર્કનાં કુંડમાં પડવું પડે." એમ કહ્યું.

ત્યારે માલજી કહે: "એ બધું ખોટું છે અને લોકોને બિવડાવવા માટે છે. જમને ભાળે છે જ કોણ?"

એટલામાં દસ જમ આવ્યા. તેઓ માલજીને ઝાલીને યમપુરીમાં લઈ ગયા. ત્યારે તેણે રાડેરાડો પાડવા માંડી અને કહ્યું: "મેં કાળિયાર મૃગો માર્યાં હતાં, તે મૃગો મને શીંગડાં મારે છે." તેમ કહી બોકાહે બોકાહાં નાખવા માંડ્યો અને કહે "હવે મને કોણ મુકાવે?" એમ કહી બોલ્યો જે "હે સ્વામિનારાયણ! હે સ્વામિનારાયણ!" એવી જ્યારે પ્રાર્થના કરવા માંડી ત્યારે શ્રીજીમહારાજે દર્શન આપ્યા અને માલજીને મુકાવ્યો.

માલજી શ્રીજીનાં ચરણમાં પડ્યો અને તરત જ હોકો, અફીણની ડાબલી ફેંકી દીધાં અને મહારાજના ભક્ત થયા. તે દિવસે તેમણે પોતાનાં માતુશ્રી વડુબાને કહ્યું જે, "આ મહારાજ બહુ મોટા છે, માટે રસોઈ કરી જમાડો." પછી તેમનાં માતુશ્રીએ વિપ્ર દયારામ પાસે રસોઈ કરાવી શ્રીહરિને જમાડ્યા.

ત્યાંથી નદીને કિનારે પોતાનો મુકામ હતો ત્યાં રાત રહી શ્રીહરિ સવારમાં મેથાણ જવા માટે દિગસર પધાર્યા. ત્યાં વિપ્રને ઘેર જમી ચાલ્યા તે મેથાણ પધાર્યા.

ઇતિ શ્રી તદ્રૂપાનંદ મુનિ બ્રહ્મચારી કરુણાનંદ સંવાદે નવમો વિશ્રામ.