વિશ્રામ ૧૦૬
એક સમે પૂર્ણાનંદ સ્વામીને દેહ મૂકવાનો સમય થયો, તેથી બ્રહ્મચારી દિલગીર થયા અને કહ્યું જે, "સ્વામી! તમે તો ધામમાં ચાલ્યા તો મારા શા હાલ થશે? અને મારી પ્રકૃતિ આકરી છે." એમ લક્ષ્મીનારાયણાનંદ બ્રહ્મચારીએ સ્વામીને કહ્યું.
મહારાજે તેમને કહ્યું જે, "એને દેહને વિષે આસક્તિ છે. ઉધરસ અને તાવ આવે છે, તેથી આજથી આઠમે મહિને તેડી જઈશું." એમ કહ્યું એટલે બ્રહ્મચારી રાજી થયા.
માળા, ભજન, ભગવાનની ભક્તિ અને મૂર્તિ તેઓએ ધારવા માંડી, શરીરમાં ઉધરસ અને તાવ આવવા લાગ્યો. ગળફા છૂટવા માંડ્યા અને આ દેહ તો ભૂંડો છે, એવો દેહનો અભાવ આવ્યો. આઠ મહિનામાં આઠ દિવસ બાકી રહ્યા ત્યારે મહારાજે દર્શન આપ્યાં અને કહ્યું જે, "આઠ દિવસ પછી દેહ મુકાવી ધામમાં તેડી જશું." તે સમયે બ્રહ્મચારી નિષ્કામાનંદજી અમદાવાદ હતા. તેમને તેડાવ્યા અને કહ્યું જે, "હવે દેહનો ત્યાગ કરી ભગવાનના ધામમાં જાઉં છું."
ત્યારે બ્રહ્મચારી કરુણાનંદ કહે: "ધામમાં જવું છે તે શું આપણા હાથમાં છે?"
પૂર્ણાનંદ સ્વામી બોલ્યા જે, "હવે તો હાથમાં છે, કેમ જે મહારાજે આવી કહ્યું છે કે: "કાલે રાત્રે બાર વાગ્યે દેહ મેલાવવો છે." માટે જવ, તલ, ગાયનું છાણ, દર્ભની સળી તથા નારાયણ સરોવરનું જળ તૈયાર કરજો."
બીજો દિવસ થયો, નવરાવ્યા અને પૂછ્યું જે, "કાંઈ જમશો?"
ત્યારે કહે: "હવે નથી જમવું."
નિષ્કામાનંદ બ્રહ્મચારી કહે: "એમ લાંઘણ કરી દેહ ન મુકાય એ તો ખાધા વગર ન ચાલે. દેહ તો પડવાનો હશે ત્યારે પડશે."
ત્યારે સ્વામી કહે: "તમારે જમાડવાની તાણ બહુ હોય તો લાવો શેરેશેર ઘીનો શીરો ખાઈશ."
પછી શીરો કરીને ખવડાવ્યો તે સમે કહ્યું જે, "આજે દેહ જરૂર મેલવો છે. તે ખબરદાર રહેજો, મને શ્વાસ નહિ થાય!" એમ વાત કરીનેે પૂછ્યું: "કેટલા વાગ્યા?"
ત્યારે કહ્યું: "અગિયાર વાગ્યા."
તે સમે સ. ગુ. શ્રી નિલકંઠ બ્રહ્મચારી તથા સ. ગુ. શ્રી નિર્ગુણાનંદ બ્રહ્મચારી જેણે ખટરસનાં વર્તમાન પાળ્યાં છે અને કોઈ દિવસ અનાજમાં મીઠું પણ ખાતા નહિ તેઓ આવ્યા. તેમને સ્વામી કહે: "હું ધામમાં જાઉં છું." એમ કહે છે એટલામાં બાર વાગ્યા તે દેહ મૂકીને અક્ષરધામમાં ગયા.
ઇતિ શ્રી બ્રહ્મચારી કરુણાનંદ કથિત એકસો છમો વિશ્રામ.